નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ લાંચ આપીને લોન લેવાની ગેરરીતિ ફરી ઊભી ન થાય એ માટે જાહેર ક્ષેત્રની બેન્કોને આપેલા દિશાસૂચન તેમજ રૂ. 50 કરોડથી વધુ રકમની લોનનું આકરું મૂલ્યાંકન કરવાના નિર્ણયથી પ્રોજેક્ટ્સમાં વિલંબ થશે અને ડેવલપર્સ ખાનગી ફંડ્સ તરફ વળશે. નવી લોનને મંજૂરી આપવાની બાબતમાં બેન્કર્સે સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી બિલ્ડર્સને રોકડની સ્થિતિ સુધારવા ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડશે. જેને કારણે ઊંચા ભાવને કારણે રહેઠાણની ખરીદી ટાળી રહેલા લોકોને ફાયદો થશે. ભંડોળની અછતને કારણે પ્રોજેક્ટના અમલીકરણમાં વિલંબની શક્યતા હોવાની આશંકાએ ડી બી રિયલ્ટીમાં 10 ટકા , ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટમાં 5.2 ટકા , ડીએલએફમાં 3.8 ટકા અને યુનિટેકમાં છ ટકાનો ઘટાડો નોંધાયો હતો. સીબીઆઇ દ્વારા બુધવારે લોનની મંજૂરી આપવા સામે લાંચ લેવાના મુદ્દે આઠ ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ્સની ધરપકડથી સિસ્ટમને લગતું કોઈ જોખમ ઊભું થતું નથી. કારણ કે બેન્કર્સ અને સરકારી અમલદારોના જણાવ્યા અનુસાર કૌભાંડની રકમ ઘણી નાની છે. તેને જરૂર કરતાં વધુ મહત્ત્વ મળી રહ્યું છે. નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે , બેન્કો અને નાણા સંસ્થાઓએ નોન-પરફોર્મિંગ એસેટ્સ પરની દેખરેખ અને મેનેજમેન્ટ વધુ મજબૂત બનાવવું જોઈએ. જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિને ઝડપથી પકડી યોગ્ય પગલાં ભરી શકાય. બેન્ક ઓફ ઇન્ડિયાના એક અધિકારીએ કહ્યું હતું કે , તમામ મોટી લોન ખાસ કરીને બિલ્ડર્સને આપવામાં આવેલા ધિરાણની હવે તપાસ કરાશે. લોનની ગુણવત્તા વિશે શંકા જણાશે તો લોન પાછી પણ ખેંચવામાં આવે તેવી શક્યતા છે. જોકે , અત્યારે એવી કોઈ ચિંતા નથી અને એટલે હાલ અમે લોન પાછી ખેંચવાનું પગલું નહીં ભરીએ.ફાઇનાન્સ ક્ષેત્રના એક્ઝિક્યુટિવ્સની ભ્રષ્ટાચાર અને ટ્રાન્ઝેક્શન અંગેની માહિતીથી બેન્કિંગ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. જેમના એક્ઝિક્યુટિવ્સની ધરપકડ કરવામાં આવી છે એવા બેન્ક ઓફ ઇન્ડિયા , સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા , એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સે જણાવ્યું હતું કે , તેઓ નિર્ધારિત નિયમોનું પાલન કરે છે અને તેનું ઉલ્લંઘન સંબંધિત અધિકારી પૂરતું મર્યાદિત હોઈ શકે. એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સની પેરન્ટ કંપનીના ચેરમેન ટી એસ વિજયને કહ્યું હતું કે , જે કંઈ થયું છે તેના કારણે કંઈ પણ એનપીએ બનવાની શક્યતા નથી .સીબીઆઇએ કહ્યું હતું કે , એલઆઇસી હાઉસિંગના ધરપકડ કરાયેલા સીઇઓ રામચંદ્રન્ નાયરે કૌભાંડમાં બોર્ડના અન્ય સભ્યોના સમાવેશની વાત કબૂલી છે એવું ટાઇમ્સ નાઉ ન્યૂઝ ચેનલે જણાવ્યું હતું . તેણે જણાવ્યું હતું કે , ધરપકડ કરાયેલા એક્ઝિક્યુટિવ્સમાંથી કેટલાકની વાત ટેપ પણ કરવામાં આવી છે . જોન્સ લાંગ લાસાલે ઇન્ડિયાના ચેરમેન અને કન્ટ્રી હેડ અનુજ પુરીએ કહ્યું હતું કે , ડેવલપર્સને ધિરાણ કરતી વખતે વધુ પડતી સાવચેતી રાખવાના નિર્ણયના પ્રત્યાઘાત પડશે . ધિરાણ વધુ મોંઘું બનશે અને ધિરાણ મેળવવાની પ્રક્રિયા વધુ લાંબી બનશે . કારણ કે બેન્કો તેમની ચકાસણીનો સ્તર વધુ આકરું બનાવશે. |
No comments:
Post a Comment