Monday, July 21, 2014

શહીદ ફાયરમૅનના પરિવારને રાકેશ રોશન અને લોટસ બિઝનેસ પાર્કના મેમ્બરો આપશે ૧૫ લાખ


અંધેરી (વેસ્ટ)ના લોટસ બિઝનેસ પાર્ક બિલ્ડિંગમાં શુક્રવારે લાગેલી આગમાં શહીદ થયેલા ફાયરમૅન નીતિન ઇવલેકરના પરિવારને આર્થિક મદદ માટે ફિલ્મમેકર રાકેશ રોશન સહિતના આ બિલ્ડિંગના ઑક્યુપન્ટ્સ આગળ આવ્યા છે.


આ કમર્શિયલ બિલ્ડિંગમાં પ્રૉપર્ટી ધરાવતા લોકો મળીને નીતિન ઇવલેકરના પરિવારને ૧૫ લાખ રૂપિયાની મદદ પહોંચાડશે. આ બિલ્ડિંગમાં રોશન પરિવાર ઇન્વેસ્ટમેન્ટના હેતુસર પાંચ માળની માલિકી ધરાવે છે.

આ સમાચારની પુષ્ટિ કરતાં રાકેશ રોશને કહ્યું હતું કે ‘શનિવારે સોસાયટીના મેમ્બરોની મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે અમે આ બહાદુર ફાયરમૅનના પરિવારને મદદ કરીશું. અમે ટૂંક સમયમાં ઇવલેકરના પરિવારને ૧૫ લાખ રૂપિયાનો ચેક આપીશું.’

આ સાથે જ રાકેશ રોશને દાવો કર્યો હતો કે લોટસ બિલ્ડિંગ સેફ્ટીના મેઝર્સથી સજ્જ હોવા છતાં શુક્રવારે આ કમનસીબ ઘટના બની હતી. એવું પણ જાણવા મળ્યું હતું કે આગ બિલ્ડિંગના બાવીસમા માળે લાગી હતી જે હવે સીલ કરવામાં આવ્યો છે. બિલ્ડિંગ કેટલાંક અઠવાડિયાં બાદ ફરીથી ઑપરેશનલ થવાનું છે.

આ બિલ્ડિંગના નવમા માળે પ્રોડક્શન હાઉસ ચલાવતી પૂજા શેટ્ટીએ કહ્યું હતું કે ‘થોડા સમય બાદ રાબેતા મુજબ અમારું કામ શરૂ થઈ જશે. ત્યાં સુધી અમારે અન્ય વ્યવસ્થા કરવી પડશે. અમે હાલમાં અમારા મિત્રોની ઑફિસોમાં બેસીને કામ ચલાવીએ છીએ.’

દરમ્યાન એવું જાણવા મળ્યું છે કે શનિવારે નીતિનના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જતાં પહેલાં જીદ કરીને ફાયર-ઑથોરિટી પાસેથી એક મહિનામાં જ નોકરી અને કમ્પૅન્સેશનની લેખિતમાં ખાતરી લેનારી નીતિનની પત્ની શુભાંગી હવે તેની બે પુત્રીઓના એજ્યુકેશનની જવાબદારી માટે પણ ઑથોરિટી પાસે લેખિતમાં ખાતરીની માગણી કરી રહી છે.

No comments:

Post a Comment