Friday, June 9, 2017

ત્રણ વર્ષમાં 440% વધેલો શેર હજુ વધશે

એક વર્ષમાં 290 ટકા જેટલો વધવા છતાં ફિલિપ્સ કાર્બન બ્લેકના શેરની તેજી હજુ અટકે એવું લાગતું નથી. રબર અને સ્પેશિયાલિટી બ્લેક એપ્લિકેશન્સ માટે હાઈ-પર્ફોર્મન્સ હાઈ-માર્જિન ગ્રેડ ધરાવતા પ્રોડક્ટનો પોર્ટફોલિયો વિસ્તારીને વેલ્યૂ ચેઇનમાં ધીમે ધીમે આગળ વધવા માંગતી આ કંપનીએ વેચાણમાં તો હજુ સુધી તંદુરસ્ત વૃદ્ધિ હાંસલ કરી નથી છતાં તેની બોટમ લાઇન દર વર્ષે સુધરી રહી છે.

વિશ્લેષકો જણાવે છે કે, 95 ટકા ક્ષમતાએ કાર્યરત સંજીવ ગોયન્કાની આ કંપનીએ તેના ચાર પ્લાન્ટ્સને નડતી સમસ્યાઓ દૂર કરવાની યોજના ઘડી છે અને રૂ.200 કરોડના મૂડીખર્ચ બાદ તેના વોલ્યુમને વેગ મળવાની શક્યતા છે. સ્પેશિયાલિટી સેગમેન્ટ માટેની યોજનાથી માર્જિનને પણ વેગ મળશે.

ફિલિપ્સ કાર્બનનો શેર એક વર્ષમાં 290 ટકા અને છેલ્લાં ત્રણ વર્ષમાં 440 ટકા વધ્યો છે. વર્તમાન રૂ.456.80ના ભાવે તેનો શેર છેલ્લા 12 મહિનાની EPSના 21 ગણાએ ટ્રેડ થઈ રહ્યો છે.

એન્ટિ-ડમ્પિંગ ડ્યૂટીને કારણે ભારતમાં કાર્બન બ્લેકની આયાત ઘટવાથી તેના શેરને ફાયદો મળ્યો છે. ઉપરાંત, કોલ-ટારના ઊંચા ભાવને કારણે ચીનનું પ્રભુત્વ ઘટ્યું છે તેમજ ક્રૂડના ભાવ તૂટવાથી કંપનીનો ઈનપુટ ખર્ચ પણ નીચો ગયો છે, જેથી બોટમલાઇન સુધરી છે.

રબર કમ્પાઉન્ડ્સમાં ફિલર તરીકે કાર્બન બ્લેકનો ઉપયોગ થાય છે અને ટાયર ઉત્પાદકોના કાચા માલના ખર્ચમાં કાર્બન બ્લેકનો હિસ્સો 20 ટકા જેટલો હોય છે. કંપની હવે પેઇન્ટ્સ, પ્લાસ્ટિક્સ, ઇન્ક્સ & કોટિંગ્સ, ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ અને ટોનર્સ જેવા ઉદ્યોગોમાં સ્પેશિયાલિટી બ્લેકના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

આનંદ રાઠી ફાઇનાન્શિયલ સર્વિસિસ જણાવે છે કે, ઊંચું માર્જિન ધરાવતા સ્પેશિયાલિટી બ્લેકનો સમાવેશ થવાથી કંપનીને માર્જિન વધારવામાં મદદ મળશે. નોર્મલ-ગ્રેડ કાર્બન બ્લેકની સરખામણીએ સ્પેશિયાલિટી બ્લેકને વધારે ભાવ મળે છે, જેથી માર્જિન પણ ઊંચકાશે.

