Translate

Friday, October 31, 2014

શેરબજારોમાં ઊંચાઇના નવા રેકોર્ડ: સેન્સેક્સ 519 pts ઊછળ્યો, નિફ્ટીએ 8,300 હાંસલ કર્યું


- સેન્સેક્સે પાછલા 10 દિવસમાં આશરે 2,000 પોઇન્ટનો ઊછાળો નોંધાવ્યો
 
શેરબજારોમાં ઊંચાઇના નવા રેકોર્ડ: સેન્સેક્સ 519 pts ઊછળ્યો, નિફ્ટીએ 8,300 હાંસલ કર્યું- બજારોને HDFC, ઇન્ફોસીસ, રિલાયન્સ, L & T, TCS , HDFC બેન્ક અને SBIએ ઊંચક્યા
 
- કેપિટલ ગુડ્ઝ અને ઓઇલ એન્ડ ગેસ અનુક્રમે 2.7 % અને 2.2 % ઊછાળા સાથે મોખરે રહ્યા 
 
સેન્સેક્સ અને નિફ્ટીએ શુક્રવારે ઊંચાઇના જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. નિફ્ટીએ પહેલી વખત 8,200ની સપાટીને તોડીને 8,300ની સપાટી હાંસલ કરી છે. નિફ્ટી 153 પોઇન્ટ (2 ટકા) ઊછળીને 8,322 પર બંધ રહ્યો છે. સેન્સેક્સ જોરદાર 519 પોઇન્ટના ઊછાળા સાથે 27,865 પર બંધ આવ્યો છે. ઇન્ટ્રા-ડે ટોચ જોઇએ તો, નિફ્ટીએ 8,328 અને સેન્સેક્સે 27,894ની ટોચને સ્પર્શ કર્યો હતો.

સેન્સેક્સે પાછલા 10 દિવસમાં આશરે 2,000 પોઇન્ટનો ઊછાળો બતાવ્યો છે. અગાઉ 17 ઓક્ટોબરના રોજ સેન્સેક્સ 25,910ના નીચા સ્તરે હતો, જે શુક્રવારે બનાવેલી ટોચ સાથે તેણે 1,984 પોઇન્ટનો ઊછાળો નોંધાવ્યો છે.

આ સાથે નિષ્ણાતો ટૂંકા ગાળામાં સેન્સેક્સ 30,000 અને નિફ્ટી 9,000ની સર્વોચ્ચ સપાટીઓ હાંસલ કરશે એવી આગાહી કરવા લાગ્યા છે.

બજારોમાં આજની તેજી આંતરરાષ્ટ્રીય બજારોમાં આવેલો ઊછાળો છે. ગુરુવારે યુરોપ અને અમેરિકાના બજારો ઊંચા સ્તરોએ બંધ રહ્યા હતા. તેના પગલે આજે સવારે એશિયન બજારો આશરે 2 ટકા વધ્યા હતા તથા બપોર બાદ યુરોપીયન બજારો પણ આશરે 2 ટકા વધીને ટ્રેડ કરતા હતા.
 
બજારોને એચડીએફસી, ઇન્ફોસીસ, રિલાયન્સ, એલ એન્ડ ટી, ટીસીએસ, એચએફસી બેન્ક અને એસબીઆઇએ ઊંચક્યા હતા. સેન્સેક્સમાં આ શેરો વધવામાં મોખરે રહ્યા હતા.

ગેઇલનું પરિણામ જોરદાર આવતા તેનો શેર સાત ટકા ઊછળ્યો હતો અને અંતે 4 ટકા વધીને બંધ રહ્યો હતો. ગેઇલનો ચોખ્ખો નફો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેગણો વધીને રૂ.1,303 કરોડ થયો હતો.

સેન્સેક્સમાં અન્ય વધેલા શેરોમાં ટાટા પાવર, ટાટા સ્ટીલ, સિપ્લા, મારુતિ, ડો રેડ્ડીઝ, એક્સિસ બેન્ક, સન ફાર્મા, ટાટા મોટર્સ, એચયુએલ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ભેલ સહિત 28 શેરો વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સમાં માત્ર બે જ શેરો ભારતી એરટેલ 2.2 ટકા અને આઇટીસી 0.24 ટકા ઘટ્યા હતા.

બીએસઇના 13 ક્ષેત્રોમાં કન્ઝ્યુમર ડ્યુરેબલને બાદ કરતા તમામ ક્ષેત્રોમાં તેજીની હરિયાળી છવાઇ હતી. તેમાં કેપિટલ ગુડ્ઝ અને ઓઇલ એન્ડ ગેસ અનુક્રમે 2.7 ટકા અને 2.2 ઊછાળા સાથે મોખરે રહ્યા હતા. આ ઉપરાંત આઇટી-1.96 ટકા, પાવર-1.94 ટકા, મેટલ-1.91 ટકા, હેલ્થકેર-1.7 ટકા, બેન્કિંગ-1.76 ટકા, ઓટો-1.44 ટકા વધ્યા હતા. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ 3 ટકા તૂટ્યો હતો. 

વિસ્તૃત બજારોનો દેખાવ પણ ખૂબ સારો રહ્યો હતો. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 1.16 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકા વધ્યા હતા. 

પટેલની પરાકાષ્ઠાઃ ભૂખ, થાક ને મોતને હંફાવી વિઝા વગર પહોંચ્યો અમેરિકા

(તમામ તસવીરો પ્રતીકાત્મક)
 
અમદાવાદ. અમેરિકા જવાનું સપનું કેટલાંય ભારતીયો જોતાં હોય છે. કેટલાંકનું ફળે તો કેટલાંક રહી જાય. ગુજરાતમાં એવું કહેવાય છે કે, મોટાભાગના પટેલ અને શાહને અમેરિકા જવાનો ખૂબ ઇચ્છા હોય છે ને આ લોકો લીગલી અમેરિકા જવાનો પ્રયત્ન કરે પણ જો એમાં સફળતા ન મળે તો 'ગેરકાયદે' જવાનો પણ પ્રયત્ન કરતાં હોય છે. અમેરિકા ગયેલા એક પટેલ યુવકે દિવ્યભાસ્કર.કોમ સાથે ખાસ વાતચીત કરી અને તેમાં પોતે ગુજરાતમાંથી ગેરકાયદે અમેરિકા કેવી રીતે પહોંચ્યો તે જણાવ્યું.
 
દિવ્યભાસ્કર. કોમ સાથે વાત કરતાં પરેશ પટેલ (નામ બદલ્યું છે) જણાવે છે કે, હું ઉત્તર ગુજરાતના એક નાના ગામમાં રહેતો, ખાસ કંઇ કામ ધંધો કરતો ન હતો, ત્યારે કોઇએ અમને ઓફર કરી કે, તારે અમેરિકા જઉં છે? મેં કહ્યું વિચારીને જવાબ આપું. અમારા ગામમાંથી 150 જેટલા છોકરાઓ આવી રીતે (ગેરકાયદે) અમેરિકા ગયા હતા આથી મેં પણ નક્કી કર્યું કે, અમેરિકા ઉપડીએ. સામાન્ય રીતે ગેરકાયદે અમેરિકા લઇ જનારા એજન્ટ સામેવાળા લોકોની પણ પૂરતી તપાસ કરે કે આ લોકો છૂપી પોલીસ તો નથી ને? તેમને બધુ સેફ લાગે પછી જ બીજી વાતો આગળ વધે. અમારા ગામના ઘણા છોકરાઓ આવી રીતે ગયા હતા એટલે મારી પર તરત એમને વિશ્વાસ બેઠો.
 
