શિયાળો આવે એટલે દરેકના ઘરમાં ગરમ ટોપી, સ્વેટર, અને મફલરની શોધ અને સંશોધન કાર્યવાહી શરૂ થાય. દરેકના ઘરમાં ગયા શિયાળે પલંગની નીચે આરડીએક્સની જેમ ગરમ કપડાં સંતાડી દેવામાં આવે છે. જ્યારે જોરદાર ઠાર પડે ત્યારે ઘરવાળી દરેક પતિદેવને વિનંતી કરે છે જરાક પેટી પલંગનું પાટિયું પકડી રાખો તો જરસી કાઢવી છે. ટચલી આંગળિયે ગોવર્ધન તોડયો હોય એવા ભાવથી દરેક પતિ મહાશય ‘ગાદલાનો ગોવર્ધન’ ઉપાડે છે. કાકચિયો માંડ ઘામાં આવ્યો છે આ કહેવતને યથાર્થ ઠેરવવા અર્ધાંગિની મનમાંને મનમાં મલકી ઈરાદાપૂર્વક ગરમ કપડાં ગોતવામાં વાર લગાડે છે. અને જેવા આપણે પાટિયું પકડીને હાંફી જઈએ એટલે આપણને સંભળાવવામાં આવે છે કે જોયું અમને લેડિઝ લોકોને એકલા ઘરકામમાં કેટલી તકલીફ પડે છે? ગાદલાની ગોવર્ધન લીલા બાદ પત્ની દ્વારા ઘરમાં ‘જરસીદાન’ સમારોહ યોજવામાં આવે છે. એ જરસીમાંથી આખા વર્ષની ફિનાઈલની ગોળીઓની ‘મીઠી મીઠી!!!’ ખુશ્બુ દરેક પતિદેવે અનુભવી જ હોય છે, પરંતુ કોઈ પતિ કદી આ વાત પત્નીને કરી શકતો નથી. શિયાળો મારી દૃષ્ટિએ પ્રાયોગિક ઋતુ છે. આખા વર્ષ દરમિયાન મેક્સિમમ પ્રયોગો આ ઋતુમાં કરવામાં આવે છે. કુટુંબનાં સૌ સ્વજનો સાથે મળીને યથાશક્તિ આ સિઝનમાં બોડી બનાવી લેવાના કારસા ઘડે છે. શિયાળાની શરૂઆતમાં હેલ્થ સુધારી જ લેવાની આ યોજના શિયાળો જામતા સરકારની પંચવર્ષીય યોજનાની જેમ ગોટે ચડી જાય છે. અને આ લાચાર જનતા જેવું શરીર આવતા શિયાળાની રાહ જુએ છે.
આજથી આઠ વર્ષ પહેલાં મારા ઘરમાં એક ભયંકર ઘટના ઘટી, ચ્યવનપ્રાશનું ડબલું એ નવલ ત્રાસરૂપ બની ગયું. લ્યો સાંભળો એ ડબલાની આત્મકથા. ગયા શિયાળાનું એક ચ્યવનપ્રાશનું દુર્દશા પામેલું ડબલું ફળિયામાં અનાથ બનીને રખડતું હતું. મારા ડ્રાઈવરને એ ડબલા પર દયા ઉપજી એટલે એક પ્રાતઃકાળે ડ્રાઈવરે એમાં ગાડીના બેરિંગનું ગ્રીસ ભર્યું. એ ગ્રીસવાળું ડબલું ગાડી સુધી પહોંચે એ પહેલાં મારા પિતાજીની કરુણાભરી નજર એ દુઃખી ડબલા પર ગઈ. અંદરના વિષયવસ્તુની વિગતે ચકાસણી કર્યા વગર પિતાશ્રીને એમ થયું કે પુત્રવધૂની બેદરકારી અથવા તો પૌત્રની અવળચંડાઈના કારણે જ આ આખું ચ્યવનપ્રાશ ભરેલું ડબલું રસોડામાંથી ફળિયા સુધી સ્થળાંતર પામ્યું હશે. પિતાશ્રીએ મનમાં એ પણ વિચાર્યું કે આ તો સારું થયું કે આ ડબલું ડ્રાઈવરને હાથ ન આવ્યું. નહિંતર ઈ તો પોતાના પરિવારનો જ પ્રાસ મેળવી લેત. હે ભગવાન! કહી પિતાશ્રીએ કોઈને કશું કહ્યા વગર એ ડબલાને ફ્રીજ પર પુનઃ સ્થાપિત કર્યું. કોઈ ખંડિત થયેલા મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા થાય અને ધુમાડાબંધ ગામ જમે અને ગામને જે આનંદ અનુભવાય એવો આનંદ સમગ્ર પરિવારે ઊજવ્યો.
