Translate

Sunday, March 17, 2013

કાળાં નાણાં સફેદ કરવાનું વધુ એક કૌભાંડ


સિંગલ પ્રિમિયમ પોલિસી લઇ આઠ વર્ષે નાણાં ચોપડે 
લાવો

વીમા કંપનીઓ દ્વારા ઇશ્યૂ કરવામાં આવતી સિંગલ પ્રીમિયમ પોલીસીનો મની લૉન્ડરિંગ માટે વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લોનના વ્યાજ પર ગેરકાયદે સર્વિસટેક્સ લેવા માટે જવાબદાર ઠરેલી આઈસીઆઈસીઆઈ બૅન્ક ઉપરાંત એચ.ડી.એફ.સી. અને એક્સિસ બૅન્ક ત્રણેય બૅન્કના નામ આજે મની લૉન્ડરિંગ કરવા માટે ચર્ચામાં છે. આ ત્રણેય ખાનગી બૅન્કો ઇન્સ્યોરન્સની સિંગલ પ્રીમિયમ પોલીસીનો વિશેષ ઉપયોગ કરીને સ્થાનિક વેપારીઓને મની લૉન્ડરિંગ કરવામાં સાથ આપી રહી છે. આમ બીજા શબ્દોમાં કહીએ તો આવકવેરાની ચોરી કરનારાઓને સહકાર આપી રહી છે.
પહેલા વીમો લેવા માટે ગમ તેટલું પ્રીમિયમ રોકડેથી ભરવાની છૂટ હતી. આ સ્થિતિનો દરેક ઇન્સ્યોરન્સ વીમા અને બૅન્કિંગ કંપનીઓએ ભરપૂર લાભ લીધો છે. એક કરોડ રૃપિયા રોકડા લઈને બૅન્કો અને વીમા કંપનીઓ દોઢથી બે કરોડના વીમા ઉતારી આપતી હતી. હવે તેમને પ્રીમિયમ સામે રિસ્કનું પ્રમાણ આઠથી દસ ગણુ રાખવાની સૂચના ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઑથોરિટીએ સૂચના આપી છે. આ વીમાની મુદત સાતથી દસ વર્ષની જ રાખવામાં આવતી હતી. આ સ્થિતિમાં વીમો લેનાર વ્યક્તિ સાત વર્ષ પછી તેની મેચ્યોરીટીની દોઢથી બે કરોડની રકમનો ઉપાડ કરી લેતા હતા. આમ તેમના બિનહિસાબી નાણાં એટલે કે બ્લેકના નાણાં આસાનીથી વ્હાઇટના નાણાં બની જતાં હતા. તેની મુદત સાત વર્ષની રાખવા પાછળ પણ ગણિત હતું. આવકવેરા ખાતાના અધિકારીઓ દરોડા પાડે તો તેવા સંજોગોમાં તેમને માત્ર છ વર્ષના જ ચોપડા બતાવવાના થાય છે. કોઈપણ વેપારી કે બિઝનેસમૅન અથવા તો કંપની માટે છ વર્ષથી વધુ સમય માટે તેમનો હિસાબ જાળવી રાખવો ફરજિયાત નથી. આ સ્થિતિમાં સાતમે વર્ષે તેમને નાણાં આવે ત્યારે તેમણે શેમાંથી તે નાણાં જમા કરાવ્યા હતા તેનો હિસાબ આપવાનો રહેતો નથી. તેમ જ સાતમે વર્ષે તેઓ તેમને મળેલા દોઢથી બે કરોડની આવક સીધી ઇન્સ્યોરન્સની મેચ્યોરિટી એમાઉન્ટ તરીકે દર્શાવી શકતા હતા.