પછી કેરાલાથી એક ભાઇ મને મળવા આવ્યા. અમે મીટિંગ કરી જેમાં તેમણે મને કહ્યું કે, એક નકલી ફિલ્મના શૂટિંગ માટે આપણે દુબઇ અને ત્યાંથી સાલ્વાડોર જઇશું ને પછી તમને ત્યાંથી અમેરિકા લઇ જવામાં આવશે. પછી મેં પાસપોર્ટ આપ્યો તેમણે દુબઇના વિઝા કરાવીને પાસપોર્ટ ને ટિકિટ મને મોકલ્યા ને મારા ગેરકાયદે અમેરિકા જવાની ટ્રિપની શરૂઆત થઇ ગઇ.
 
દુબઇમાં અમારી હોટેલ બુક હતી. અમે બે દિવસ હોટેલમાં રોકાયા ને પછી ત્યાંથી જ સાલ્વાડોરના વિઝા લીધા. દુબઇથી થોડું શોપિંગ કરીને અમે સાલ્વાડોર જવા રવાના થયા ત્યારે અમારી નકલી ફિલ્મ બનાવવાની ટીમમાં 7-8 લોકો હતા. અમારી સાથે અમારો નકલી ડાયરેક્ટર (એજન્ટનો માણસ) પણ હતો.
 
અમે જેવા સાલ્વાડોર લેન્ડ થયા ત્યારે ત્યાંના એરપોર્ટ પર જ અમારી આખી ટીમની ધરપકડ કરવામાં આવી કે, તમે જે વિઝા પર અહીંયા આવ્યા છો તેના પર અમે વધારે રોકાવાની પરમિશન નથી આપતા, તમારે પાછા ફરવું પડશે.
પટેલ જણાવે છે કે, અમને સાલ્વોડરના એરપોર્ટ પર કહેવામાં આવ્યું કે અહીંયા કોઇ પરિચિત હોય તો તેને બોલાવો તો તમારી એન્ટ્રી શક્ય બનશે. અમારા નકલી ડાયરેક્ટરે તેના બીજા માણસને બોલાવ્યો ને અમને સાલ્વાડોરમાં એન્ટ્રી મળી ગઇ. સાલ્વાડોરમાં પહોંચ્યાના 4-5 દિવસમાં બીજી ટુકડી આવી જેમાં ફિલ્મના હીરો, હીરોઇન, રાઇટર એમ કુલ 40 લોકો હતા, જેમાંથી 18 જણાને મારી જેમ અમેરિકા જવાનું હતું ને બાકીના ઇન્ડિયા પાછા જવાના હતા.
સાલ્વાડોર અમે એક મહિના રોકાયા ને વિવિધ જગ્યાએ ફર્યાને મજા કરી. અમે ઘણી જગ્યાએ શૂટિંગ પણ કર્યું.

અમે જે 18 લોકો હતા એને 3-4 લોકોની ટુકડીમાં વહેંચીને અલગ અલગ જગ્યાએ મોકલી દેવામાં આવ્યા. પછી અમને 'ડોંગર' (માફિયા) લેવા આવ્યો. દરેક ટીમના ડોંગર અલગ-અલગ હોય. અમારા ગ્રૂપમાં ચાર ઇન્ડિયન હતા. અમારે ગ્વાટેમાલા જવાનું હતું. અહીંયા અમે બધો સામાન ફેંકી દીધો. મેં એક પેન્ટની ઉપર બીજું પેન્ટ ચડાવ્યું એક ગંજી અને એક શર્ટ પહેર્યો, બૂટ પહેરી લીધા. પૈસા ને પાસપોર્ટ સિવાય બધું જ ત્યાં જ છોડી દીધું.
 
અમને 4 જણાને એક મોટા કન્ટેઇનરમાં લઇ જવામાં આવ્યા. એ કન્ટેનરની ડિઝાઇન ખાસ હતી. તેને પાછળથી ખોલો તો ખાલી કન્ટેનર લાગે પણ તેની અંદર લોકો છુપાઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કૂતરો સૂંઘે તો અમે પકડાઇએ બાકી સામાન્ય પોલિસ કે માણસને અંદાજો પણ ના આવે કે કન્ટેનરમાં માણસો છુપાયા છે. એ અંધારિયા કન્ટેનરમાં લગભગ 30 કલાક બેસીને અમે સાલ્વાડોરથી ગ્વાટેમાલા પહોંચ્યા.
30 કલાક બાદ અમે અજવાળું જોયું. અમારા બધાના શ્વાસ રૂંધાઇ ગયા હતા. ગ્વાટેમાલામાં સૌથી પહેલા અમે એક ગરીબ ઘરમાં રોકાયા હતા, તે દિવસમાં એક જ વાર જમવા આપે. જમાવામાં રાઇસ અને ચીકન હોય.
 
ગ્વાટેમાલામાં અમને જ્યાં ઉતાર્યા હતા તે જગ્યા ઊંચા ડુંગર પર હતી, ત્યાં સખત ઠંડી પડે. વેજીટેરિયન હોઇએ એટલે ચીકન ના ખઇએ પરાણે ભાત ખાઇએ. અમારી પાસે થોડા પૈસા હતા તેનાથી બિસ્કિટ ખરીદ્યા હતા. અમે તે ડુંગર પર લગભગ એક મહિનો રોકાયા ત્યાં સખત ઠંડી પડે અમારી પાસે જેકેટ કે કંઇ ઓઢવાનું કંઇ જ સામાન નહીં. છેવટે અમારો ફોન આવ્યો ને અમારે ગ્વાટેમાલાથી મેક્સિકો જવાનું નક્કી થયું.
 
અમે જ્યાં રોકાયા હતા ત્યાં એક દૂધના ટેન્કર જેવું વાહન આવ્યું. એ ટેન્કરમાં માંડ 14-15 લોકો આરામથી બેસી શકે, પણ અમે 85 લોકો હતા.
 
પટેલની પરાકાષ્ઠાઃ ભૂખ, થાક ને મોતને હંફાવી વિઝા વગર પહોંચ્યો અમેરિકા
એ નાનકડાં ટેન્કરમાં અમને 85 લોકો ગમે તેમ ઘૂસાડ્યા. અમારે ઊભા ઊભા જ આગળ જવાનું હતું. પગ મૂકવાની જગ્યા પણ માંડ માંડ મળી હતી. અમારું ટેન્કર સવારે નવ વાગતા ઉપડ્યું. એ આખો દિવસ ને રાત ટેન્કર ચાલ્યું. બીજા દિવસે સવારે ને બપોરે પણ ટેન્કર સતત ચાલતું જ હતું. બીજા દિવસે સાંજે સાત વાગ્યે મેક્સિકોના એક જંગલમાં અમારું ટેન્કર પહોંચ્યું. લગભગ 32 કલાક જેટલો સમય થયો પણ અમે લોકો બધા જ ઊભા હતા. ન ખાવાનું મળે, ન પાણી મળે અરે સંડાસ અને બાથરૂમ પણ ન જવા મળે. અમે ચાર ઇન્ડિયન અને બાકીના લોકો સાલ્વાડોર, હોન્ડુરાસ, બ્રાઝિલ, ગ્વાટેમાલાના હતા.
 
ટેન્કરમાં જેમ જેમ સમય વીતતો જાય તેમ એવું જ લાગે કે હમણાં જીવ જશે. ભયંકર ઉલ્ટી આવે તેવું વાતાવરણ હતું એ ટેન્કરમાં.  અમને મેક્સિકોના જંગલમાં કોઇ ગરીબના ઘરે ઉતાર્યા. ત્યાં અમે નાહ્યા ને ફ્રેશ થયા. ત્યાં જમવામાં ગાયનું મીટ (માંસ) રાંધવામાં આવ્યું હતું.
32 કલાક સુધી સતત ઊભા ઊભા મુસાફરી કરી હતી ને સખત ભૂખ લાગી હતી. જમવામાં ગાયનું મીટ હતું, અમારી પાસે બીજો કોઇ જ ઓપ્શન ન હતો. આથી વિચાર્યું કે, હવે જીવતા રહેવું હશે તો નોન-વેજ તો ખાવું જ પડશે. ગાય ને માતા માનીએ પણ ના છૂટકે અમારે તે ખાવું જ પડ્યું. અમે વિચાર્યું કે, અમેરિકા પહોંચીને પછી માફી માંગી લઇશું.
 
