(ડો. તેજસ પટેલ)
અમદાવાદઃ સામાન્ય રીતે બાળક નાનું હોય સ્કૂલમાં હોય ત્યારે
માતા-પિતા તેને ડોક્ટર, એન્જિનિયર CA કે MBA જેવા ફિલ્ડમાં જવા પ્રેરતા
હોય, પરંતુ સ્પેસિફિકલી જે-તે ફિલ્ડમાં શેમાં આગળ વધવું તે જનરલી નક્કી નથી
હોતું, પરંતુ કેટલાંક બાળકો અપવાદ હોય છે જે બાળપણથી જ પોતાનો ગોલ ફિક્સ
કરે છે ને તેને પામતા હોય છે. આવી જ કંઇક વાત છે પાક્કા અમદાવાદી ને
પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડો. તેજસ પટેલની છે. 'હું પાંચમાં કે છઠ્ઠા ધોરણમાં
હતો ત્યારથી જ ફિક્સ જ પપ્પાએ કહ્યું હતું કે, તારે કાર્ડિયોલોજિસ્ટ જ
બનાવાનું છે.' કદાચ તેમના પિતાએ ચોક્કસ વિઝન સાથે દીકરા માટે ગોલ નક્કી
કર્યો ને ડો. તેજસ પટેલ કાર્ડિયોલોજીના ફિલ્ડમાં વૈશ્વિકસ્તરે નામના મેળવી
રહ્યા છે.
પ્રજાસત્તાક દિનની સંધ્યાએ કેન્દ્ર સરકારે જુદાં-જુદાં ક્ષેત્રોની
જાણીતી હસ્તીઓને પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરી
છે. ચાલુ વર્ષે પદ્મવિભૂષણ માટે એલ.કે.અડવાણી, અમિતાભ બચ્ચન
અને દિલીપકુમાર સહિત કુલ 9 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે. જ્યારે
પદ્મભૂષણ એવોર્ડ માટે 20 વ્યક્તિઓની અને પદ્મશ્રી એવોર્ડ માટે 75 જેટલી
વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતમાંથી ચાર વ્યક્તિઓની પદ્મશ્રી
એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. તેમાં જાણીતા હાસ્ય લેખક તારક મહેતા સહિત ગુણવંત શાહ, ડૉ. તેજસ પટેલ અને ડૉ. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદીનો સમાવેશ થાય છે.
અમદાવાદનાં ઇન્ટરવેન્શનલ કાર્ડીયોલોજિસ્ટ ડો. તેજસ પટેલને પદ્મશ્રીથી
નવાજવામાં આવશે. તેઓ હાલમાં એપેક્ષ હાર્ટ હોસ્પિટલનાં ચેરમેન અને ચીફ
ઇન્ટરવેન્શનલ કાર્ડીયોલોજિસ્ટ છે સાથો સાથ એનએલએલ મેડિકલ કોલેજમાં
કાર્ડીયોવાસ્કયુલર સાયન્સીસનાં પ્રોફેસર અને વડા પણ છે. 75 હજારથી વધુ સફળ
પ્રોસીઝર કરીને વિશ્વકક્ષાએ ડો. તેજસ પટેલે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. BAPS
સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામીની છેલ્લા 20 વર્ષોથી સારવાર
કરતાં ડો. તેજસ પટેલે કારર્કિદી, મેડિકલ ફિલ્ડ, સફળતા-નિષ્ફળતા અને ભગવાન
પ્રત્યે આસ્થા અંગે ખાસ વાતો divyabhaskar.com સાથે શેર કરી હતી.
બાળપણ અને ઉછેર અંગે વાત કરતાં ડો. પટેલે જણાવ્યું હતું કે, હું મૂળ સોજિત્રા, ખેડાનો છું, પણ 51 વર્ષમાંથી 49 વર્ષો અમદાવાદમાં ગાળ્યા છે. મારો ઉછેર મોડેસ્ટ મિડલ ક્લાસ ફેમિલી જ થયો હતો, પપ્પા ડોક્ટર જ હતા. તેઓ જનરલ ફિઝિશિયન હતા ને તેમની પ્રેક્ટિસ નાની હતી. કરિયરમાં હું તો માત્ર મહેનત કરીને આગળ આવ્યો છું, મારે આગળ-પાછળ કોઇ સોર્સિસ ન હતા.
