દેશનું અર્થતંત્ર ઊંચા દરે વિકાસ પામી રહ્યું છે , વિદેશી નાણાંનો જંગી પ્રવાહ પણ દેશમાં ઠલવાઈ રહ્યો છે તેમજ આ વર્ષે કૌભાંડીઓનો ગજ નહીં વાગે તેવી શક્યતાઓને ધ્યાનમાં લેતા માર્કેટ માટેનો આશાવાદ વધ્યો છે.
2010 ની શરૂઆત પહેલાં અનેક કૌભાંડો , નબળા વૈશ્વિક સંકેતો તેમજ ફુગાવા અને વ્યાજદરના નકારાત્મક સંકેતો વચ્ચે પણ વર્ષ દરમિયાન શેરબજારમાં 17 ટકાનો સુધારો જોવાયો છે અને રોકાણકારોની સંપત્તિમાં 12,00,000 કરોડનો જંગી વધારો જોવાયો છે. 2010 ના વર્ષ દરમિયાન સેન્સેક્સમાં 3000 પોઈન્ટનો વધારો જોવાયો છે.
શેરબજારમાં તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટકેપ 2009 ના અંતે 60,79,000 કરોડ હતું તે વધીને હવે 72,96,725.14 કરોડ થયું છે.
આ સમયગાળા દરમિયાન BSE સેન્સેક્સ 17,464.81 પોઈન્ટ ( 31 ડિસેમ્બર ,2009) થી વધીને 20,509.09 પોઈન્ટની સપાટીએ પહોંચ્યો છે.
બજારના નિષ્ણાતોના મતે 2011 માં તેજીની આગેકૂચ જળવાઈ રહેવાની પૂરી શક્યતા છે. તેમના મતે સેન્સેક્સ અગાઉના તમામ વિક્રમો તોડીને 24,000 ની સપાટી વટાવે તેવી શક્યતા છે.
તેમણે વધુમાં એવો આશાવાદ પણ દર્શાવ્યો હતો કે 2010 માં તેજી ઓટો , બેન્કિંગ , ફાર્મા અને આઈટી શેરો પૂરતી સિમિત હતી પણ 2011 માં આ રેલી વધુ વ્યાપક બનશે.
2010 માં GDP નો દર 9 ટકાની નજીક પહોંચ્યો હોવાથી ફુગાવામાં વધારા જેવા નકારાત્મક પાસા છતાં પણ સેન્સેક્સ 24,000 ની સપાટી વટાવે તેવી પૂરી શક્યતા છે , તેમ ગ્લોબ કેપિટલના વડા કે કે મિત્તલે જણાવ્યું હતું.
ઈક્વિટી બ્રોકિંગ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ એડવાઈઝર કંપની કન્વેઝિટી સોલ્યુશનના MD & CEO સુદીપ બંદ્યોપાધ્યાએ પણ ઊંચા વિકાસ દર અને માર્કેટ માટે હકારાત્મક સંકેતો દર્શાવવા સાથે ચેતવણીનો સૂર પણ ઉચ્ચાર્યો હતો.
તેમણે કહ્યું હતું કે 2011 ભારત માટે અત્યંત સારું કે અત્યંત ખરાબ વર્ષ પણ પૂરવાર થઈ શકે છે. ભારત નવા વર્ષમાં GDP ના વૃદ્ધિ દરના સંદર્ભમાં પ્રથમવાર ઉદારીકરણ બાદ ચીનને પાછળ રાખી દે તેવી શક્યતા છે પણ ભ્રષ્ટાચાર આ બધી બાબતો પર પાણી ફેરવી શકે છે.
વિતેલાં વર્ષ દરમિયાન સુધરેલા વૈશ્વિક સંકેતોને પગલે માર્કેટમાં સુધારો જોવાયો હતો. FII તેમજ FDI નો પ્રવાહ પણ સતત ચાલુ રહ્યો હતો અને તેને કારણે 2010 માં દેશમાં લિક્વિડિટીમાં નોંધપાત્ર સુધારો જોવાયો હતો.
IDBI ફેડરલ લાઈફ ઈન્સ્યોરરન્સના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર અનીશ શ્રવાસ્તવે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે લિક્વિડિટીની સારી સ્થિતિ અને ભારતનો ઊંચો આર્થિક વિકાસ દરને પગલે ભારતીય શેરબજાર 2011 માં નવી ઊંચાઈ સર કરે તેવી શક્યતા છે.
આ ઉપરાંત નિષ્ણાતો જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી પરિણામોની મોસમમાં કોર્પોરેટ જગત સારા ત્રિમાસિક પરિણામ નોંધાવશે તેવી આશા રાખી રહ્યા છે.
ચાલુ વર્ષનું પ્રથમ ક્વાર્ટર 3 જા ક્વાર્ટરના પરિણામો સાથે શરૂ થશે અને બાદમાં ફેબ્રુઆરીમાં બજેટ આવશે. ઉદ્યોગ ક્ષેત્રે સારી ફાળવણી માર્કેટની તેજીની ગતિ વધારી શકે છે , તેમ યુનિકોન સિક્યોરિટિઝના વાઈસ-પ્રેસિડેન્ટ (રિર્સચ) મધુમિતા ઘોષે જણાવ્યું હતું.
વિતેલા વર્ષે સેન્સેક્સે દિવાળીના દિવસે એટલે કે 5 નવેમ્બરના રોજ 21,206.77 ની ઈન્ટ્રાડે સપાટી વટાવી હતી પણ તે 10 ફેબ્રુઆરી ,2008 ની વિક્રમી સપાટી વટાવી શક્યો ન હતો.
No comments:
Post a Comment