કંપનીના કુલ વોલ્યુમમાં આ સેગમેન્ટનો હિસ્સો અત્યારે બે ટકા છે જ્યારે ગ્રોસ માર્જિનમાં તેનો હિસ્સો 9 ટકા છે. કંપનીની વિસ્તરણ યોજનાથી તેને 2018-19 સુધીમાં 11 ટકાના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ કરવામાં મદદ મળશે. બ્રોકરેજે તેનો ટાર્ગેટ ભાવ અગાઉના રૂ.508થી વધારીને રૂ.547 કર્યો છે.

રિલાયન્સ મ્યુ. ફંડનો IPO આવશે: રૂ.20,000 કરોડના મૂલ્યનો અંદાજ

મુંબઈ:અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ (ADAG) રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડનો IPO લાવે તેવી શક્યતા છે. જેમાં એસેટ મેનેજમેન્ટ કંપની (AMC)ને રૂ.20,000 કરોડનું મૂલ્ય મળવાનો અંદાજ છે. આમ તો UTI મ્યુ ફંડ લાંબા સમયથી IPOની યોજના ધરાવે છે, પણ રિલાયન્સ મ્યુ ફંડ ટૂંકા ગાળામાં પબ્લિક ઇશ્યૂ લાવશે તો ભારતમાં કોઈ AMCનો આ પહેલો IPO હશે.

રિલાયન્સ નિપોન લાઇફ એસેટ મેનેજમેન્ટ (RNAM)ના બોર્ડે બુધવારે AMCના લિસ્ટિંગની દરખાસ્તને મંજૂરી આપી હતી. કંપની ટૂંક સમયમાં IPO માટે મર્ચન્ટ બેન્કર્સ, ઓડિટર્સની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરશે. ભારતના મ્યુ ફંડ ઉદ્યોગની કુલ 42 AMCsમાં રિલાયન્સ મ્યુ ફંડ ત્રીજા ક્રમે છે. કંપની મ્યુ ફંડના રૂ.2.11 લાખ કરોડ સહિત કુલ રૂ.3.6 લાખ કરોડની સંચાલન હેઠળની એસેટ્સ (AUM) ધરાવે છે.

સામાન્ય રીતે એસેટ મેનેજમેન્ટ કંપનીઓને AUMના 5 ટકા જેટલું મૂલ્ય આપવામાં આવે છે. આ ગણતરીના આધારે રિલાયન્સ મ્યુ ફંડનું મૂલ્ય લગભગ રૂ.20,000 કરોડ થાય અને વિશ્લેષકોના જણાવ્યા અનુસાર 10 ટકા હિસ્સાના વેચાણમાંથી કંપનીને રૂ.2,000 કરોડ મળશે.

સેબીના લિસ્ટિંગ નિયમ પ્રમાણે સ્ટોક એક્સ્ચેન્જિસ પર લિસ્ટિંગ માટે કંપનીએ ઓછામાં ઓછો 10 ટકા હિસ્સો વેચવો પડશે, જે ત્રણ વર્ષમાં વધારી 25 ટકા કરવાનો રહેશે. રિલાયન્સ નિપોન લાઇફ એસેટ મેનેજમેન્ટના સીઇઓ સંદીપ સિક્કાએ જણાવ્યું હતું કે, નાણાકીય સર્વસમાવેશિતાના ભાગરૂપે અમે મ્યુ ફંડના યુનિટધારકો માટે સંપત્તિ સર્જન કર્યું છે.

અમારું માનવું છે કે, હવે રિટેલ રોકાણકારો માટે AMCના ઇક્વિટી શેરધારક બનવાની આ ઉત્તમ તક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અર્થતંત્રમાં કોન્સોલિડેશનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે યોગ્ય સ્થિતિનો લાભ લેવા અમારે તૈયાર રહેવું પડશે. સિક્કાએ વેલ્યુએશનની માહિતી આપ્યા વગર માર્ચ સુધીમાં 10 ટકા અને સેબીના નિયમ પ્રમાણે ત્રણ વર્ષમાં 15 ટકા હિસ્સો વેચવાની યોજના જાહેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 2008માં રિલાયન્સ પાવરના IPO પછી ADAGની કંપનીનો આ પહેલો પબ્લિક ઇશ્યૂ હશે. રિલાયન્સ નિપોન લાઇફ એસેટ મેનેજમેન્ટ એ રિલાયન્સ કેપિટલની સબસિડિયરી છે. રિલાયન્સ કેપિટલ સબસિડિયરીમાં 51 ટકા હિસ્સો ધરાવે છે. લાંબા સમયથી UTI મ્યુ ફંડના IPOની વાતો પણ ચાલી રહી છે, જે તેના ચાર રોકાણકારો SBI, LIC, ‌‌BoB અને PNBને આંશિક એક્ઝિટ આપશે.

