નવા રિઝર્વ બેન્ક ગવર્નર
ઊર્જિત પટેલની પસંદગી વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ કરી છે.
ગયા સપ્તાહે વડાપ્રધાન અને નાણાપ્રધાન જેટલીની
બેઠકમાં RBI ગવર્નરના હોદ્દા માટે ચાર
નામ ચર્ચાયાં હતાં. જેમાં પટેલનું
નામ પણ હતું.
અન્ય ત્રણ ઉમેદવારમાં હાલના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) અરવિંદ સુબ્રમણિયન્, ભૂતપૂર્વ CEA અને હાલ વિશ્વ બેન્કના ચીફ ઇકોનોમિસ્ટ કૌશિક બસુ તેમજ રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર અને IMFમાં ભારતના પ્રતિનિધિ સુબિર ગોકર્ણ સામેલ હતા.
સરકારના વરિષ્ઠ અધિકારીઓએ ઇટીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીને કારણે પટેલનું પલ્લું ભારે થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર આખરી સ્પર્ધા પટેલ અને સુબ્રમણિયન્ વચ્ચે હતી. જોકે, પટેલ વડાપ્રધાન મોદીની પહેલી પસંદ હોવાથી RBI ગવર્નરની દોડમાં તે જીતી ગયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર નવા ગવર્નરની નિમણૂક અને હોદ્દો છોડી રહેલા ગવર્નર વચ્ચે બહુ ઓછો સમય રાખવા માંગતી હતી. રાજનની મુદત ૩ સપ્ટેમ્બરે પૂરી થાય છે અને પટેલના નામની જાહેરાત 20 ઓગસ્ટે કરાઈ હતી. એટલે બંને તારીખ વચ્ચે માત્ર 14 દિવસનો તફાવત છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અગાઉના ગવર્નરની એક્ઝિટ અને નવા ગવર્નરની નિમણૂક વચ્ચે 15 દિવસથી વધુનો સમય ન હોવો જોઈએ. જેથી રિઝર્વ બેન્કનાં કામકાજ અને વિદાય લઈ રહેલા ગવર્નરની કામગીરીમાં હસ્તક્ષેપ ટાળી શકાય.
No comments:
Post a Comment