બાદમાં ધીમે ધીમે અમે જે 85 લોકો હતા તેને નાની-નાની ટુકડીઓમાં વહેંચીને બીજા સ્થળે ખસેડવામાં આવ્યા, છેલ્લે અમે ચાર ઇન્ડિયન બચ્યા હતા. અમને કોઇ લેવા જ ના આવે. લગભગ 15-20 દિવસ સુધી અમે મેક્સિકોના જંગલમાં પેલા ગરીબના ઘરમાં હતા. છેવટે અમને લેવા એક બસ આવી. ચારથી પાંચ કલાકની બસની મુસાફરી પછી મેક્સિકો ડીએફ નામના શહેરમાં પહોંચ્યા. ત્યાં અમે 30 દિવસ જેટલું રોકાયા.
 
મેક્સિકો ડીએફમાં બે ટાઇમ ખાવાનું અને ઘણી સુવિધાઓ મળી. મેં મારો પાસપોર્ટ અહીંયા જ એક જણને આપ્યો હતો ને તેને ઇન્ડિયા પહોંચાડવાનું કહ્યું હતું. ત્યાંથી ઉઠાવીને અમને મેક્સિકો-અમેરિકા બોર્ડર ખાતે લઇ જવામાં આવ્યા. અમને મેક્સિકો-યુએસ બોર્ડરથી 10 માઇલ દૂર ઉતારવામાં આવ્યા.
 
બોર્ડર તરફ પોલિસ ના ફરે તે માટે અમે ચાર દિવસની રાહ જોઇ. ચાર દિવસ જંગલમાં રોકાયા તે દરમિયાન અમારું ખાવાનું ખૂટી ગયું. અમે જંગલમાં ખાવાની તપાસ કરવા નીકળ્યા, અમને મરેલુ ભૂંડ મળ્યું. રાત્રે પોલિસના ભયને કારણે રાત્રે આગ ના સળગાવી શકીએ, સવારે અમે નાની આગ પ્રગટાવી ને ભૂંડ પકવ્યું ને આંખો બંધ કરીને ખાધું. સાચું કહું તો અમારે એવું કંઇ પણ ખાવું ન હતું, પરંતુ અમારી પાસે કોઇ ઓપ્શન જ ન હતા
પટેલની પરાકાષ્ઠાઃ ભૂખ, થાક ને મોતને હંફાવી વિઝા વગર પહોંચ્યો અમેરિકાએકાદ દિવસ પછી અમારે બોર્ડર ક્રોસ કરવાનો મેળ પડ્યો. મેક્સિકો-યુએસ વચ્ચેની બોર્ડર પર 50 ફૂટ લાંબી દિવાલ છે. એ દિવાલ સુધી પહોંચવા એક નદી પાર કરવાની હતી. નદી પાર કરવા માટે એક ટ્યૂબ હતી. એ ટ્યૂબ પર માંડ 2-3 જણા બેસી શકે, પણ એ ટ્યૂબ પર આઠ જણાને બેસાડવામાં આવ્યા. એ ટ્યૂબ પર બેલેન્સ જાય તો નદીમાં પડી જવાય અને સીધા મરી જ જવાય. અમે જ્યારે ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે મેં એક લાશ જોઇ. પછી અમને કહેવામાં આવ્યું કે, નદી ક્રોસ કરતી વખતે એ સરખો ન તો બેઠો એટલે પડી ગયો હતો.
 
નદી ઓળંગ્યા બાદ બે મિનિટ જ ચાલીએ એટલે વિશાળ દિવાલ આવે. એ દિવાલ પાસે અગાઉ જ સીડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સીડી ઓળંગી ને બીજી તરફ પહોંચી ગયા. ત્યાં રેતીનો વિશાળ ઢગ હતો . ત્યાંથી ઉતરીને અમે અમેરિકા પહોંચી ગયા.
 
ધીમેધીમે અમારી જેમ લોકોને દીવાલ કૂદાવીને 45 લોકો ભેગા થયા. મધરાત જેવો સમય હશે પછી આખી રાત અમે લોકો કોઇ સુરક્ષિત જગ્યાએ પહોંચવા માટે આમ-તેમ દોડવા લાગ્યા.
સવાર સુધીમાં અમે અમેરિકાના મિશેલ સિટી પહોંચી ગયા. લગભગ પાંચેક વાગ્યા હશે ત્યારે એક બંધ ગેરેજ પર અમારી નજર પડી અમે ત્યાં છુપાઇ ગયા. અમારા એજન્ટે અમને સૂચના આપી હતી કે, તમે રોકાયા હો ત્યાં કોઇ બસ આવશે એ બસ ઊભી રહે એટલે ચડી જ જવાનું. અમે પછી મિશેલ સિટી, ટેક્સાસમાં આવી ગયા. અહીંયા અમારા ગ્રૂપને નાની ટુકડીઓમાં વહેંચી દેવામાં આવી. અમે ચાર ઇન્ડિયન અને બે બાંગ્લાદેશી એમ કુલ છ જણા હતા. એજન્ટના માણસો અમને જંગલમાં મૂકી ગયા હતા. તેમણે અમને થોડો નાસ્તો અને પાણી આપ્યો હતો ને કહ્યું હતું કે, ધીમે ધીમે વાપરજો. ત્રણ-ચાર દિવસ સુધી અમે જંગલમાં જ છુપાયેલા હતા. પોલિસથી બચવાનું અને હેલિકોપ્ટરથી પણ બચવાનું. તે સિવાય રાત્રે ઠંડી ને ભૂખ. તમામ વસ્તુનો સામનો કરવાનો.
પટેલની પરાકાષ્ઠાઃ ભૂખ, થાક ને મોતને હંફાવી વિઝા વગર પહોંચ્યો અમેરિકા 
ચાર દિવસે એક જણ આવ્યો ને તેણે કહ્યું કે, તમે ભૂલથી કોઇ બીજા ડોંગરના ગ્રૂપમાં આવી ગયા છો. તમારું ગ્રૂપ અલગ છે, આથી એણે અમને કહ્યું કે, તમારે આગળ વધવું હોય તો એક્સ્ટ્રા પૈસા આપવા પડશે. એ માણસ પાસે છરો ને બંદૂક હતા આથી અમને ડર લાગ્યો. અમને લાગ્યું કે આ માણસ અમને ફસાવશે અને પૈસા પડાવીને જતો રહેશે. આથી અમે નક્કી કર્યું કે, પૈસા આપવાની જગ્યાએ પોલિસમાં સામે જઇને પકડાઇ જઇએ. રાત્રે અમે રસ્તાની સાઇડમાં ચાલતા ગયા. થોડે આગળ ગયા ત્યાં એક મોટેલ આવી, મોટેલ એક ગુજરાતીની હતી
ઇન્ડિયન અને એમાંય ગુજરાતી મોટેલ માલિકને અમે અમારી વાત કરી. તેણે અમારી ખૂબ જ સેવા કરી. તેણે અમને ખાવાનું આપ્યું. તેણે અમને આગળ પહોંચાડી શકાય તે માટે ટ્રાય પણ કર્યો. અમને મદદ કરી ત્યારે તેમણે કહ્યું કે, મારે પૈસા નથી જોઇતા. પહેલા જઇને કમાઓ પછી પાછા આપજો. અમે એ મોટેલમાં છ દિવસ રોકાયા.
 
