Market Ticker

Translate

Friday, September 30, 2016

કમિશનની રકમ જાહેર કરવાના નિયમ સામે MF ડિસ્ટિબ્યુટર્સમાં રોષ

મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ્સના સંખ્યાબંધ ફોર્મ લઈને તમારી ઓફિસ કે ઘરની મુલાકાત લેતા મ્યુચ્યુઅલ ફંડ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ રોષમાં છે. તેમના રોષનું કારણ સેબીનો નિર્ણય છે. મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમના વેચાણથી ડિસ્ટ્રિબ્યુટર્સને મળતા કમિશનની રકમ જાહેર કરવાની દરખાસ્તમાં સેબી આગળ વધી છે. રોકાણકારોને હવે પહેલી ઓક્ટોબરથી દર છ મહિને કોમન એકાઉન્ટ સ્ટેમેન્ટમાં કમિશનની રકમની માહિતી પણ મળશે.

જોકે એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં ફીની રકમ જાહેર કરવા સામે શો વાંધો હોઈ શકે? સેબીના આદેશ મુજબ કે મ્યુચ્યુઅલ ફંડ્સે રેગ્લુયર સ્કીમના વેચાણ માટે કમિશન પેટે કેટલી રકમ ડિસ્ટ્રિબ્યુટર્સને મળે છે તેને જાહેર કરવી પડશે. પ્રથમ વાત એ છે કે રોકાણકારો ડિસ્ટિબ્યુટર્સને કમિશન પેટે આવી રકમ પ્રથમ વખત ચૂકવી રહ્યા નથી. જોકે અત્યાર સુધી રોકાણકારોને એ માહિતી મળતી ન હતી કે તેઓ કમિશન પેટે ડિસ્ટ્રિબ્યુટર્સને કેટલી રકમ ચૂકવે છે.

ડિસ્ટ્રિબ્યુટર્સ માને છે કે આ નિર્ણયથી રોકાણકારોમાં રોષ ઊભો થઈ શકે છે અને તેનાથી બિઝનેસ પર ગંભીર અસર થઈ શકે છે. ડિસ્ટ્રિબ્યુટર્સને આ ચિંતા પણ સંપૂર્ણપણે અસ્થાને નથી. જો કોમન એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં દર્શાવવામાં આવ્યું હોય કે રૂ.10 લાખના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં ડિસ્ટ્રિબ્યુટર્સને દર વર્ષે કમિશન પેટે રૂ.10,000 મળે છે. આ માહિતી જાણ્યા પછી રોકાણકારોમાં રોષ ઊભો થઈ શકે છે. ડિસ્ટ્રિબ્યુટર્સના જણાવ્યા મુજબ હવે ગ્રાહકો પ્રશ્ન કરશે કે મારે ડિસ્ટ્રિબ્યુટર્સને આટલી બધી રકમ શા માટે ચૂકવવી જોઈએ.

રોકાણના નિર્ણય જાતે લેતા અને માત્ર ફંડ હાઉસિસમાં એપ્લીકેશન ફોર્મ સુપરત કરવા ડિસ્ટ્રિબ્યુટર્સને મદદ લેતા રોકાણકારોમાં આવો રોષ વધુ તીવ્ર બની શકે છે. એવી ઊંચી શક્યતા છે કે રોકાણકારો પણ હવે કમિશનમાં પોતાનો ભાગ માંગી શકે છે. તેનાથી ડિસ્ટ્રિબ્યુટર્સને પ્રોફિટ માર્જિનમાં ઘટાડો થઈ શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ્સ માટે કમિશનની રકમ જાહેર કરવાની બાબતને ફરજિયાત બનાવવાના નિર્ણયનો હેતુ પારદર્શકતા છે. પરંતુ તેનાથી ડિસ્ટ્રિબ્યુટર ઇન્ડસ્ટ્રી બિઝનેસ તરફથી એડ્વાઇઝરી આધારિત ફીની સિસ્ટમ ચાલુ થઈ શકે છે. આવા મોડલમાં રોકાણકારો સલાહના બદલામાં ફાઇનાન્શિયલ એડ્‌વાઇઝર્સને ફીની સીધી ચુકવણી કરે છે. હાલમાં મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારોની કુલ રકમમાંથી અમુક રકમ કાપી લે છે અને પછી તેમાંથી ડિસ્ટ્રિબ્યુટર્સને કમિશન ચૂકવે છે.

