Sunday, September 21, 2014

અલીબાબાના ચેરમેન જૈક મા કહે છે- મને માત્ર મેઈલ અને સર્ફિંગ કરતા જ આવડે છે!

 
ચીનની પ્રખ્યાત ઇ-કોમર્સ કંપની અલીબાબાએ 24 કલાકથી પણ ઓછા સમયમાં અમેરિકન બજારમાંથી પોતાના આઇપીઓ મારફત લગભગ 1,320 અબજ રૂપિયા (21.8 અબજ યુએસ ડોલર) એકત્ર કરી લીધા છે. આજે રાત્રે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં તેના શેરનું લિસ્ટિંગ થશે, જેના પર વિશ્વના બિઝનેસ જગતની નજર છે.
અલીબાબાના ચેરમેન જૈક મા કહે  છે- મને માત્ર મેઈલ અને સર્ફિંગ કરતા જ આવડે છે! (અલીબાબાના ચેરમેન જૈક મા)
કંપનીના ચેરમેન જૈક મા ચીનનો સૌથી ધનવાન માણસ છે. પરંતુ આશ્ચર્યજનક હકીકત એ છે કે જૈક માએ એક ઇન્ટર્વ્યુમાં કબૂલ્યું હતું કે તે ભલે ઇન્ટરનેટ કંપની અલીબાબનું સંચાલન કરતા હોય, પરંતુ તેનું ટેકનિકલ જ્ઞાન બહુ મર્યાદિત છે. માએ ઉઘાડે છોગ કહ્યું હતું કે તેને માત્ર ઇમેઇલ કરતા અને વેબ સર્ફિંગ કરતા જ આવડે છે.
 
જૈક માએ હેંગ્ઝુમાં આવેલા તેના ફ્લેટમાંથી 1999માં અલીબાબા કંપનીની શરૂઆત કરી હતી. કંપનીની શરૂઆતના 15 વર્ષ પછી અલીબાબાએ અત્યારે પોતાનો સૌથી મોટો આઇપીઓ લાવીને બિઝનેશ વર્લ્ડમાં ખળભળાટ મચાવી દીધો છે. બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર, મા પાસે અત્યારે 21.8 અબજ યુએસ ડોલર જેટલી સંપત્તિ છે. પરંતુ તમને એ જાણીને નવાઇ લાગશે કે જૈક મા તેની જિંદગીની શરૂઆતના વરસોમાં સંઘર્ષ કરતો હતો. એક સમયે તેને કેએફસીએ પણ નોકરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

જેકની જિંદગી સાથે સંકળાયેલી પણ નવાઇભરી અને રોચક વાતો

અંગ્રેજી શીખવાનો પરિશ્રમ
 
જૈકે 13 વર્ષની ઉમરથી અંગ્રેજી શીખવાની શરૂઆત કરી દીધી હતી. આ માટે તે ચીનમાં ફરવા આવતા વિદેશી પ્રવાસીઓ પાસે પહોંચી જતો. જૈક સવારે પાંચ વાગ્યે ઊઠીને શાંગરી લા હોટલ જતો અને ત્યાં આવતા પ્રવાસીઓનો ગાઇડ બનીને તેમને જુદી જુદી જગ્યાએ ફરવા લઇ જતો હતો. તે દરમિયાન તેમની જૈક અંગ્રેજીમાં વાતો કરવાનો પ્રયત્ન કરતો અને એ રીતે તેને આ ભાષાનો મહાવરો થતો ગયો. આવું નવ વર્ષ સુધી ચાલ્યું. વોશિંગ્ટન યુનિવર્સિટીના જિઆયો-પિંગ ચેનને આપેલી મુલાકાતમાં જૈકે જણાવ્યું હતું કે આ સમય દરમિયાન તેણે માત્ર અંગ્રેજી જ નહિ પરંતુ પશ્ચિમના લોકોની જેમ કામ કરવાની સ્ટાઇલ પણ શીખી હતી.
 
અંગ્રેજી શિક્ષણ આપવાનું શરૂ કર્યું
 
જૈક માએ અંગ્રેજી શીખ્યા પછી અંગ્રેજીના ટીચર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જોકે, જૈક મા માને છે કે તેનું અંગ્રેજી બહુ સારું નથી. તેણે કહ્યું કે મને એ ખ્યાલ આવી ગયો કે ચીનમાં હું સર્વશ્રેષ્ઠ નહિ બની શકું. તેથી બિઝનેશની દુનિયામાં પ્રવેશ કર્યો. તે પછી જૈકે એક ટ્રાન્સલેશન કંપની શરૂ કરી. આ દરમિયાન જૈક અમેરિકા ગયો અને ત્યાં તેનો પરિચય ઇન્ટરનેટ સાથે થયો. તે પછી તેની જિંદગી બદલાઇ ગઇ.
 
