Sunday, March 17, 2013

આવક વધારવા બ્રોકરેજ હાઉસોનું ઈક્વિટી તથા કરન્સી ડેરિવેટિવ્ઝ તરફ પ્રયાણ

ઈક્વિટીઝ વેપારમાં આવક ઘટતા સ્ટોક બ્રોકરો ઈક્વિટી તથા કરન્સી ડેરિવેટિવ્ઝ તરફ વળ્યા છે. ૨૦૧૨માં ઈક્વિટી કેશમાં નરમાઈ જોવા મળી હતી. સેબીના છેલ્લામાં છેલ્લા આંકડા પર નજર નાખીએ તો ઈક્વિટી તથા કરન્સી ડેરિવેટિવ્ઝમાં બ્રોકરોની નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે.
જાન્યુઆરી ૨૦૧૨માં ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં ૨૩૧૫ બ્રોકરોની નોંધણી થઊ હતી જે જાન્યુઆરી ૨૦૧૩માં વધીને ૨૭૯૭ રહી છે. આજ રીતે કરન્સી ડેરિવેટિવ્ઝમાં  આ આંક ૨૧૪૮થી વધી ૨૨૮૭  રહ્યો છે. જ્યારે કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૧૨માં  નોંધાયેલા બ્રોકરોની સંખ્યા ૧૦૨૭૭ હતી તે ૨૦૧૩માં ઘટીને ૯૯૯૫ રહી છે. બ્રોકર ઉપરાંત સબ-બ્રોકર્સની સંખ્યામાં ૧૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
પોતાનું વળતર વધારવા માટે અનેક રોકાણકારો હવે ડેરિવેટિવ્ઝ તરફ વળી રહ્યા હોવાને કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે એમ બજારના સુત્રોએ જણાવ્યું હતું. તાજેતરમાં ઈક્રા દ્વારા જારી કરાયેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે, ઘરેલું ઈક્વિટી બ્રોકરેજ હાઉસોનું બીએસઈ તથા એનએસઈનું મળીને ટર્નઓવર નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં વાર્ષિક ધોરણે ૧૬ ટકા વધ્યુ હતું.  
ટર્નઓવરમાં વધારો થવા પાછળનું કારણ ઈક્વિટી ડેરિવેટિવ્ઝના વોલ્યુમમાં થયેલો વધારો જવાબદાર છે. ઈક્વિટી ડેરિવેટિવ્ઝના વોલ્યુમમાં ૧૯ ટકા વધારો થયો છે. જો કે કેશનું વોલ્યુમ ૯ ટકા ઘટયું હતું.
ભારતમાં કરન્સી ડેરિવેટિવ્ઝ પ્રત્યે પણ રોકાણકારોનું આકર્ષણ વધી રહ્યું છે. કરન્સીમાં આવતા ઘસારા સામે હેજિંગ કરવા કરન્સી ડેરિવેટિવ્ઝ યોગ્ય સાધન છે. કરન્સી ડેરિવેટિવ્ઝમાં વેપાર મારફત બ્રોકરેજ હાઉસોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.  

No comments:

Post a Comment