Monday, December 6, 2010

ચાલુ વર્ષે 37 IPOsમાં રોકાણકારોએ નાણાં ગુમાવ્યા

બજારમાં સામાન્ય રીતે તેજી છવાયેલી રહી હોવા છતાં કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં આવેલી 62 પબ્લિક ઈશ્યૂમાંથી 37 માં રોકાણકારોએ નાણાં ગુમાવ્યા છે.

ખાસ કરીને સ્મોલકેપ અને મિડકેપ કંપનીઓના પબ્લિક ઈશ્યૂના લિસ્ટિંગ બાદ તરત તેમાં રોકાણકારોનો રસ ઓસરી ગયો હોવાનું નોંધાયું છે. રોકાણકારોએ ઓફર્સની ગુણવત્તા તેમજ કિંમતને લગતી ચિંતાઓને ધ્યાનમાં લઈને નફો બુક કરી લેવાનું પસંદ કર્યું હતું.

ઉપરાંત થોડા સમય પહેલા લિસ્ટિંગ પામેલી કેટલીક કંપનીઓના નામ તાજેતરના કૌભાંડો અને વિવાદો સાથે સંકળાતા સેન્ટિમેન્ટને વધુ અસર થઈ હતી.

કેટલાંક ઈન્વેસ્ટમેન્ટ બેકર્સ કબૂલે છે કે અનેક ઈશ્યૂઓની ઊંચી કિંમત રાખી હતી કારણ કે બજારની તેજીને કારણે પ્રમોટરોને તેના ખરીદદારો મળી રહેવાની આશા હતી.

આવા સૌથી ઘટેલા શેરોમાં એસ્ટર સિલિકેટનો શેર ટોચે છે. શેર તેની ઓફર પ્રાઈસથી 71 ટકા નીચા ભાવે છે. મુંબઈ શેરબજારમાં રજૂ કરેલા ત્રિમાસિક પરિણામ અનુસાર સ્પેશ્યલાલિટી કેમિકલ્સ કંપનીએ સપ્ટેમ્બર , 2010 ના ક્વાર્ટરમાં તેના ચોખ્ખા નફામાં 81 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાવ્યો હતો અને તેનું વેચાણ 18 ટકા ઘટ્યું હતું.

આવા અન્ય નોંધપાત્ર ઉદાહરણોમાં તીરુપતિ ઈન્ક્સ , ઈમ્પિ પોલિમર્સ , ડીબી રિયલ્ટી , તારાપુરપ ટ્રાન્સફોર્મર્સ અને કેન્ટાબિલ રિટેલ્સનો સમાવેશ થાય છે. તિરુપતિ ઈન્ક્સમાં પહેલી ઓક્ટોબરે તેના લિસ્ટિંગના દિવસે વિદેશી ફંડોએ ભારે વેચવાલી કરી હતી. શેર તેની ઓફર કિંમત રૂપિયા 43 ની સરખામણીમાં 25 ટકા પ્રીમિયમથી લિસ્ટ થયો હતો અને પછીના દિવસોમાં તે તીવ્ર રીતે ઘટ્યો હતો. શુક્રવારે શેર 4.94 ટકા ઘટીને 15.40 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો.

આવી રીતે ઈન્ડોસોલર , ઓરિયેન્ટ ગ્રીન , માઈક્રોસેક ફાયનાન્શિયલ અને પ્રેસ્ટિજ એસ્ટેટ એવી કેટલીક કંપનીઓ છે જેમના લિસ્ટિંગ વખતે વિદેશી ફંડોએ ભારે વેચાણ કરતાં શેર્સ તેમની ઓફર પ્રાઈસ કરતાં ઘણાં નીચા આવી ગયા હતા.

બજાજ કેપિટલના ગ્રુપ સીઈઓ અનિલ ચોપ્રાએ જણાવ્યું હતું કે , વર્તમાન વર્ષના મોટા ભાગની ઈશ્યૂઓની કિંમત ઘણી ઊંચી હતી અને તેથી રોકાણકારો માટે ખાસ કંઈ બચ્યૂ હતું. લિસ્ટિંગ પછી બજાર શેરની યોગ્ય કિંમત શોધી લેતું હોય છે. તેથી ભાવ ઘટતાં લિસ્ટિંગના નફામાં ધોવાણ થાય છે.

No comments:

Post a Comment