Friday, October 16, 2015

આણંદ: સરોગેટ મધર્સથી 1001 બાળકોને જન્મ, UK-USના યુગલોનો ધસારો

આણંદ: સરોગેટ મધર્સથી 1001 બાળકોને જન્મ, UK-USના યુગલોનો ધસારો- આણંદના આઈવીએફ સેન્ટરમાં 11 વર્ષમાં વિશ્વના 42 દેશનાં 750 યુગલે સરોગેસીથી સંતાનસુખ મેળવ્યું

આણંદ : મિલ્ક કેપિટલ આણંદ હવે સરોગેસી માટેનું પણ કેપિટલ બન્યું છે. આણંદના આંકાક્ષા આઇવીએફ સેન્ટરમાં સેરોગેટ મધર્સ થકી જન્મેલા બાળકોનો આંક 1001 પર પહોંચ્યો છે. 15-10-15ને ગુરુવારે મધ્યરાત્રિના 2 વાગ્યે બેંગ્લોરના એક યુગલના જોડિયા બાળકોને સરોગેટ મધરે જન્મ આપ્યો હતો. સંતાનસુખ વિહોણા દંપતિ માટે આશાનું એકમાત્ર કિરણ બનેલા ડો.નયનાબેન પટેલે અત્યાર સુધીમાં 750 યુગલોને સરોગેટ મધર થકી સંતાનસુખ આપ્યું છે.  ડો.નયનાબેન પટેલે જણાવ્યું હતું કે ‘એક સ્ત્રી જ બીજી સ્ત્રીનું દુ:ખ સમજી શકે છે.

નવ મહિના સુધી બીજી સ્ત્રીના બાળકને પોતાની કૂખમાં ઉછેરીને જન્મ આપવો એ સરોગેટ મધરની મહાનતા છે. વર્ષ 2004માં 18મી જાન્યુઆરીએ આણંદની એક માતા વિદેશમાં રહેતી પોતાની દિકરી માટે સરોગેટ મધર બન્યાં હતા. તેઓએ સરોગેસી થકી પુત્રીના જ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. વિશ્વના જુદા જુદા દેશોના સંતાનવિહોણા યુગલો બાળકની આશાને લઇને આણંદ આવવા લાગ્યા હતા. 15મી ઓક્ટોબર 2015ના રોજ એક સરોગેટ મધરે જોડિયા બાળકોને જન્મ આપતાં સરોગેસીથી જન્મેલા બાળકોનો આંક 1001 થયો હતો. અગિયાર વર્ષમાં વિશ્વના 42 દેશોના 750 યુગલોએ સરોગેસીથી સંતાનસુખ મેળવ્યું છે, જેનો તમામ શ્રેય હું સરોગેટ મધર્સને આપું છું.’
 
પ્રતિકાત્મક તસવીરયુકે અને યુએસએના યુગલોનો ધસારો વધુ

વિશ્વના જુદા જુદા દેશોમાંથી સંતાનવિહોણા યુગલો સંતાનની આશા લઇને આણંદમાં આવે છે. એમાં છેલ્લા કેટલાક સમયથી યુએસએ, યુકે અને કેનેડાના યુગલોનો ધસારો વધુ રહ્યો છે. સરોગેસી માટે આવતાં યુગલોમાં ભારતના એક તૃતીયાંશ, એનઆરઆઈ એક તૃતીયાંશ અને અન્ય વિદેશના હોય છે. આજે મને જે ગર્વનો અહેસાસ થાય છે તે સરોગેટ મધર્સને આભારી છે. તેમણે 750 યુગલોને સંતાનસુખ આપ્યું છે.  સરોગેટ મધર્સના સહકારથી અનેક પરિવારોમાં ખુશી આવી છે. - ડો. નયના પટેલ
 
સરોગેટને સ્વાવલંબી બનાવવા પ્રયાસ

આંકાક્ષા આઈવીએફ સેન્ટરની સરોગેટ મધર્સ અને તેમના પરિવારને સહાયરૂપ થવા આણંદના સરોગેટ ટ્રસ્ટની સ્થાપના કરાઈ હતી. ટ્રસ્ટ દ્વારા સરોગેસી બાદ સરોગેટ મધર્સને સ્વાવલંબી બનાવવા માટે વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ અપાય છે તેમ જ સંતાનોને દર વર્ષે સ્કૂલ બેગ, પુસ્તકો, નોટબુક્સ તેમજ સ્કોલરશિપ પણ અપાય છે.

No comments:

Post a Comment