Thursday, June 8, 2017

GSTના અમલથી બજારમાં થોડા કરેક્શનની ધારણા

બજારના મોટા ભાગના નિષ્ણાતો માને છે કે જીએસટી એક એવું પરિબળ છે કે જેનાથી બજારમાં થોડું કરેક્શન આવી શકે છે. કંપનીઓનાં રિઝલ્ટ નબળાં રહ્યાં હોવા છતાં છેલ્લા એક વર્ષમાં બજારના મજબૂત દેખાવને કારણે રોકાણકારો થોડા સાવધ છે. કેટલાક રોકાણકારો નફારૂપી વેચવાલી કરી રહ્યા છે અને બજારમાં પરત આવવા માટે થોડા કરેક્શનની રાહ જોઈ રહ્યા છે.

જોકે બજારમાં મજબૂતાઈ છે અને સતત નવી ઊંચાઈએ બંધ આવી રહ્યા છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં થોડી વોલેટિલિટી છે, પરંતુ લિક્વિડિટી મજબૂત છે અને બિઝનેસ આઉટલૂક નક્કર છે.

નિષ્ણાતો માને છે કે જીએસટીના અમલથી બજારમાં કરેક્શન આવી શકે છે, કારણ કે જીએસટીના અમલની તૈયારી અને માહિતીનો અભાવ હોવાથી ઘણા બિઝનેસ (ફોર્મલ અને ઇનફોર્મલ) સાવધ અભિગમ ધરાવે છે. કેટલાક ઉદ્યોગો માને છે કે નવી કરપ્રણાલીને સમજવા અને અમલ કરવા થોડા વધુ સમયની જરૂર છે. કેટલાક ઉદ્યોગો કહે છે કે જીએસટીના રેટ્સ ઊંચા છે.

ખરી અસર નવી પ્રક્રિયા ચાલુ થયા બાદ જ જાણી શકાશે. તેનાથી સપ્લાય ચેઇનમાં થોડો અવરોધ આવી શકે છે તથા ઇન્વેન્ટરી-આવકમાં ફેરફાર અને ફુગાવા પર અસર થઈ શકે છે. તેનાથી કંપનીઓના ત્રિમાસિક રિઝલ્ટમાં વોલેટિલિટી આવી શકે છે અને FY18માં અર્નિંગમાં વધારો થવાની ધારણા છે ત્યારે ભાવિ અર્નિંગનો ટ્રેન્ડ ખોરવાઈ શકે છે.

જીએસટી સંબંધિત આ કરેક્શનની ખામી એ છે કે તેની અગાઉથી પૂરી ધારણા છે અને તેનાથી લાંબા ગાળાના આઉટલૂકમાં સુધારો થશે અને રિટેલ ઇન્ડેક્સ (સીપીઆઇ) માટે ફુગાવા વિરોધી હશે. તેથી જીએસટીના અમલથી લિસ્ટેડ કંપનીઓને મોટી અસર ન થવાની ધારણા છે.

