Monday, June 23, 2014

ટેક ઓફ : જવાહરલાલ નહેરુ 'પ્લેબોય'માં!


Sandesh - Ardh Saptahik Purti - 29 May 2013
Column: ટેક ઓફ
દુનિયામાં લોકોને એકબીજા સાથે જોડી રાખતું બળ કોઈ હોય તો એ સેક્સ છે,ધર્મ નહીં એવું 'પ્લેબોય'ના રંગીલા માલિક-તંત્રી હ્યુ હેફનરે એક વાર કહેલું. સવાલ એ છે કે 'પ્લેબોયજેવા ભમરાળા મેગેઝિનમાં જવાહરલાલ નહેરુનો ઇન્ટરવ્યૂ કેવી રીતે છપાઈ ગયો?


"રાજકારણીઓ અને છાપાંવાળા યા તો પત્રકારો વચ્ચે અમુક બાબતો કોમન છે. બન્ને પોતાની વાત પુરવાર કરવા ખૂબ બોલે છે. આ બન્ને ક્ષેત્રો એવાં છે જેમાં ક્વોલિફિકેશનની જરૂર પડતી નથી. જો રાજકારણી અને છાપાંવાળા પાસે અમુક પ્રકારની અભિવ્યક્તિની કળા હોય તો એનું કામ ચાલી જાય છે. એ જે બોલે છે કે લખે છે એની પાછળ કશુંક નક્કર હોય તે જરૂરી હોતું નથી. આ લોકો ડે-ટુ-ડે, અવર-ટુ-અવર,મિનિટ-ટુ-મિનિટ બેઝિક પર કામ કરતા હોય છે. એમની પાસે વિચારવાનો સમય જ હોતો નથી. મને લાગે છે કે ટેક્નોલોજી જે ઝડપથી વિકસી રહી છે તે જોતાં આ થવું અનિવાર્ય હતું."
આ જવાહરલાલ નહેરુના શબ્દો છે. આજની ચોવીસે કલાક ધમધમતી સેટેલાઇટ ન્યૂઝ ચેનલોના જમાનામાંય આ વાત કેટલી બધી રિલેવન્ટ લાગે છે. આ શબ્દો નહેરુજીએ પચાસ વર્ષ પહેલાં એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં ઉચ્ચાર્યા હતા. આ મેગેઝિન એટલે'પ્લેબોય'! 'પ્લેબોય' એટલે શું એ એડલ્ટ વાચકોને સમજાવવાનું ન હોય. પાનાં ભરી ભરીને સંપૂર્ણ નગ્ન સ્ત્રીઓની ભમરાળી તસવીરો છાપતાં આ અમેરિકન મેગેઝિનની બ્રાન્ડ-વેલ્યૂ એટલી ઊંચી છે કે વિશ્વની સૌથી સફળ મેગા બ્રાન્ડ્સમાં એનું નામ લેવાય છે. એક સમયે તેનું સરક્યુલેશન ૭૧,૬૧,૫૬૧ નકલો સુધી પહોંચી ગયું હતું. જોકે ઇન્ટરનેટ અને મોબાઇલ પોર્નોગ્રાફીના જમાનામાં'પ્લેબોય'નાં વળતાં પાણી થયાં છે. સાઉથ આફ્રિકામાં તેની પ્રિન્ટ એડિશન બંધ થવાની છે અને તેનું સ્થાન ડિજિટલ એડિશન લેવાની છે એવા સમાચાર છે, પણ નહેરુજીની મુલાકાત છપાઈ ત્યારે'પ્લેબોય' એકદમ રેડ હોટ ગણાતું હતું. ઓક્ટોબર-૧૯૬૩ના અંકમાં આ દસ પાનાંનો વિસ્તૃત અને સરસ ઇન્ટરવ્યૂ છપાયો હતો. મુખપૃષ્ઠ પર એલ્સા માર્ટિનેલી નામની ઇટાલિયન હિરોઇનની અર્ધનગ્ન તસવીર હતી. ભારતમાં 'પ્લેબોય'ના વેચાણ પર પ્રતિબંધ હતો એટલે આ અંકની કેટલીય નકલો દાણચોરીથી દેશમાં ઘૂસી ગઈ હતી.