એ મોટેલમાં એક મેક્સિકન મહિલા કામ કરે. તે રૂમ સર્વિસનું કામ કરે આથી સાફ સફાઇના તેને રૂપિયા મળે, પરંતુ અમે દરેક વખતે રૂમ સર્વિસની ના પાડતા. છ દિવસ દરમિયાન અમારું આગળ જવાનું કંઇ ઠેકાણું પડતું ન હતું, અમારી દાઢી ને વાળ વધેલા હતા ને પેલી મેક્સિકન બાઇ અમને જોઇ ગઇ હતી. તે દિવસે ફરીથી તે રૂમ સર્વિસ માટે આવી પણ અમે ના પાડી. અમારો દેખાવ જોઇને તેને લાગ્યું આ લોકો ગુંડાઓ હશે આથી તેણે ગુસ્સે થઇને પોલિસને જ ફોન કરી દીધો. થોડી જ વારમાં પોલિસ આવી ગઇને અમારા રૂમની તપાસ થવા લાગી કે કોઇ હથિયાર કે ડ્રગ્સ તો નથી ને.
 
પોલિસ અમને પકડીને ટેક્સાસ જેલ લઇ ગઇ. ત્યાં અમને છ-સાત દિવસ રાખ્યા મારી ફાઇલ બની. પછી અમને ટેક્સાસથી ન્યૂજર્સી પ્લેનમાં લઇ ગયા. ન્યૂજર્સીમાં અમારી નવી ફાઇલ બની. અહીંયા બીજા 12-14 દિવસ અલગ અલગ પ્રોસિજર ચાલી. અમારા ઇન્ટરવ્યૂ થયા અમને જેલમાં પૂરવામાં આવ્યા.  
 
પટેલની પરાકાષ્ઠાઃ ભૂખ, થાક ને મોતને હંફાવી વિઝા વગર પહોંચ્યો અમેરિકાભારતમાંથી અમે જ્યારે અમેરિકા આવવા નીકળ્યા ત્યારે એજન્ટે અમને શીખવ્યું હતું કે, અમેરિકામાં આવી રીતે પકડાઇ જાવ ત્યારે તમારે વાર્તા બનાવી નાંખવાની ને કહેવાનું કે અમારા પર જીવલેણ હુમલો થયો છે આથી અમે બધુ છોડીને અહીંયા આવી ગયો છું.
અમને પોલિસે પૂછ્યું કે, મને કેવી રીતે ખબર પડી આવી રીતે અહીંયા અવાય છે? મેં કહ્યું કે, જ્યારે મારા પર જીવલેણ હુમલો થયો ત્યારે હું ભાગીને દિલ્હી ગયો. દિલ્હીથી હું રોજ ગામમાં ફોન કરું, પરંતુ લોકો કહેતા કે અહીં તો આવતો જ નહીં. અહીં આવીશ તો જીવતો નહીં રેહ એના કરતાં અમેરિકા જા. આથી મેં દુબઇથી જેલ સુધીની વાત તેમને કહી ને પછી કહ્યું રાખવા હોય કે ના રાખવા હોય તમારી ઇચ્છા.
 
બાદમાં ફરીથી બે ઇન્ટરવ્યૂ થયા, એમને મારી વાત કદાચ ગળે ઉતરી ને મને ઇન્ટરવ્યૂમાં પાસ કર્યો. અમારે 4000 ડોલરના બોન્ડ ભરવાના હતા, જે મારા એજન્ટ થકી અહીંયા ભરાયા. લગભગ 22 દિવસ કસ્ટડીમાં રાખ્યા પછી કહ્યું કે, તમે કેસ ચાલું જ રાખજો, પછી જરૂર જણાશે તો તમને વર્ક પરમિટ પણ આપીશું.
પરેશભાઇએ ગેરકાયદે યુએસ આવતા લોકોની ક્લિયર એન્ટ્રી અંગે જણાવે છે કે, અમને પોલિસે પકડી લીધા એટલે અમારી એન્ટ્રી ક્લિયર ન થઇ. વાસ્તવમાં અમે જે મોટેલથી પકડાયા તેની થોડેક દૂર અમેરિકાનું ઓફિશિયલ પ્રવેશદ્વાર આવે. એને પાર કરો પછી જ અમેરિકામાં જઇ શકાય. આથી ગેરકાયદે એન્ટ્રી કરતાં લોકોએ એ પ્રવેશદ્વારને ટપી જવું પડે, અને તે માટે ઓછામાં ઓછા ચાર દિ દિવસ-રાત જંગલમાં ચાલવું પડે.
 
એ જંગલનો ત્રાસ એ કે તેમાં અત્યંત તીક્ષ્ણ કાંટાઓ હોય એટલે ત્યાંથી નીકળે એટલે હાથ-પગ કે મોં છોલાયા વિના રહે નહીં. ત્યાંથી જંગલમાંથી સતત ચાર દિવસ ચાલીને એક રોડ સુધી પહોંચવાનું હોય. જો ત્યાં સફળતાપૂર્વક પહોંચી જાવ એટલે મોટેભાગે ત્યાં કોઇને કોઇ ગાડી ઊભી હોય તેમાં પાછળ સંતાઇને અમેરિકામાં ગાયબ થઇ જવાનું. જો તમે આટલું કરવામાં સફળ રહો તો અમેરિકામાં તમારી એન્ટ્રી ક્લિયર ગણાય, પણ અમે તો અગાઉ જ પોલિસના હાથે ઝડપાયા હતા એટલે અમારી એન્ટ્રી ક્લિયર ન હતી. અમારી પણ આવી રીતે ચાર દિવસ ચાલવાની તૈયારી હતી, પરંતુ પોલિસને કારણે અમારે તેમાંથી પસાર થવાની જરૂર ન પડી.
પરેશભાઇ પોતાના રોકાણ અંગે જણાવે છે કે, મેં ગેરકાયદે અમેરિકા આવવા માટે એજન્ટને 32 લાખ રૂ. આપ્યા હતા. જો કે, આ તમામ રકમ અહીંયા પહોંચ્યા પછી અમે ઘરે ફોન કર્યો બાદના એક મહિનામાં આપવાની હોય. બાકી અહીંયા સુધી પહોંચડાવામાં જેટલો પણ ખર્ચ થયો તે તમામ એજન્ટે જ ભોગવ્યો હતો.
 
પરેશભાઇને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા ને ચોક્કસ સમય માટે રહેવાની છૂટ આપવામાં આવી ને કહેવામાં આવ્યું કેસ ચાલુ રાખજો. તે કહે છે કે, મેં તો કેસ બંધ કરી દીધો છે. કેમ કે, કેસ ચાલુ રાખીએ તો આ લોકો ટાઇમપૂરો થાય એટલે ડિપોર્ટ જ કરે ને ઘરભેગા કરે તો 32 લાખ માથે પડે.
પરેશભાઇને વર્ક પરમિટ નથી, પરંતુ તેમ છતાં તેઓ એક મોટેલમાં કામ કરી રહ્યા છે. તે કહે છે કે, અહીં ગેરકાયદે આવેલા છોકરાઓની ડિમાન્ડ ઊંચી છે, મોટેલ અને સ્ટોર માલિકોને હંમેશા આવા બે નંબરના રસ્તે અમેરિકા આવેલા છોકરાઓ જ જોઇતા હોય છે.
 
પરેશભાઇ ને તેમના જેવા લાખો લોકો જે ગેરકાયદે અમેરિકામાં રહે છે ને કામ કરે છે, તેમણે માત્ર એક જ મુખ્ય વસ્તુનુ ધ્યાન રાખવાનું હોય છે, જેમાં તેમણે કોઇ ગુનો ન થાય તેની ખાસ સાવચેતી રાખવાની હોય છે. કારણ કે, કોઇ ગુનો કરો તો પોલિસ પકડે ને કોઇ જ કાગળીયા ન હોવાથી સીધા ઘરભેગા કરવામાં આવે, પરંતુ જો કોઇ ગુનો ન કરો તો પોલિસ તમને અડે પણ નહીં ને ભાગ્યશાળી હો તો તમે છુપાઇને વર્ષો સુધી કામ કરી શકો.
 
