Source : અમેરિકામાં 59 હજાર ભારતીયો કાયમી નાગરિક બન્યા, એનો સૌથી સરળ રસ્તો શું છે? - BBC News ગુજરાતી
વર્ષ 2023ના આંકડા પ્રમાણે કુલ 59 હજાર ભારતીયોએ અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું છે તેવું અમેરિકાના નાગરિકત્વ અને ઇમિગ્રેશન સર્વિસીઝ (યુએસસીઆઈએસ) ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે. આ આંકડા દર્શાવે છે કે પોતાના દેશની નાગરિકતા છોડીને અમેરિકાના નાગરિક બનવામાં ભારતીયો મૅક્સિકનો પછી બીજા ક્રમે હોવાનું સમાચાર ઍજન્સી એએનઆઈએ તેના એક અહેવાલમાં જણાવ્યું છે.
અહેવાલ પ્રમાણે કુલ 8.7 લાખ લોકોએ નાણાકીય વર્ષ 2023 દરમિયાન અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું છે જેમાં સૌથી વધુ 1.1 લાખ લોકો મૅક્સિકોના છે જ્યારે 59100 લોકો ભારતના છે. ફિલિપાઈન્સના 44800 લોકોએ અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું છે.
સામાન્ય રીતે લોકમાનસમાં એવી છાપ રહી છે કે અન્ય દેશોની સરખામણીમાં અમેરિકાનું નાગરિકત્વ મેળવવું અઘરું છે અને વર્ષો સુધી ચાલતી પ્રક્રિયા છે.
પણ શું ખરેખર અમેરિકાનું નાગરિકત્વ મેળવવું અઘરું છે? હજારો લોકો કઈ રીતે અમેરિકામાં સ્થાયી થાય છે અને નાગરિકતા મેળવે છે?
અમેરિકાનું ‘કાયમી નાગરિકત્વ’ કઈ રીતે મેળવી શકાય?
ભારતમાં અમેરિકન દૂતાવાસની વેબસાઇટના જણાવ્યા અનુસાર, કોઈ નાગરિક ચાર રીતે અમેરિકાનું કાયમી નાગરિકત્વ મેળવી શકે છે.
- અમેરિકામાં તેનો જન્મ થયો હોય
- અન્ય દેશમાં જન્મ થયો હોય, પરંતુ માતાપિતા અમેરિકી નાગરિક હોય
- અમેરિકી સેનામાં કામ કર્યું હોય
- નેચરલાઇઝેશનની પ્રક્રિયા મારફત
નેચરલાઇઝેશનની પ્રક્રિયા શું છે?
ડિક્શનરી ભાષામાં નેચરલાઇઝેશનનો સંબંધ જે-તે દેશની કાયદેસર નાગરિકતા મેળવવા સાથે જોડાયેલો છે.
કોઈ વ્યક્તિ જે-તે દેશમાં જન્મ્યો નથી પરંતુ એ દેશનો કાયદેસર નાગરિક તેને બનાવવામાં આવે છે. આ પ્રક્રિયાને નેચરલાઇઝેશન કહે છે.
અમેરિકામાં નેચરલાઇઝેશન માટે લાયક ઠરવા માટે નાગરિકત્વ માટે અરજી કરનાર વ્યક્તિએ અમુક પ્રકારની શરતો પૂર્ણ કરવાની રહે છે. જેને અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનલિટી ઍક્ટ (આઈએનએ)માં સ્પષ્ટ કરવામાં આવી છે.
લૉફુલ પરમેનન્ટ રૅસિડેન્ટ (LPR) શું છે?
સરળ ભાષામાં લૉફુલ પરમેનન્ટ રૅસિડેન્ટ(LPR) નો અર્થ કાયદેસર કાયમી નિવાસી એવો થાય છે.
અમેરિકાનું ‘કાયમી નાગરિકત્વ’ મેળવવા માટેનો સીધો રસ્તો ત્યાં કાયદેસર કાયમી નિવાસી તરીકે પાંચ વર્ષ વીતાવવાનો છે.
નેચરલાઇઝેશનની પ્રક્રિયામાં લાયક ઠરવા માટે જે-તે વ્યક્તિએ કાયદેસર કાયમી નિવાસી તરીકે અમેરિકામાં પાંચ વર્ષ વીતાવ્યાં હોવા જરૂરી છે.
