Wednesday, July 16, 2014

6 લાખ કરોડ રૂપિયાની BRICS બેન્ક, ભારતમાંથી હશે પહેલા પ્રમુખ

(ફોટો: ડાબેથી પહેલાં બ્રાઝીલના ફોર્ટાલેઝામાં બ્રિક્સ દેશોના સંમેલનમાં રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બ્રાઝીલના રાષ્ટ્રપતિ ડિલ્મા રૂફેજ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકમા જુમા)
 
ફોર્ટાલેઝા (બ્રાઝીલ): બ્રાઝીલમાં બ્રિક્સ (બ્રાઝીલ, રૂસ, ભારત, ચીન, અને દક્ષિણ આફ્રિકા) દેશોના સંમેલનમાં ભારતને મોટી સફળતા મળી છે. અમેરિકા અને અન્ય યુરોપિયન દેશો પર નાણાંકીય નિર્ભરતા ઘટાડવાના હેતુથી બ્રિક્સ દેશોએ એક વિકાસ બેન્ક બનાવા પર સહમતિ વ્યક્ત કરી છે. 50 અબજ ડોલરની શરૂઆતની મૂડીવાળી આ બેન્કના પહેલાં પ્રમુખ ભારતમાંથી હશે અને બેન્કનું હેડક્વાર્ટર ચીનના શાંઘાઇ શહેરમાં બનાવાશે. સંમેલનમાં વિકાસ બેન્ક સિવાય કટોકટીની સ્થિતિમાં ઉકેલ માટે એક 'કંટિજેંટ રિઝર્વ અરેંજમેન્ટ' સ્થાપિત કરવા પર પણ કરાર થયો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બ્રિક્સ વિકાસ બેન્કથી ફક્ત સભ્ય દેશોને જ ફાયદો નહીં થાય, પરંતુ વિકાસશીલ વિશ્વને પણ ફાયદો થશે.
 
બ્રિક્સ દેશોની પોતાની વિકાસ બેન્ક

મંગળવારના રોજ બ્રિક્સ દેશોની શિખર બેઠકમાં 50 અબજ ડોલરની શરૂઆતની મૂડી સાથે વિકાસ બેન્કની સ્થાપના પર સહમતિ બની. બેન્કની મૂડીને બાદમાં 100 અબજ ડોલર એટલે કે 6 લાખ કરોડ રૂપિયા (1 ડોલર = 60.21 એટલે 6,013,000,000,000 રૂપિયા) સુધી કરી શકાય છે. બેન્ક માટે પાંચેય દેશ સરખી રકમ આપશે. આ બેન્ક ઇન્ફ્રાસ્ટ્રકચર અને સતત વિકાસ માટે રિસોર્સીસનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે દિશામાં વિકાસશીલ દેશોને મદદ કરશે.
 
ભારતની જીત અને કોઇની સાથે ભેદભાવ નહીં

ભારત શરૂઆતથી જ એ વાત પર જોર આપી રહ્યું છે કે વિકાસ બેન્ક બનાવામાં તેના પર કોઇપણ સભ્ય દેશનું વર્ચત્વ નહીં હોય. બ્રિક્સ દેશોએ આ ભાવનાને ધ્યાનમાં રાખી છે. બેન્કનું હેડક્વાર્ટર જ્યાં શાંઘાઇમાં બનાવાશે ત્યાં તેના પહેલાં પ્રમુખ ભારતમાંથી હશે. બેન્કના બોર્ડની શરૂઆતની જવાબદારી બ્રાઝીલને મળશે. આ સિવાય દક્ષિણ આફ્રિકામાં એક સ્થાનિક સેન્ટર બનાવાશે.
IMF અને વર્લ્ડ બેન્કને અપાશે પડકાર

બ્રિક્સ દેશો દ્વારા બેન્ક બનાવાનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (IMF) અને વિશ્વ બેન્ક પર પોતાની નિર્ભરતા ઘટાડવાની છે. ઉલ્લેખનીય છે કે કટોકટીની સ્થિતિમાં દુનિયાના વિકાસશીલ દેશો અમેરિકા અને યુરોપિયન દેશોનું પ્રભુત્વ ધરાવતી આ સંસ્થાઓની મદદની રાહ જોવી પડે છે. પરંતુ હવે આ દેશો આ બેન્કની રકમનો ઉપયોગ કોઇપણ કટોકટીની સ્થિતિમાં કરી શકશે.
 