 
 

સરદાર વિના ગાંધી સાવ અધૂરા લાગે: લોહપુરુષને મોદીની શ્રધ્ધાંજલિ

(તસવીરઃ સરદાર પટેલ જયંતિ નિમિત્તે દિલ્હીમાં મોદીએ 'રન ફોન યુનિટી' દોડને લીલી ઝંડી આપી હતી)
 
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રેરણારૂપ એવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે, 31 ઓક્ટોબરના રોજ સવારે પટેલ ચોક ખાતે સરદાર પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. મોદીએ ‘રન ફોર યુનિટી’ને પ્રસ્થાન કરાવ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના ગૌત્મ ગંભીર, બોક્સર વિજેન્દર સિંહ પણ જોડાયા હતા.
 
નરેન્દ્ર મોદીએ હાજર લોકો પાસે સરદાર પટેલ અમર રહે, અમર રહેના નારા બોલાવ્યા હતા.
ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવા માટે “રાષ્ટ્રીય એકતા દિવસ” અથવા “નેશનલ યુનિટી ડે”ની ઉજવણી મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. મોદીએ 1984ના શીખ તોફાનો અંગે જણાવી કહ્યું હતું કે સરદારના જન્મ દિવસે જ એ તોફાનો ફાટી નીકળ્યા હતા એ બહુ જ ખેદજનક છે.
 
શહેરી વિકાસ મંત્રી વૈકૈંયા નાયડુએ કહ્યું હતું કે જો સરદાર દેશના પહેલા વડાપ્રધાન હોત તો આજે દેશની સ્થિતિ આજ સાવ જુદી જ હોત. નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે જે દેશ ઇતિહાસ ભુલી જાય એ ઇતિહાસ બનાવી શકતું નથી.આજે ઇન્દિરા ગાંધીની પણ પુણ્યતિથિ છે. સરદારે પોતાનું આખું જીવન દેશ માટે અને ગાંધીજીના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. આઝાદીની લડાઇમાં ખેડૂતોને જોડ્યા હતા જેના કારણે અંગ્રેજોને દેશ છોડવાનો ખ્યાલ આવી ગયો હતો.
 
રાજ્ય અનેક, દેશ એક : રંગ અનેક, તિરંગા એક જેવા સુત્રને લલકારી મોદીએ ખાસ ઉલ્લેખ કરી કહ્યું હ્તું કે સરદાર વિના મહાત્મા ગાંધી અધૂરા લાગે છે, તેમનો અતૂટ નાતો હતો. ગાંધીજીએ દાંડી યાત્રાની જવાબદારી સરદારને આપી હતી.દાંડી યાત્રાએ આખી દુનિયામાં અનોખો સંદેશ આપ્યો હતો, સરદારની ભુમિકા બેજોડ રહી હતી. આપણને આઝાદી પછી સરદારનો બહુ લાભ મળ્યો  નથી. તેમણે અંગ્રેજોના ભારતને ટુકડાઓમાં વહેંચી દેવાના સપનાને ચૂરચૂર કરી નાખ્યો હતો. 550થી વધુ રજવાડાઓને એક કરી નાખ્યા.ચાણકય બાદ મહાન કામ કર્યું હોય તો એ સરદાર જ હતા.
 
મોદીએ આજના દિવસે સંદેશ આપ્યો હતો કે સરાદરે દેશની એકતા માટે પોતાના જીવનને ખપાવી દીધું. આપણે એક ભારતની દિશામાં આગળ વધીએ. સપનાઓ માટે જાગતા રહેવું જોઇએ. વિવિધતામાં એકતાનો દેશ છે ભારત. તેમણે લોકોને શપથ લેવડાવ્યા હતા.

સોના-ચાંદીના ભાવમાં તીવ્ર કડાકોઃ સોનું રૂ.26,000 નજીક,ચાંદી રૂ.36,000 નીચે

સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા બે દિવસમાં તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. એમએસીએક્સ પર શુક્રવારે સોનાની કિંમત રૂ.500 જેટલી ઘટીને રૂ.26,000ની નજીક ચાલે છે.
અમદાવાદમાં ઝવેરી બજારમાં ભાવ રૂ.26,800ની આસપાસ છે, જે ગઇ કાલે રૂ.27,450 હતો. આમ, એક જ દિવસમાં રૂ.650નો કડાકો જોવા મળ્યો છે. દિવાળીથી અત્યાર સુધીમાં સોનાની કિંમત આશરે રૂ.1000 જેટલી ગબડી છે. જ્યારે ચાંદીમાં પણ એમસીએક્સમાં ડિસેમ્બર વાયદો 1.5 ટકા તૂટીને રૂ.36,000ની નીચે ચાલે છે.
 
મની ભાસ્કર અને દિવ્ય ભાસ્કર ડોટકોમે દિવાળી અગાઉ પોતાના અહેવાલમાં પોતાના વાચકોને જણાવ્યું હતું કે દિવાળી પછી સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવી શકે છે. દિવાળીના તહેવારો વખતે ખરીદીના કારણે થોડો ઊછાળો આવવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી, જે ખરેખર જોવા મળી હતી. પરંતુ સાથે સાથે સોનામાં શુકન પૂરતું થોડીક જ ખરીદી કરવાની સલાહ પણ અહીથી આપવામાં આવી હતી.
 
બજારના નિષ્ણાતો કહે છે કે ભારતમાં લગ્નની મોસમ અગાઉ સોના-ચાંદીના ભાવમાં આવેલો ઘટાડો લોકો માટે ખુશખબર લાવ્યો છે. તેના કારણે ખરીદીની માગ આવી શકે છે.
 
સોના-ચાંદીના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો મુખ્ય કારણ
 
સોના ચાંદીના ભાવમાં આ ઘટાડો માત્ર સ્થાનિક બજાર પૂરતો નથી, પરંતુ તેની પાછળ આંતરરાષ્ટ્રીય બજારોમાં આવેલો કડાકો કારણભૂત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 1200 ડોલર પ્રતિ ઔંસના સ્તરને તોડીને નીચે ગઇ છે.
 
કોમેક્સ પર સોનાની કિંમત છેલ્લા બે દિવસમાં લગભગ 40 ડોલર ઘટી છે. હાલ કોમેક્સ પર સોનું 24 ડોલર (2%) ઘટીને 1,175 ડોલરની સપાટી પર ચાલે છે. જ્યારે ભારતમાં એમસીએક્સ પર સોના વાયદો રૂ.250 ઘટીને રૂ.26,350 પર છે. છેલ્લા બે દિવસમાં એમસીએક્સમાં સોનાનો ભાવ રૂ.765 જેટલો ઘટ્યો છે. હાજર બજારમાં દિવાળીથી અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં રૂ.1,500 સુધીનો કડાકો આવ્યો છે.
 
દિવાળીથી અત્યાર સુધીમાં સોનામાં રૂ.1,500 સુધીનો ઘટાડો
 
દિવાળીના દિવસે 99.9 ટકા શુદ્ધ સોનાની કિંમત રૂ.27,900 પ્રતિ 10 ગ્રામ હતી. આજે દિલ્હીના હાજર બજારમાં સોનાનો ભાવ રૂ.26,400ની આસપાસ ચાલી રહ્યો છે. આમ, ભાવનો તફાવત આશરે રૂ.1,500 જેટલો છે. અમદાવાદમાં ઝવેરી બજારમાં ભાવ રૂ.26,800ની આસપાસ છે, જે ગઇ કાલે રૂ.27,450 હતો.

બે દિવસમાં ચાંદીમાં રૂ. 2,400નો ઘટાડો
 
 ચાંદીની કિંમતમાં પાછલા બે દિવસમાં રૂ.2,400નો ઘટાડો આવ્યો છે. ઓક્ટોબર 2010 પછી પ્રથમવાર ચાંદી રૂ. 3,6000ના સ્તરે આવી છે.
એમસીએક્સ પર ચાંદીનો ડિસેમ્બર વાયદો સાંજે ચાર વાગ્યે 875 રૂપિયા ઘટીને રૂ.35,700ના નીચા સ્તરે ગયો હતો, જે 29 ઓક્ટોબર, 2010 પછી પહેલીવાર જોવા મળેલી સપાટી છે. 
 