આ શરત પૂરી કરનાર લોકોને નેચરલાઇઝેશનની પ્રક્રિયામાં લાયક ઠરવા માટે એવા લોકોને તક મળે છે, જેમણે કાયદેસર કાયમી નિવાસી તરીકે ત્રણ વર્ષ વીતાવ્યાં હોય અને અમેરિકી નાગરિક સાથે લગ્ન કર્યાને ત્રણ વર્ષ થયાં હોય.
નેચરલાઇઝેશનની પ્રક્રિયા અને તબક્કાઓ
જે લોકોનો અમેરિકામાં જન્મ ન થયો હોય, માતાપિતા પણ અમેરિકી નાગરિક ન હોય તેમણે નાગરિકત્વ મેળવવા માટે નેચરલાઇઝેશનનો રસ્તો મેળવવાનો રહે છે.
નેચરલાઇઝેશન માટે આવેદન કરતી વખતે નીચેની શરતોને પૂરી કરવાની હોય છે.
- અરજીનું ફૉર્મ N-400 ભરવા માટે 18 વર્ષની ઉંમર હોવી જરૂરી છે.
- એ દર્શાવવું જરૂરી છે કે તમે અમેરિકામાં કાયદેસર કાયમી નિવાસી તરીકે પાંચ વર્ષ વીતાવ્યાં છે.
- એ દર્શાવવું જરૂરી છે કે તમે અમેરિકામાં સતત પાંચ વર્ષનો વસવાટ કર્યો છે.
- અમેરિકામાં કાયદેસર કાયમી નિવાસી તરીકે પાંચ વર્ષના વસવાટ દરમિયાન શારીરિક રીતે ઓછામાં ઓછા ત્રીસ મહિના ત્યાં હાજર હતા એ દર્શાવવું જરૂરી બને છે.
- પ્રાથમિક અંગ્રેજી લખતા, વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ.
આ સિવાય પણ બીજી અનેક શરતો વર્ણવવામાં આવી છે, જેને પૂર્ણ કરીને નેચરલાઇઝેશનની પ્રક્રિયા માટે અરજી કરવાની હોય છે.
નિયત ફી, ફૉર્મ ભર્યા બાદ ઇન્ટરવ્યૂ થાય છે અને પછી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ તેમને મેઇલથી જ જાણ કરવામાં આવે છે કે તેમની પસંદગી થઈ કે નહીં. અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે ઓનલાઇન આવેદન થઈ શકે છે.
‘ગ્રીન કાર્ડ’ અને ‘કાયમી નાગરિકતા’માં શું ફર્ક છે?
સામાન્ય રીતે ‘ગ્રીન કાર્ડ’ અને ‘કાયમી નાગરિકતા’ વચ્ચે ગેરસમજ થતી હોય છે.
અમેરિકામાં જેમને ‘ગ્રીન કાર્ડ’ મળ્યું હોય છે તે અમેરિકાના કાયમી નાગરિક તરીકે જ ઓળખાય છે પરંતુ તેમને અમુક અધિકારો અને લાભ નથી મળતા. તેઓ અમેરિકામાં રહી શકે છે અને કામ પણ કરી શકે છે. પરંતુ તેમને અમેરિકાની ચૂંટણીમાં મતદાનનો અધિકાર મળતો નથી. કારણ કે તેમના મૂળ દેશની નાગરિકતા હજુ તેમની પાસે હોય છે.
કોઈ ગુનામાં પકડાતાં ગ્રીન કાર્ડ ધરાવતાં વ્યક્તિને ડીપોર્ટ કરી શકાય છે, પરંતુ કાયમી નાગરિકતા ધરાવતા વ્યક્તિને ડીપોર્ટ કરી શકાતા નથી.
‘ગ્રીન કાર્ડ’ નાગરિકતા મેળવવા માટેના ત્રણ રસ્તા છે.