બ્રિક્સ દેશોનું 'કંટિજેન્ટ રિઝર્વ અરેન્જમેન્ટ'

બ્રિક્સ દેશોએ બેન્ક સિવાય 100 અબજ ડોલરના શરૂઆતના કંટિજેંસી રિઝર્વ અરેન્જમેન્ટની વ્યવસ્થા પર પણ સહમતિ દર્શાવી છે. તેનું કામ કોઇપણ દેશની શોર્ટ-ટર્મ લિક્વિડિટી સમસ્થાઓને દૂર કરવાનું, બ્રિક્સ દેશોની વચ્ચે સહયોગ વધારવાનો અને વૈશ્વિક ફાઇનાન્સિયલ સેફ્ટી નેટને મજબૂત કરવાનું વગેરે રહેશે. માનવામાં આવી રહ્યું છે કે આ રિઝર્વમાં ચીનનો સૌથી મોટો હિસ્સો હોઇ શકે છે. તે 41 અબજ ડોલર આપી શકે છે. આ સિવાય ભારત, બ્રાઝીલ, અને રૂસ દરેક 18 અબજ ડોલરની રકમ આપી શકે છે. દક્ષિણ આફ્રિકા આના માટે 5 અબજ ડોલર આપી શકે છે.
 
શું છે બ્રિક્સ
 
બ્રિક્સ વિશ્વમાં ઝડપથી વિકસિત થઇ રહેલા અર્થતંત્રવાળા વિકાસશીલ દેશ - બ્રાઝીલ, રૂસ, ભારત, ચીન, અને દક્ષિણ આફ્રિકાનું સંગઠન છે. દક્ષિણ આફ્રિકા વર્ષ 2010માં આ ગ્રૂપમાં સામેલ થયું. તેની પહેલાં આ ગ્રૂપને બ્રિકના નામથી ઓળખાતું હતું. બ્રિક દેશોની પહેલી સત્તાવાર બેઠક 16મી જૂન 2009ના રોજ રૂસના યેકેટિનબર્ગમાં મળી હતી. બ્રિક્સનો ઉદેશ શાંતિ, સુરક્ષા, વિકાસ, અને સહયોગ પ્રાપ્ત કરવાની છે. બ્રિક્સ વિશ્વમાં માનવતાના વિકાસમં અગત્યનું યોગદાન આપવાની સાથે જ એક વધુ ન્યાયસંગત અને નિષ્પક્ષ વિશ્વની સ્થાપના કરવા માંગે છે.
બ્રિક્સ ડેવલપમેન્ટ બેન્ક વિષે જાણવા જેવી અગત્યની પાંચ વાતો

-BRICS બેન્ક સ્થાપવાનો સૌપ્રથમ વિચાર દક્ષિણ આફ્રિકાના ડર્બન શહેરમાં 5મી બ્રિક્સ સમિટ જૂલાઇ, 2009માં યોજાઇ ત્યારે આવ્યો હતો. છઠ્ઠી બ્રિકસ સમિટમાં બેન્કને લૉન્ચ કરવા માટે બ્રિક્સના સભ્ય દેશોએ સહમતિ વ્યક્ત કરી.
 
- બ્રિક્સ બેન્કનું હેડક્વાર્ટર નવી દિલ્હી, જ્હોનિસબર્ગ કે શાંઘાઇમાં કયાં સ્થાપવું તેના માટે કેટલાંય સમયથી ચર્ચા ચાલી રહી હતી. આખરે આ રેસમાં શાંઘાઇ પર પસંદગી ઉતારાઇ.
 
- બ્રિક્સ બેન્કનો મુખ્ય હેતુ જ્યારે અમેરિકન ડોલરમાં મોટી વધ-ઘટ હોય ત્યારે ઉભરતા અર્થતંત્રની આર્થિક સ્થિતિ સ્થિર રહે તેની ખાતરી માટેનો છે.
 
- આ બેન્કની સ્થાપના 50 અબજ અમેરિકન ડોલરની સાથે કરાશે. બ્રિક્સ દેશનું દરેક સભ્ય 10-10 અબજ ડોલરનું યોગદાન આપશે. હાલ ચીન સૌથી વધુ 41 અબજ અમેરિકન ડોલર આ બેન્ક માટે ફાળવશે, આ બેન્ક પર ચીનની સૌથી વધુ સત્તા રહેશે.
 
- શરૂઆતમાં ચીન બ્રિક્સ બેન્કનું હેડક્વાર્ટર કયાં સ્થપાશે, તેના ટેકનિકલ ઇશ્યૂ વગેરેને લઇને સ્થાપના માટે આનાકાની કરતું હતું, પરંતુ હવે તેને પણ સહમતિ દર્શાની દીધી છે. તમામ સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે.

No comments:

Post a Comment