Monday, September 19, 2016

મ્યુચ્યુઅલ ફંડ્સે ઈક્વિટીમાં રૂ.11,600 કરોડનું ભંડોળ ઠાલવ્યું

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં મ્યુચ્યુઅલ ફંડ્સે ભારતીય ઈક્વિટી માર્કેટમાં રૂ.11,600 કરોડનું મૂડીરોકાણ કર્યું છે. નાના રોકાણકારોની સક્રિયતા વધતાં મ્યુ.ફંડ્સે આ સફળતા હાંસલ કરી છે.

2014માં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા રૂ.24,000 કરોડ અને 2015માં રૂ.70,000 કરોડનું રોકાણ થયું હતું તેની સરખામણીમાં 2016માં અત્યાર સુધીમાં કરવામાં આવેલા રોકાણની ગતિ તેજ જણાય છે.

સોનામાં તેમજ રિયલ્ટી જેવા ક્ષેત્રોના ખરાબ દેખાવને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોથી રોકાણકારો ઈક્વિટી તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે, તેમ બજાજ કેપિટલ ગ્રુપના સીઈઓ અને ડિરેક્ટર અનિલ ચોપરાએ જણાવ્યું હતું.

આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ જ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે તેના ફોલિયોમાં 11 લાખ રોકાણકારો ઉમેર્યા છે. આ સાથે ઓગસ્ટ સુધીમાં ઈક્વિટી ફોલિયોની સંખ્યા 3.7 કરોડની સપાટી વટાવી ગઈ છે.

નાના રોકાણકારોનો રસ વધ્યો હોવાથી સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનના માધ્યમમાંથી મ્યુ ફંડ્ઝમાં રોકાણ વધ્યું હોવાનું બજાર નિષ્ણાતોનું માનવું છે.

સેબી દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડા પ્રમાણે જાન્યુઆરી-સપ્ટેમ્બર, 2016 સુધીમાં મ્યુચ્યુઅલ ફંડ્સ મેનેજરો દ્વારા કુલ રૂ.11,608 કરોડનું મૂડીરોકાણ થયું છે.

સમીક્ષા હેઠળના ગાળામાં ફંડ મેનેજરોએ ડેટ માર્કેટમાં પણ રૂ.2.50 લાખ કરોડનું રોકાણ કર્યું છે.

No comments:

Post a Comment