Thursday, May 12, 2016

અક્ષય તૃતીયાના દિવસે પણ સોનું ના ઝળક્યું

દુષ્કાળની લપેટમાં આવેલા ગ્રામીણ ભારતમાં સોનું ખરીદવા માટે રસ ઘટતાં અક્ષય તૃતીયાએ સોનું ઝળકવામાં નિષ્ફળ રહ્યું હતું. પાછલા વર્ષની તુલનાએ આ વર્ષે સોનાના વેચાણમાં 40 ટકા કરતાં પણ વધારે ઘટાડો નોંધાયો હતો.

સોનાના ભાવમાં 11 ટકાના વધારાના કારણે શહેરી વિસ્તારોમાં તથા મેટ્રો શહેરોમાં વેચાણ ફ્લેટ જળવાઈ રહ્યું હતું. સોમવારે સોનાની કિંમત 10 ગ્રામ દીઠ રૂ.30,200ની આસપાસ હતી જેની સરખામણીએ પાછલા વર્ષે આ દિવસે ભાવ રૂ.27,000 હતો, તેમ જ્વેલર્સ અને બુલિયન ડીલર્સ જણાવે છે.

પૂણે સ્થિત પીએનજી જ્વેલર્સના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ ગાંગુલીએ જણાવ્યું હતું કે, "અમે અક્ષય તૃતીયાના દિવસે સારા વેચાણની અપેક્ષા રાખી હતી કેમ કે આ તહેવાર અગાઉ વીક-એન્ડ આવતો હતો. અમારે ત્યાં મુલાકાતી વધ્યા હતા, પરંતુ વેચાણમાં વધારો થયો ન હતો. સોનાના ઊંચા ભાવ સાથે ૪૨ દિવસ ચાલેલી હડતાળ તથા બજારમાં નકારાત્મક વાતાવરણે આ વખતે સોનાના વેચાણ પર અસર કરી હતી. હાલમાં ફક્ત હળવું વજન ધરાવતી જ્વેલરી ચાલી રહી છે."

મૂલ્યની દૃષ્ટિએ જોઈએ તો જ્વેલર્સ થોડી વૃદ્ધિ નોંધાવી શકશે કારણ કે સોનાની કિંમતમાં વધારો થયો છે, પરંતુ વોલ્યુમના સંદર્ભમાં વધારે વૃદ્ધિ નથી. પોપ્લી એન્ડ સન્સના ડિરેક્ટર રાજીવ પોપ્લી જણાવે છે કે, "જે લોકોએ અગાઉ આભૂષણોનું બુકિંગ કરાવ્યું હતું તેમણે અક્ષય તૃતીયાએ ડિલિવરી લીધી હતી.

જોકે, અમે વેચાણમાં મોટો ઉછાળો નોંધાવ્યો નથી. વેચાણ સ્થિર જળવાઈ રહ્યું હતું તથા તે પાછલા વર્ષની અક્ષય તૃતીયાની સમકક્ષ હશે. લોકો પાંચ ગ્રામના સોનાના સિક્કાની વધારે ખરીદી કરી રહ્યા છે."

કોલકાતા સ્થિત સેન્કો ગોલ્ડના મેનેજિંગ ડિરેક્ટર સુવાંકર સેને પણ જણાવ્યું હતું કે, "વોલ્યુમના સંદર્ભમાં જોતાં અમે મોટો ઉછાળો નોંધાવ્યો ન હતો. વધુમાં, આ અક્ષય તૃતીયાએ અમારી મુખ્ય ચિંતા માલના ભરાવાને દૂર કરવાની હતી જે હડતાળના કારણે અમારા શોરૂમ્સ પર ખડકાયો હતો."

જોકે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલને આ બાબતનો આનંદ છે કે જ્વેલર્સ દ્વારા બિઝનેસ શરૂ કરવાની સાથે ગ્રાહકોમાં ખરીદીનો રસ પરત ફર્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એમડી પીઆર સોમાસુંદરમે જણાવ્યું હતું કે, "અમે માનીએ છીએ કે સોના તરફ ગ્રાહકોમાં રોકાણના એક સાધન તરીકે અભિગમ હકારાત્મક જળવાયો છે તથા સોનાના બજાર માટે લાંબા ગાળાનો ખ્યાલ અકબંધ રહ્યો છે."જ્વેલર્સ માટે ચિંતાની મુખ્ય બાબત એ છે કે, ગ્રામીણ ભારતમાં સોનાની માંગમાં વધારો થઈ રહ્યો નથી જે કુલ વેચાણમાં 60 ટકા હિસ્સો ધરાવે છે.

No comments:

Post a Comment