કરિયર અંગે નિર્ણય કેવી રીતે લીધો તે અંગે તેમણે જણાવ્યું હતું કે,
હું પાંચમા કે છઠ્ઠામા હતો ત્યારે જ પપ્પાએ કહી દીધું હતું કે, તારે
કાર્ડિયોલોજિસ્ટ જ બનવાનું છે. પહેલાથી બારમા ધોરણ સુધી મારું સ્કૂલિંગ એ.
જી. હાઇસ્કૂલમાં થયું ને બાદમાં એમબીબીએસ, એમડી, ડીએમ મેં બી જે મેડિકલ
કોલેજ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતેથી કર્યા. બાદમાં ફિલ્ડને લગતો કેટલોક
ઉચ્ચ અભ્યાસ અમેરિકા અને ફ્રાંસ ખાતે કર્યો. હું જ્યારે કાર્ડિયોલોજિસ્ટ બન્યો ત્યારે દર્દીઓ સારવાર માટે મુંબઇ અને મદ્રાસ જ જતાં હતા
ડો. પટેલ 1991માં કાર્ડિયોલોજિસ્ટ બન્યા. તે સમયને ટાંકીને તેમણે જણાવ્યું
હતું કે, હું જ્યારે કાર્ડિયોલોજિસ્ટ બન્યો ત્યારે સાચું કહું તો અમદાવાદ
ખાતે કાર્ડિયોલોજી ફિલ્ડમાં કાર્ડિયોલોજિસ્ટની કોઇ વેલ્યૂ ન હતી. તે જ
અરસામાં યુ એન મહેતા ખાતે ઇન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી શરૂ થઇ. જેમાં ડો.
ઠાકોરભાઇ પટેલ પ્રોફેસર હતા ને હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોઇન થયો. તે
સમયે મોટાભાગના દર્દીઓ કાર્ડિયોલોજીને લગતી સારવાર માટે મુંબઇ અને મદ્રાસ જ
જતાં. અહીંયા એ લેવલનો કોન્ફિડન્સ જનરેટ કર્યો. 1997 પછી મેં પ્રાઇવેટ
પ્રેક્ટિસ શરૂ કરી.
ડો. તેજસ પટેલે 75 હજાર કરતાં વધુ સફળ સર્જરી કરી છે. આટલો બહોળો
અનુભવ ધરાવતા કાર્ડિયોલોજિસ્ટે જીવનની પહેલી એન્જિયોપ્લાસ્ટીને યાદ કરતાં
જણાવ્યું હતું કે, વર્ષ 1992ની વાત છે. સિવિલમાં એન્જિયોપ્લાસ્ટી થતી,
જેમાં મદ્રાસના પ્રખ્યાત સર્જન ડો. ગિરિનાથ અને ડો. મેથ્યૂઝ આવતા હતા. ડો.
ગિરિનાથ સર્જરી કરતાં ને ડો. મેથ્યૂઝ એન્જિયોપ્લાસ્ટી કરતા. હું ડો.
મેથ્યૂઝને એન્જિયોપ્લાસ્ટીમાં આસિસ્ટ કરતો હતો. નવેમ્બર મહિનાની વાત છે કે,
ડો. ગિરિનાથ આવ્યા પણ તેમની સાથે ડો. મેથ્યૂઝ આવ્યા ન હતા ને હોસ્પિટલ
દ્વારા એન્જિયોપ્લાસ્ટીના કેસ લેવામાં આવ્યા હતા. ત્યારે ડો. ગિરિનાથે મને
કહ્યું કે, તેજસ ઓપરેશન કરી નાંખો. પછી મેં કહ્યું કે, ઓપરેશન તો કરી શકું,
પણ મેં તો માત્ર ડો. મેથ્યૂઝને સાત ઓપરેશન માટે આસિસ્ટ જ કર્યા છે,
ઇન્ડિપેન્ડેટલી કોઇ ઓપરેશન નથી કર્યા. આથી ડો. ગિરિનાથે કહ્યું કે, આપણે
પેશન્ટ સાથે વાત કરીએ પછી એની મરજી પ્રમાણે આગળ વધીશું.
