Wednesday, January 5, 2011

ગુજરાતમાં નાનાં વિમાનોનું ઉત્પાદન થશે

અમદાવાદ : એન્જિનિયરિંગ સેક્ટરમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતા ગુજરાતમાં માઇક્રોલાઇટ એરક્રાફટ અને પ્રાઇવેટ કમ્યુટર એરક્રાફટનું ઉત્પાદન થશે. ગુજરાતની નેલટેક અને ગાયરો એરક્રાફટ કંપની આ માટે રાજ્ય સરકાર સાથે વાટઘાટ કરી રહી છે. રાજ્યમાં એવિયેશન સેક્ટરના છ પ્રોજેક્ટમાં રૂ. 1,255 કરોડનાં નવાં રોકાણ આવશે.

ગુજરાતમાં એવિયેશન સેક્ટરમાં મોટા પ્રોજેક્ટ મેળવવા ગુજરાત સરકારે અગાઉ કેટલીક કંપનીઓ સાથે મંત્રણા કરી હતી. નેલ ટેક કંપની રૂ. 600 કરોડના ખર્ચે ટુ સીટર એરક્રાફટ બનાવવાનો પ્રોજેક્ટ વડોદરામાં સ્થાપશે.

ગાયરો એરક્રાફટ કંપની રૂ. 250 કરોડના ખર્ચે સ્પોર્ટિંગ એરક્રાફટ બનાવશે જે હેલિકોપ્ટર અને નાના પ્લેનનું હાઈબ્રિડ મોડલ હોય છે અને તેનો ઉપયોગ નજીકના સ્થળે ઓછી જગ્યામાં પણ લેન્ડ કરી શકાય તેવા સ્થળે જવા માટે કરી શકાય છે. આ કંપની એક વર્ષમાં 250 એરક્રાફટ બનાવવાની ક્ષમતા ધરાવશે.

આ ઉપરાંત રાજ્યની પ્રથમ એવિયેશન ઇન્સ્ટિટ્યૂટ એમ-પાવર એનર્જી ઇન્ડિયા લિમિટેડ એવિયેશન સેક્ટરમાં એકેડેમિક અને એજ્યુકેશન સર્વિસ આપશે. હાલમાં દહેરાદૂન અને દક્ષિણ ભારતમાં હાજરી ધરાવતી આ કંપની રૂ. 200 કરોડના ખર્ચે સંસ્થા સ્થાપશે.

નાઇડ્સ પ્રાઇવેટ લિમિટેડ રાજ્યના નાના એરપોર્ટ કે એર સ્ટ્રીપ પર એરોસ્પોટ્સને લગતી પ્રવૃત્તિ કરશે. એબીજે એવિયેશન નામની કંપની ફિક્સ બેઝ ઓપરેશન (એફબીઓ) નાના એરપોર્ટ પર સર્વિસ આપશે. ગુજરાત સરકાર જે નાના એરપોર્ટ વિકસાવવા જઈ રહી છે , તેના ભાગરૂપે બેથી ત્રણ સ્થળો પર આ એફબીઓ સેવા શરૂ કરશે , જેમાં કંપની રૂ. 100 કરોડનું રોકાણ કરશે.

No comments:

Post a Comment