એડ્‌વાઇઝરી આધારિત ફીના મોડલથી કેટલાક ડિસ્ટ્રિબ્યુટર્સ માટે માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સનું વેચાણ કરીને ટકી રહેવાનું મુશ્કેલ બની શકે છે. 2009માં સેબીએ એન્ટ્રી લોડ (રોકાણકારોનાં નાણાંમાંથી ડિસ્ટ્રિબ્યુટર્સને ચૂકવવામાં આવતી ફી) પ્રતિબંધ મૂક્યો ત્યારે ઘણા ડિસ્ટ્રિબ્યુટર્સે તેમની કામગીરી બંધ કરવી પડી હતી.

ડિસ્ટ્રિબ્યુટર્સના રોષનું બીજું કારણ એ છે કે મ્યુચ્યુઅલ ફંડ્સે કુલ ખર્ચ રેશિયો માત્ર ટકાવારીમાં જાહેર કરવો પડે છે. એક ડિસ્ટ્રિબ્યુટર્સે જણાવ્યું હતું કે ખર્ચ રેશિયો અને કમિશન બંનેને ટકાવારીમાં જાહેર કરવાનો નિયમ હોત તો તે વધુ વાજબી હતો. કુલ ખર્ચ રેશિયોમાં કોઈ એક ફંડના સંચાલન માટે ફંડ હાઉસ દ્વારા વસૂલ કરવામાં આવતી ફીનો સમાવેશ થાય છે. 
 

જિજ્ઞેશ શાહ સોમવાર સુધી CBI કસ્ટડીમાં

Image result for jignesh shah in custodyસીબીઆઈ કોર્ટે બુધવારે એફટીઆઈએલ જૂથના સ્થાપક જિજ્ઞેશ શાહને 26 સપ્ટેમ્બર સુધી પોલિસ કસ્ટડીમાં રાખવા આદેશ આપ્યો હતો. સીબીઆઈએ 30 સપ્ટેમ્બર સુધીની કસ્ટડીની માંગણી કરી હતી. સીબીઆઈએ ૨૦ સપ્ટેમ્બરના રોજ જિજ્ઞેશ શાહની ધરપકડ કરી હતી.

એફટીઆઈએલ અને કોમોડિટી એક્સ્ચેન્જ એમસીએક્સ દ્વારા પ્રમોટેડ એમસીએક્સ-એસએક્સ (જે હવે એમએસઈઆઈ તરીકે ઓળખાય છે)ને 2008માં સેબી દ્વારા માન્યતા આપવામાં આવી હતી. તેમાં એફટીઆઈએલ 49 ટકા હિસ્સો ધરાવે છે તથા બાકીનો હિસ્સો એમસીએક્સ ધરાવે છે. તે એક જ માલિક માટે નક્કી કરવામાં આવેલી પાંચ ટકાની રોકાણ મર્યાદા કરતાં ઘણી વધારે હતી.

સેબીએ 2009માં તથા 2010માં એમસીએક્સ-એસએક્સને કરન્સી ફ્યુચર ચલાવવા શરતી મંજૂરી આપી હતી અને આદેશ કરવામાં આવ્યો હતો કરન્સી ફ્યુચર્સ સિવાયના ઈક્વિટી પ્લેટફોર્મ જેવા કોઈ સેગમેન્ટ લોંચ કરવામાં આવે તો પ્રમોટર્સે ફરજિયાતપણે તેમનો હિસ્સો ઘટાડવો પડશે.

એમસીએક્સ-એસએક્સના પ્રમોટર્સે ૨૦૦૯માં તેમના હિસ્સાનો કેટલોક ભાગ વિનિવેશ કરવા માટે ચોક્કસ બેન્કો તથા નાણા સંસ્થાઓ સાથે વેચાણ અને ખરીદીના કરાર કર્યા હતાં. તેમણે પંજાબ નેશનલ બેન્ક, IL&FS અને IFCI સાથે બાયબેક કરાર કર્યો હતો જેના માટે સીબીઆઈએ કહ્યું હતું કે તે તપાસનું કેન્દ્રબિંદુ હતું કેમ કે જ્યારે વિસ્તરણની માંગણી કરવામાં આવી હતી ત્યારે સેબી તરફથી બાયબેકની વ્યવસ્થા પર રોક લગાવી હતી. શાહના વકીલ આબાદ પોંડાએ આ ધરપકડને ગેરકાયદે ગણવા દલીલ કરી હતી.Image result for jignesh shah

