Friday, February 11, 2011

ટેક્સ હેવન્સ પર ઊંચો કર ઝીંકવા ભારતની વિચારણા

ભારતીય કરચોરો વિશે માહિતી ન આપતા દેશો સામે ટેક્સને લગતા પ્રતિબંધ ઝીંકવાની દરખાસ્ત પર ભારત સરકાર વિચારણા કરી રહ્યું છે.

ટેક્સ પ્રતિબંધના ભાગરૂપે આવા દેશો સાથે બિઝનેસ જોડાણ ધરાવતા ભારતીય કરદાતાઓ અને કંપનીઓ પર ઊંચો ટેક્સ બોજ લાદી શકાય છે અને તેમના માટે દસ્તાવેજના નિયમો પણ કડક બની શકે છે.

ટેક્સની ભાષામાં આવા દેશો ' સહકાર ન આપતા વિસ્તાર ' ( નોન-કોઓપરેટિવ જ્યુરિસડિક્શન્સ) ગણવામાં આવે છે.

કરચોરી રોકવા માટે સરકાર દ્વારા રચવામાં આવેલી નિષ્ણાતોની એક પેનલે આ દરખાસ્તો ઘડી છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સમિતિનો અહેવાલ નાણામંત્રાલયને મોકલવામાં આવ્યો છે જેથી બજેટમાં તેના પર વિચારણા થઈ શકે.

આ દરખાસ્તો એવા સમયે આવી છે જ્યારે કરચોરો દ્વારા વિદેશમાં છુપાવાયેલાં કાળાં નાણાંની માહિતી મેળવવા સરકાર પર ભારે દબાણ છે. જોકે , કોઈ પણ દેશને સહકાર ન આપતો વિસ્તાર જાહેર કરવા માટે સરકારને કાનૂની આધારની જરૂર પડે છે. તેનો એક ઉપાય આવકવેરા ધારામાં જરૂરી ફેરફાર કરવાનો છે.

નિષ્ણાતોની સમિતિએ ભલામણ કરી છે કે કરચોરી શોધવામાં મદદ ન કરતાં રાષ્ટ્રોમાં વેપાર કરતા લોકો પર વધુ ટેક્સ લાદવામાં આવે. આવી કંપનીઓના ટ્રાન્ઝેક્શન પર ટ્રાન્સફર પ્રાઇસિંગ ઓડિટ પણ લાગુ થશે.

ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ (ઓઇસીડી) દ્વારા ઘડવામાં આવેલા માહિતીના આદાનપ્રદાનનાં ધોરણોનું પાલન ન કરતા દેશોને સહકાર ન આપતો વિસ્તાર ગણવામાં આવશે. તકનીકી રીતે જે ટેક્સ હેવને ભારત સાથે માહિતીના આદાનપ્રદાનના કરાર કર્યા હોય , પરંતુ ઓઇસીડીના નિયમોનું પાલન કરતું ન હોય તેની સામે ટેક્સ પ્રતિબંધ લાદી શકાય છે. ટેક્સ હેવન્સ પર ઊંચો કર ઝીંકવા ભારતની વિચારણા

No comments:

Post a Comment