Translate

Thursday, May 12, 2016

IPLના નવમા વર્ષે પહેલી ટીમ કમાતી થઈ: KKRનો નફો રૂ.14.15 કરોડ

શાહરૂખ ખાનના 'સ્ટાર પાવર' અને છેલ્લાં કેટલાંક વર્ષમાં ટીમના જોરદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમ નફો કરતી થઈ છે. ટીમ 2014-15માં બીજી વખત ચેમ્પિયન થઈ ત્યારે તેણે IPLની તમામ ટીમમાં સૌથી વધુ આવક મેળવી હતી. 2014માં લોકસભા ચૂંટણીના કારણે અડધી ટુર્નામેન્ટ દેશની બહાર UAEમાં રમાઈ હોવા છતાં KKR નફાકારક બની હતી.

બિઝનેસ રિસર્ચ પ્લેટફોર્મ ટોફલરના જણાવ્યા અનુસાર KKRની કંપની નાઇટ રાઇડર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે 2014-15માં રૂ.168.71 કરોડની આવક મેળવી હતી, જે 2013-14માં રૂ.128.81 કરોડ હતી. તેનો નફો 2014-15માં અગાઉના વર્ષના રૂ.9.18 કરોડથી વધીને રૂ.14.15 કરોડ થયો હતો.

IPLની અન્ય કોઈ ટીમે નફામાં આટલું સાતત્ય દર્શાવ્યું નથી. 2014-15માં નફો કરનારી અન્ય ટીમ માત્ર કિંગ્સ XI પંજાબ હતી. તેણે અગાઉના વર્ષની રૂ.4.35 કરોડની ખોટ સામે રૂ12.76 કરોડનો નફો કર્યો હતો. ટીમની આવક 2014-15માં રૂ.130.05 કરોડ રહી હતી, જે અગાઉના વર્ષે રૂ.103.21 કરોડ હતી.

રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસેથી 2014-15 પછીના વર્ષની માહિતી હજુ મળી નથી. ઉલ્લેખનીય છે કે, સ્પોટ-ફિક્સિંગ અને સટ્ટાના આરોપોને પગલે IPLમાં ઘણા વિવાદ થયા હતા. ટુર્નામેન્ટનાં શરૂઆતનાં વર્ષોમાં મોટા ભાગની ટીમને પહેલાં ત્રણ-ચાર વર્ષમાં બ્રેક-ઇવનની ધારણા હતી. જોકે, નવમા વર્ષે પણ ઘણી ટીમો નફો કરી શકી નથી. જેમ કે, મુકેશ અંબાણીની મુંબઈ ઇન્ડિયન્સે 2011, 2012, 2013 અને 2014માં પ્રોત્સાહક આવક મેળવી હતી, પરંતુ આ વર્ષોમાં સતત જીત છતાં તે નફો કરી શકી નથી.

મુંબઈ ઇન્ડિયન્સની માલિક ઇન્ડિયાવિન સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે 2014-15માં રૂ.167.75 કરોડની આવક મેળવી હતી. 2013માં ટીમ ટુર્નામેન્ટ જીતી ત્યારે તેની આવક રૂ.220.87 કરોડ હતી. જોકે, હજુ સુધી કંપની નફો કરી શકી નથી. 2014-15માં તેની ખોટ રૂ.3.87 કરોડ રહી છે, જે 2013-14માં રૂ.5.04 કરોડ હતી. 2011થી 2014ના ગાળામાં કોહલી, ગેઇલ અને ડિ વિલિયર્સની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર પણ ખોટમાં હતી.

2014-15માં ટીમે રૂ.30.05 કરોડ અને 2013-14માં રૂ.99.04 કરોડની ખોટ કરી હતી. 2012-13માં તેની ખોટ રૂ.7.85 કરોડ રહી હતી અને આવક પણ રૂ.90ની આસપાસ અટકી હતી.

દિલ્હી ડેરડેવિલ્સની કંપની જીએમઆર પ્રાઇવેટ લિમિટેડની આવક 2014-15માં ઘટીને રૂ.112.86 કરોડ રહી હતી, જે 2013-14માં રૂ.151.22 કરોડ હતી. ટીમનો નફો 2013-14માં રૂ.7 કરોડ હતો, પરંતુ પછીના વર્ષ તેણે રૂ.20.39 કરોડની ખોટ કરી હતી.

ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સની ટીમને બે વર્ષ માટે સસ્પેન્ડ કરાઈ છે. જોકે, એ પહેલાં CSK આવકની રીતે ટોચની ત્રણ ટીમમાં સામેલ હતી. 2014-15માં તેની આવક રૂ.158.51 કરોડ અને 2013-14માં રૂ.166.16 કરોડ રહી હતી. રાજસ્થાન રોયલ્સની આવક 2013માં રૂ.93.38 કરોડ હતી અને ટીમે રૂ.3.84 કરોડની ખોટ કરી હતી.

BCCIની સેન્ટ્રલ પૂલ આવક ઉપરાંત, ટીમ્સની આવકના સૌથી મોટા સ્રોતમાં ઇનામની રકમ અને પર્ફોર્મન્સ બોનસ સામેલ છે. ટીમ્સને ટિકિટના વેચાણ, ટીમની જર્સી પર સ્પોન્સરશિપ, લાઇસન્સિંગ અને મર્ચેન્ડાઇઝિંગમાંથી પણ આવક મળે છે. ટીમ સ્પોન્સરશિપની સરેરાશ આવક રૂ.25-40 કરોડ છે અને ટિકિટના વેચાણમાંથી લગભગ રૂ.20-35 કરોડ મળે છે. ‌ફ્રેન્ચાઇઝીને BCCI તરફથી સેન્ટ્રલ પૂલની રૂ.70-80 કરોડની આવક થાય છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports