Friday, August 29, 2014

પ્રધાનમંત્રી જન-ધન યોજનાના પહેલા જ દિવસે દોઢ કરોડ બૅન્ક-અકાઉન્ટ શરૂ

ગરીબીનાબૂદી માટેની મોદીની બ્લુ-પ્રિન્ટનો અમલ : અલાહાબાદમાં ફૉર્મની બબાલમાં ગોળીબાર થયો
Jan Dhan Yojna


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પોતાની મહત્વાકાંક્ષી ‘પ્રધાનમંત્રી જન-ધન યોજના’ની શરૂઆત કરાવી હતી. આ સાથે જ દેશમાં ૭૬ સ્થળોએ આ યોજના ખુલ્લી મૂકવામાં આવી હતી અને ૬૦૦ જિલ્લામાં એની શરૂઆત થઈ હતી. પહેલા જ દિવસે દેશભરમાં મળીને આ યોજના માટે દોઢ કરોડ જેટલાં બૅન્ક-અકાઉન્ટ ખૂલ્યાં હતાં.

યોજના શું છે?

આ યોજના પ્રમાણે દેશના તમામ પરિવારોમાંથી બે વ્યક્તિનાં બૅન્ક-અકાઉન્ટ એક લાખ રૂપિયાના વીમા સાથે ખોલવામાં આવશે. વિવિધ બૅન્કોમાં ખાતાં ખોલાવવાની આ યોજના ઝડપથી લાગુ કરવાના આશયથી સરકારે જાહેર કરેલી સ્કીમ પ્રમાણે ૨૦૧૫ની ૨૬ જાન્યુઆરી પહેલાં બૅન્ક-અકાઉન્ટ ખોલાવનારાઓને વધુ ૩૦,૦૦૦ રૂપિયાનો વીમો મળશે.

મોદીએ શું કહ્યું?

યોજના ખુલ્લી મૂકતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘હવે દેશના ગરીબ પરિવારો પાસે પણ ડેબિટ કાર્ડ હશે અને તેમને શાહુકારો પાસેથી વ્યાજે પૈસા લેવા નહીં જવું પડે. દેશમાંથી ગરીબીને નાબૂદ કરવા આ યોજના આવી છે.’

બબાલ

જોકે આ યોજના ખુલ્લી મૂકવામાં આવ્યા બાદ ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં ફૉર્મ ભરવાના મામલે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી અને એમાં ગોળીબાર થતાં બે વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જપાન જઈ રહેલા મોદીએ જૅપનીઝ ભાષામાં ટ્વીટ કરીને સૌને ચોંકાવ્યા

પોતાના પૉઝિટિવ અભિગમથી અવારનવાર લોકોને ચોંકાવવા માટે જાણીતા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જપાનના પ્રાઇમ મિનિસ્ટરને જૅપનીઝ ભાષામાં ટ્વીટ કરીને સૌને ચોંકાવી દીધા હતા. સવારમાં મોદીના ટ્વિટર પર અજાણી ભાષા જોઈને તેમના ફૉલોઅર્સને પ્રાઇમ મિનિસ્ટરનું ટ્વિટર અકાઉન્ટ હૅક થયાની શંકા ઊપજી હતી, પરંતુ પછી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ ટ્વીટ મોદીએ જ કર્યું હતું અને જૅપનીઝ ભાષામાં તેમણે જપાનના પ્રાઇમ મિનિસ્ટર શિંઝે અબેને સંદેશો પાઠવ્યો હતો.

મૂળ તો નરેન્દ્ર મોદી આવતી કાલથી જપાનની સત્તાવાર યાત્રાએ જવાના છે અને શિંઝો અબેને મળીને બન્ને દેશોના સારા સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા ઉત્સુક છે એ પહેલાં જૅપનીઝ ભાષામાં ટ્વીટ કરીને તેમણે જપાન સાથેના સંબંધોમાં પૉઝિટિવ અભિગમનો ઍડ્વાન્સ્ડ પરિચય આપ્યો છે. આ મેસેજમાં વડા પ્રધાને જપાન સાથેના સંબંધોમાં ભારતની અપેક્ષાઓ અને અગાઉની જપાનની યાત્રામાં તેમને મળેલા લોકોના પ્રતિભાવની પ્રશંસા કરી છે. મોદીએ આશા વ્યક્ત કરી હતી કે જપાનની તેમની આ યાત્રાથી બન્ને દેશોના સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે.

No comments:

Post a Comment