સહેવાગને જેટલો આનંદ વન-ડેની ડબલ સદીનો હતો એટલો જ આનંદ આ દુઃખી ડબલાને પોતાના આ બીજા જીવનદાનનો હતો. અંદર પુરાયેલું ગ્રીસ મનોમન સંકોચ સાથે આનંદની મિશ્ર લાગણી અનુભવતું હતું. ગ્રીસને સંકોચ એ વાતનો હતો કે ૫૦ રૂપિયાની પોતાની કિંમત માત્ર આ ડબલા ફેરના લીધે અંદાજે ૩૫૦ થઈ ગઈ. ગ્રીસ મનોમન વિચારતું હતું કે આ માનવજાત માત્ર બહારના ડબલા જ જુએ છે. અંદર શું પડયું છે એનાથી કોઈને કશો મતલબ નથી. છતાં ગ્રીસને આનંદ એ વાતનો હતો કે એમની સો પેઢીઓમાં કોઈ પણ પૂર્વજને આ રીતે રસોડામાં આદરણીય સ્થાન નહોતું મળ્યું. આમ આ ગ્રીસ ખુદ પોતાના સમુદાય માટે ‘ગ્રીસ કુળ ગૌરવ’ બન્યું એનો ગ્રીસને આનંદ હતો.
અને બીજે દિવસે રાબેતા મુજબ સવાર પડી છાપાના ફેરિયાએ છાપાનો ઘા કર્યો એ કાગળનો ઘા જોગિંગ કરતા બાપુજીના માથામાં વાગ્યો ને બાપા ધોમ થ્યા. ફેરિયા ઉપર ખીજાયા ને પછી બાપુજી રાબેતા મુજબ પુત્રવધૂ પર તાડુક્યા. છોકરા સ્કૂલે જવા માટે ઊઠયા જ નહીં એટલે ઘરવાળી રાબેતા મુજબ છોકરાવ પર તૂટી પડી. આવો વારસાગત અને પરંપરાગત ગુસ્સો મારા સિવાય તો બીજે ક્યાં સ્થિર થાય? જૂની કબજિયાતને લીધે મારે ટોઇલેટમાં નાછૂટકે વધુ સમય રહેવું પડયું એમાં ઘરવાળી બોલી કે આ તમારી કબજિયાતને લીધે છોકરા’વની કરિયર બરબાદ થાય છે એટલે કહું છું કે શિયાળામાં ચ્યવનપ્રાશ ખાતા જાવ.
આટલું બબડી સમગ્ર ઘટનાની વેઠ મારી નાસ્તાની ભાખરી પર ઉતારી. પત્નીએ ઓલ્યા દુઃખી ડબલામાંથી ફટાક દઈને ચ્યવનપ્રાશની ચમચી સીધી મારા મોઢામાં મૂકી. અરરરર...રરરર... આવી રીતે ૫૦ રૂપિયાનું ગ્રીસ ૩૫૦ રૂપિયાનું ચ્યવનપ્રાશ બનીને મારા પેટમાં પધરાવાઈ ગયું. બસ તે દિવસથી મારી જીભ ઓઈલિંગ થઈ ગઈ છે અને સતત અને અવિરત ચાલ્યા જ કરે છે. ત્યારથી હવે ઘરમાં ડબલા પર પ્રતિબંધ છે. સુખ એ થયું કે ઘરવાળી હવે દરેક વસ્તુ શબરીના બોરની જેમ ચાખીને જ આપે છે. વાચકમિત્રોને વિનંતી કે ડબલા ચેક કરીને જ ચમચી ભરવી. શિયાળાની સવાર હોબાળાની સવાર ન થાય એની તકેદારી રાખજો.
No comments:
Post a Comment