ઇન્ટરનેટથી કરી શરૂઆત
 
જૈક માના મિત્રોએ તેને ઇન્ટરનેટ દેખાડ્યું. જૈકે ઇન્ટરનેટ પર સૌથી પહેલો શબ્દ બીયર (રીંછ) લખ્યો. આ શબ્દ લખતા અમેરિકન બીયર, જર્મન બીયર જેવા શબ્દો તેણે જોયા, પરંતુ ચાઇનીઝ બીયર ક્યાંય જોવા ન મળ્યું. બ્લુમબર્ગના રીપોર્ટે એક ડોક્યુમેન્ટરીના ઉલ્લેખ સાથે જણાવ્યું હતું કે ચાઇનીઝ બીયર શબ્દ જોવા ન મળ્યો તેથી જૈકની ઉત્સુકતા વધી ગઇ. તે પછી તેણે ચાઇના શબ્દ લખ્યો. બધા સર્ચ એન્જિનોએ ‘નો ચાઇના, નો ડેટા‘ના સ્વરૂપે જવાબ આપ્યો. આના પરથી જૈકને ચાઇનીઝમાં હોમ પેજ તૈયાર કરવાનો વિચાર આવ્યો. હોમ પેજ બન્યાના પાંચ કલાકમાં તેને અમેરિકા અને જર્મની જેવા દેશોમાંથી પાંચ ઇમેઇલ મળ્યા. ઇન્ટરનેટની તાકાતથી જૈક દંગ થઇ ગયો.
 
ચાઇના પેજેસને મળી નિષ્ફળતા
 
જૈકે સૌ પહેલા ચાઇના પેજેસ નામની ઇન્ટરનેટ કંપની બનાવી હતી. તે યેલો પેજેસ સાઇટ હતી. માના પર્સનલ આસિસ્ટન્ટ ચેન વીના પુસ્તકના આધારે બ્લુમબર્ગે  જણાવ્યું હતું કે ચાઇના પેજેસ શરૂ કરવા જૈક માએ પોતાની બહેન પાસેથી ઉધાર પૈસા લઇને અને પોતાની બચતમાંથી કંપનીમાં 7,000 યુઆનની રકમ રોકી હતી. પરંતુ ચાઇના પેજેસ નિષ્ફળ ગઇ. નિરાશ બનેલા જૈક માએ બેઇજિંગમાં ચીનની કોમર્સ મિનિસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ તેણે આ નોકરી પણ છોડી દીધી અને પોતાના વતન હેંગ્ઝુ જતો રહ્યો. પછી હેગ્ઝુમાં તેણે અલીબાબાની શરૂઆત કરી. જૈકનો દાવો છે કે તેની કંપની આવતા 102 વર્ષ સુધી ચાલશે.

જૈકનો જુસ્સો અને ઝનૂન
 
યુએસએ ટુડેએ તેના રીપોર્ટમાં જણાવ્યું હતું કે જૈક માને ઇન્ટરનેટની તાકાત પર ત્યારથી ભરોસો બેસી ગયો હતો કે જ્યારે ચીનમાં આ વાત કોઇ ગંભીરતાથી માનતું ન હતું. રીપોર્ટ અનુસાર, અલીબાબા સફળ થઇ છે તેનું કારણ એ છે કે તેમાં જૈક જેવા અનેક ઝનૂની લોકો કામ કરે છે.
 
એક ઇન્ટર્વ્યુમાં જૈકે જણાવ્યું હતું કે, ‘મેં 2002માં હાવર્ડમાં એક પ્રવચન આપ્યું હતું. મારા પ્રવચન પછી એક કંપનીના સીઇઓએ જણાવ્યું કે હું પાગલ છું. તેણે કહ્યું કે તે ચીનમાં ઘણો વરસો સુધી રહ્યો છે અને તેનું માનવું છે કે મારી જેમ કંપનીને ચલાવી શકાય નહિ. મેં તેને અલીબાબામાં આવવાનું આમંત્રણ આપ્યું. અલીબાબામાં ત્રણ દિવસ વીતાવ્યા પછી તેણે મને કહ્યું કે, હવે તેને સમજાયું. અહીં કામ કરતા 100 લોકો તમારી જેવા જ પાગલ છે. ‘
 

No comments:

Post a Comment