Friday, December 12, 2014

આવતી કાલે ૧૦૦૦મા વીકમાં પ્રવેશતી DDLJનું ભવ્ય સેલિબ્રેશન

મરાઠા મંદિરમાં આવતી કાલે ૧૦૦૦ વિક્રમી વીક પૂરાં કરી રહેલી દુનિયાની એકમાત્ર ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નું ગ્રૅન્ડ સેલિબ્રેશન રાખવામાં આવ્યું છે તો સાથોસાથ યશરાજ ફિલ્મ્સે જે થિયેટરમાં ૧૦૦૦ વીક પૂરાં થઈ રહ્યાં છે એ મરાઠા મંદિરના આવતી કાલે સાંજના ૬ અને ૯ વાગ્યાના બે શો બુક કરી લીધા છે. બુક કરવામાં આવેલા આ બન્ને શો દરમ્યાન ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને ઇન્ટરવલ દરમ્યાન ફંક્શન રાખવામાં આવ્યું છે.આ ફંક્શનમાં શાહરુખ ખાન હાજર રહેશે. શાહરુખ ફિલ્મના એક ગીત પર પર્ફોર્મ કરશે અને જે મેમોરેબલ ડાયલૉગ છે એ પણ ઇન્વાઇટ કરવામાં આવેલા ગેસ્ટની સામે પ્રેઝન્ટ કરીને સૌને ૨૦ વર્ષ પાછળ લઈ જશે. આ ફંક્શનમાં શાહરુખના હાથે મરાઠા મંદિરના મનોજ દેસાઈનું ટ્રોફી આપીને સન્માન કરવામાં આવશે.

આ સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ની પૂરી કાસ્ટને ઇન્વાઇટ કરવામાં આવી છે તો ફિલ્મ સાથે જોડાયેલા ટેક્નિશ્યનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્ક્રીનિંગ અને પાર્ટીનું જે ગેસ્ટ-લિસ્ટ છે એ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને યશ ચોપડાનાં મમ્મી પમેલા ચોપડા તથા રાની મુખરજી-ચોપડાએ બનાવ્યું છે જેમાં શાહરુખથી લઈને લાઇટમૅન અને ક્લૅપ-બૉય સુધ્ધાંને આમંત્રણ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે આદિત્ય ચોપડા સ્ટેજ પર આવવાનું કે માઇક પર બોલવાનું ટાળતા હોય છે, પણ આવતી કાલના ફંક્શનમાં તેઓ પોતાની પહેલી ફિલ્મ વિશે બોલે એવો આગ્રહ યશરાજ ફિલ્મ્સ અને ફિલ્મ સાથે સંકળાયેલા સૌકોઈએ રાખ્યો છે.

આવતી કાલના ગ્રૅન્ડ સ્ક્રીનિંગમાં જવા માટે આમ તો ફિલ્મ સાથે સંકળાયેલા તમામ ઍક્ટરે હા પાડી છે, પણ શાહરુખે આ આખા ફંક્શનને ફૅમિલી-ફંક્શન ગણી લીધું હોવાથી તેનું હાજર રહેવું કન્ફર્મ છે. એ ઉપરાંત અનુપમ ખેર, કિરણ ખેર, પરમિત શેટી પણ હાજર રહેવાનાં છે. કાજોલે ફંક્શનમાં આવવા માટે હા પાડી છે, પણ તેણે સ્ટેજ-પર્ફોર્મન્સ કે સ્પીચ આપવાની ના પાડી દીધી છે. એ ઉપરાંત આદિત્ય ચોપડાનો ખાસ ફ્રેન્ડ અને આ ફિલ્મથી ઍક્ટિંગ-ડેબ્યુ કરનારો પ્રોડ્યુસર-ડિરેક્ટર કરણ જોહર પણ ગ્રૅન્ડ સેલિબ્રેશનમાં હાજર રહેશે.

No comments:

Post a Comment