પ્રતિનિધિમંડળે પત્રકાર પરષિદને જણાવ્યું હતું કે ગુજરાતનો ઊંચો વૃદ્ધિદર અમેરિકા અને યુરોપ સિવાય અન્ય દેશોમાં રોકાણ કરવા માંગતી ચીનની કંપની માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના આમંત્રણ પર ગુજરાતનું પ્રતિનિધિમંડળ ચીનની મુલાકાતે ગયું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રૂપ પ્રેસિડન્ટ (કોર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે , ચીન અબજો ડોલરની પુરાંત ધરાવે છે અને અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશમાંથી મળતા વળતરથી નિરાશ છે. ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત ઊંચા વૃદ્ધિદરને કારણે ચીનના રોકાણકારોમાં મહત્ત્વ મેળવી રહ્યું છે.
રાજ્ય સરકારે ચીનની કંપનીઓને વીજળી , રિન્યુએબલ એનર્જી , વેસ્ટ મેનેજમેન્ટ , શહેરી આવાસ , મેટ્રો રેલમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું , જ્યારે સ્થાનિક કંપનીઓ ચીનની કંપનીઓ સાથે સંયુક્ત સાહસ રચવાની અને ટેક્નોલોજી ટ્રાન્સફરની ઇચ્છા ધરાવે છે.
રાજ્ય સરકારના અધિકારીઓ માને છે કે ચીન આગામી પાંચ વર્ષમાં ભારતમાં 100 અબજ ડોલરનું રોકાણ કરવા ઇચ્છે છે અને ગુજરાત તેનો ઓછામાં ઓછો 10 ટકા હિસ્સો આકર્ષશે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2013 માં ચીનની 200 થી વધુ કંપનીઓ ભાગ લે તેવી શક્યતા છે એમ રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મહેશ્વર સાહુએ જણાવ્યું હતું.
અમદાવાદ સ્થિત કિરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે મ્યુનિસિપલ ઘન કચરામાંથી વીજળી પેદા કરવા માટે તકનીકી જોડાણ અને ટેક્નોલોજી ટ્રાન્સફર માટે બેઇજિંગ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેની એન્જિનિયરિંગ સંસ્થા સાથે જોડાણ કર્યું છે.
No comments:
Post a Comment