Thursday, September 18, 2014

ડ્રેગનની હાજરીથી ભારતીય બજારમાં આખલો તોફાની બન્યો

- સેન્સેક્સ 480 પોઇન્ટ ઊછળી 27,000ની ઉપર બંધ રહ્યો
- નિફ્ટીએ 1.75 ટકાના ઊછાળા સાથે ફરી 8,100 સપાટી હાંસલ કરી
- એક દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 1.16 લાખ કરોડનો ઉમેરો
 
ડ્રેગનની હાજરીથી ભારતીય બજારમાં આખલો તોફાની બન્યોબિઝનેસ ડેસ્કઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વનો વ્યાજ દર નહિ વધારવાનો  નિર્દેશ અને ચાઇનીઝ પ્રમુખ જિનપિંગે ભારતમાં ભારે રોકાણની જાહેરાતો કરતા ભારતીય શેરબજારો ગુરુવારે તોફાની મિજાજ સાથે ઊછળ્યા હતા. બજારોમાં પાછલા છ દિવસનો ઘટાડો બજારોએ ગુરુવારે એક દિવસમાં આશરે 2 ટકા ઊછાળા સાથે સરભર કરી દીધો હતો. આજની તેજીમાં
નિફ્ટીની માર્કેટ કેપમાં 1.16 લાખ કરોડનો ઉમેરો થયો છે.

બજારના જાણકારો માને છે કે શુક્રવારે પણ બજાર નવી ઐતિહાસિક ઊંચાઇએ જઇ શકે છે.
ભારતમાં જંગી રોકાણ આવવા સાથે રેટિંગ વધવાની ચર્ચાએ સેન્ટિમેન્ટ બળવાન બન્યું હતું. આ સાથે વિદેશી રોકાણકારોનો ભરોસો પણ વધ્યો છે અને તેમણે શેરોમાં રોકાણ ચાલુ રાખ્યું છે.

ગુરુવારે નરમાઇ સાથે ટ્રેડિંગની શરૂઆત કરનાર સેન્સેક્સ થોડીક મિનિટોમાં જ અગ્રણી શેરોમાં આવેલી લેવાલીના કારણે નીચા સ્તરથી ઊંચકાયો હતો અને સેશન દરમિયાન સતત વધતો રહીને 27,000ની સપાટીને પાર કરી ગયો હતો. અંતે બીએસઇ બેંચમાર્ક 480.92 પોઇન્ટ અથવા 1.81 ટકા ઊછાળા સાથે 27,112.21 પર બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઇનો નિફ્ટી 139.25 પોઇન્ટ ઊછળીને 8,100ની સપાટી પાર કરીને 8,114.75 પર બંધ આવ્યો હતો. વિસ્તૃત બજારોમાં પણ ઊછાળો આવ્યો હતો. તેના પગલે બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સ 2.69 ટકા અને બીએસઇ મિડકેપ 1.83 ટકા ઊંચકાયા હતા.
 
સેન્સેક્સમાં હીરો મોટોકોર્પ 5.57 ટકા ઊછળ્યો હતો. બજાજ ઓટો પણ 3.5 ટકા વધ્યો હતો. એલએન્ડટી અને ભેલ 3.5 ટકા મજબૂત બન્યા હતા. આ ઉપરાંત, એચડીએફસી, ટાટા મોટર્સ, ડો રેડ્ડીઝ, મારુતિ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઇ, ટીસીએસ અને રિલાયન્સ 3.73 ટકાથી 1.67 ટકા વધ્યા હતા. સેન્સેક્સમાં 28 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે બે શેરો ઇન્ફોસીસ 1 ટકા તથા એચયુએલ 0.6 ટકા ઘટ્યા હતા.
 
બીએસઇમાં તમામ ક્ષેત્રોમાં ખરીદીના પગલે ઊછાળો હતો તેમાં બીએસઇ રીયલ્ટી ઇન્ડેક્સ સૌથી વધુ 4.65 ટકા ઊછળ્યો હતો. ઉપરાંત, કન્ઝ્યુમર ડ્યુરેબલ 3.17 ટકા, કેપિટલ ગુડ્ઝ 2.84 ટકા, ઓટો 2.67 ટકા, બેન્કેક્સ 2 ટકા વધ્યા હતા.

બજારોમાં મજબૂતી એટલી જોરદાર હતી કે 2,235 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે માત્ર 827 શેરોમાં જ ઘટાડો નોંધાયો હતો.
 

No comments:

Post a Comment