કંપનીઓના ચોથા ક્વાર્ટરનાં રિઝલ્ટ મિશ્ર રહ્યાં છે. સેન્સેક્સ કંપનીઓની PAT વૃદ્ધિ ૫થી 7 ટકાની ધારણા સામે લગભગ સપાટ રહી છે. વ્યાપક સૂચકાંકોની કંપનીઓનાં રિઝલ્ટ વધુ સારાં છે. નિફ્ટી-50 કંપનીઓની PAT વૃદ્ધિ વાર્ષિક ધોરણે સાત ટકા અને બીએસઇ100 કંપનીઓ માટેની પીએટી વૃદ્ધિ વાર્ષિક 11 ટકા રહી છે, જે અપેક્ષા કરતાં નીચી છે. સૌથી ખરાબ દેખાવ ફાઇનાન્શિયલ્સ અને ફાર્મા ક્ષેત્રનો રહ્યો છે. આ ક્ષેત્રોની કંપનીઓનાં રિઝલ્ટ ધારણા કરતાં ઘણાં ખરાબ રહ્યાં છે.

આપણે જાણીએ છીએ કે સરકાર અને નિયમનકારોએ પ્રયાસ કર્યા હોવા છતાં બેન્કોની એનપીએ સમસ્યા ક્વાર્ટર દર ક્વાર્ટરમાં ચાલુ રહી છે. એનાલિસ્ટ્સને આશા છે કે નીચી જોગવાઈને કારણે આગામી વર્ષ બેન્કો માટે વધુ સારું રહેશે. જોકે ગયા વર્ષે પણ આવી ધારણા હતી. પીએસયુ બેન્કો અને કેટલીક ખાનગી બેન્કોના અંદાજમાં થોડો ફેરફાર થયો છે.

બેન્કિંગ ક્ષેત્ર (ખાસ કરીને સરકારી બેન્કો) માટેની એક ચિંતા એ છે કે આરબીઆઇના નવા એનપીએ માળખા હેઠળ બેન્કોએ કેટલું નુકસાન ઉઠાવવું પડશે. આ ઉપરાંત કેટલીક બેન્કોએ જાહેર કરેલી એનપીએ અને આરબીઆઇના એસેસમેન્ટ વચ્ચેના તફાવતને કારણે પણ જોખમ ઊભું થયું છે.

આરબીઆઇએ નબળી બેન્કો માટે નવા PCA (પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન) માળખું જેવા નિયમો આકરા બનાવ્યા છે. કેટલીક બેન્કોને પીસીએ હેઠળ મૂકવામાં આવી છે. તેનાથી મધ્યમ ગાળામાં તેમની બિઝનેસ વૃદ્ધિને અસર થવાની ધારણા છે, પરંતુ તે લાંબા ગાળા માટે આ ક્ષેત્ર માટે હકારાત્મક છે.

ફાર્મા ક્ષેત્રના સંદર્ભમાં તેમના બિઝનેસ આઉટલૂકમાં અનિશ્ચિતતા છે. ફાર્મા ક્ષેત્રના નબળા દેખાવ માટે સ્પર્ધામાં વધારો, ચેનલ કોન્સોલિડેશન અને અમેરિકાના બજારમાં ભાવના દબાણ અને યુએસએફડીએ દ્વારા પ્લાન્ટની તપાસ જેવાં પરિબળો જવાબદાર છે. એવી ધારણા છે કે ફાર્મા ક્ષેત્ર આગામી વર્ષે પણ સમસ્યાના દબાણ હેઠળ રહેશે.

બીજી તરફ NPPA (નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી) ઘરેલુ બજારમાં વધુ ને વધુ દવાને ભાવઅંકુશ હેઠળ લાવી રહી છે. તેનાથી કંપનીઓના પ્રોફિટ માર્જિનને અસર થઈ છે.

એનાલિસ્ટ્સના સરેરાશ અંદાજ મુજબ ભાવ અને માર્જિનમાં ધોવાણ સાથે 2017-18નું નાણાકીય વર્ષ ફાર્મા ક્ષેત્ર માટે વધુ ખરાબ પુરવાર થઈ શકે છે. જીએસટીની ચિંતા ઉપરાંત વૃદ્ધિની ઊંચી ધારણા પણ કોન્સોલિડેશન લાવી શકે છે.