બીજું, આવકવેરા ધારાની કલમ ૧૦ હેઠળ વીમાની પાકતી મુદતે મળતી રકમ ટેક્સ ફ્રી છે. તેનો એડવાન્ટેજ પણ મની લૉન્ડરિંગમાં મળતો હોવાથી સિંગલ પ્રીમિયમની પોલીસી મોટી કંપનીઓ, મની લૉન્ડરિંગ કરનારાઓમાં લોકપ્રિય બની ગઈ હતી. હવે સવાલ એ ઊભો થાય છે કે વીમા કંપનીઓની તેમાં ભૂમિકા શી? હા, તેમની ભૂમિકાની વાત કરીએ તો તેઓ રોકડેથી પ્રીમિયમ લઈ લેતા હતા. અત્યારે બે એક વર્ષથી રૃા. ૫૦૦૦૦થી વધુ રકમનું પ્રીમયમ ભરવાનું આવે તો તે રોકડેથી ન લેવાનો કે લે તો તે વ્યક્તિને પૅન-પરમેનન્ટ એકાઉન્ટ નંબર અને બીજી ઓળખ(કે.વાય.સી.) લેવાનો નિયમ કરવામાં આવ્યો છે. તે અગાઉ આ નિયમ નહોતા. પરિણામે આ કંપનીઓએ રોકડેથી એક એક કરોડ કે તેનાથી વધુ રકમના પ્રીમયમ લઈને મની લૉન્ડરિંગ કરવામાં કરચોરોને સાથ આપીને સરકારની અબજો રૃપિયાની આવક ડૂબાડી છે. રૃા. ૫૦,૦૦૦થી વધુનું પ્રીમિયમ રોકડેથી ન લેવાનો નિયમ આવ્યા પછીય આ પ્રવૃત્તિ અટકી નથી. તેઓ ૪૯૦૦૦ના કે ૪૫૦૦૦ના પ્રીમિયમ લઈને આ પોલીસી લઈ લે છે. આ રોકડા નાણાના પે ઓર્ડરમાં રૃપાંતર કરવાની કામગીરી વીમા કંપનીઓની બૅન્કો જ કરે છે. મોટી બિનહિસાબી આવક ધરાવનારાઓ એક વર્ષે જુદી જુદી કંપનીઓની પાંચથી છ પોલીસી લઈને મોટી રકમનો વેરો બચાવી લેવા ઉપરાંત ભવિષ્યમાં તે પૈસાને ટેક્સ ફ્રી બનાવી લેવાની ગોઠવણ કરતાં હતા. બીજું, યુનિટ લિન્ક્ડ પ્લાનમાં આ પોલીસીઓ વધુ લેવામાં આવતી હતી. પોતાના પૈસાનો સ્લો ગ્રોથ થવા દઈને સલામત વળતર મેળવવા માગનારાઓ એવરેજ આવક કરવા માટે તે નાણાં રોકતા હતા. બીજી તરફ કેટલાક લોકો તે નાણાંને વીમા કંપનીઓ મારફતે શેરમાર્કેટમાં લગાડીને તેમાંથી પણ કમાણી કરતા હતા. ઘણીવાર એક કરોડના આઠ વર્ષે ત્રણ કરોડ કે તેનાથીય વધુ મળતા હતા. આમ હિસાબમાં ન દર્શાવેલા નાણાં પણ તગડી આવકનો સ્રોત બનતા હતા.
રોકડેથી રૃા. ૫૦૦૦૦થી વધુનું પ્રીમિયમ ન લેવાની વ્યવસ્થા આવી તે પછીય ૪૯૦૦૦ કે તેની આસપાસની રકમના પે ઓર્ડર કઢાવીને તેના પ્રીમિયમ જમા લઈ લેવાની વ્યવસ્થા વીમા કંપનીઓ ખુદ કરી લે છે. વીમા કંપનીઓના અધિકારીઓ માત્ર એક જ વાત કરી દે છે તમારે નથી જોવાનું કે અમે તે પ્રીમિયમને ચૅકમાં કઈ રીતે કન્વર્ટ કરીએ છીએ. તેઓ તેમની પોતાની જ બૅન્કોને રોકડાના પ્રીમિયમને ચેકના પ્રીમિયમમાં રૃપાંતરિત કરી લેવાનું કામ કરે છે. ખાનગી બૅન્કોએ આ માટે જુદી જુદી સહકારી બૅન્કોનો ભરપૂર ઉપયોગ કર્યો છે. બ્લેકના નાણાંનો રૃા. ૧ લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ મેળવવા માટે તેઓ અંદાજ રૃા. ૮૦૦ સહકારી બૅન્કને ચૂકવી આપતા હતા. એક કરોડનો બિનહિસાબી કે બ્લેકના નાણાંનો ડિમાન્ડ ડ્રાફ્ટ મેળવવા માટે માત્ર રૃા. ૮૦,૦૦૦ ચૂકવવા પડે છે. આ રીતે તેઓ રોકડના વહેવારને છુપાવી દેવાની કામગીરી કરી રહ્યા છે. આ વહેવારો ક્યારેય બહાર નહિ આવે તેની ખાતરી પણ તેઓ આપતા હતા. આ નાણાં આપીને લેવાતા ડિમાન્ડ ડ્રાફ્ટ એચ.ડી.એફ.સી. બૅન્ક, આઈ.સી.આઈ.સી.આઈ. બૅન્ક અને એક્સિસ બૅન્કના નામના જ આવતા હતા. આ રીતે પોલીસી ખરીદનારની ચિંતા ઓછી કરી દેવામાં આવતી હતી. વીમાની પોલીસીના નાણાં પાકતી મુદતે રોકડેથી આપવાની વ્યવસ્થા પણ આ ત્રણેય બૅન્કોએ રાખી હતી.
બૅન્કના મૅનેજરોને અપાતા ટાર્ગેટ
બૅન્કના મૅનેજરોને પણ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ મેળવી લાવવાના ટાર્ગેટ અપાય છે. આ ટાર્ગેટ ફૂલફિલ કરવા માટે તેઓ પણ રોકડેથી પ્રીમિયમ ભરનારાઓને શોધી શોધીને તેમની સિંગલ પ્રીમિયમ પોલીસી મેળવતા હતા. વાસ્તવમાં ખાનગી વીમા કંપનીઓને વીમા ક્ષેત્રમાં પ્રવેશ આપવાનો મૂળભૂત હેતુ તો વીમાની સેવાથી વંચિત રહેતા લોકો સુધી વીમાની સેવા પહોંચે અને વધુમાં વધુ લોકો પોલીસી લેતા થાય તે હતો. તેને બદલે વીમા કંપનીઓએ તેમનું કદ વધારવા માટે તેમણે કેટલી પોલીસીઓ આપી તે જાહેરાત કરવાને બદલે તેમણે કેટલું પ્રીમિયમ આ વર્ષે મેળવ્યું તે માટેની હોડ લગાવવા માંડી હતી. વર્ષે વર્ષે તેઓ તેમની પ્રીમિયમની આવકમાં થયેલા વધારાની જાહેરાતો કર્યા કરે છે. પરિણામે સિંગલ પોલીસીનો ઉપયોગ કરીને મની લૉન્ડરિંગ કરનારાઓએ તેનો ભરપૂર લાભ ઊઠાવ્યો છે.
વીમા મારફતે મનીલૉન્ડરિંગ કરી રહેલા સહકારી બૅન્કો
કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદની એક સહકારી બૅન્ક આ જ મની લૉન્ડરિંગ કરવામાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે.
આ બૅન્ક અત્યારે રિઝર્વ બૅન્કની તપાસ હેઠળ પણ આવી ગઈ છે. જોકે રિઝર્વ બૅન્કે હજી સુધી આ વહેવારોને ઉજાગર કર્યા નથી. સહકારી બૅન્કોનો પણ રોકડના વહેવારો માટે બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સહકારી બૅન્કોને પણ વીમા પોલીસી વેચવાની છૂટ આપવામા આવી છે. તેને પરિણામે મની લૉન્ડરિંગ કરવાનું દૂષણ તેમાં વધુ વ્યાપક બની શકે છે.


