Thursday, June 2, 2016

શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન

- જન્મદાતા માતાના અંતિમ દિવસોની સાક્ષી....

જન્મદાતા અને જીવનદાતા માતાને આંખ સામે અસહ્ય પીડામાંથી પસાર થતી જોવી અને અંતે મૃત્યુ પામતી જોવી એ હચમચાવી નાંખતી ઘટના છે

મા, તને
હોસ્પિટલની બેડ પર સફેદ ચાદર
પાથરી છે
એકપણ સળ ન પડે
એની કાળજી રાખી છે
ઓપરેશન થિયેટરમાંથી બહાર લવાયેલા
તારા અર્ધજાગ્રત દેહને
કાળજીપૂર્વક બેડ પર સૂવડાવું છું
અને ઊપસી આવે છે
અસંખ્ય સળ
તારા દેહ પર !!!
*
હોસ્પિટલમાં
તારી બાજુના પલંગ પર આડો પડયો છું
ને જોયા કરું છું તને
તારા હાથમાં
તારા નાકમાં
તારા મોઢામાં
તારા... તારા...
આ તે શરીર કે
નળીઓનું જાળું !
તું હજી થોડા દિવસ વધુ...
એટલે ખોસી છે તારા શરીરમાં નળીઓ.
નળીઓમાંથી
જતા-આવતા
પ્રવાહીને જોતાં-જોતાં
ક્યારે આંખો બંધ થઈ
એની ખબર પણ ના પડી.
એ દિવસે આવ્યા ભગવાન
ફુરસદ મળી એટલે...
મારા સ્વપ્નમાં.
એ દિવસે કંઇ વધારે પ્રસન્ન દેખાયા અને
મને વરદાન માગવા કહ્યું
મેં તારી સામું જોયું
અને મેં માંગ્યું તારું...
'ધડામ'-બારણું ખોલી
નર્સ રૃમમાં પ્રવેશી.
કરોળિયાના જાળામાંથી
નર્સ એક પછી એક
નળીઓ
દૂર કરી રહી છે
જતું - આવતું પ્રવાહી સ્થિર થઇ ગયુ છે !
- ધ્વનિલ પારેખ
તમે કશુંજ ના કરી શકો અને આંખ સામે સ્વજનને મૃત્યુ પામતા જોતા રહો એના જેવી બીજી કોઇ લાચારી નથી. મેં એક હૃદયરોગના નિષ્ણાત ડોકટરને પૂછ્યુંહતું કે તમારા જીવનમાં તમારું જ્ઞાાન તમને કામ નથી આવી રહ્યું એવી કોઇ લાચાર સ્થિતિ અનુભવી છે ? અને તેમણે કહ્યું કે હા, મારા કુટુંબના બે વડીલોનો જીવનદીપ આંખ સામે બુઝાતો જતો હતો, મોનીટર ઉપર હું બધું જોઇ રહ્યો હતો અને હું કશું જ કરી શકું તેમ નહોતો. બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. હું સ્તબ્ધ હતો. લાચાર હતો. ધ્વનિલ પારેખની કવિતા જા તને... આ જ સંદર્ભમાં રચાયેલી કવિતા છે.
જન્મદાતા અને જીવનદાતા માતાને આંખ સામે અસહ્ય પીડામાંથી પસાર થતી જોવી અને અંતે મૃત્યુ પામતી જોવી એ હચમચાવી નાંખતી ઘટના છે. સ્વજન ગમે તે ઉંમરે મૃત્યુ પામે મૃત્યુનો આઘાત મોટો જ હોય છે. આજના સમયમાં મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલોના જમાનામાં ક્યારેક તો એવું લાગે છે કે મૃત્યુ વધારે અઘરું બનીને મળતું હોય છે. માતાને સંબોધીને લખાયેલું આ કાવ્ય કવિતા તો પછી છે. સૌથી પહેલું તો માતા અને પુત્ર વચ્ચેનો એક તરફી સંવાદ છે. સફેદ રંગ એટલે જ જાણે મૃત્યુનો એવું ક્યાંક મનના ખૂણે પડેલું જ છે. માતાના ઓપરેશન પછી તેને હોસ્પિટલની સફેદ ચાદર પાથરેલી પથારીમાં કાળજીપૂર્વક સૂવડાવવામાં આવે છે. ચાદર ઉપર એક પણ સળ નથી પડયા. એક પણ સળ ન પડે તેની કાળજી રાખવામાં આવી છે પરંતુ ઓપરેશન પછી અર્ધજાગ્રત દેહ ઉપર અસંખ્ય સળ પડી ગયેલા છે. જીંદગીના અનુભવોના, શરીરની પીડાના, વીતી ગયેલા એક-એક વર્ષના.
ધ્વનિલ પારેખ ગુજરાતી ભાષામાં અત્યારે જે સશક્ત કલમો પ્રવૃત્ત છે તેમાંનું એક નામ છે. સમર્થ ગદ્યકાર પિતા રવિન્દ્ર પારેખનો વારસો તેના સાહિત્ય સર્જનમાં જોવા મળે છે. તેનો એક ખૂબ ગમતો ેશેર જોઇએ.
