ભારતીય શેરબજાર વર્ષ 2011 માં રેન્જ-બાઉન્ડ રહેશે તેવો અભિપ્રાય ટોચની એક બ્રોકિંગ કંપનીના અધિકારીએ બુધવારે વ્યક્ત કર્યો હતો. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર રામદેવ અગ્રવાલે જણાવ્યું હતું કે , અમારી ધારણા છે કે વર્ષ 2011 માં ભારતીય બજાર રેન્જ-બાઉન્ડ રહેશે. સ્થિર નફાવૃદ્ધિને જોતા બજારમાં ઘટાડો મર્યાદિત રહેશે પરંતુ તે સાથે કિંમતોને વધારના કારણોના અભાવે વધારો પણ મર્યાદિત જ રહેશે. બે વર્ષ વૃદ્ધિમાં વિરામ લીધા પછી ભારતનું કોર્પોરેટ સેક્ટર નાણાકીય વર્ષ 2011-12 માં 24 ટકાના સંયુક્ત વાર્ષિક વૃદ્ધિ દરે નફો કરશે તેવી શક્યતા છે એમ તેમણે જણાવ્યું હતું. ક્રૂડની કિંમતમાં થઈ રહેલા વધારાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે કોમોડિટીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેની સાથે સ્થાનિક સ્તરે સતતા ઊંચા ફુગાવાના કારણે આગળ જતા નફાવૃદ્ધિમાં ઓટ આવવાનું જોખમ વધશે. જોકે , જીડીપીમાં સાધારણ વૃદ્ધિની સરખામણીમાં નફા વૃદ્ધિ ઊંચી રહેશે. તેનો અર્થ એ થયો કે જીડીપીના સંદર્ભમાં કોર્પોરેટ નફો તળિયે જઇને ઉપર આવશે એમ અગ્રવાલે કહ્યું હતું. જોકે બજાર મૂડી-જીડીપીનો ગુણોત્તર અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરની નજીક છે. તેની સાથે સ્થાનિક સ્તરે તરલતાની ખેંચ પ્રવર્તે છે અને વ્યાજના દરો ઊંચા જઇ રહ્યા છે. બજારની કિંમતો સલામતીનો કોઇ ગાળો આપતો નથી એમ તેમણે કહ્યું હતું. બજારના ભાવિ સંજોગો વિશે બોલતા અગ્રવાલે કહ્યું હતું કે સેન્સેક્સનો નફો નવા વૃદ્ધિ ચક્રમાં છે , પરંતુ તેને કોમોડિટીઝની વધતી જતી કિંમતો અને ઊંચા ફુગાવાનો અવરોધ નડે છે. તેમણે કહ્યું હતું કે રાજકીય અને કોર્પોરેટ સંચાલન એક નવી ચિંતા બનીને સામે આવ્યું છે. જોકે ભારતની એકધારી ઊંચી આર્થિક વૃદ્ધિ વ્યાવસાયની ઝડપી વૃદ્ધિ માટેની સ્થિતિ સર્જશે , જે રોકાણ માટે આદર્શ સ્થળ બનાવશે. છેલ્લા એક દાયકામાં અર્થતંત્રમાં 2.25 ટ્રિલિયન ડોલરની બચત થઈ છે અને આગામી દાયકામાં તે વધીને 12 ટ્રિલિયન ડોલર થઈ જશે. અગરવાલે કહ્યું હતું કે , વર્ષ 2020 સુધીમાં 10 ટ્રિલિયન ડોલરની બચત ભારતીય નાણાકીય સેવા ક્ષેત્રમાં રોકાણની અનેક તક ઊભી કરશે. દરમિયાન , રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ , યુનિટેક અને હીરો હોન્ડાના શેરો અનુક્રમે સોથી મોટા , સોથી ઝડપી અને સૌથી સાતત્યપૂર્ણ સંપત્તિ સર્જકો રહ્યા હતા એમ મોતીલાલ ઓસ્વાલનો 15 મો વેલ્થ ક્રિયેશન સ્ટડી જણાવે છે . દેશની ટોચની 100 સંપત્તિ સર્જક કંપનીઓએ છેલ્લાં પાંચ વર્ષમાં રૂ . 26 લાખ કરોડની સંપત્તિ સર્જી હતી , જેમાં આરઆઇએલે રૂ . 2.6 લાખ કરોડનો ફાળો આપ્યો હતો. |
No comments:
Post a Comment