Friday, October 31, 2014

સોના-ચાંદીના ભાવમાં તીવ્ર કડાકોઃ સોનું રૂ.26,000 નજીક,ચાંદી રૂ.36,000 નીચે

સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા બે દિવસમાં તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. એમએસીએક્સ પર શુક્રવારે સોનાની કિંમત રૂ.500 જેટલી ઘટીને રૂ.26,000ની નજીક ચાલે છે.
અમદાવાદમાં ઝવેરી બજારમાં ભાવ રૂ.26,800ની આસપાસ છે, જે ગઇ કાલે રૂ.27,450 હતો. આમ, એક જ દિવસમાં રૂ.650નો કડાકો જોવા મળ્યો છે. દિવાળીથી અત્યાર સુધીમાં સોનાની કિંમત આશરે રૂ.1000 જેટલી ગબડી છે. જ્યારે ચાંદીમાં પણ એમસીએક્સમાં ડિસેમ્બર વાયદો 1.5 ટકા તૂટીને રૂ.36,000ની નીચે ચાલે છે.
 
મની ભાસ્કર અને દિવ્ય ભાસ્કર ડોટકોમે દિવાળી અગાઉ પોતાના અહેવાલમાં પોતાના વાચકોને જણાવ્યું હતું કે દિવાળી પછી સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવી શકે છે. દિવાળીના તહેવારો વખતે ખરીદીના કારણે થોડો ઊછાળો આવવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી, જે ખરેખર જોવા મળી હતી. પરંતુ સાથે સાથે સોનામાં શુકન પૂરતું થોડીક જ ખરીદી કરવાની સલાહ પણ અહીથી આપવામાં આવી હતી.
 
બજારના નિષ્ણાતો કહે છે કે ભારતમાં લગ્નની મોસમ અગાઉ સોના-ચાંદીના ભાવમાં આવેલો ઘટાડો લોકો માટે ખુશખબર લાવ્યો છે. તેના કારણે ખરીદીની માગ આવી શકે છે.
 
સોના-ચાંદીના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો મુખ્ય કારણ
 
સોના ચાંદીના ભાવમાં આ ઘટાડો માત્ર સ્થાનિક બજાર પૂરતો નથી, પરંતુ તેની પાછળ આંતરરાષ્ટ્રીય બજારોમાં આવેલો કડાકો કારણભૂત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 1200 ડોલર પ્રતિ ઔંસના સ્તરને તોડીને નીચે ગઇ છે.
 
કોમેક્સ પર સોનાની કિંમત છેલ્લા બે દિવસમાં લગભગ 40 ડોલર ઘટી છે. હાલ કોમેક્સ પર સોનું 24 ડોલર (2%) ઘટીને 1,175 ડોલરની સપાટી પર ચાલે છે. જ્યારે ભારતમાં એમસીએક્સ પર સોના વાયદો રૂ.250 ઘટીને રૂ.26,350 પર છે. છેલ્લા બે દિવસમાં એમસીએક્સમાં સોનાનો ભાવ રૂ.765 જેટલો ઘટ્યો છે. હાજર બજારમાં દિવાળીથી અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં રૂ.1,500 સુધીનો કડાકો આવ્યો છે.
 
દિવાળીથી અત્યાર સુધીમાં સોનામાં રૂ.1,500 સુધીનો ઘટાડો
 
દિવાળીના દિવસે 99.9 ટકા શુદ્ધ સોનાની કિંમત રૂ.27,900 પ્રતિ 10 ગ્રામ હતી. આજે દિલ્હીના હાજર બજારમાં સોનાનો ભાવ રૂ.26,400ની આસપાસ ચાલી રહ્યો છે. આમ, ભાવનો તફાવત આશરે રૂ.1,500 જેટલો છે. અમદાવાદમાં ઝવેરી બજારમાં ભાવ રૂ.26,800ની આસપાસ છે, જે ગઇ કાલે રૂ.27,450 હતો.