વિનસમ ગ્રૂપ સામે સ્ટેન્ચાર્ટની EoWમાં ફરિયાદ

Image result
Image resultImage resultબ્રિટિશ બેન્ક સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે વિનસમ ગ્રૂપ સામે મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ (ઇઓડબલ્યુ)માં ફરિયાદ દાખલ કરી છે. સ્ટેન્ચાર્ટના કહેવા પ્રમાણે વિનસમ ગ્રૂપ એ વિજય માલ્યાની કિંગફિશર પછી ભારતમાં બીજા ક્રમની સૌથી મોટી વિલફુલ ડિફોલ્ટર છે.

લિસ્ટેડ કંપની વિનસમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી અને ગ્રૂપ કંપની ફોરેવરે ભારતની 15 બેન્કોને 6,800 કરોડથી વધારે રકમની ચુકવણી કરવાની છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક એ ધિરાણકારોના કોન્સોર્ટિયમમાં અગ્રણી છે.

બે વર્ષ અગાઉ એસસીબીએ આવો રિપોર્ટ રજિસ્ટર કરાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઇઓડબલ્યુ દ્વારા તેને નકારી કાઢવામાં આવ્યો હતો. હાલનો રિપોર્ટ એક સપ્તાહ અગાઉ દાખલ કરવામાં આવ્યો હતો તેમ બેન્કર્સે જણાવ્યું હતું.

એમઝેએમ લીગલના ઝુલ્ફીકાર મેમણે જણાવ્યું કે, અન્ય બેન્કોએ સીબીઆઇ અને ઇડીમાં દાખલ કરેલી ફરિયાદ તથા એસસીબીની વિનસમ સામે ઇઓડબલ્યુમાં નવી ફરિયાદથી વિનસમ સામે કાનૂની કાર્યવાહીમાં ઝડપ આવશે. ઇઓડબલ્યુ આ તપાસ કરવા માટે સૌથી સારી રીતે સજ્જ છે. પ્રાથમિક તપાસ નોંધાયા બાદ ઇઓડબલ્યુ તાત્કાલિક છેતરપિંડીની તપાસ કરી શકશે જે તેના ન્યાયક્ષેત્રમાં આવે છે.

વિનસમે હંમેશા જણાવ્યું છે કે તે બેન્કોને નાણાં ચૂકવવા માટે તૈયાર છે. પરંતુ સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસને બાદ કરતાં બાકીની તમામ બેન્કોને તેના પર ભરોસો નથી. સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસ વિનસમ સાથે કરાર કરે તેવી શક્યતા છે.

દુબઈથી ટેલિફોન પર વાત કરતાં વિનસમના પ્રમોટર જતિન મહેતાએ કહ્યું કે ક્રોલ રિપોર્ટના આધારે બેન્કોએ વિલફુલ ડિફોલ્ટર હોવાનું નક્કી કર્યું છે પરંતુ રિપોર્ટમાં કોઈ સચ્ચાઈ નથી. સ્ટેન્ચાર્ટનો એજન્ડા અલગ લાગે છે. તે એકથી વધારે તપાસ કરાવવા માંગે છે.

વડોદરામાં 'સ્વિચ 2016'માં વિશ્વના 42 દેશોના ઊર્જામંત્રી હાજરી આપશે

Image result for switch 2016 expo vadodaraવડોદરામાં પાવર સેક્ટર અંગેના એક્ઝિબિશન 'સ્વિચ 2016'માં યોજાનારી ઇન્ટરનેશનલ એનર્જી કોન્ફરન્સમાં વિશ્વના 42 દેશોના ઊર્જામંત્રી અને દેશનાં 29 રાજ્યોના ઊર્જામંત્રીઓ હાજર રહેશે.

આ ઉપરાંત દેશના 21 ખાણ અને ખનીજમંત્રીઓ અને 14 રાજ્યોના રિન્યુએબલ ઊર્જામંત્રીઓ હાજરી આપશે. 6થી 10 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા પાવર અને ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગના વૈશ્વિક પ્રદર્શનમાં કેન્દ્રીય ઊર્જા રાજ્ય મંત્રી પીયૂષ ગોયલ સતત ત્રણ દિવસ ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ઊર્જા ક્ષેત્રે અદ્યતન ટેક્‌નોલોજી, નવીન શોધ અને કૌશલ્યો દ્વારા દેશને સ્વનિર્ભર બનાવવાના અભિયાનમાં સ્વિચ 2016 દ્વારા ગુજરાત અગ્રેસર રહેશે.