ચાંદીના ભાવ ક્યાં સુધી ઘટી શકે?
 
કોટક કોમોડિટીના ધર્મેશ ભાટિયાના મતે, આગામી ત્રણ માસમાં ચાંદીનો ભાવ રૂ.33,000 પ્રતિ કિલો સુધી ગબડી શકે છે. જો આ સ્તર પણ તૂટશે તો રૂ.28,000ની કિંમત જોવા મળી શકે છે એમ તેમનું માનવું છે.
 
સોના-ચાંદીમાં ઘટાડાના કારણો
 
યુએસ ફેડે બુધવારે રાત્રે તેના QE3 રાહત પેકેજને બંધ કરવાની જાહેરાત કરી હતી. તેનો અર્થ એ છે કે અમેરિકાનું અર્થતંત્ર સુધારા પર છે, તેથી સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં ખરીદી ધીમી પડી ગઇ છે. તેના કારણે કોમેક્સમાં સોનાની કિંમતો ઘટી રહી છે.
 
ગુરુવારે અમેરિકન ડોલર ઇન્ડેક્સ વધીને ત્રણ સપ્તાહના ઊંચા સ્તરે ગયો હતો. તેથી સોનાની કિંમતો પર દબાણ આવ્યું હતું. હાલ ડોલર ઇન્ડેક્સ 0.10 ટકા વધીને 86.50 પર ટ્રેડ કરે છે. તેથી સોનાની કિંમતો પર દબાણ છે.
 
ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં તેજી ચાલે છે. ભારતમાં સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે તેમના સર્વોચ્ચ સ્તરોએ ઊછળ્યા છે. નિફ્ટી પ્રથમવાર 8,200ની સપાટીને કૂદાવી ગયો છે. તેથી સોના-ચાંદીમાં રોકાણ અને ખરીદી માટે રોકાણકારોનું વલણ નરમ બન્યું છે. તેના લીધે આ ધાતુઓમાં ઘટાડાનું વલણ છે.
 
સોનું હજુ કેટલું ઘટશે, રોકાણકારોએ શું કરવું
 
એમએમસીના રવિ સિંહના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 1150 ડોલર સુધી અને સ્થાનિક બજારમાં રૂ.25,800 પ્રતિ 10 ગ્રામ સુધી ઘટી શકે છે. તેમણે કહ્યું કે ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી, સોનામાં રોકાણની માગ ઘટવાથી અને SPDRના ગોલ્ડ હોલ્ડિંગમાં સતત ઘટાડો થવાથી સોનાની કિંમતોમાં મોટો ઘટાડો આવ્યો છે.
 
ઉદ્યોગો માટે રાહતજનક સમાચાર
 
પીસી જ્વેલર્સના એમડી બલરામ ગર્ગનું માનવું છે કે સોનાની કિંમતોમાં ઘટાડો આવ્યો હોવાથી તેની માગ વધી શકે છે, જે હાજર બજારો માટે સારી ખબર છે. તેમણે કહ્યું કે લગ્નની મોસમ પહેલા આ ઘટાડો આવ્યો હોવાથી લોકો તરફથી ખરીદી નિકળી શકે છે.
 

ધ બેન્ક જોબ: 10 પાસ પ્રોપર્ટી ડિલર માસ્ટર માઈન્ડ, 39 કિલો દાગીના જપ્ત


(પોલીસે જપ્ત કરેલા સોનાના દાગીના)

*જેના મકાનમાંથી સૂરંગ ખોદાઈ તેની મળી લાશ
*72 કલાકમાં ઉકેલાયો હાઈપ્રોફાઈલ કેસ
 
ગોહાના: ટનલ ખોદીને પંજાબ નેશનલ બેન્કના 78 લોકર્સમાંથી કરોડો રૂપિયાની રોકડ તથા ઝવેરાતની ચોરીના મામલાને હરિયાણા પોલીસે માત્ર 72 કલાકની અંદર ઉકેલી લીધો છે. આ હાઈ પ્રોફાઈલ બેન્ક કેસની ઘટનાને અંજામ આપવાનો માસ્ટરમાઈન્ડ એક પ્રોપર્ટી ડીલર સતીશ છે. પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે એક ફરાર છે. પોલીસને 38.91 કિલોગ્રામ ઝવેરાત તથા રૂ. 60 હજારની રોકડ પણ મળી છે. જે ઈમરાતમાંથી સૂરંગ ખોદવામાં આવી તે ઈમારતના માલિકની લાશ પણ મળી આવી છે. 

દરરોજ ત્રણ કલાક ખોદકામ, 28 દિવસમાં ખોદી સૂરંગ 
 
સતીશ અને વિવાદાસ્પદ ઈમારતના માલિક મહિપાલને નાણાની જરૂર હતી. પ્રોપર્ટીનું કામ બરાબર નહોતું ચાલતું. એટલે તેમણે ટૂંક સમયમાં નાણા કમાવવા માટે લોકોની મૂડી પર હાથ સાફ કરવાનું કાવતરું ઘડ્યું. સતીશે તેના મિત્ર સુરેન્દ્રને સાથે લીધો. તે વ્યવસાયે લેબ ટેક્નિશિયન છે. ત્રણેયે સાથે મળીનેકામ શરૂ કર્યું. જ્યારે વધારે માણસોની જરૂર જણાય ત્યારે તેમણે કટવાલ ગામના બલરાજ તથા રાજેશને પણ સાથે લીધા. બધાય સાથે મળીને સૂરંગ ખોદવા લાગ્યા. દરરોજ ત્રણ કલાક સુધી કામ કરતાં.   
 
બધાય લોકો વારાફરતી સૂરંગ ખોદતા. અંદર ઘૂસીને કામ કરતાં. દરમિયાન એક વ્યક્તિ બહાર નજર રાખતો. પાવડા અને કોશની મદદથી તેમને સૂરંગ ખોદવામાં 28 દિવસનો સમય લાગ્યો. માસ્ટરમાઈન્ડ સતીશ ધો. 10 સુધી ભણેલો છે. ગામમાં આડીઅવળી હરકતો માટે સતીશ અને રાજેશ પંકાયેલા છે. જો કે, કોઈનો ગુનાહિત રેકોર્ડ નથી. બલરાજ અને સુરેન્દ્રને જૌલી ગામ પાસે ગુરૂવારે સવારે ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે સતીશને મોડી સાંજે ઝડપી લેવામાં આવ્યો હતો. 
ધ બેન્ક જોબ: 10 પાસ પ્રોપર્ટી ડિલર માસ્ટર માઈન્ડ, 39 કિલો દાગીના જપ્ત

(બ્લુ શર્ટમાં સુરેન્દ્ર તથા બલરાજ. બંને પોલીસ કસ્ટડીમાં)
 
