Friday, August 22, 2014

આણંદ: વિધાનસભા ચૂંટણી માટે BJPમાં ઉમેદવારી માટે ભાંજગડ સર્જાઈ

આણંદ વિધાનસભાની પેટાચૂંટણી માટે પ્રદેશ નિરિક્ષકો આવતાં ભાજપના કાર્યકરો, હોદ્દેદારો ઉમટી પડયાં તે તસવીર

આણંદ માટે નગરસેવકથી નગરશેઠ સુધીની દાવેદારી
ભાજપના પ્રદેશ નિરીક્ષકોની મેરેથોન બેઠક: ૩૮ દાવેદારોને સાંભળવામાં આવ્યાં

આણંદ: આણંદ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના મેન્ટેડ પરથી ચૂંટણી લડવા માટે થનગનતાં મૂરતિયાંઓની આજે પ્રદેશ નિરિક્ષકોએ કસોટી કરી હતી. સવારથી લઇ સાંજ સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં ૩૮થી વધુ વ્યક્તિએ દાવેદારી કરી હતી. જેઓને સાંભળવામાં આવ્યાં હતાં. જોકે, આખરી નિર્ણય ૨૩મી બાદ જાણવા મળશે. આણંદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપના ઉમેદવારની પસંદગી માટે મોવડીઓએ કવાયત હાથ ધરી છે.

આ કવાયતના ભાગરૂપે ગુરુવારના રોજ પ્રદેશ નિરીક્ષકની ટીમ આણંદ આવી હતી. જેઓની સમક્ષ ઉમેદવારી માટે ૩૮થી વધુ વ્યક્તિએ દાવેદારી કરી હતી. વિદ્યાનગર જીઆઈડીસીના એલિકોન હોલ ખાતે યોજાયેલી બેઠકમાં સવારથી સાંજ સુધી ઉમેદવારોને સાંભળવામાં આવ્યાં હતાં. મેરેથોન બેઠકમાં પસંદગી પણ મોવડી માટે મુશ્કેલ બની ગઇ હતી.

આણંદ વિધાનસભા બેઠકમાં ભાજપ તરફથી લડવા માટે નગરસેવકથી લઇ નગરશેઠ સુધીની વ્યક્તિએ દાવેદારી કરી હતી. ભાજપના નાનામા નાના કાર્યકરથી લઇ છેક જિલ્લાકક્ષાના આગેવાનો, હોદ્દેદારોએ પણ પોતાના નામો મૂક્યાં હતાં. આ ઉપરાંત ઉદ્યોગપતિઓ, વેપારીઓ, પૂર્વ પ્રમુખો, નિવૃત્ત અધિકારી, પૂર્વ ધારાસભ્યનો પણ તોટો નહોતો.
 
કોના પર કળશ ઢોળાશે ?

આણંદ વિધાનસભા બેઠક માટે પ્રદેશ નિરિક્ષક તરીકે ભરતભાઈ બારોટ, જયશ્રીબહેન પટેલ, જીતુભાઈ સુખડીયાએ આગેવાની લીધી હતી. આ ટીમ દાવેદારોને સાંભળ્યાં બાદ રિપોર્ટ તૈયાર કરશે. જે જિલ્લા સંગઠન સાથે ચર્ચા કરી રિપોર્ટ ૨૩મી ઓગસ્ટના રોજ પ્રદેશ પાર્લામેન્ટરી ર્બોડમાં મુકશે. જેનાં આધારે ઉમેદવારની આખરી પસંદગી થશે.

 

No comments:

Post a Comment