એક્ઝિબિશનમાં વિશ્વભરના ઇલેક્ટ્રિકલ સાધનોના ઉત્પાદકોને આમંત્રણ આપવામાં આવ્યાં છે, જેમાં યુરોપના દેશોમાંથી 200 ખરીદદારો તથા મધ્ય-પૂર્વના દેશોમાંથી 75 ખરીદદારો ભાગ લેશે.

ભારતનાં 15 શહેરોના 3,500 ડીલરો અને કોન્ટ્રાક્ટરો, 30 યુટિલિટીઝના 150 ખરીદદારો, 600 મુખ્ય કન્સલ્ટન્ટ તથા 110 યુટિલિટીઝ અને ડિસ્કોમના 1,500 પ્રતિનિધિઓ હાજર રહેશે. આ પ્રદર્શનમાં ઇન્ટરનેશનલ એનર્જી કોન્ફરન્સની સાથે સાથે ઇનોવેશન ટેક્‌નોલોજી સમિટ, નેશનલ પાવર મિનિસ્ટર્સ કોન્ફરન્સ નેશનલ ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર્સ મીટ, ટેક્‌નિકલ સેમિનાર અને નેશનલ ટેસ્ટિંગ લેબોરેટરીઝ મીટ પણ યોજાશે.

દેશમાં નિર્માણ પામતી ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સમાં ગુજરાતનો હિસ્સો 23 ટકા છે. રાજ્યમાં 43 મોટા અને 250 એમએસએમઇ યુનિટો કાર્યરત છે. જેની સાથે 4,900થી વધુ ડાઉન સ્ટ્રીમ કોમ્પોનન્ટ ઉત્પાદકો પણ જોડાયેલા છે, જે 75,000 લોકોને રોજગારી આપે છે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

રાજ્યના ઊર્જામંત્રી ચીમનભાઈ સાપરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર તથા FGI (ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ)ના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ મેગા પ્રદર્શનમાં ઇલેક્ટ્રિક સાધનોના ખરીદદારો અને વિક્રેતાઓ દ્વારા ટેક્‌નોલોજીનો વિનિમય અને નવીન શોધખોળોના પ્રદર્શનથી સ્ટાર્ટ-અપ ઇન્ડિયાના અભિયાનને પ્લેટફોર્મ મળી રહેશે. એટલું જ નહીં ગુજરાતના ઊર્જા ક્ષેત્રને વિશ્વના ફલક ઉપર ઉજાગર કરવા માટે આ પ્રદર્શન અત્યંત મહત્ત્વનું બની રહેશે.

આ ઇલેક્ટ્રિકલ એક્સ્પો 80,000 ચો મીટરની વિશાળ જગ્યા પર નિર્માણ પામશે. જેમાં 650 સ્ટોલ્સ હશે તથા 10,000 એક્ઝિક્યુટિવ પ્રદર્શનની સંભાળ લેશે. વર્લ્ડ ઇલેક્ટ્રિકલ બાયર્સ સમિટમાં રૂબરૂ મળવા માટે ૧૦૦થી વધુ મિટિંગ સ્થળો હશે. આ સમિટમાં ભારતના સર્વોચ્ચ 1,000 કોર્પોરેટ અગ્રણી કન્સલટન્ટ અને ઇવીસી કોન્ટ્રાક્ટરોને પણ આમંત્રણ આપવામાં આવ્યાં છે.

આ પ્રદર્શનમાં બાબા રામદેવ, પંકજ જૈન, દિયા મિર્ઝા, દિલીપ છાબરિયા, તુલસી તંતી, અભિતાભ શાહ, પી એસ જયાકુમાર, સ્વામી જ્ઞાનવત્સલજી, ચેતન ભગત તથા જનરલ વી પી મલિક પોતાના અનુભવો ઉપર વિશેષ વ્યક્તવ્ય આપશે.

