બોલિવૂડ એક્સપ્રેસ :
સાડા-છ ફૂટ ઊંચા અરીસાને પૈડાંવાળા પ્લેટફોર્મ પર ગોઠવીને, એને ધીમે ધીમે કાળજીપૂર્વક વ્હિલચેરની માફક સરકાવીને બોલિવૂડ બોય ઉર્ફ બો-બો તમારી સામે પાછો ઉપસ્થિત થઈ ગયો છે. પછી અરીસાને જરા ત્રાંસો ઊભો રાખીને બો-બો એની સાવ બાજુમાં ઊભો રહી ગયો છે. દેખાયું અરીસામાં બો-બોનું પ્રતિબિંબ? આજે બબ્બે બો-બો તમારી સાથે વાતોનાં વડાં-ભજિયાં-સમોસાં કે જે કહો તે કરવાનો છે. કેમ? 'તનુ વેડ્સ મનુ રિર્ટન્સ'માં ક્વીન કંગનાનો ડબલરોલ છે, ભૂલી ગયા? આ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું હતું તે જ વખતે હરખપદૂડા બો-બોએ એના વિશે ખૂબ બધી વાતો કરી નાખી હતી અને કંગનાનો એક હરિયાણવી ડાયલોગ પણ સંભળાવી દીધો હતો, યાદ આવ્યું? એ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' ફાઇનલી આજે રિલીઝ થઈ રહી છે એટલે બો-બો સવારથી હૂપાહૂપ કરી રહ્યો છે.
આહા! આજે તો એક ટિકિટમાં બબ્બે કંગના જોવા મળશે. એય પાછી એકબીજા કરતાં સાવ નોખી. એક તો, ફર્સ્ટ પાર્ટવાળી જૂની ને જાણીતી તનુ ને બીજી, બોયકટવાળી બ્રાન્ડ-ન્યૂ હરિયાણવી કુસુમ. સહેજે સવાલ થાય કે કલાકાર જ્યારે એકમેક કરતાં સાવ જુદી પર્સનાલિટીવાળા ડબલરોલ કરતો હોય ત્યારે એને બેમાંથી કોઈ એક પ્રત્યે વધારે લગાવ થઈ જાય એવું બને ખરું? કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં આનો જવાબ આપતાં કહેલું, "તનુએ મને ઇમોશનલી નિચોવી નાખી હતી, જ્યારે કુસુમે ફિઝિકલી પિદૂડી કાઢી નાખી,કેમ કે કુસુમના રોલ માટે એથ્લેટિક તરીકે મારી જાતને તૈયાર કરવાની હતી. ટ્રેલર રિલીઝ થતાં જ જે જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે તેના પરથી લાગે છે કે લોકોને તનુ કરતાં કુસુમ વધારે ગમી ગઈ છે. મારી બહેને એના મોબાઇલના સ્ક્રીનસેવર તરીકે કુસુમનો ફોટો રાખ્યો છે. અરે, 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'ના આખા યુનિટે કુસુમના ફોટોનું સ્ક્રીનસેવર બનાવ્યું છે. હું જોકે બધાને એક જ વાત કહું છું કે તમે એક વાર પિક્ચર જોજો, તમને સમજાશે કે ફિલ્મનો ખરો હીરો તનુ છે, કુસુમ નહીં."
કંગના ઇચ્છે છે કે પોતાની બન્ને ભૂમિકાઓને લોકોનું એકસરખું અટેન્શન મળે. નેચરલી એક વાર એણે ફિલ્મના ડિરેક્ટર આનંદ રાયને પૂછેલું કે, "આનંદજી, આપ ભી કુસુમ કે લિયે પાર્શિયલ હો?" આનંદ રાય કહે, "ના ના, હોય કંઈ. મારા માટે તો ડાબી-જમણી બેય આંખ સરખી." હકીકત એ છે કે પોતાને તનુ કરતાં કુસુમ વધારે ગમે છે એવું ડિરેક્ટરસાહેબે ખુદ કોઈની સામે કબૂલ્યું છે.
તનુ વધારે વખણાય કે કુસુમ, આખરે શાબાશી તો કંગનાને જ મળવાની છે. બો-બોનું દિલ કહે છે કે કંગના 'ક્વીન' પછી ફરી એક વાર આજે જોરદાર સિક્સર ફટકારવાની છે. ટચવૂડ!
બો-બોએ તનુ અને કુસુમની કથા માંડી એમાં ફિલ્મનો અસલી હીરો માધવન તો ભુલાઈ જ ગયો. માધવન સાથે આ જ પ્રોબ્લેમ છે. બોલિવૂડના અમુક એક્ટર એવા છે જે કાબેલ હોવા છતાં અને કેટલીય હિટ ફિલ્મો આપી હોવા છતાં ખાસ ન્યૂઝમાં હોતા નથી. એમનાં નામ લોકજીભે ચડતાં નથી. નથી એમની જબરદસ્ત ફેન-ફોલોઇંગ હોતી કે નથી મીડિયાને એમને ચગાવવામાં બહુ રસ હોતો. જાડિયોપાડિયો અને ક્યૂટ-ક્યૂટ સ્માઇલ કરતો માધવન આ કેટેગરીમાં સ્થાન પામતો લો-પ્રોફાઇલ એક્ટર છે.
