હાલમાં વિક્રમ કિંમતે જમીનના સોદાની મોસમ ચાલી રહી હોય એવું લાગે છે. પ્રોપર્ટીની કિંમતો મુંબઈમાં વિક્રમી સપાટીએ પહોંચ્યા બાદ હવે અમદાવાદનો વારો છે. હાલમાં જે સોદાએ માર્કેટમાં ચર્ચા જગાવી છે તેમાં ઝડપથી વિકસી રહેલા એસજી હાઈવે પર ચોરસ ફીટ દીઠ 10,000 રૂપિયા કરતાં વધુ કિંમતે નાનો પ્લોટ વેચાયો છે. આ ભાવ હાલમાં આ વિસ્તારમાં ચાલી રહેલા ભાવની સરખામણીમાં 10-15 ટકા વધારે છે. બજારના સુત્રોના જણાવ્યા અનુસાર એક જ્વેલરે આ પ્લોટ ખરીદ્યો છે. જ્વેલરે કર્ણાવતી ક્લબ સામે લગભગ 33,000 ચોરસ ફીટનો પ્લોટ ચેરિટી કમિશનર દ્વારા યોજવામાં આવેલી હરાજીમાં સોમવારે ખરીદ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પ્લોટ શહેરના હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ નામના ચેરિટેબલ ટ્રસ્ટની માલિકીનો હતો. શહેરમાં દિવાળીના તહેવારોની આસપાસ થયેલો આ સૌથી મોટો સોદો છે. છેલ્લા કેટલાંક અઢવાડિયામાં આ પ્રકારના ઓછામાં ઓછા ત્રણ સોદા થયા છે. સૌપ્રથમ સરખેજ સર્કલ પાસે જમીનનો એક ટૂકડો ચોરસ ફીટ દીઠ 7,700 રૂપિયાના ભાવે વેચાયો હતો. ત્યારબાદ બે અન્ય પ્લોટ પણ વિક્રમી કિંમતે વેચાયા હતા. જજીસ બંગલો રોડ પર એક પ્લોટ ચોરસફીટ દીઠ 9100 રૂપિયાના ભાવે અને આનંદનગર ખાતે એક પ્લોટ ચોરસ ફીટ દીઠ 9500 રૂપિયાના ભાવે વેચાયો હતો. |
No comments:
Post a Comment