બીજા ક્વાર્ટર દરમિયાન કૃષિ તેમજ ઉત્પાદન ક્ષેત્રની ઉત્કૃષ્ટ કામગીરીને પગલે દેશનો આર્થિક વૃદ્ધિ દર વધીને 8.9 ટકા નોંધાયો હતો. અગાઉના ક્વાર્ટરમાં આ દર 8.8 ટકા હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વૃદ્ધિ મંદ પડી હોવાથી નિષ્ણાતો ચાલુ નાણાકીય વર્ષમાં જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન દેશનો આર્થિક વૃદ્ધિ દર 8.1 ટકાથી 8.5 ટકા રહેવાની અપેક્ષા સેવી રહ્યા હતા. જીડીપીના અપેક્ષા કરતાં સારા આંકડાને કારણે શેરબજારમાં પણ રિકવરી જોવા મળી હતી. અગાઉના વર્ષના આજ સમયગાળા દરમિયાન આર્થિક વૃદ્ધિ દર 8.7 ટકા જ હતો. સરકાર દ્વારા આજે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર બીજા ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રે 4.4 ટકાનો વિકાસ દર નોંધાવ્યો હતો જે અગાઉના વર્ષના આજ સમયગાળાની સરખામણીમાં 0.9 ટકાનો સુધારો સુચવે છે. બીજા ક્વાર્ટરમાં માઈનિંગ ઉત્પાદનમાં 8 ટકા અને ઉર્જાના ઉત્પાદનમાં 3.4 ટકાના દરે વૃદ્ધિ થઈ હતી. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદનમાં 9.8 ટકાનો વૃદ્ધિ દર નોંધાયો હતો જે અગાઉના વર્ષના આજ સમયગાળા દરમિયાન 8.4 ટકા જ હતો. સરકાર ચાલુ વર્ષ દરમિયાન 8.5 ટકાના વૃદ્ધિ દરનો અંદાજ સેવી રહી છે પરંતુ , જો આ ટ્રેન્ડ જારી રહેશો તો સરકાર તેના અગાઉના અંદાજમાં વધારો કરે તેવી શક્યતા છે. |
No comments:
Post a Comment