દરિયો ભલેને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
ગુજરાતી ભાષાના ઉત્તમ મત્લાઓમાંનો આ એક મત્લા છે. દરિયો અપાર હોય છે. અફાટ હોય છે. નદીઓ સૂકાય દરિયો કદી સૂકાતો નથી હોતો. પરંતુ દરિયાની પાસે તે અપાર પાણી છે એ તેનું નથી નદીઓનું ઉધાર લીધેલું છે. સાવ સરળ આ બે પંક્તિઓ સોંસરી ચોટ કરનારી છે. ધ્વનિલ ઓછું લખેછે પણ આછું નથી લખતો.
માંદગી આવવી એ જ કુટુમ્બ માટે મોટી ઝઝૂમનારી ઘટના હોય છે. અને એથીયે વધારે ઝઝૂમવાનું હોય છે દર્દી સાથે રહેતા અંગત સ્વજને. માતાની બાજુના પલંગે પુત્ર સૂતો છે. સૂતો નથી માત્ર આડો પડયો છે. એટલે કે જાગતો સૂતો છે અને માતાને જોઇ રહ્યો છે. માના હાથમાં, નાકમાં, મોઢામાં જુદી-જુદી નળીઓ, ટયૂબ નાંખવામાં આવી છે. શરીર જાણે શરીર નથી રહ્યું નળીઓનું જાળું બની ગયું છે. અને આ બધા જ પ્રયત્નો એ થોડાક વધુ દિવસ જીવે તે માટેના છે. કવિ જ્યારે એમ કહે છે કે જરા થોડાક વધુ દિવસ માટે માંદગીની ગંભીરતાનો આપણને ખ્યાલ આવી જાય છે કે આ બધાને અંતે નવું જીવન નથી મળવાનું. થોડાક વધારે દિવસો આવી જ પીડા સાથે જીવવાનું બનવાનું છે. ઘણી બીમારીઓ એવી છે જેમાં સ્વજનનું આયુષ્ય લંબાય અને તેની સાથે પીડા અને યાતનાઓ ય લંબાતા હોય છે. પુત્ર સૂતો-સૂતો શરીરમાં ખોસેલી નળીઓને જુવે છે. નળીઓમાંથી જતા-આવતા પ્રવાહીઓને જુવે છે અને ઉજાગરાથી ભરેલો થાક્યો પાક્યો ઝોકે ચડી જાય છે. ઊંઘી જાય છે. ક્યારે આંખો બંધ થઇ એ ખબર જ નથી પડતી. આ પંક્તિ કવિતામાં એવી રીતે મૂકાઇ છે કે આ પંક્તિ ચૂકી જઇએ તો કોની આંખો બંધ થઇ એ જલ્દી સમજાય  તેવું નથી.
પુત્રની આંખ ઉજાગરાઓને અંતે એકબાજુ મીંચાઇ છે એ જ ઊંઘમાં ભગવાનને ય ફૂરસદ મળી છે એટલે સ્વપ્નમાં દર્શન દેવા આવ્યા છે. આમ તો ભગવાન પણ ઉદાસીના દિવસોમાં ઉદાસ જ દેખાતા હતા. આજે કંઇક વધારે પ્રસન્ન દેખાય છે. ભગવાન વરદાન માંગવા કહે છે. કવિ માતાની આંખ સામે જુવે છે. ભગવાન પાસે માતાનું જીવન માંગવા જાય છે પણ... જીવન બોલી નથી શકાતું ત્યાં તો અચાનક ધડામ કરતું બારણું પછાડીને નર્સ રૃમમાં આવે છે. માતા અવસાન પામી છે. પુત્રને સમજવામાં અને જોવામાં વાર ન લાગી.
કરોળિયાના જાળા જેવી શરીરમાં ખોસેલી નળીઓ નર્સે એક પછી એક દૂર કરી. જતું - આવતું પ્રવાહી સ્થિર થઇ ગયું હતું. પુત્રની આંખ એક ક્ષણ માટે મીંચાઇ એ જ ક્ષણે માતાની પણ આંખ મીચાઇ હતી. જાણે થાકેલા પુત્રને માતાએ છેલ્લીવાર સૂવડાવીને પોતાની આંખ સદા માટે મીંચી લીધી. નર્સે તો આવીને ફટાફટ નળીઓ ખેંચી કાઢી છે. એને તો ફરી સળ વગરની ચાદર પાથરવાની છે. ફરી કોઇ એક પેશન્ટ દાખલ થવા આવવાનું છે. ફરી એક કોઇ પુત્ર ઈશ્વર પાસે માતાનું જીવન માંગતા - માંગતા ઊંઘમાંથી જાગી જવાનો છે. સમગ્ર કવિતાની અંદર માતા - આંખ મીંચાવી - સ્વપ્ન - જાગી જવું - અને સદાકાળ માટે મીંચાયેલી માતાની આંખ આ બધું જ કવિતાનાં શબ્દોની પાછળ ઊભેલું છે. કવિતાને અંતે આપણે પણ સ્થિર થઇ જઇએ છીએ. થીજી જઇએ છીએ.

No comments:

Post a Comment