'પ્લેબોય' વિશેનો એક જાણીતો જોક છે. સંસ્કારી લોકો કહેતાં હોય છે કે ના રે ના, અમને ક્યાં નાગડાપુંગડા ફોટાઓમાં રસ છે, અમે તો ઇન-ડેપ્થ ઇન્ટરવ્યૂ વાંચવા માટે 'પ્લેબોય' હાથમાં લઈએ છીએ! સાઠ વર્ષનું 'પ્લેબોય' શરૂઆતથી જ નગ્નિકાઓની તસવીરોની સાથે સાથે વિશ્વકક્ષાના નેતાઓ, કલાકારો, રમતવીરો અને અન્ય સેલિબ્રિટીઝની બીજે લગભગ ક્યાંય વાંચવા ન મળે એવી અફલાતૂન મુલાકાતો છાપતું આવ્યું છે તે હકીકત છે. મુલાકાત લેનારની પણ એક કક્ષા હોય. 
'પ્લેબોય' લોન્ચ થયું એ જ વર્ષે એટલે કે ૧૯૬૩માં નેહરુજી ઉપરાંત બબ્બે નોબેલ પ્રાઇઝ વિજેતાઓની મુલાકાતો છપાઈ હતી - માર્ચમાં બ્રિટિશ ફિલોસોફર બર્ટ્રાન્ડ રસેલ અને ડિસેમ્બરમાં આલ્બર્ટ સ્વાઇટ્ઝર. પછીના વર્ષે કોની કોની મુલાકાતો છપાઈ? માર્ચના અંકમાં 'ફ્યુચર શોક' પુસ્તક લખીને મશહૂર થઈ ગયેલા એલ્વિન ટોફલર વીસમી સદીની મહાન રશિયન-અમેરિકન લેખિકા એન રેન્ડની મુલાકાત લે છે. એન રેન્ડ અને તેમની 'ફાઉન્ટનહેડ' અને 'એટલાસ શ્રગ્ડ' જેવી અમર નવલકથાઓના ચાહકો માટે આ ઇન્ટરવ્યૂ મસ્ટ-રીડ છે. જૂનમાં સ્વીડિશ માસ્ટર ફિલ્મમેકર ઇન્ગમાર બર્ગમેન, જુલાઈમાં મહાન સ્પેનિશ સર્રિયલ પેઇન્ટર સાલ્વાડોર ડાલી, સપ્ટેમ્બરમાં અમેરિકન લેખક હેનરી મિલર અને ડિસેમ્બરમાં ઝીરો-ઝીરો-સેવન જેવું અમર પાત્ર સર્જનાર ઈયાન ફ્લેમિંગનો ઇન્ટરવ્યૂ છે! એક જ વર્ષમાં આટલા બધા મહાનુભાવો! ૧૯૬૫ના જાન્યુઆરીના અંક માટે માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે અને ફેબ્રુઆરીના અંક માટે લોકપ્રિયતાની ચરમસીમા વટાવી જનાર રોકબેન્ડ બીટલ્સે મુલાકાત આપી છે. ફિડલ કાસ્ટ્રો, જિમી કાર્ટર, મોહમ્મદ અલી, સ્ટીવ જોબ્સ, બિલ ગેટ્સ... આ લિસ્ટ જેટલું લાંબું છે એટલું જ પ્રભાવશાળી છે. 'પ્લેબોય'ના ઇન્ટરવ્યૂઝના સંગ્રહો પુસ્તક સ્વરૂપે બહાર પડયા છે, જે ખરેખર વસાવવા જેવા છે.
રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન હતા ત્યારે તેમણે 'પેન્ટહાઉસ' નામના મેગેઝિનને 'ભૂલથી' એક ઇન્ટરવ્યૂ આપી દીધો હતો, જે ૧૯૮૭માં છપાયો હતો. 'પેન્ટહાઉસ' એ 'પ્લેબોય'ની તુલનામાં ખાસ્સું ડાઉનમાર્કેટ મેગેઝિન ગણાય. છેલ્લાં પંદરેક વર્ષથી તે હાર્ડકોર પોર્ન મેગેઝિન બની ગયું છે. ખેર, રાજીવ ગાંધીના નાનાજી પર પાછા ફરીએ તો જવાહરલાલ નહેરુને 'પ્લેબોય'ના ઇન્ટરવ્યૂ દરમિયાન ૪૫ પ્રશ્નો પુછાયા હતા. આ તમામને તેમણે સંતોષકારક જવાબ આપ્યા. ઘણી વાતો કરી છે એમણે. ચીન, આંતરરાષ્ટ્રીય રાજકારણ, ગાંધીજી, મીડિયા વગેરે વિશેના એમના વિચારો આજે પણ પ્રસ્તુત લાગે છે. 
