Friday, August 8, 2014

રતન તાતાએ માનસિક સંતુલન ગુમાવી દીધું છે : અમિત મિત્રા નો બફાટ

ઔદ્યોગિક વિકાસ થયો નથી એવી રતન તાતાની કમેન્ટ પર મમતા બૅનરજીના પ્રધાનનો બફાટ
Amit Mitra

પશ્ચિમ બંગમાં ઔદ્યોગિક વિકાસ થયો નથી એવી તાતા ગ્રુપના નિવૃત્ત થયેલા ચૅરમૅન રતન તાતાએ બુધવારે કરેલી કમેન્ટના પગલે પશ્ચિમ બંગના ફાઇનૅન્સ મિનિસ્ટર અમિત મિત્રાએ ગઈ કાલે એવો બફાટ કર્યો હતો કે ‘રતન તાતા ઘરડા થઈ ગયા છે અને તેઓ વધતી જતી ઉંમર સાથે વાસ્તવિકતાથી પોતાને અપડેટ કરતા નથી. તેમણે માનસિક સંતુલન પણ ગુમાવી દીધું છે. તેમને મતિભ્રમ થયો છે અને તેમની ઑફિસ પણ તેમને પશ્ચિમ બંગના વિકાસ વિશે જાણ કરતી નથી.’

બુધવારે કલકત્તા પહોંચેલા ૭૩ વર્ષના રતન તાતાએ ઇન્ડિયન ચેમ્બર ઑફ કૉમર્સની મહિલા ગ્રુપની બેઠકમાં કહ્યું હતું કે ‘હું ઍરપોર્ટથી શહેરમાં આવી રહ્યો હતો ત્યારે મને ઘણાં ઊંચાં મકાનો જોવા મળ્યાં જે રેસિડેન્શિયલ અને કમર્શિયલ હતાં, પણ ક્યાંય ઇન્ડસ્ટ્રી દેખાઈ નહીં. ગુજરાતના મુકાબલે અહીં ઓછો ઔદ્યોગિક વિકાસ થયો છે.’

ગઈ કાલે CII દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં પશ્ચિમ બંગની મમતા બૅનરજી સરકારના પ્રધાન અમિત મિત્રાએ કહ્યું હતું કે ‘તાતા ગ્રુપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ કંપની અહીં એના નવા કૅમ્પસમાં ૨૦,૦૦૦ નવા જૉબ ઊભા કરવાની છે. તાતા મેટાલિક્સે પણ વિસ્તરણ કરવા માટે અરજી કરી છે. શું તેમને ખબર નથી કે અનિલ અંબાણી પણ અહીં ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે? જો હું લિસ્ટ આપું તો એને વાંચતાં એક દિવસ થશે. મને લાગે છે કે રતન તાતાએ તેમની વિમાનો ઉડાવવાની હૉબી પર વધારે ધ્યાન આપવું જોઈએ.’

અમિત મિત્રાનો ગુસ્સો નકામો : રતન તાતા

પશ્ચિમ બંગના ફાઇનૅન્સ મિનિસ્ટર અમિત મિત્રાના બફાટને પગલે ગઈ કાલે રતન તાતાએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘અમિત મિત્રાનો ગુસ્સો નકામો અને આશ્ચર્ય ઊપજાવે એવો છે. મેં ક્યારેય ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટની વાત કરી નથી. હું ઍરપોર્ટથી હોટેલ જઈ રહ્યો હતો એ રસ્તાની વાત કરી હતી. મિત્રા માને છે કે મેં માનસિક સંતુલન ગુમાવી દીધું છે. હું ઍરપોર્ટથી હોટેલ જતો હતો ત્યારે રસ્તામાં મેં કયો ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ મિસ કર્યો એ મને મિત્રા જણાવે તો મને આનંદ થશે. જો તેઓ એમ ન કરી શકતા હોય તો મારે એવું ધારવું પડશે કે તેમના મગજમાં ફળદ્રુપ કલ્પનાઓ આવે છે.’

No comments:

Post a Comment