મેરિડ વુમેન્સ પ્રોપર્ટી પ્રોટેક્શન એક્ટનું ઓથમાં ચાલતું કૌભાંડ(MWP)
રોકડેથી એક કરોડ રૃપિયા આપી દઈને સિંગલ પ્રીમિયમની પોલીસી લઈ લીધા પછી આ પોલીસીની ટ્રસ્ટી પત્નીને બનાવી દેવામાં આવતી હતી. મેરિડ વુમેન્ટ પ્રોપર્ટી પ્રોટેક્શન એક્ટની જોગવાઈ પ્રમાણે આ પોલીસીની મહિલાને ટ્રસ્ટી બનાવી દેવામા આવે તે પછી આવકવેરા ખાતાના દરોડા આવે તો પણ તે પોલીસીના પેપર્સને તેઓ લઈ શકતા નહોતા. બીજું આ પોલીસીના પેપર્સ બિઝનેસમૅન કે કંપનીઓ તેમના અન્ય કોઈ સ્વજનને ત્યાં રાખી મૂકતા હોવાથી આવકવેરા ખાતાના દરોડામાં પણ તે ધ્યાનમાં આવતી નથી
.

ઊંઝા અને સુરતમાં સૌથી વધુ વેચાતી સિંગલ પ્રીમિયમ પોલીસી
રિયલ એસ્ટેટના બિઝનેસ કરતાં બિલ્ડરો અને ઊંઝા જેવી કૃષિ ઉત્પાદન બજાર સમિતિમાં ખેડૂતો પાસેથી રોજ રોજ કરોડોની રકમનો માલ રોકડેથી ખરીદી કરનારા વેપારીઓમાં સિંગલ પ્રીમિયમ પોલીસી બહુ જ લોકપ્રિય બની હોવાનું વીમા કંપનીના એજન્ટ તરીકે કામ કરનારાઓનું કહેવું છે. ગુજરાતની દરકે મોટી કૃષિ ઉત્પન બજાર સમિતિમાં વેપાર કરનારાઓની તપાસ કરવામાં આવે તો સિંગલ પ્રીમયમ પોલીસી લેનારાઓ સંખ્યાબંધ લોકોના નામ બહાર આવી શકે છે.
હીરાની ચમક કરતાં તેમાંથી મળતાં પૈસાની ચમક પણ એટલી જ જોરદાર છે. સુરતના હીરાના વેપાર સાથે સંકળાયેલા લોકોમાં પણ સિંગલ પ્રીમિયમ પોલીસી અત્યંત લોકપ્રિય હોવાનું વીમા એજન્ટોનું કહેવું છે. આ બંને ક્ષેત્રમાં રોકડના નાણાંનો વહેવાર વ્યાપક હોવાનું જગજાહેર છે. પરિણામે સિંગલ પ્રીમયમ પોલીસી ખરીદવા માટે થતી પડાપડી પાછળના હાર્દને સમજવો મુશ્કેલ રહેતો જ નથી.

મની લૉન્ડરિંગ એટલે શું?
આવકવેરો છુપાવવા માટે ચોપડે હિસાબમાં ન દર્શાવેલા નાણાંનું મની લૉન્ડરિંગ કરવામાં આવે છે. ચોપડે નાણાં ન દર્શાવીને જે તે બિઝનેસમૅન કે વેપારી તે આવક પર ભરવાનો થતો આવકવેરો ભરવાનું ટાળે છે. મની લૉન્ડરિંગ કરનારાઓ બહુધા ૩૦ ટકા આવકવેરાના સ્લેબમાં આવે છે. આ લોકો એક કરોડની આવક ચોપડે ન દર્શાવીને અંદાજે ૩૩ લાખ રૃપિયાનો વેરો બચાવી લે છે.
બીજા શબ્દોમાં કહેવામાં આવે તો આ બિનહિસાબી નાણાંને હિસાબી નાણાંમાં રૃપાંતરિત કરવાની પ્રવૃત્તિ એટલે મની લૉન્ડરિંગ.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports