Thursday, July 10, 2014

બજેટ-2014: નોકરિયાતોને જેટલીનો મીઠો ડોઝ

નાણાપ્રધાન અરૂણ જેટલીએ બજેટ અગાઉ કડવા ડોઝ માટે તૈયાર રહેવા જણાવ્યું હતું પણ આજે લોકસભામાં તેમણે રજૂ કરેલા વર્ષ 2014-15 માટેના સામાન્ય બજેટમાં તેમણે પગારદારોને આવકવેરાની મુક્તિ મર્યાદા વધારીને મીઠો ડોઝ આપ્યો હતો.

મોંઘવારીથી પરેશાન નોકરિયાત વર્ગ માટેની આવકવેરાની મુક્તિ મર્યાદા બે લાખથી વધારીને 2.5 લાખ રૂપિયા તેમજ સિનિયર સિટિઝન માટેની આવકવેરા મુક્તિમર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી છે જ્યારે આવકવેરાના દરો યથાવત જાળવી રાખ્યા હતા.

નાણાપ્રધાને સંરક્ષણ અને વીમા ક્ષેત્રે FDI મર્યાદા 26 ટકાથી વધારીને 49 ટકા કરી છે જ્યારે બચતને પ્રોત્સાહન આપવા માટે કિસાનવિકાસ પત્રો ફરી શરૂ કરવા તેમજ PPF ની રોકાણ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ કરવાની જોગવાઈ કરી છે.આ ઉપરાંત તેમણે હોમલોન પરના વ્યાજની કપાત 1.50 લાખથી વધારીને 2 લાખ રૂપિયા કરી છે.

નાણાપ્રધાને 2 કલાક અને 5 મિનિટ ( 5 મિનિટના વિરામ સહિત)ચાલેલી તેમની સ્પીચમાં શેરબજાર માટે તમામ ટ્રાન્ઝેક્શન માટે એક જ ડિમેટ એકાઉન્ટની દરખાસ્ત કરી હતી.

No comments:

Post a Comment