Friday, September 26, 2014

અમદાવાદના સ્ટોક બ્રોકરનું ઉઠમણું: લોકોના કરોડ સલવાયા

લોકોના નાણાનું શેરબજારમાં રોકાણ કરતા અમદાવાદના મણિનગરના એક શેરબ્રોકરે ચુકવણી બંધ કરતા સંખ્યાબંધ લોકોના નાણા સલાવાઈ ગયા છે. બજારની અટકળો પ્રમાણે આ રકમ રૂ.200 કરોડ જેટલી હોય શકે છે. નાણા ધિરનારા લોકો મોટા ભાગે ધનાઢ્ય વર્ગના તેમજ મધ્યમથી ઉચ્ચ વર્ગના છે.

બજારમાં ચાલેલી વાતો મુજબ રસેશ શાહ નામનો વ્યક્તિ તેના સાથીદાર પરીન શાહની સાથે મળીને લોકો પાસેથી લોકોના ફંડ મેનેજ કરી આપતો હતો. તેમની સાથે દુબઈનો પણ એક પાર્ટનર છે.

તેઓ મણિનગરના વિજય પ્લાઝામાંથી કામ કરતા હતા. પરીન લોકો પાસેથી ફંડ લાવીને આપતો હતો. લોકોના નાણા લઈને નિફ્ટીના ઓપ્શન્સ ટ્રેડિંગમાં રોકીને તેના દ્વારા મહિને 2-3 ટકાના વળતરની ખાતરી આપતો હતો.

ક્લાયન્ટ્સ સાથેની સમજૂતિ પ્રમાણે નફાનો 67 ટકા હિસ્સો ક્લાયન્ટ્સ પાસે જતો હતો અને 33 ટકા હિસ્સો બંને પાર્ટનર્સ રાખતા હતા. આ કામગીરી પાછલા બે વર્ષ કે તેથી વધુ સમયથી ચાલતી હતી. તેના મોટા ભાગના ક્લાયન્ટસ હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (એચએનઆઇ) હતા.

આ ઉપરાંત મધ્યમથી ઉચ્ચ વર્ગના લોકોએ પણ તેને નાણા આપ્યા હતા. કુલ કેટલા નાણા ફસાયા છે તેની કોઈ ચોક્કસ વિગતો મળી નથી પણ બજારની અટકળો પ્રમાણે આ રકમ રૂ.200 કરોડથી નીચે તો નહીંજ હોય.

અલબત્ત કામગીરીમાં સામેલ વ્યક્તિઓના નામ સ્વતંત્ર રીતે ચકાસી શકાયા નથી.કામગીરી એકંદરે બરાબર ચાલતી હતી, પણ ગયા મંગળવારથી તેમણે લોકોને નાણા આપવાનું બંધ કર્યું છે.

રોકાણાકારો તેની ઓફિસે જાય છે પણ તેમને તે પૈસા આપતા નથી. અંદાજે 100-150 ક્લાયન્ટ્સના નાણા સંડોવાયા હોવાનો અંદાજ છે. બંનેની કામગીરી કેટલી હદે ગુનો બને છે, તે અંગે પણ કંઈ સ્પષ્ટતા નથી.

જો તેઓ ક્લાયન્ટના એકાઉન્ટમાંથીજ ટ્રેડિંગ કરતા હોય તો તેમના પર શેરબજારનો સવાલ છે ત્યાં સુધી કોઈ ગુનો બનતો નથી, તેમ બ્રોકરો માને છે. ગુરૂવારે રસેશે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

બજારના વર્તુળોના જણાવ્યા પ્રમાણે તે ક્લાયન્ટના નામે ખાતુ ખોલાવીને ટ્રેડિંગ કરતો હતો. રસેશ અને પરિન, બંને બોલવામાં ખૂબ પાવરધા હોવાથી તેઓ લોકોને સરળતાની મનાવી શકતા હોવાનું વર્તુળોએ જણાવ્યું છે. રસેશની સ્ટ્રેટેજી ખૂબ જોખમી હતી. તે 'રાઇટિંગ' કરતો હતો, જેમાં ખોટ જાય તો તે ખૂબ મોટી હોવાનું જોખમ રહે છે.

આ ઉપરાંત 4-5 અગ્રણી બ્રોકર્સના ટર્મિનલ્સ પર પણ તે ટ્રેડિંગ કરતો હતો અને ઘણીવાર પોતાનું માર્જીન વધારીને 50 ટકા કરવાની માંગણી કરતો હતો. જો કોઈ બ્રોકરે આમ કર્યું હોય તો તે બ્રોકર મુશ્કેલીમાં મુકાઈ શકે છે, તેમ વર્તુળો માને છે.

No comments:

Post a Comment