Thursday, July 3, 2014

મેટ્રોના વર્સોવા સ્ટેશનની બાજુમાં આવેલા બિલ્ડિંગના રહેવાસીઓને પ્રવાસીઓનો ત્રાસ

વર્સોવા-અંધેરી-ઘાટકોપર વચ્ચે મેટ્રો સર્વિસ શરૂ થતાં વેસ્ટર્ન અને ઈસ્ટર્ન સબર્બ્સના હજારો પ્રવાસીઓ ખુશ છે, પરંતુ સેવન બંગલોના વર્સોવા મેટ્રો સ્ટેશનને અડીને આવેલી એવરસ્વીટ સોસાયટીના રહેવાસીઓને મેટ્રો કડવી લાગે છે.

આ સોસાયટીના ૧૬ જેટલા ફ્લૅટના રહેવાસીઓ માટે હવે પ્રાઇવસી જેવું કંઈ જ રહ્યું નથી, કેમ કે મેટ્રો સ્ટેશને આવતા-જતા હજારો પ્રવાસીઓ તેમના ઘરમાં આરામથી નજર નાખતા જાય છે અને આ ઘરોમાંનાં ફર્નિચરના ફોટોગ્રાફ્સ પણ પાડે છે.

આ કૉમ્પ્લેક્સમાં કુલ ૧૨ બિલ્ડિંગ અને ૧૦૩ ફ્લૅટ્સ છે અને બધાને રોજ વહેલી સવારે પાંચ વાગ્યાથી મધરાત બાદ સુધી મેટ્રો સ્ટેશનમાં લાઉડસ્પીકરોમાં સતત થતી રહેતી અનાઉન્સમેન્ટના મોટા અવાજનો ત્રાસ ભોગવવો પડે છે. જોકે તેમની આ મુશ્કેલી સમજીને ઑથોરિટીએ લાઉડસ્પીકરોનો અવાજ થોડો ઘટાડ્યો છે, પરંતુ હજીયે સંતોષકારક માત્રમાં એમાં ઘટાડો થયો નથી.

મેટ્રો સ્ટેશનમાંથી બહાર નીકળવાની સીડી આ કૉમ્પ્લેક્સની બાઉન્ડરી વૉલને અડીને જ આવેલી હોવાથી પ્રવાસીઓ કમ્પાઉન્ડમાં થૂંકે છે, પાણીની ખાલી બૉટલો અને પ્લાસ્ટિકની થેલીઓ સહિતનો કચરો ફેંકે છે એથી કૉમ્પ્લેક્સના કમ્પાઉન્ડનો કેટલોક હિસ્સો કચરાટોપલીમાં ફેરવાઈ ગયો છે.

No comments:

Post a Comment