Monday, February 7, 2011

દાયકાનાં ટોપ-25 MFsમાં ભારતનાં આઠ ફંડ્સનો સમાવેશ

મુંબઈ : એસબીઆઇ મેગ્નમ કોન્ટ્રા , એચડીએફસી ઇક્વિટી અને રિલાયન્સ ગ્રોથ સહિત

આઠ ભારતીય ફંડ્સે છેલ્લા દાયકાનાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાં વિશ્વનાં 25 ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં સ્થાન મેળવ્યું છે એવી માહિતી ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ મોર્નિંગસ્ટારે આપી છે.


અર્થતંત્રની ઝડપી વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારના કુલ મૂલ્યમાં 10 ગણા વધારાનો આ ફંડ્સને લાભ મળ્યો છે. જેને કારણે આ ફંડ્સ રોકાણકારોને ઉત્કૃષ્ટ વળતર આપવામાં સફળ રહ્યાં છે.

આઠ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા દાયકામાં ચક્રવૃદ્ધિ ધોરણે 31 ટકાથી 38 ટકાની રેન્જમાં વૃદ્ધિ દર્શાવી છે. સેન્સેક્સે 10 વર્ષમાં 17.8 ટકાના ચક્રવૃદ્ધિ દરે વળતર આપ્યું છે. આ ગાળામાં રશિયાના આરટીએસે 28.6 ટકા અને ઇન્ડોનેશિયાના જેએસએક્સ કમ્પોઝિટે 24.4 ટકાનું વળતર આપ્યું છે.

મોર્નિંગસ્ટારે જણાવ્યું હતું કે , 15 વર્ષમાં ભારતની 12 ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાં વિશ્વનાં ટોચનાં 25 ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં સ્થાન મેળવ્યું છે.

મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ ધ્રુવ રાજ ચેટરજીએ કહ્યું હતું કે , રશિયા અને ઇન્ડોનેશિયાનાં શેરબજારે છેલ્લાં 10-15 વર્ષમાં આપણા કરતાં સારી કામગીરી દર્શાવી છે. જોકે , અન્ય દેશો પાસે વળતર હાંસલ કરવા ભંડોળ નહીં હોવાથી ટોચનાં 25 ફંડ્સની યાદીમાં ભારતીય ઇક્વિટી ફંડ્સે મોટી સંખ્યામાં સ્થાન મેળવ્યું છે.

ભારતીય શેરબજારનું કુલ કેપિટલાઇઝેશન ડિસેમ્બર 2010 માં ગયા દાયકના પ્રારંભના 148 અબજ ડોલરથી વધીને 1.6 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું છે. જોકે , છેલ્લાં પાંચ વર્ષમાં અથવા વર્ષ 2010 માં કોઈ ભારતીય ફંડે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ફંડ્સની યાદીમાં સ્થાન મેળવ્યું નથી.

છેલ્લાં પાંચ વર્ષમાં ટોપ- 25 ફંડ્સની યાદીમાં ચીન કેન્દ્રી ફંડ્સનું પ્રભુત્વ રહ્યું છે. સેન્સેક્સે ડિસેમ્બર 2010 માં પૂરા થયેલા પાંચ વર્ષમાં 16.9 ટકા અને વર્ષ 2010 માં 17.4 ટકાનું વળતર આપ્યું છે.

ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ડિસેમ્બર 2010 માં પૂરાં થયેલાં પાંચ વર્ષમાં 19.3 ટકા વધ્યો છે. જ્યારે વર્ષ 2010 માં તેમાં 14.3 ટકાનો ઘટાડો નોંધાયો છે.

એશિયામાં વર્ષ 2010 માં સૌથી ખરાબ પ્રદર્શન કરનારાં બજારોમાં ચીન મોખરે રહ્યું છે. ચીનનો શાંઘાઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ આ ગાળામાં 14 ટકાથી વધુ ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે , વર્ષ 2009 માં તેમાં 80 ટકાનો વધારો જોવા મળ્યો હતો એવી માહિતી મોર્નિંગસ્ટારે આપી હતી.

મોર્નિંગસ્ટારના અહેવાલમાં જણાવ્યા અનુસાર '' ચુસ્ત નાણાનીતિ , એસેટ બબલ પર અંકુશ માટે સરકારે લીધેલાં પગલાં (જેમાં રિયલ એસ્ટેટ માર્કેટ પર નિયંત્રણ) અને મોટી સંખ્યામાં આઇપીઓને કારણે થયેલા કેપિટલ ડાઇવર્ઝનની સૂચકાંક પર અસર પડી છે. સમગ્ર વર્ષમાં ચીનના અર્થતંત્રએ વૃદ્ધિ દર્શાવી હોવા છતાં શેરબજારમાં ઘટાડો નોંધાયો છે.

No comments:

Post a Comment