માધવન અને કંગનામાં એક વાત કોમન છે. બન્નેની લાઇફસ્ટાઇલ અને એટિટયૂડ ટિપિકલ હીરો-હિરોઇન જેવાં જરાય નથી. કરિયર જ્યારે લાલચોળ તપેલી હોય ત્યારે કંગના બધું પડતું મૂકીને ક્રિએટિવ રાઇટિંગનો કોર્સ કરવા બિન્ધાસ્ત ન્યૂ યોર્ક જતી રહે છે અને ત્યાં જઈને શોર્ટ ફિલ્મ સુધ્ધાં બનાવે છે (બોલિવૂડની કોઈ હિરોઇને ભૂતકાળમાં આવું કર્યું હોય એવું યાદ આવે છે?), જ્યારે માધવન કરિયરની ચિંતા કર્યા વિના બાલ-દાઢી વધારી, સાવ સામાન્ય માનવીની માફક યુરોપ-અમેરિકામાં રખડપટ્ટી કરે છે. એયને સડકો પર ફરવાનું, રોડસાઇડ રેસ્ટોરાંમાં ખાવાનું, હિચહાઇકિંગ કરવાનું. ઇન ફેક્ટ, માધવને ઇન્ડિયા પાછા આવ્યા પછી પણ જીથરાભાભા જેવા અવતારમાં ભારતભ્રમણ કરેલું. એ ખખડધજ એસટી બસોમાં બેસીને દેશના અંતરિયાળ વિસ્તારોમાં ગયો, હાઇવેના ઢાબા પર જમ્યો, સ્થાનિક લોકો સાથે હળ્યોભળ્યો અને એમની સાથે અગવડમાં રહ્યો.
બો-બો આ સાંભળીને મહાઇમ્પ્રેસ્ડ થઈ ગયો છે. એને આમિર ખાને કહેલી એક વાત યાદ આવે છે. આમિરે કહેલું કે જો તમારે એક્ટર બનવું હોય તો એક-દોઢ વર્ષ આખા ભારતમાં ગાંડાની જેમ રખડો. અલગ અલગ રાજ્યોનાં ઇન્ટીરિયર ગામડાંમાં, નાનાં-નાનાં શહેરોમાં, પહાડો પર, દરિયાકાંઠાના વિસ્તારોમાં એક-એક-બબ્બે મહિના રહો. આપણા દેશને, દેશની જનતાને સમજો. એમનું અવલોકન કરો. આ રીતે તમને જે જડબેસલાક તાલીમ મળશે એવી દુનિયાની કોઈ એક્ટિંગ સ્કૂલ નહીં આપી શકે. આટલું કહીને આમિરે ધીમેથી ઉમેરી દીધું હતું કે એને પોતાને આ રીતે આખા દેશમાં રખડવાનો મોકો ક્યારેય મળ્યો નથી.
આમિરની વાતમાં દમ છે. બો-બો તો કહે છે કે માત્ર એક્ટર જ શું કામ, તમારે રાઇટર (માત્ર ફિલ્મોના લેખક નહીં, પણ રાઇટર-ઇન-જનરલ), ડિરેક્ટર, પેઇન્ટર, ટૂંકમાં, ક્રિએટિવ કહી શકાય એવા કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું હોય તો આ પ્રકારની અલગારી રખડપટ્ટી કરવી જોઈએ. આ રીતે જિંદગીના જે પાઠ શીખવા મળે છે એવા બીજા કોઈ રીતે મળી શકતા નથી. એ વાત અલગ છે કે ખુદ બમ્બૈયા બો-બોએ બોરીવલીથી આગળ જવાની તસ્દી લીધી નથી. ગાંડી સાસરે જાય નહીં ને ડાહીને શિખામણ આપે તે આનું નામ.
બહુ થઈ જ્ઞાનની વાતો. હવે થોડી ગોસિપ કરવી જ પડશે. સાંભળો. હુઆ યૂં કિ રણબીર કપૂર વચ્ચે 'તમાશા' નામની ફિલ્મ માટે દિલ્હીમાં શૂટિંગ કરતો હતો. હિરોઇન હતી એની એક્સ-લવર, દીપિકા પાદુકોણ. બન્ને પાક્કા પ્રોફેશનલ એક્ટર છે એટલે એમની વચ્ચે સંબંધવિચ્છેદ થઈ ગયો હોવા છતાં સરસ શોટ્સ આપતાં હતાં. હોટલની એક જ લોબીમાં સામસામેના રૂમમાં ઉતારા આપવામાં આવ્યા હતા, એટલે રણબીર-દીપિકા બન્નેને વિચિત્ર લાગતું હતું. આટલું જાણે ઓછું હોય તેમ રણબીરની વર્તમાન પ્રેમિકા કેટરીના કૈફ ઓચિંતા આવી પડી. એણે રણબીરના રૂમમાં જ ધામા નાખ્યા. એના મનમાં ફફડાટ હશે કે મારી ગેરહાજરીમાં ક્યાંક રણબીર-દીપિકાનો પુરાણો પ્રેમ ઊથલો મારશે તો ઉપાધિ થઈ જશે. રણબીર-દીપિકા-કેટરીના એકબીજાથી એટલાં પાસે-પાસે હતાં કે ત્રણેયની ઓકવર્ડનેસનો પાર નહોતો. સારું થયું કે કોઈ 'તમાશા' ન થયા. નહીં તો ટીવી પર કંઈક આ પ્રકારના 'બ્રેકિંગ ન્યૂઝ'ની તડાફડી થઈ જાતઃ "દીપિકા-કેટરીના વચ્ચે છુટ્ટા હાથની મારામારી... રણબીરની સેન્ડવિચ થઈ"!
બો-બોના ફળદ્રુપ ભેજામાં કેવા કેવા વિચારો આવે છે, નહીં? એ વધારે ઉટપટાંગ વાતોની તડી બોલાવે એ પહેલાં એને વિદાય આપવામાં જ તમારી ભલાઈ છે. ભલે ત્યારે. સિનેમાદેવ સૌને સદ્બુદ્ધિ આપે. બો-બોને ખાસ.
No comments:
Post a Comment