ચાલુ વર્ષે ડુંગળીના ખેડૂતો તેમના ઉત્પાદનનો ખર્ચ વસૂલ નહીં કરી શકે. અત્યારે ખેડૂતો ગયા વર્ષના ભાવની સરખામણીમાં 40 ટકા ઓછા ભાવે ડુંગળીનું વેચાણ કરી રહ્યા છે જ્યારે તેની નિકાસમાં પણ એપ્રિલથી સપ્ટેમ્બર સુધી 30 ટકાનો ઘટાડો થયો છે.
સામાન્ય રીતે ચોમાસામાં વરસાદની સિઝન દરમિયાન દેશની માંગને પહોંચી વળવા ઉનાળુ ડુંગળીનો સંગ્રહ કરવામાં આવે છે , જે ઓક્ટોબર પછી ખેડૂતોને સારા ભાવ આપે છે. આ માટેનું કારણ એ છે કે આ ગાળો પરિવર્તનનો ગાળો છે. તેમાં ડુંગળીના સંગ્રહિત જથ્થામાં ઘટાડો થવાની શરૂઆત થાય છે અને નવી ખરીફ ડુંગળીનું આગમન ધીમે ધીમે વેગ પકડે છે. જોકે ચાલુ વર્ષે ઓકટોબરમાં પણ ડુંગળીના ભાવમાં વધારો થયો નહોતો.
નિકાસકારોમાં પણ નિરાશા પ્રવર્તે છે. ચાલુ વર્ષે ડુંગળીની નિકાસમાં ઘટાડો થયો છે. આ માટે મુખ્યત્વે બે કારણ જવાબદાર છે. એક , અન્ય દેશોમાંથી ડુંગળીની મોટા પાયે નિકાસ થઈ રહી છે. બે , આ દેશોની ડુંગળીની સરખામણીમાં ભારતીય ડુંગળીના ભાવ ઊંચા છે.
નાફેડ પાસે ઉપલબ્ધ આંકડા મુજબ , ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરમાં ડુંગળીની નિકાસ 6.66 લાખ ટન થઈ છે જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં 9.34 લાખ ટન ડુંગળીની નિકાસ થઈ હતી.
લાસલગાંવમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ડુંગળીના સરેરાશ માસિક ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 1,350 હતા જ્યારે ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં સરેરાશ ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 1,050 હતા. આ જ મંડીમાં ઓક્ટોબર 2010 માં સરેરાશ જથ્થાભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 1,350 હતા.
ચાલુ વર્ષે અહીં આ જ મહિનામાં ડુંગળીના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 750 થી રૂ. 850 હતા , જે ગયા વર્ષના સમાન ગાળાના ભાવની સરખામણીમાં આશરે 40 ટકા ઓછા હતા.
No comments:
Post a Comment