F&O ટ્રેડિંગ પર પ્રતિબંધવાળા શેર નવી ટોચે

ભારતીય બજારની એકધારી તેજીથી ટ્રેડર્સ વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી ગયા હતા. તેમણે કેટલાક સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં પુષ્કળ પોઝિશન વધારી હતી. ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં હાલ ટ્રેડિંગ પ્રતિબંધ ધરાવતા શેરની સંખ્યા 2007-08 (અગાઉની તેજીની પરાકાષ્ઠા) પછી અત્યારે સૌથી વધારે છે.

વિશ્લેષકોના જણાવ્યા અનુસાર વોલેટિલિટી ઇન્ડેક્સ (VIX) તળિયાની નજીક હોવા છતાં બજાર વધુ પડતા ઊંચા સ્તરે જણાય છે.

સોમવાર સુધી F&O સેગમેન્ટમાં 11 શેર ટ્રેડિંગ પ્રતિબંધ હેઠળ હતા. F&Oમાં શેરના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટનો સંયુક્ત ઓપન ઇન્ટરેસ્ટ માર્કેટ-વાઇડ પોઝિશન લિમિટના 95 ટકાને વટાવે ત્યારે શેર પ્રતિબંધ હેઠળ આવે છે.

એ શેરનો સંયુક્ત ઓપન ઇન્ટરેસ્ટ ઘટીને 80 ટકા થાય અથવા માર્કેટ-વાઇડ પોઝિશન લિમિટની નીચે આવે ત્યારે તેમાં સામાન્ય ટ્રેડિંગ શરૂ થાય છે. IIFL વેલ્થના ડેરિવેટિવ્ઝ હેડ હેમંત નાહટાએ જણાવ્યું હતું કે, 2007-08ની તેજી વખતે 10-12 શેર F&O પ્રતિબંધ હેઠળ રહેતા.

હાલ 3-4 શેરમાં F&O પ્રતિબંધ હોય છે, પણ છેલ્લા કેટલાક મહિનામાં એ આંકડો વધ્યો છે.જેમાં સિએટ, ડીએલએફ, HDIL, ઇન્ડિયાબુલ્સ રિયલ્ટી, જેટ એરવેઝ, જિંદાલ સ્ટીલ, જૈન ઇરિગેશન, વોકાર્ડ, આરકોમ અને રિલાયન્સ કેપિટલનો સમાવેશ થાય છે.

નોમુરાના ડેરિવેટિવ્ઝ હેડ તુષાર મહાજને જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં શેર F&Oના ટ્રેડિંગ પ્રતિબંધ હેઠળ હોય ત્યારે બજારમાં વધુ પડતી પોઝિશન હોવાનો ખ્યાલ આવે છે. આવી સ્થિતિમાં ઘટાડાનું કોઈ કારણ મળે તો મોટા પાયે વેચવાલી આવી શકે, પણ અત્યારે એવું કોઈ પરિબળ જણાતું નથી.ડેરિવેટિવ્ઝ નિષ્ણાતોને નિફ્ટી 8,500ની નીચે જવાની ધારણા નથી. નિફ્ટીના 8,500ની સ્ટ્રાઇક પ્રાઇસના પુટ ઓપ્શન્સમાં મહત્તમ ઓપન ઇન્ટરેસ્ટ છે. નિફ્ટી સોમવારે 8,723ની સપાટીએ બંધ રહ્યો હતો.

આનંદ રાઠીના ડેરિવેટિવ એનાલિસ્ટ ચંદન તાપરિયાએ જણાવ્યું હતું કે, 2008માં મોટી સંખ્યામાં શેર F&O ટ્રેડિંગ પ્રતિબંધ હેઠળ હતા, પણ એ વખતે VIX 70-75 હતો. જ્યારે હાલ તે 15ના સ્તરે છે. વોલેટિલિટીમાં ઘટાડો મોટા કરેક્શનની શક્યતાને ઘટાડે છે. ઉપરાંત, પુટ-કોલ રેશિયો મૂલ્યની રીતે વર્ષની ઊંચી સપાટી નજીક છે અને F&O સેગમેન્ટનો ઓપન ઇન્ટરેસ્ટ સર્વોચ્ચ સ્તરે છે. ઇન્ડિયા VIX સોમવારે 10 ટકા ઘટીને 14.56ના સ્તરે બંધ હતો.