બે દિવસમાં ચાંદીમાં રૂ. 2,400નો ઘટાડો
 
 ચાંદીની કિંમતમાં પાછલા બે દિવસમાં રૂ.2,400નો ઘટાડો આવ્યો છે. ઓક્ટોબર 2010 પછી પ્રથમવાર ચાંદી રૂ. 3,6000ના સ્તરે આવી છે.
એમસીએક્સ પર ચાંદીનો ડિસેમ્બર વાયદો સાંજે ચાર વાગ્યે 875 રૂપિયા ઘટીને રૂ.35,700ના નીચા સ્તરે ગયો હતો, જે 29 ઓક્ટોબર, 2010 પછી પહેલીવાર જોવા મળેલી સપાટી છે. 
 
ચાંદીના ભાવ ક્યાં સુધી ઘટી શકે?
 
કોટક કોમોડિટીના ધર્મેશ ભાટિયાના મતે, આગામી ત્રણ માસમાં ચાંદીનો ભાવ રૂ.33,000 પ્રતિ કિલો સુધી ગબડી શકે છે. જો આ સ્તર પણ તૂટશે તો રૂ.28,000ની કિંમત જોવા મળી શકે છે એમ તેમનું માનવું છે.
 
સોના-ચાંદીમાં ઘટાડાના કારણો
 
યુએસ ફેડે બુધવારે રાત્રે તેના QE3 રાહત પેકેજને બંધ કરવાની જાહેરાત કરી હતી. તેનો અર્થ એ છે કે અમેરિકાનું અર્થતંત્ર સુધારા પર છે, તેથી સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં ખરીદી ધીમી પડી ગઇ છે. તેના કારણે કોમેક્સમાં સોનાની કિંમતો ઘટી રહી છે.
 
ગુરુવારે અમેરિકન ડોલર ઇન્ડેક્સ વધીને ત્રણ સપ્તાહના ઊંચા સ્તરે ગયો હતો. તેથી સોનાની કિંમતો પર દબાણ આવ્યું હતું. હાલ ડોલર ઇન્ડેક્સ 0.10 ટકા વધીને 86.50 પર ટ્રેડ કરે છે. તેથી સોનાની કિંમતો પર દબાણ છે.
 
ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં તેજી ચાલે છે. ભારતમાં સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે તેમના સર્વોચ્ચ સ્તરોએ ઊછળ્યા છે. નિફ્ટી પ્રથમવાર 8,200ની સપાટીને કૂદાવી ગયો છે. તેથી સોના-ચાંદીમાં રોકાણ અને ખરીદી માટે રોકાણકારોનું વલણ નરમ બન્યું છે. તેના લીધે આ ધાતુઓમાં ઘટાડાનું વલણ છે.
 
સોનું હજુ કેટલું ઘટશે, રોકાણકારોએ શું કરવું
 
એમએમસીના રવિ સિંહના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 1150 ડોલર સુધી અને સ્થાનિક બજારમાં રૂ.25,800 પ્રતિ 10 ગ્રામ સુધી ઘટી શકે છે. તેમણે કહ્યું કે ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી, સોનામાં રોકાણની માગ ઘટવાથી અને SPDRના ગોલ્ડ હોલ્ડિંગમાં સતત ઘટાડો થવાથી સોનાની કિંમતોમાં મોટો ઘટાડો આવ્યો છે.
 
ઉદ્યોગો માટે રાહતજનક સમાચાર
 
પીસી જ્વેલર્સના એમડી બલરામ ગર્ગનું માનવું છે કે સોનાની કિંમતોમાં ઘટાડો આવ્યો હોવાથી તેની માગ વધી શકે છે, જે હાજર બજારો માટે સારી ખબર છે. તેમણે કહ્યું કે લગ્નની મોસમ પહેલા આ ઘટાડો આવ્યો હોવાથી લોકો તરફથી ખરીદી નિકળી શકે છે.
 

No comments:

Post a Comment