ખેર, કહાનીમાં ટ્વિસ્ટ તો હવે આવે છે. જવાહરલાલ નહેરુની મુલાકાતવાળો અંક ક્લોઝ થઈ રહ્યો હતો ત્યારે વોશિંગ્ટન ખાતેના ભારતીય રાજદૂતાલયે'પ્લેબોય' નો સંપર્ક કરી બોમ્બ ફોડયોઃ અમારા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 'પ્લેબોય'ના કોઈ પ્રતિનિધિને ક્યારેય મુલાકાત આપી જ નથી! મુલાકાતવાળાં પાનાં ઓલરેડી છપાવા જતાં રહ્યાં હતાં એટલે એનું હવે કશું થઈ શકે એમ નહોતું. આથી'પ્લેબોય'ના એ જ અંકના ત્રીજા પાના પર બોક્સ આઇટમમાં તંત્રીનોંધ છપાઈઃ
"આ અંકમાં છપાયેલી મિસ્ટર નહેરુની મુલાકાત એક્સક્લ્યૂઝિવ કે વ્યક્તિગત વાતચીતના આધારે લખાયેલી નથી, બલકે ભારતના રાજકીય વડા તરીકે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન તેમણે અલગ અલગ જગ્યાએ આપેલાં ભાષણો, નિવેદનો વગેરેમાંથી વાક્યો અને ફકરા જોડીને ઘડી કાઢવામાં આવી છે. અમને આ મટીરિયલ જાણીતા પત્રકાર-પ્રકાશકે સબમિટ કર્યું હતું. ભૂતકાળમાં તેઓ દુનિયાભરના કેટલાય મહાનુભાવોની મુલાકાતો લઈ ચૂક્યા છે. અમને આ લખાણ 'એક્સક્લ્યૂઝિવ ઇન્ટરવ્યૂ'ના ઓઠા હેઠળ વેચવામાં આવ્યું હતું. લખાણની સાથે પત્રકારે નહેરુજી સાથેની પોતાની તસવીર પણ બીડી હતી. આ મુલાકાતની અધિકૃતતા પર શંકા પેદા કરવાનું અમારી પાસે કોઈ જ કારણ જ નહોતું. અલબત્ત, ભારતીય સરકાર તરફથી કરવામાં આવેલી ઓફિશિયલ સ્પષ્ટતાનો આદર થવો જોઈએ. અમે પત્રકારનો સંપર્ક કરવાની ઘણી કોશિશ કરી, જે નિષ્ફળ નીવડી છે. અમે એડિયોરિયલ ઇન્ટિગ્રિટી (પ્રામાણિકતા)માં માનતા હોવાથી આ નોંધ છાપી રહ્યા છીએ."
'પ્લેબોય'નો આ અંક બજારમાં આવ્યો તે પછી સાત મહિના બાદ ૨૭ મે, ૧૯૬૪ના રોજ નહેરુજીનું નિધન થયું. મતલબ કે નહેરુજીની ૪૯મી પુણ્યતિથિ બે દિવસ પહેલાં જ ગઈ. મજાની વાત એ છે કે ઇન્ટરવ્યૂ જેન્યુઇન નથી એવા ખુલાસા છતાંય અંકનું મહત્ત્વ ઘટયું નહીં. આજની તારીખેય નહેરુચાચાવાળો 'પ્લેબોય'નો અંક 'કલેક્ટર્સ આઇટમ' ગણાય છે!

No comments:

Post a Comment