પોતાની પહેલી એન્જિયોપ્લાસ્ટીના કિસ્સાને આગળ વધારતા ડો. પટેલે કહ્યું
હતું કે, મને યાદ છે ત્યારે જૂનાગઢની કોઇ પ્રાયમરી શાળાના શિક્ષક ભવાનભાઇ
એન્જિયોપ્લાસ્ટી માટે આવ્યા હતા. ડો. ગિરિનાથે તેને મારા પહેલા ઓપરેશન અંગે
વાત કરીને કહ્યું કે, જો કોઇ પ્રોબ્લેમ થશે તો હું સર્જરી કરીશ. વાત
જાણ્યા પછી ભવાનભાઇએ મને કહ્યું કે, ડોક્ટર સાહેબ કોઇ ચિંતા નથી તમે જ કરો
ઓપરેશન, ને મેં પ્રથમ એન્જિયોપ્લાસ્ટી કરી.
ડો. પટેલની કારકિર્દીની પ્રથમ એન્જિયોપ્લાસ્ટી હોવા છતાં વિશ્વાસ
દાખવનાર ભવાનભાઇ હજુ પણ જરૂર જણાય ત્યારે ડો. તેજસ પટેલ પાસે જ જાય છે.
ડો. તેજસ પટેલે બાદમાં એન્જિયોપ્લાસ્ટી ક્ષેત્રે ક્રાંતિકારી કહી શકાય તેવી
ટ્રાન્સ રેડિયલ ઇન્ટરવેન્શનની શરૂઆત કરી. તે સિવાય ડો. પટેલ એશિયન
દર્દીઓના એન્જિયોપ્લાસ્ટીમાં અતિ ઉપયોગી સાબિત થાય તેવી કેથેરેટ
(મૂત્રનલિકા) બનાવી. આ કેથેરેટની અમેરિકામાં પટેલ કેથેરેટના નામે પેટન્ટ પણ
છે. ભારતીય સર્જનની આ પાથ-બ્રેકિંગ ટેક્નિકને વૈશ્વિક સ્તરે અપનાવવામાં
આવી છે. આ જ સર્જરીને લગતું એક પુસ્તક 'Patel's Atlas of Transradial
Intervention: the Basics and Beyond' ડો. તેજસ પટેલે સાથી લેખકો ડો. સંજય
શાહ અને ડો. સમીર પંચોલી સાથે લખ્યું છે. વિશ્વભરમાં આ પુસ્તકને ટ્રાન્સ
રેડિયલ સર્જરીની ટેક્સ્ટ બુક તરીકે કન્સિડર કરવામાં આવે છે, તેવું ડોક્ટર
પટેલે જણાવ્યું હતું.
પદ્મશ્રી એવોર્ડ વિજેતા એવા ડો. તેજસ પટેલને અગાઉ ઘણાંય એવોર્ડ્ઝ મળી
ચૂક્યા છે. વર્ષ 2008માં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે રાષ્ટ્રીયકક્ષાના ડો.
બી સી રોય એવોર્ડથી સમ્માનિત કર્યા હતા. પોતાની સફળતા અંગે ડો. પટેલે
જણાવ્યું હતું કે, કરીયરની વાત કરું તો તેમાં માતા-પિતા, દાદા-દાદી, પત્ની
તથા સમગ્ર કુટુંબ ડગલે ને પગલે સાથે જ હતું, પરંતુ મને મળેલા એવોર્ડનો 50
ટકા હિસ્સો મારા કલીગ ડો. સંજય શાહને જાય છે. તે સિવાય સફળતા પાછળ સૌથી ખાસ
ફાળો મારા દર્દીઓનો છે, કે જેમણે હંમેશા મારા પર વિશ્વાસ દાખવ્યો છે. અમે
કોઇ પણ નવી પ્રોસિજર અપનાવીએ તો પણ તેમણે હંમેશા ટ્રસ્ટ કર્યો છે કે હું
કંઇ ખોટું નહીં કરું. હવે ડોક્ટરના ફિલ્ડમાં વિશ્વાસ નથી રહ્યો આથી મારા પર
વિશ્વાસ કરતાં દર્દીઓનો મારી સફળતા પાછળ ખાસ ફાળો છે.
અત્યંત વ્યસ્ત શિડ્યૂઅલ ધરાવતા ડો. પટેલે પોતાનાં રિલેક્સેશન ફંડા
અંગે કહ્યું કે, મારા મતે રિલેક્સેશન એટલે ધ વર્ક યુ લાઇક ધ મોસ્ટ એન્ડ
વ્હેન યુ ડુ એન્જોઇંગ ધ મોસ્ટ ને મને તો અમારી લેબમાં જ રિલેક્સેશન લાગે
છે. મારા માટે તો કામ જ રિલેક્સેશન છે. ચાર દિવસ કામ ના કરીએ તો ડિપ્રેસ થઇ
જવાય.