કોમોડિટીમાં ઓપ્શન્સ ટ્રેડિંગને મંજૂરી

સેબીએ કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટના નિયમનને કડક બનાવ્યાના એક વર્ષ પછી કોમોડિટી એક્સ્ચેન્જિસની વૃદ્ધિના પગલાની શરૂઆત કરી છે. MCX અને NCDEX સહિતના કોમેક્સિસને સેબીએ કોમોડિટી વાયદામાં ઓપ્શન્સ ટ્રેડિંગ લોન્ચ કરવાની મંજૂરી આપી છે. ઉપરાંત, એક્સ્ચેન્જિસને ઇંડાં, ડાયમંડ, સ્કીમ મિલ્ક પાઉડર, ચા, કોકો, પિગ આયર્ન, બાયોફ્યુઅલ્સ અને બ્રાસ વાયદાનો ઉમેરો કરવાની છૂટ આપી છે.

ETએ 27 સપ્ટેમ્બરની આવૃત્તિમાં જણાવ્યું હતું કે, સેબી ચાલુ સપ્તાહે ઓપ્શન્સના લોન્ચિંગને મંજૂરી આપશે. વધુમાં પહેલી જુલાઈની આવૃત્તિમાં ETએ ડાયમંડ વાયદાની વિચારણા થઈ રહી હોવાના સમાચાર પ્રકાશિત કર્યા હતા. સેબી આગામી સમયમાં ઓપ્શન્સના પ્રકાર અને પ્રોડક્ટ્સ અંગેની માહિતી આપશે. કોમોડિટી બજારના અગાઉના નિયમનકર્તા FMCનું ગયા વર્ષની ૨૯ સપ્ટેમ્બરે સેબી સાથે મર્જર પછી તેની સલાહકાર સમિતિએ શરૂઆતમાં ગોલ્ડ અને રિફાઇન્ડ સોયા ઓઇલ ઓપ્શન્સ લોન્ચ કરવાની ભલામણ કરી હતી.

સેબીએ સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે, નવી કોમોડિટી ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ્સનું લોન્ચિંગ કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટના એકંદર વિકાસ માટે સાનુકૂળ ગણાય છે. તેને લીધે કોમોડિટી એક્સ્ચેન્જિસના વોલ્યુમ અને તરલતામાં વૃદ્ધિનો અંદાજ છે. ટ્રેડર્સને હેજિંગની સુવિધા મળશે અને કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટ વધુ વ્યાપક બનશે. સેબીએ કહ્યું હતું કે, ઓપ્શન્સ કોન્ટ્રાક્ટમાં ટ્રેડિંગ શરૂ કરવા ઇચ્છુક કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સ્ચેન્જિસે સેબીની આગોતરી મંજૂરી લેવી પડશે. જેના માટે આગામી સમયમાં વિસ્તૃત માર્ગરેખા ઇશ્યૂ કરાશે.

અન્ય મહત્ત્વના નિયમોમાં NSE અને BSE જેવા ઇક્વિટી એક્સ્ચેન્જિસને કોમોડિટી ફ્યુચર્સ સેગમેન્ટ લોન્ચ કરવાની અને MCX, NCDEX જેવા કોમેક્સિસને ઇક્વિટી, કરન્સી સેગમેન્ટ લોન્ચ કરવાની મંજૂરી મળી છે. કોમોડિટી સબસિડિયરીના બ્રોકરેજ સાથે મર્જર પછી સેબી માર્જિન ફન્જિબિલિટીની સુવિધા આપશે. સમયાંતરે મ્યુ ફંડ્સ, FPIs સહિતના સંસ્થાકીય રોકાણકારોને લગતી તેમજ સૂચકાંક સંબંધી અન્ય પ્રોડક્ટ્સની મંજૂરી મળે તેવી શક્યતા છે, જે બજારને વધુ પરિપક્વ બનાવશે.

NSEના કુલ ડેરિવેટિવ્ઝ ટર્નઓવરમાં ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.404 લાખ કરોડ સાથે ઓપ્શન્સનો હિસ્સો 75 ટકા રહ્યો હતો. NSE પર ઇક્વિટી ડેરિવેટિવ્ઝનું દૈનિક સરેરાશ ટર્નઓવર રૂ.3.31 લાખ કરોડ છે. જેની સામે MCX, NCDEX અને NMCEનું ટર્નઓવર માત્ર રૂ.25,000-30,000 કરોડ છે. કારણ કે કોમોડિટી એક્સ્ચેન્જિસમાં માત્ર ફ્યુચર્સ ટ્રેડિંગની મંજૂરી છે અને સંસ્થાકીય રોકાણકારો પર પ્રતિબંધ છે.

MCXના એમડી અને સીઇઓ સમીર શાહે જણાવ્યું હતું કે, ખેડૂતો માટે ઓપ્શન્સ ગેમ ચેન્જર પુરવાર થશે. તેની મદદથી ખેડૂતો ડેરિવેટિવ્ઝ માર્કેટમાં કૃષિ પેદાશો વેચી ભવિષ્યના ભાવઘટાડા સામે રક્ષણ મેળવી શકશે. ફ્યુચર્સની તુલનામાં હેજર્સ માટે ઓપ્શન્સ વધુ સારો હેજિંગ વિકલ્પ છે

સર્જિકલ હુમલાથી ડોલર સામે રૂપિયો 39 પૈસા તૂટ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીમાં વધારા વચ્ચે રૂપિયામાં તેજીની પોઝિશન લેનારાં વિદેશી ફંડ્સ તથા વિદેશી અને ખાનગી બેન્કોને ભારે નુકસાન થયું હતું. હાજર બજારમાં ડોલર સામે રૂપિયામાં તીવ્ર ઘટાડાને કારણે કરન્સી ફોરવર્ડ માર્કેટ્સમાં ડોલરમાં શોર્ટ સેલિંગ કરનારા રોકાણકારોએ હવે નુકસાન સહન કરવું પડ્યું છે.

વિદેશી રોકાણકારોએ સ્થાનિક બોન્ડ અને શેરનું વેચાણ કરતાં ડોલર સામે રૂપિયો ઇન્ટ્રા-ડે 48 પૈસા અથવા 0.71 ટકા તૂટ્યો હતો. સેશનના અંતે ડોલર સામે રૂપિયો અગાઉના 66.47ના બંધ ભાવ સામે 39 પૈસા અથવા 0.59 ટકા ઘટીને 66.86એ બંધ આવ્યો હતો. બેન્ચમાર્ક બોન્ડની યીલ્ડમાં પાંચ બેસિસ પોઇન્ટ્સનો ઉછાળો આવ્યો હતો. તેનાથી બોન્ડના ભાવ ગબડ્યા હતા.

ટ્રેડિંગ સેશન દરમિયાન રિઝર્વ બેન્કે રૂપિયાની ઇન્ટ્રા-ડે વોલેટિલિટીને અંકુશમાં લેવા માટે દરમિયાનગીરી કરી હતી. કેટલીક રાષ્ટ્રીયકૃત બેન્કોએ રૂપિયાની ખરીદી કરી હતી. કરન્સી રિસ્ક મેનેજમેન્ટ કંપની મેક્લાઇ ફાઇનાન્શિયલના વાઇસ પ્રેસિડન્ટ (ફોરેક્સ એડ્વાઇઝરી) કેતા કુરકૂટે જણાવ્યું હતું કે, સરહદ પર તંગદિલીમાં અચાનક વધારાથી કરન્સી માર્કેટ્સનું આઉટલૂક બદલાઈ ગયું છે. રોકાણકારો હવે અગાઉના વલણને બદલીને ડોલરમાં લોંગ પોઝિશન લઈ રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે ભૂરાજકીય તંગદિલીમાં વધારાથી વોલેટિલિટીમાં વધુ વધારો થશે. કેટલાક ડીલરે જણાવ્યું હતું કે સરહદ પરની હાલની સ્થિતિ વણસશે તો રૂપિયો ઘટીને 67.50 સુધી જઈ શકે છે.

મે 1998માં પોખરણ અણુ પરીક્ષણ દરમિયાન એક મહિનામાં રૂપિયામાં 6.42 ટકા અથવા રૂ.૨.૨૫નો તીવ્ર ઘટાડો થયો હતો. મે 1999માં કારગીલ યુદ્ધ વખતે ડોલર સામે રૂપિયો 1.26 ટકા અથવા રૂ.1.01 ઘટ્યો હતો. કોટક સિક્યોરિટીઝના કરન્સી એનાલિસ્ટ અનિંદ્ય બેનરજીએ જણાવ્યું હતું કે યુદ્ધ જેવી સ્થિતિની ઊંચી ધારણા નથી. બજારના ખેલાડીઓને માત્ર થોડી અસ્થિરતાની ધારણા છે.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports