Friday, November 7, 2014

સોનુ 15 દિવસમાં રૂ.2000 ઘટયું, ગમે ત્યારે 25,000ની નીચે જઇ શકે

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની કિંમત ઘટી જવાથી અને અમેરિકન અર્થતંત્રમાં સુધારો આવવાના સંકેતોના પગલે ડોલર ઇન્ડેક્સ તેજીમાં છે અને તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. તેના કારણે સોનાના ભાવ ઘટી રહ્યા છે. આગામી સમયમાં આ પીળી ધાતુ તેની ચમક ગુમાવી શકે છે.
 
સોનુ 15 દિવસમાં રૂ.2000 ઘટયું, ગમે ત્યારે 25,000ની નીચે જઇ શકેઅગ્રણી કંપની એબીએન એમરોએ એક રીપોર્ટમાં જણાવ્યું છે કે ડોલર મજબૂત થવાથી આ વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત ઘટીને 1,100 ડોલર પ્રતિ ઔંસ થવાની અને આગામી વર્ષમાં 800 ડોલર સુધી ગબડવાની શક્યતા છે. જો આવું થશે તો સ્થાનિક બજારમાં આવતા વર્ષે સોનાનો ભાવ રૂ.20,000 પ્રતિ 10 ગ્રામ જોવા મળી શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 1,140 ડોલરની નીચે છે. કોમેક્સમાં શુક્રવારે સવારે તે 0.84 ટકા ઘટીને 1,133 ડોલર પર ચાલતું હતું, જે સાડા ચાર વર્ષની નવી નીચી સપાટી છે. એપ્રિલ, 2010 પછી આ સૌથી નીચી સપાટી છે.
 
15 દિવસમાં સોનામાં 2,000 અને ચાંદીમાં 4,000નો ઘડાડો
 
વિદેશી બજારમાં સોનાની કિંમતમાં તીવ્ર ઘટાડો આવવાથી ભારતમાં હાલ લગ્નોની મોસમ શરૂ થઇ હોવા છતાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો છે. દિવાળીના દિવસે સોનાની કિંમત રૂ.27,850 પ્રતિ 10 ગ્રામ હતી. તે 15 દિવસમાં રૂ.1,950 જેટલી ઘટીને રૂ. 25,900 પ્રતિ 10 ગ્રામ પર આવી ગઇ છે. સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં મોટો કડાકો આવ્યો છે. ચાંદીનો ભાવ દિવાળી વખતે રૂ.38,900 પ્રતિ કિલો હતો. તે આશરે રૂ.4,000 ઘટીને રૂ.35,000ની નીચે આવી ગયા છે.
 
વિદેશી બજારમાં સોનાની કિંમતમાં સતત ઘટાડો ચાલુ છે તેથી સ્થાનિક બજારમાં પણ  આગામી સમયમાં તેની કિંમત ઘટીને રૂ.25,000થી પણ નીચે જાય તો નવાઇ નહિ. બુધવારે હાજર સોનાનો ભાવ રૂ.25,900 પ્રતિ 10 ગ્રામ થયો હતો. શુક્રવારે સવારે એમસીએક્સમાં ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચર્સ રૂ.241 અથવા 0.95 ટકા ઘટીને રૂ.25,220 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતો હતો.

No comments:

Post a Comment