Tuesday, November 11, 2014

ઓસી.માં દોડશે 'મોદી એક્સપ્રેસ',બુકિંગ હાઉસફૂલ, પ્રવાસીઓને પીરસાશે ખમણ-ઢોકળા


ઓસી.માં દોડશે 'મોદી એક્સપ્રેસ',બુકિંગ હાઉસફૂલ, પ્રવાસીઓને પીરસાશે ખમણ-ઢોકળા વડાપ્રધાન નરેન્દ્રી મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈને ત્યાં વસતા ભારતીયોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોદી સિડની ઓલિમ્પિક પાર્ક ખાતે ભારતીય સમુદાયને સંબોધન કરશે. મોદીના આ કાર્યક્રમની તમામ 21,000 ટિકિટો વેચાઈ ગઈ છે. એટલું જ નહીં કાર્યક્રમ સ્થળ પર પહોંચવા માટે એક આખી ટ્રેન બૂક કરવામાં આવી છે. જે પણ હાઉસફૂલ થઈ ગઈ છે. મેલબોર્નથી સિડની રૂટ પર દોડતી આ ટ્રેનને 'મોદી એક્સપ્રેમ' નામ આપવામાં આવ્યું છે. 

ઇન્ડિયન ઓસ્ટ્રેલીયન કોમ્યુનિટી ફાઊન્ડેશન પીએમ મોદીના કાર્યક્રમ તૈયારીઓ કરી રહી છે.  આયોજકોના જણાવ્યા પ્રમાણે ટ્રેનમાં ગુજરાતી વાનગીઓ ખમણ, ઢોકળા અને થેપલા પીરસવામાં આવશે. આ ટ્રેન ઓસ્ટ્રેલીયન સમય પ્રમાણે તારીખ 16મી નવેમ્બર, સાંજે 8.30 વાગ્યે મેલબોર્નથી ઉપડશે. જે 870 કિલોમિટરનું અંતર કાપી બીજા દિવસે સવારે 7.30 વાગ્યે સિડની પહોંચાડશે. આયોજકોએ ટ્રેનનું બૂકિંગ ફૂલ થઈ જવાના કેસમાં ટ્રેનમાં વધારાની બોગીઓ પણ જોડવાની તૈયારી બતાવી છે.

આયોજકોના દાવા પ્રમાણે ટ્રેનની ફક્ત 25 જ ટિકિટ બાકી રહી છે. આયોજકોએ ટ્રેનનું બૂકિંગ ફૂલ થઈ જશે તો વધારાની બોગી જોડવાની વ્યવસ્થા કરવાની પણ તૈયાર દર્શાવી છે. એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે આ વિશેષ ટ્રેનને લીલી ઝંડી કોણ આપશે એ લોકો માટે 'સરપ્રાઈઝ' બની રહેશે. એટલું જ નહીં, 'મોદી એક્સપ્રેસ'ના સ્વાગત માટે 'સરગમ મ્યુઝીકલ' નામનું ગુજરાતી મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા ખાસ કાર્યક્રમ યોજશે. અને ઢોલ-નગારાનો કાર્યક્રમ આપશે.

મહત્વપૂર્ણ છે કે મોદી 15-18 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. મોદી 15 અને 16 નવેમ્બરના રોજ બ્રિસ્બેન ખાતે આયોજિત G-20 સમિટમાં ભાગ લેવા જવાના છે. છેલ્લે 1986માં રાજીવ ગાંધીએ ભારતના વડાપ્રધાન તરીકે ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી. બાદમાં કોઇ પણ ભારતીય વડાપ્રધાને ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી ન હતી. આમ, લગભગ 28 વર્ષો બાદ પહેલીવાર કોઇ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે.

No comments:

Post a Comment