Tuesday, March 8, 2011

માર્કેટથી વધુ રિટર્ન અપાવવા સક્ષમ બેન્ક શેર્સ

શેરબજારની વચગાળાની તેજી ટૂંક જીવી નીવડી શકે છે એવી ધારણાએ સ્ટોક ટ્રેડર્સ નવો દાવ ખેલી રહ્યા છે. કારણ કે ક્રૂડના વધી રહેલા ભાવ જોતા શેરોના ભાવ વધશે કે તરત વેચવાલી આવશે.

ડેરિવેટિવ વિશ્લેષકો જણાવે છે કે સંસ્થાકીય રોકાણકારો ઊંચા સ્તરોએ કોલ રાઇટિંગ કરીને (વેચીને) તગડાં પ્રીમિયમ ખિસ્સાભેગું કરી રહ્યા છે જ્યારે બેન્ક નિફ્ટી પર લોંગ પોઝિશન લઈ રહ્યા છે , કારણ કે નજીકના ગાળામાં તે બજારમાં ચડિયાતો દેખાવ બતાવી શકે છે.

ઊંચો ફુગાવો , તરલતાની તંગ પરિસ્થિતિ અને વ્યાજ દરો વધવાની શક્યતાને પગલે છેલ્લા ત્રણ મહિનામાં બેન્ક શેરોના ભાવ નબળા પડ્યા હતા. પરંતુ બેન્કર્સના જણાવ્યા અનુસાર , એપ્રિલમાં ભંડોળની માંગ ઘટશે ત્યારે તરલતાની સ્થિતિમાં સુધારો થશે. આ ઉપરાંત બેન્કો લોનધારકો પર ઊંચો વ્યાજ દરો નાખી શકશે તેથી બેન્ક કાઉન્ટર્સ સુધરશે.

ટ્રેડરો આઇસીઆઇસીઆઇ બેન્ક , એસબીઆઇ , આઇડીબીઆઇ , બેન્ક ઓફ બરોડા અને ઓબીસી જેવા શેરોમાં લોંગ ફ્યુચર્સ પોઝિશન લઈ રહ્યા છે. બ્રોકરેજ કંપની , આઇએલએફએલ ઇન્ડિયાના એવીપી-ડેરિવેટિવ્ઝ , મનોજ મુરલીધરને જણાવ્યું હતું કે , બેન્ક નિફ્ટીમાં 10,600-10,650 ના સરેરાશ સ્તરે છેલ્લા બે દિવસમાં સારું લોંગ બિલ્ડ અપ જોવા મળ્યું છે. અમે ધારીએ છીએ કે બેન્ક નિફ્ટી ટૂંકા ગાળામાં ચડિયાતું પ્રદર્શન કરશે અને 11,500 ના સ્તર સુધી વધશે.

ગુરુવારે બેન્ક નિફ્ટી 0.27 ટકા વધીને 10,914.50 પર બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી ફ્યુચર્સના ઓપન ઇન્ટરેસ્ટમાં લગભગ 70,000 શેરનો ઉમેરો થયો હતો , જ્યારે નિફ્ટી ફ્યુચર્સના ઓપન ઇન્ટરેસ્ટમાં લગભગ 4.5 લાખ શેર ઘટ્યા હતા. કેટલાક ટ્રેડર્સ નિફ્ટી કોલ ઓપ્શન વેચી રહ્યા છે અને પ્રીમિયમમાં મેળવેલા નાણાંનો ઉપયોગ બેન્ક નિફ્ટીમાં લોંગ કરવામાં કરી રહ્યા છે.

બજારમાં અન્ય ઘણા લોકો અલગ ટ્રેડિંગ વ્યૂહરચના અપનાવી રહ્યા છે. તેમાં ટ્રેડર્સ નિફ્ટી રેન્જ બાઉન્ડ રહેવાની ધારણાએ 5,700 ના કોલ ઓપ્શન્સ અને 5300 ના પુટ ઓપ્શન્સ વેચી રહ્યા છે. આ પદ્ધતિ ' શોર્ટ સ્ટ્રેન્ગલ ' તરીકે ઓળખાય છે.

શોર્ટ સ્ટ્રેન્ગલ વ્યૂહરચનામાં સમાન એક્સપાયરીમાં નીચી સ્ટ્રાઇકના પુટ ઓપ્શન અને ઊંચી સ્ટ્રાઇક પ્રાઇસના કોલ ઓપ્શન વેચવામાં આવે છે .

No comments:

Post a Comment