Friday, January 21, 2011

RIMની ગુપ્ત માહિતી લીક થયાની કેનેડાની ફરિયાદ

કેનેડાના હાઈ કમિશને ભારતના ગૃહ સચિવ જી કે પિલ્લાઈને ફરિયાદ કરી છે કે બ્લેકબેરી સ્માર્ટફોન કંપની રિસર્ચ ઇન મોશન ( RIM) દ્વારા સરકારને સુપરત કરવામાં આવેલી ગુપ્ત માહિતી પ્રસાર માધ્યમોમાં લીક થઈ રહી છે. પિલ્લાઈને લખેલા પત્રમાં કેનેડાના હાઈ કમિશનર સ્ટુવર્ટ બેકે જણાવ્યું હતું કે એ વાત ' સંપૂર્ણપણે ન માની શકાય તેવી ' છે કે રિમ તેમજ ગૃહ અને ટેલિકોમ મંત્રાલયોના અધિકારીઓ વચ્ચેની બેઠકની ગુપ્ત કાર્યનોંધ તાજેતરમાં ભારતના મીડિયામાં આવેલા ' હાનિકારક આર્ટિકલ્સ ' માટેનો સ્રોત છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે મીડિયા લીકથી 2008 ની શરૂઆતથી સુરક્ષા સંબંધિત મુદ્દે રિમ અને ભારત સરકાર વચ્ચેની ' સંવેદનશીલ મંત્રણામાં મુશ્કેલી ઊભી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે આ ' લીક ' મદદગાર નથી અને તેનાથી સંવેદનશીલ મંત્રણા માટે જરૂરી છે તેવા વિશ્વાસને અસર થાય છે. ઇટીએ 6 જાન્યુઆરીએ અહેવાલ આપ્યો હતો કે કંપનીએ ભારતની સુરક્ષા એજન્સીઓની ચિંતા દૂર કરવા માટે જાન્યુઆરી 2013 સુધી વધુ 18 થી 24 મહિનોનો સમય માંગ્યો છે. ભારતની સુરક્ષા એજન્સીઓ બ્લેકબેરીની કોર્પોરેટ ઇ-મેઇલ સર્વિસિસ માટે એન્ક્રિપ્શન કોડની માંગણી કરી રહી છે. કંપનીએ સરકારને આ વચગાળાના સમયગાળા સુધી તેની સર્વિસ પર પ્રતિબંધ ન મૂકવા જણાવ્યું હતું. આ અહેવાલ રિમ , ગૃહ અને ટેલિકોમ મંત્રાલયના અધિકારીઓ વચ્ચે 29 ડિસેમ્બરે યોજાયેલી કાર્યનોંધ આધારિત હતો. રિમ ત્રણ વર્ષથી ભારતની સુરક્ષા એજન્સીઓ સાથે લડત લડી રહી છે. સુરક્ષા એજન્સીઓ બ્લેકબેરીના કોમ્યુનિકેશન પર દેખરેખ રાખવાની ટેક્નોલોજી માંગી રહી છે. ગયા સપ્તાહે કંપનીએ મેસેન્જર સર્વિસ અને પબ્લિક ઇ-મેઇલ સર્વિસની દેખરેખ માટે ટેક્નોલોજી આપી હતી , પરંતુ કોર્પોરેટ ઇ-મેઇલ સર્વિસના દેખરેખ માટેની ટેક્નોલોજી ન હોવાનું જણાવ્યું હતું. કેનેડાના હાઈ કમિશનરે જણાવ્યું હતું કે રિમના ટોચના એક્ઝિક્યુટિવ સ્થિતિની સમીક્ષા કરવા નવી દિલ્હીની મુલાકાત ન લે ત્યાં સુધી ભારત સરકાર સાથેની હાલમાં ચાલી રહેલી તમામ મંત્રણાને મોકૂફ રાખવાની કંપનીએ તેના કર્મચારીઓને સૂચના આપી છે.

No comments:

Post a Comment