Thursday, January 12, 2012

ચાલુ કેલેન્ડર વર્ષમાં સોનુ નવી ટોચ રચશે

લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) દ્વારા 26 નિષ્ણાતોને આવરીને કરવામાં આવેલા સર્વેમાં 2012
માં સોનુ નવી વિક્રમી સપાટી બતાવે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે. સર્વેમાં સામેલ કરાયેલા કુલ 26 માંથી 19 પ્રતિવાદીઓએ ચાલુ કેલેન્ડર વર્ષમાં સોનુ ઔંસદીઠ 2000 અમેરિકન ડોલરની સપાટીએ પહોંચશે તેવી ધારણા દર્શાવી છે.

તેમણે ચાલુ વર્ષે સોનાનો ભાવ 2011 ના 1572 ડોલરની સરખામણીમાં ઔંસદીઠ સરેરાશ 1766 ડોલરની સપાટીએ જળવાઈ રહેવાની પણ ધારણા કરી છે.

સપ્ટેમ્બર મહિનામાં સોનાનો ભાવ વધીને ઔંસદીઠ 1920.30 અમેરિકન ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. પીળી ધાતુના ભાવમાં 2011 માં સતત 11 માં વર્ષે 10 ટકાથી વધુનો વધારો જોવાયો હતો.

LBMA ના કોમર્શિયલ ડાયરેક્ટર રુથ ક્રોવેલે જણાવ્યું હતું કે , આ સર્વેમાં ભાગ લેનારા તમામ પ્રતિવાદીઓએ ચારેય મેટલના ભાવમાં વર્તમાન સ્તરથી વધારો થવાની આશા વ્યક્ત કરી હતી.

વાસ્તવિક સરેરાશ ભાવ સાથે 2012 ના સરેરાશના અંદાજની સરખામણી કરતાં જણાય છે કે 2012 માટે કિંમતી ધાતુ માટે એનાલિટ્સ ખાસ બુલિશ જણાતા નથી , તેમ તેમણે જણાવ્યું હતું.

યુરોઝોન સંકટ , કરન્સીની ઉથલ-પાથલ અને મધ્યસ્થ બેન્ક દ્વારા થઈ રહેલી સોનાની ખરીદી વગેરે જેવા પરિબળો સોના પર બુલિશ અસર પાડી શકે છે.

ગેસોલિન પાવર્ડ વાહનોમાં કેટાલિટિક કન્વર્ટર તરીકે વપરાતી પેલેડિયમની ચીન જેવા ઓટો ઉત્પાદક દ્વારા મજબૂત માંગ જોવા મળે તેવી સંભાવના છે.

આ સર્વે અનુસાર આગામી દિવસોમાં ચાંદીમાં સંઘર્ષ જોવા મળે તેવી શક્યતા છે. 2012 માટે આ સર્વેમાં ચાંદીના ભાવમાં ગત વર્ષના 35.11 ડોલરની સરખામણીમાં ઔંસદીઠ સરેરાશ 33.98 ડોલરના ભાવનો અંદાજ બાંધવામાં આવ્યો છે.

LBMA વધુમાં જણાવ્યું હતું કે તે જાન્યુઆરીના મધ્યભાગમાં આ સર્વેનું સંપૂર્ણ પરિણામ અને આ સર્વેમાં ભાગ લેનારા નિષ્ણાતોની ટિપ્પણીઓને તેની વેબસાઈટ પર મૂકશે

No comments:

Post a Comment