Saturday, November 27, 2010

માવઠાને પગલે કોટન નિકાસકારોને પરેશાની

કમોસમી વરસાદે કોટન ટ્રેડર્સની તમામ ગણતરી ઊંધી વાળી દીધી છે. વિક્રમ પાકની ધારણાએ 55 લાખ ગાંસડીના નિકાસ કોન્ટ્રેક્ટ્સ માટે ધસારો કરનાર નિકાસકારો હવે તેમની જવાબદારી અદા કરવામાં પરેશાની અનુભવી રહ્યા છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા અગ્રણી કપાસ ઉત્પાદક રાજ્યોમાં માવઠાને કારણે કપાસની આવકમાં અવરોધને જોતાં 15 ડિસેમ્બરની સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સમયમર્યાદામાં 100 ટકા નિકાસ કમિટમેન્ટ પૂર્ણ થાય તેવી શક્યતા વર્તુળો જોઈ રહ્યા નથી. હાલમાં નિકાસકારો ગુજરાતમાં સારી ગુણવત્તાના માલ માટે ગાંસડી દીઠ રૂ. 3,000 નું પ્રીમિયમ ચૂકવી રહ્યા છે.

હજુ સુધી નિકાસકારો માત્ર 15 લાખ ગાંસડીની નિકાસ કરી ચૂક્યા છે. જ્યારે હજુ સુધી 40 લાખ ગાંસડીની નિકાસ કરવાની બાકી છે.

હવામાનમાં આવેલા ઓચિંતા ફેરફારને કારણે કપાસના પાકને અસર થઈ છે.કમોસમી વરસાદ પાછળ હાલમાં સારા માલની અછત જોવા મળી રહી છે અને નિકાસકારો માટે ગુજરાતમાં ગુણવત્તાવાળા માલ મેળવવામાં તકલીફ અનુભવી રહ્યા છે. એમ અમદાવાદ સ્થિત કોટન પોર્ટલ કોટન ટ્રે ઇન્ડિયાના તુષાર શેઠ જણાવે છે.

વૈશ્વિક બજારમાં ગુજરાતની સંકર- 6 વેરાઇટીની ઊંચી માંગ જોવા મળે છે. સંકર- 6 વેરાઇટી મજબૂત તાંતણા માટે પસંદ કરવામાં આવે છે. ઉપરાંત ગુજરાતમાં જીનિંગ અને પ્રેસિંગ થયેલો માલ અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછું કન્ટેમિનેશન ધરાવતો હોય છે. હાલમાં ખરીદદારો મહારાષ્ટ્રની સરખામણીમાં ગુજરાતમાં રૂ. 3,000 જેટલું પ્રીમિયમ ચૂકવીને માલ ખરીદી રહ્યા છે.

ગુરુવારે નિકાસકારોએ રૂ. 44,200-44,500 ના ભાવે તત્કાળ ડિલિવરીની ખરીદી કરી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં ભાવ રૂ. 42,500-42,800 જોવા મળતા હતા. અગાઉ ગયા સપ્તાહે કપાસના ભાવે સ્થાનિક બજારમાં રૂ. 47,000 ની સર્વોચ્ચ સપાટી બનાવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઇન્ટરનેશનલ કોમોડિટી એક્સ્ચેન્જ ખાતે ડિસેમ્બર ડિલિવરી ફ્યુચર 155 સેન્ટ્સ પ્રતિ પાઉન્ડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

સારી આવકની તંગી જોતાં નિકાસકારો તેમના નિકાસ કમિટમેન્ટ્સ પૂરા કરવામાં નિષ્ફળ જવાની પૂરતી શકયતા છે. '' એમ શેઠ જણાવે છે. ગુજરાત ખાતે હાલમાં આવક ગયા સપ્તાહની 65,000 ગાંસડી પરથી ઘટીને 25,000 ગાંસડી થઈ ગઈ છે. મોટા ભાગના માર્કેટ યાર્ડ્સે રવિવાર સુધી કામકાજ બંધ રાખ્યાં છે. ગુરુવારે માત્ર ત્રણ માર્કેટ યાર્ડ - જસદણ , અમરેલી અને વાંકાનેર - ખાતે કામકાજ ચાલુ રહ્યાં હતાં.

દેશમાં પણ આવક 2.5 લાખ ગાંસડીથી ઘટીને 1.4 લાખ ગાંસડી રહી ગઈ છે . ગયા વર્ષે દિવસે 2.5 લાખ ગાંસડીની આવક રહી હતી એમ વર્તુળો જણાવે છે . હવે વરસાદ થમ્યો છે અને ઉઘાડ નીકળ્યો છે . તેને જોતાં આવકમાં ધીરે - ધીરે વૃદ્ધિ જોવા મળી શકે છે .એમ રાજકોટ સ્થિત કોટન બ્રોકર જણાવે છે .

જોકે નિકાસકારો 55 લાખ ગાંસડીની નિકાસને લઈને પૂરતી શંકા સેવી રહ્યા છે . 15 ડિસેમ્બર સુધીમાં 32-35 લાખ ગાંસડીથી વધુની નિકાસ થાય તેવું નથી જણાતું .એમ રાજકોટ સ્થિત ફેમ કોટનના એમડી આકાશ ચાપડિયા જણાવે છે .

વરસાદને કારણે કપાસ પલળી ગયો છે અને હાલની આવકોમાં ભેજનું પ્રમાણ ખૂબ ઊંચું છે અને જીનર્સ જોઈતું ઉત્પાદન મેળવી શકતા નથી . સામાન્ય રીતે 8-9 ટકા ભેજની સામે હાલમાં 13-14 ટકા ભેજ જોવા મળી રહ્યો છે.

No comments:

Post a Comment