- જો વ્યક્તિના કોઈ પરિવારજન અમેરિકાના નાગરિક હોય અને તે નાગરિકતાની પ્રક્રિયાને સ્પૉન્સર કરે અને સાબિત કરે કે તે તેના જ પરિવારનો વ્યક્તિ છે
- જો વ્યક્તિને અમેરિકામાં નોકરી મળે અને તેમની નોકરીદાતા કંપની સ્પૉન્સર કરે
- ગ્રીન કાર્ડ લોટરી પ્રોગ્રામ થકી
આ ત્રણ રસ્તાઓમાં ગ્રીન કાર્ડ લોટરી પ્રોગ્રામ થકી નાગરિકતા મેળવવી સૌથી સરળ માનવામાં આવે છે. આ પ્રોગ્રામ હેઠળ અમેરિકી સરકાર દર વર્ષે 50 હજાર લોકોને નાગરિકતા આપે છે. તેના માટે પણ અમુક શરતો પૂર્ણ કરીને આવેદન કરી શકાય છે.
આ શરતો પૂર્ણ કરનાર વ્યક્તિઓમાંથી લોટરીની જેમ સરકાર તેમની પસંદગી કરે છે. જે દેશના નાગરિકોને અમેરિકામાં ઓછા પ્રમાણમાં નાગરિકતા મળતી હોય છે તેમની આ પ્રોગ્રામ હેઠળ પસંદગી થવાની શક્યતા વધુ રહે છે.
અમેરિકામાં ભારતીયોની સંખ્યા
વૉશિંગ્ટન ડીસી સ્થિત માઇગ્રૅશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટના 2021ના રિપોર્ટ પ્રમાણે, ભારતીય મૂળના 27 લાખથી વધુ લોકો અમેરિકામાં નિવાસ કરે છે. જે ત્યાં વસતા મૂળ વિદેશીઓની કુલ સંખ્યાના છ ટકા કરતાં પણ વધુ છે.
આમાંથી લગભગ 31 ટકા લોકો વર્ષ 2000 પહેલાં અમેરિકામાં પ્રવેશ્યા હતા. 2000-09 દરમિયાન 25 ટકા લોકો અને 44 ટકા લોકો 2010 કે ત્યાર પછી અમેરિકામાં પ્રવેશ્યા છે. અન્ય દેશોના ઇમિગ્રન્ટ્સની સરખામણીમાં ભારતીય મૂળના ઇમિગ્રન્ટ્સની સંખ્યા વર્ષ 2000 પછીથી સતત વધતી રહી છે.
'ઉચ્ચશિક્ષણ માટે અમેરિકામાં આવતા ભારતીયો સંખ્યાની દૃષ્ટિએ બીજાક્રમનો સૌથી મોટો વિદેશીસમૂહ છે. 80 ટકા ભારતીયો ઓછામાં ઓછી ગ્રૅજ્યુએટ ડિગ્રી ધરાવે છે. આ પરિવારોની સરેરાશ આવક અન્ય ઇમિગ્રન્ટ સમૂહ તથા અમેરિકામાં જન્મેલાઓની સરેરાશ આવક (70 હજાર ડૉલર) કરતાં બમણી (દોઢ લાખ ડૉલર) છે.
કાયદેસર રીતે નાગરિકતા મેળવવા માગતા ભારતીયો સિવાય ગમે-તેમ કરીને અમેરિકામાં પ્રવેશવા માગતા નાગરિકોની સંખ્યા પણ મોટી છે. આ ઇન્સ્ટિટ્યૂટના કહેવા પ્રમાણે, ઑક્ટોબર-2022 સુધીમાં 18 હજાર 300 ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા મૅક્સિકોની સરહદ પરથી પકડાયા હતા.
એક તરફ આ વર્ષે 59 હજારથી વધુ લોકોને નાગરિકતા મળી છે. તો બીજી તરફ તેનાથી બમણી સંખ્યામાં એટલે કે 96 હજાર 917 ભારતીયો વર્ષ 2022-23માં ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા ઝડપાયા હતા.
સમાચાર ઍજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, અમેરિકી કસ્ટમ અને બૉર્ડર પ્રોટેક્શન વિભાગે જાહેર કરેલા તાજા આંકડાઓમાં આ વાત સામે આવી હતી.
અનુમાન (વર્ષ 2019ની સ્થિતિએ) પ્રમાણે, અમેરિકામાં લગભગ એક કરોડ 10 લાખ લોકો ગેરકાયદેસર રીતે નિવાસ કરે છે, તેમાંથી ભારતીયોની સંખ્યા પાંચ લાખ 53 હજાર જેટલી છે, જે કુલ ગેરકાયદેસર નિવાસીઓના પાંચ ટકા છે.
No comments:
Post a Comment