Saturday, January 1, 2011

પબ્લિક ઓફર્સમાં રોકાણ કરનારાઓને 2010 ફળ્યું

જે રોકાણકારોએ 2010 માં શેર ઇશ્યૂ કરનારી કે લિસ્ટ થયેલી કંપનીઓમાં રોકાણ કર્યું હતું તેમને 2007 માં લિસ્ટિંગ કરાવનારી કંપનીઓમાં રોકાણની સરખામણીમાં વધુ ફાયદો થયો હતો. છેલ્લે 2007 માં માર્કેટનું મૂલ્ય સારું હતું , પરંતુ 2010 માં લિસ્ટ થયેલી કંપનીઓનો દેખાવ તેના કરતા પણ ચઢિયાતો હતો તેમ ઇટી ઇન્ટેલિજન્સ ગ્રૂપનો એક અભ્યાસ દર્શાવે છે.

2007 ની સરખામણીમાં 1010 માં ટકાવારીની દષ્ટિએ વધુ રોકાણકારોએ તેમના રોકાણના મૂલ્યમાં વૃદ્ધિ જોઇ છે તેમ અભ્યાસ જણાવે છે. જોકે ચાલુ વર્ષે લિસ્ટ થયેલી દર ત્રણમાંથી માત્ર એક કંપની તેના ઇશ્યૂ ભાવથી ઊંચા ભાવે ટ્રેડ થાય છે જ્યારે 2005 માં દર પાંચમાથી એક કંપની (માત્ર 20 ટકા)ના શેર ઇશ્યૂ ભાવથી ઉપર રહી શક્યા હતા.

કેર રેટિંગ્સના ડી આર ડોગરાએ જણાવ્યું હતું કે , 2007 ની સરખામણીમાં માર્કેટ અત્યારે વધુ પરિપક્વ છે. 2007 માં દરેક ઇશ્યૂ છલકાતો હતો. 2010 માં પબ્લિક ઇશ્યૂની ગુણવત્તા પણ સારી હતી. આ વર્ષે સરકારી માલિકીની કંપનીઓના ઘણા સારા ઇશ્યૂ આવ્યા હતા.

ચાલુ વર્ષમાં લિસ્ટિંગ કરાવનારી જાહેર ક્ષેત્રની કંપનીઓમાં કોલ ઇન્ડિયા અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. ગુજરાત પીપાવાપ , ઓબેરોય રિયલ્ટી , સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ , વી એ ટેક વેબેગ અને આઇએલ એન્ડ એફએસ ટ્રાન્સપોર્ટ જેવી મોટી ખાનગી સેક્ટરની કંપનીઓએ પણ ચાલુ વર્ષમાં લિસ્ટિંગ કરાવ્યું હતું.

રોકાણકારોએ બેન્કમાં નાણાં મૂકીને જે વળતર મેળવ્યું હોત તેના કરતા પબ્લિક ઇશ્યૂમાં રોકાણથી ઘણો વધારે નફો મેળવ્યો હતો.

જોકે દરેક રોકાણકારને તેમાં ફાયદો થયો છે એવું નથી. 2010 માં લિસ્ટ થયેલી માત્ર 34 ટકા કંપનીઓના શેર ઇશ્યૂ ભાવથી ઊંચી સપાટીએ ચાલે છે. 2007 માં આ આંકડો તેનાથી પણ ખરાબ હતો જ્યારે તે વર્ષમાં લિસ્ટેડ માત્ર 20 ટકા કંપનીઓના શેર પોઝિટીવ રહ્યા હતા.

અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ઈશ્યૂ ભાવ કરતા ઊંચા ભાવે સ્ટોક એક્સ્ચેન્જ પર લિસ્ટ થનારી કંપનીઓનું પ્રમાણ પણ આ વર્ષે સારું છે. 2007 માં 62 ટકા નવી કંપનીઓએ ઇશ્યૂ ભાવ કરતા ઊંચા ભાવે લિસ્ટિંગ કરાવ્યું હતું જ્યારે ચાલુ વર્ષે 64 ટકા કંપનીઓએ લિસ્ટિંગ વખતે જ ફાયદો કરાવ્યો હતો.

આ અભ્યાસમાં એવી કંપનીઓને જ સામેલ કરવામાં આવી છે જેના ઇશ્યૂ ઓક્ટોબરના અંત સુધીમાં આવ્યા હતા જેથી તેમના ભાવની મૂવમેન્ટ સ્થિર થાય અને ભાવનો વધુ વિસ્તૃત ઇતિહાસ જાણી શકાય.

નવા ઇશ્યૂએ આ વર્ષમાં સારો દેખાવ કર્યો હતો , પરંતુ ભૂતકાળમાં આઇપીઓમાં રોકાણ કરીને આંગળા દઝાડનારા રોકાણકારો માટે વર્ષ સારું ન હતું . ભવિષ્યના ઇશ્યૂમાં વિવિધતાસભર રોકાણકારોને આકર્ષવા માગતા મર્ચન્ટ બેન્કર્સ માટે પણ તે એક પડકાર હતો .

આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ રવિ સરદાનાએ જણાવ્યું હતું કે , વધુ પબ્લિક હિસ્સેદારી માટે બેન્કર્સ રસ્તા શોધી રહ્યા છે જેમાં રિટેલ સેગમેન્ટને ડિસ્કાઉન્ટ આપવું , રોડ શો યોજવા અને પબ્લિક માટે ઇશ્યૂને વધુ એક દિવસ માટે ઓપન રાખવાના ઉપાય સામેલ છે.

No comments:

Post a Comment