અપેક્ષાથી ઉમદા દેખાવ કરતાં ઓક્ટોબરમાં ઔદ્યોગિક ઉત્પાદન આંક ( IIP) વધીને 10.8 ટકા નોંધાયો હતો. સપ્ટેમ્બરમાં IIP માત્ર 4.4 ટકા જ હતો. ઓટો મોબાઈલ , ઈલેક્ટ્રોનિક ગૂડ્ઝ અને પાવર ક્ષેત્રની સારી કામગીરીને પગલે બે મહિનાના લાંબા ગાળા બાદ ઔદ્યોગિક ઉત્પાદન આંકમાં દ્વીઅંકી વૃદ્ધિ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉના આજ સમયગાળા દરમિયાન દેશનો ઔદ્યોગિક ઉત્પાદન આંક 10.1 ટકા નોંધાયો હતો. જુલાઈમાં 15 ટકાની સપાટી વટાવી ગયેલો IIP ઓગસ્ટમાં ઘટીને 6.91 ટકા થઈ ગયો હતો અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં તે વધુ ઘટીને માત્ર 4.4 ટકા નોંધાયો હતો. હાલનો IIP નો વૃદ્ધિદર અર્થતંત્રમાં ફરી ચેતનાનો સંચાર થયો હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે , તેમ કાર્યક્રમ અમલીકરણ પ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલે જણાવ્યું હતું. સરકારના જણાવ્યા અનુસાર શિપ બિલ્ડિંગ , પાવર ઈક્વિપમેન્ટ અને જનરેટર્સના ક્ષેત્રે સારી કામગીરીને પગલે IIP માં સુધારો જોવાયો છે. આ ઉપરાંત વાહનો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ઉત્પાદનમાં વધારાને કારણે પણ દેશનો ઔદ્યોગિક ઉત્પાદન આંક વધ્યો છે. સરકારે જારી કરેલા IIP ના આંકડા અનુસાર ઓક્ટોબરમાં ઉત્પાદન ક્ષેત્રમાં 11.3 ટકા , વીજળીના ઉત્પાદનમાં 8.8 ટકાની વૃદ્ધિ જોવા મળી છે જે , અગાઉના વર્ષના આજ સમયગાળા દરમિયાન અનુક્રમે 10.8 ટકા અને 4 ટકા હતી. જોકે , સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન માઈનિંગ ક્ષેત્રનો દેખાવ કથળ્યો હતો. અગાઉના વર્ષના આજ સમયગાળાના 9.1 ટકા સામે આ વખતે માઈનિંગ ક્ષેત્રે માત્ર 6.5 ટકાનો વૃદ્ધિ દર જોવા મળ્યો હતો. કેપિટલ ગૂડ્ઝમાં ઓક્ટોબરમાં 22 ટકાનો નોંધપાત્ર વૃદ્ધિ દર જોવા મળ્યો હતો. |
No comments:
Post a Comment