પોલીસને મળેલી કડીઓ
 
*પોલીસની સાત ટીમોને લૂંટનો કોયડો ઉકેલવા માટે કામે લગાડવામાં આવી હતી. બેન્કની આજુબાજુનાં વિસ્તારોનો ડેટા મેળવવામાં આવ્યો હતો. કેટલાક નંબર્સ વધારે એક્ટિવ હતા. આઈટી એક્સપર્ટ્સને કામે લગાડતા તેમણે અંદાજ મુક્યો હતો કે, ચોક્કસ સંખ્યામાં લોકો કામે લાગ્યા હોય શકે છે. 
*ષડયંત્રનું કેન્દ્ર બિન્દુ બનેલા મકાનનું પોલીસે નિરીક્ષણ કર્યું હતું. અહીં દરવાજાઓ પર લાગેલી નવી પ્લાઈએ પોલીસનું ધ્યાન ખેંચ્યું હતું. પ્લાઈ વિક્રેતાઓને પૂછપરછ કરી તો માલૂમ પડ્યું હતું કે કટવાલના એક શખ્સે ખરીદી હતી. જેનાં આધારે પોલીસને વધુ એક કડી મળી હતી. 
*દાગીનાની ફાળવણીમાં એક ભાગીદારને રોકડ રકમ નહોતી મળી. આથી તેણે પોતાના ભાગે આવેલી વિંટીને વેંચવાનો પ્રયાસ કર્ય હતો. સોનીએ પોલીસને માહિતી આપી દીધી હતી.
*બેન્કની સામે છોલેની રેકડી ઊભી રાખનારો યુવક ગુમ હતો. એટલે પોલીસને શંકા ગઈ હતી કે આ કામમાં સ્થાનિક લોકો સામેલ છે.
*આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ કરી તો માલૂમ પડ્યું હતું કે, એક શખ્સ વારંવાર અવરજવર કરતો હતો. તેની પૂછપરછથી રહસ્ય ખુલ્યું હતું.
વણ ઉકેલાયેલા સવાલો
 
*આરોપીઓને લોકર સુધીની પાક્કી બાતમી કેવી રીતે મળી?
*84 ફૂટ સૂરંગ ખોદીને આટલી મોટી ચોરીને અંજામ આપવાનો આઈડિયા ક્યાંથી મળ્યો?
*બદમાશો 28 દિવસથી સૂરંગ ખોદી રહ્યાં હતાં, છતાં કોઈને ગંધ કેમ ન આવી?
*કયો દાગીનો કોનો છે, તે કહેવું મુશ્કેલ. કારણ કે, ઝવેરીની રસીદ પર વજન હોય છે પરંતુ તે કયા ઘરેણાનું બીલ છે, તે વજન નથી હોતું.
*જપ્ત થયેલા સામાન બાદ પ્રોપર્ટી કેસ થશે. કોર્ટ માલિક નક્કી કરીને કોર્ટ હસ્તક જ મૂળ માલિકને સામાન ફાળવવામાં આવશે.
*બેન્ક પાસે શાખાનો વિમો હોય છે, પરંતુ લોકર્સની અંદર રહેલા સામાનનો વીમો નથી હોતો. આ સંજોગોમાં બેન્કે ગ્રાહકોને કશું દેવાનું નથી રહેતુ. 
 
દરમિયાન છેલ્લા ચાર દિવસથી પંજાબ નેશનલ બેન્કની બહાર ધરણા પર બેઠેલા ગ્રાહકોને આશા બંધાઈ છે કે, તેમને સામાન પરત મળી જશે. ગ્રાહકોનું કહેવું છે કે, સામાન નહીં મળે, ત્યાર સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. જ્યારે સામાનની વહેંચણી માત્ર કોર્ટ મારફત જ થઈ શકે છે. ચાર દિવસથી બેન્ક બંધ છે. હવે બેન્કના અધિકારીઓને લાગે છે કે, કામકાજ શરૂ થઈ શકે છે.
રાત્રે પૂછપરછ સવારે લાશ મળી
 
લોકર્સ તોડવા માટે જે ઈમારતમાંથી આરોપીઓએ સૂરંગ બનાવી હતી, તેની માલિકી મહિપાલ ભનવાલાની છે. ગુરૂવારે ગોહાના-પાનીપત રોડ પરથી ગાડીમાં તેની લાશ મળી હતી. અંદર સલ્ફાસની ખાલી ડબી પણ મળી હતી. બુધવારે સાંજે પોલીસે આ સંદર્ભે મહિપાલની પૂછપરછ કરી હતી અને રાત્રે તેને છોડી દીધો હતો. પકડાયેલા આરોપી યુવકોની મહિપાલને ત્યાં અવરજવર હતી.
 
ડીએસપી વિરેન્દ્રના કહેવા પ્રમાણે, મહિપાલનું મોત થયું છે, તે અંગે માલૂમ છે, પરંતુ કેવી રીતે થયું છે તે માલૂમ નથી પડતું. મહિપાલ મૂળ રીતે કાસંડી ગામનો રહેવાસી હતો, તે ટેક્સી ચલાવતો. ધીમે-ધીમે અન્ય કામો શરૂ કર્યાં હતાં. તેણે થોડા સમય માટે હોટલ પણ ચલાવી હતી. વર્તમાનમાં તે પ્રોપર્ટી ખરીદ વેચાણનું કામ કરતો હતો.
 
ધ બેન્ક જોબ: 10 પાસ પ્રોપર્ટી ડિલર માસ્ટર માઈન્ડ, 39 કિલો દાગીના જપ્ત
(ઘટના સ્થળે એકઠી થયેલી ભીડ)
 
રોહતકના મકાનમાંથી મળ્યા પંદર કિલોગ્રામ ઘરેણા
 
પોલીસને રોહતકના ગૂગા ખેડી ગામેથી 15 કિલોગ્રામ ઘરેણાં મળ્યા છે. તેને એક થેલામાં ભરીને બંધ મકાનમાં છૂપાવવામાં આવ્યાં હતાં. પોલીસે કથૂરા ગામે પણ રેડ કરી હતી. અહીં અન્ય આરોપીઓએ સામાન્ છૂપાવ્યો હતો. મોડી રાત્રી સુધી પોલીસે અલગ-અલગ સ્થળોએ રેડ કરી હતી. કટવાલમાં ઈંટોનાં ભઠ્ઠામાં લગભગ 10 કિલોગ્રામ દાગીના છૂપાવવામાં આવ્યા હતા. જ્યારે સુરેન્દ્ર પાસેથી રૂ. 60 હજારની રોકડ, સોનાની બે વિંટી અને એક ચેન મળી આવ્યા છે. 
 
વડાપ્રધાન કાર્યાલયની એક ટીમ 

પંજાબ નેશનલ બેન્કની ગોહાના શાખામાં સૂરંગ ખોદીને લોકર તોડવાની ઘટના દેશભરની બેન્ક્સમાં સુરક્ષાની ખામીઓને દૂર કરવા માટે આધારરૂપ બનશે. શુક્રવારે એક ટીમ ગોહાના પહોંચી રહી છે. પીએમઓમાંથી આઈપીએસ ઓફિસ એ.એન. રવિ પહોંચ્યા હતા. તેમણે તપાસની માહિતી મેળવી હતી તથા પોલીસ અધિકારીઓની પૂછપરછ કરી હતી. 

નરેન્દ્રમોદી ની સાક્ષીએ દેવેન્દ્ર ફડનવીસેની તાજપોશી, વાનખેડે સ્ટેડિયમમાં

LIVE : નરેન્દ્રની સાક્ષીએ દેવેન્દ્રની તાજપોશી, ખીચોખીચ સ્ટેડિયમમાં જયઘોષથી મોદીનું સ્વાગત

(તસવીર : મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં શપથ કાર્યક્રમ દરમિયાન દેવેન્દ્ર ફડણવિસ ઈનસેટ તસવીરમાં સૌથી ઉપર દેવેન્દ્રનાં પત્ની અમૃતા, વચ્ચે નરેન્દ્ર મોદી તથા સૌથી નીચે ગુજરાતના મુખ્ચપ્રધાન આનંદીબેન પટેલ)
 
*અમિત શાહે ફોન કરીને ઉધ્ધવ ઠાકરેને કહ્યું, શપથમાં પધારજો, જવાબ મળ્યો, ચોક્કસ
 

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પદે આજે દેવેન્દ્ર ફડનવીસે શપથ લીધા છે. વાનખેડે સ્ટેડિયમમાં આશરે 35, 000 જેટલા લોકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો છે. જેમાં પાંચ હજાર વીઆઈપીઓનો પણ સમાવેશ થાય છે. શપથ સમારંભમાં પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. મોદી ઉપરાંત બીજેપી પ્રમુખ અમિત શાહ, વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી પણ હાજર રહ્યા છે. આ ઉપરાંત શિવસેના ઉદ્ધવ ઠાકરે પણ શપથ સમારંભમાં હાજર રહ્યા છે.

અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો

ભાજપના પ્રમુખ અમિત શાહે આજે શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરેને ફોન કરી આજે યોજાનારા દેવેન્દ્ર ફડણવીસના શપથ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. શિવસેનાએ શપથ સમારોહમાં હાજરી ના આપવાની જાહેરાત કરી હતી. શિવસેનાના જણાવ્યા મુજ્બ, અમિત શાહ સાથે થયેલે વાતચીત બાદ ઉધ્ધવ શપથ સમારોહમાં હાજરી આપશે.

કોણ-કોણ હાજર
 

40 હજાર લોકો હાજર રહે એવી શક્યતા છે.  મોદી સિવાય ભાજપના અધ્યક્ષ અમિત શાહ, શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે, શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત, એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ, આરપીઆઈના રામદાસ અઠાવલે, કેન્દ્રીય પ્રધાન નિર્મલા સિતારમણ, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ, કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર, નીતિન ગડકરી, વેંકૈયા નાયડુ, દિલ્હી ભાજપના નેતા વિજય ગોયલ, એનસીપી નેતા અજીત પવાર, એનસીપી નેતા છગન ભૂજબળ અહીં પહોંચ્યા છે.આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુ, ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકર, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ, પંજાબના મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર ખટ્ટર, ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ  હાજર રહ્યાં. ઉપરાંત  શરદ પવાર, રતન ટાટા, આનંદ મહિન્દ્રા, લતા મંગેશકર, આશા ભોંસલે, સલમન ખાન, શાહરુખખાન, રિતિક રોશન, સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર હાજર રહે તેવી વકી છે. 
 
દેવેન્દ્ર ફડણવિસે લીધા શપથ
 
દેવેન્દ્ર ફડણવિસે મરાઠી ભાષામાં ઈશ્વરના નામે શપથ લીધા હતા. તેમના નામની જાહેરાત થઈ, ત્યારથી તેઓ શપથ લઈ રહ્યાં હતા, ત્યારે ભાજપના કાર્યકરોએ હર્ષઘોષ કર્યો હતો.

અમિતાભે પણ હાથમાં ઝાડુ લઈ કરી સફાઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને સંપૂર્ણ ભારતમાં હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.
amitabh-jhadu


હૃતિક રોશન, સલમાન ખાનના આ મિશનમાં જોડાયા બાદ બુધવારે અમિતાભ બચ્ચન મુંબઈના રસ્તાઓ પર અન્ય નાગરિકો સાથે સાફસફાઈ કરતા જોવા મળ્યા હતા. નરેન્દ્ર મોદીએ નૉમિનેટ કરેલા નવ લોકોમાંના એક અનિલ અંબાણીએ અમિતાભ બચ્ચનને નૉમિનેટ કર્યા હતા. બિગ બીએ સાફસફાઈ કરતા પોતાના ફોટોગ્રાફ્સ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર અપલોડ કર્યા હતા અને લોકોને આ મિશનમાં જોડાવા માટે આગ્રહ પણ કરેલો જેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમિતાભના કામનાં વખાણ કર્યા હતાં.

2જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં એ રાજા, કનિમોઝી સહિત 19 વિરૂદ્ધ આરોપો ઘડાયા

a rajaસીબીઆઈને સ્પેશિયલ કોર્ટે 2જી સ્પેક્ટ્રક કૌભાંડ સાથે સંબંધીત 200 કરોડ રૂપિયાની હેરાફેરીના કેસમાં 19 લોકો વિરૂદ્ધ આરોપો ઘડ્યા હતાં. સ્પેશિયલ કોર્ટે જણાવ્યું હતું કે પ્રવર્તન નિર્દેશાલય (ઈડી) દ્વારા આરોપી બનાવવામાં આવેલા તમામ 19 આરોપીઓ વિરૂદ્ધ મની લોન્ડરિંગના આરોપો લગાવવામાં આવ્યા હતં. આરોપીઓમાં 10 વ્યક્તિઓ અને 9 કંપનીઓનો સમાવેશ થાય છે. સ્પેશિયલ જજ ઓ પી સૈનીએ તમામ વિરૂદ્ધ આઈપીસીની કલમ 120(બી) અને પ્રિવેંશન ઓફ મની લોન્ડરિંગ એકટ અંતર્ગતત આરોપો ઘડ્યા હતાં. આ કેસમાં મહત્તમ 7 અને ઓછામાં ઓછી 3 વર્ષની સજાની જોગવાઈ છે.



જે લોકો વિરૂદ્ધ આરોપો ઘડવામાં આવ્યા છે તેમાં યૂપીએ સરકારના ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજા, ડીએમકે પ્રમુખ કરૂણાનિધિની પુત્રી અને ભૂતપૂર્વ સાંસદ કનિમોઝી, કરૂણાનિધિની પત્ની દયાલૂ અમ્મા, સ્વાન ટેલોકોમ પ્રાઈવેટ લિમિટેડ (એસટીપીએલ)ના પ્રમોટર શાહિદ ઉસ્માન બલવા અને વિનોદ ગોયંકા, કુસેગાંવ રીયલ્ટી પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર આસિફ બલવા અને રાજીવ અગ્રવાલ, બોલિવૂડ પ્રોડ્યૂસર કરીમ મોરાની અને કલંગૈર ટીવીના એમડી શરદ કુમારનો સમાવેશ થાય છે.

કંપનીઓમાં સ્વાન ટેલિકોમ પ્રાઈવેટ લિમિટેડ ઉપરાંત કુસેગાંવ રીયલ્ટી પ્રાઈવેટ લિમિટેડ, સિનેયુગ મીડિયા એન્ડ એન્ટરટેન્મેન્ટ, કલંગૈર ટીવી પ્રાઈવેટ લિમિટેડ, ડાયનામિક્સ રીયલ્ટી, એવરસ્માઈલ કંન્સ્ટ્રક્શન કંપની, કૉનવુડ કંસ્ટ્ર્રક્શન એન્ડ ડેવલપર્સ, ડીબી રીયલ્ટી લિમિટેડ અને નિહાર કંન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ વિરૂદ્ધ આરોપ ઘડવામાં આવ્યા હતાં.

આરોપ છે કે સ્વાન ટેલિકોમના પ્રમોટરોએ યૂએએસ લાઈસેન્સ (ટેલિકૉમ સર્વિસ) માટે ડીએમકેની ચેનલ કલૈંગનર ટીવીને 200 કરોડ રૂપિયા ચુકવ્યા હતાં. આ માટે તેમણે પોતાની ગ્રુપ કંપની ડાયનામિક્સ રીયલ્ટીનો ઉપયોગ કર્યો હતો અને કુસેગાંવ ફ્રૂટ્સ એન્ડ વેજિટેબલ્સ પ્રાઈવેટ લિમિટેડ (હાલ કુસેગાંવ રિયલ્ટી પ્રાઈવેટ લિમિટેડ) મારફતે નાણાં આપ્યા હતાં. આ લેવડ દેવડ કાયદેસર રીતે થયેલી હોવાનુ બતાવવાના ભાગરૂપે બાદમાં વધુ રકમ સાથે નાણાં પરત કરવામાં આવ્યા હતાં. હકીકતમાં આ રકમ રાજા અને તેમના સહયોગીઓને એસટીપીએલને લાભ પહોંચાડવાના બદલે આપવામાં આવી હતી.

આ કેસમાં ઈડી તરફથી દાખલ કરવામાં આવેલા આરોપપત્રમાં કહેવામાં આવ્યું હતું કે દેવા (કરજ)ના નામે આપવામાં આવેલા આ રકમ હકીકતમાં ગેરકાયદેસર હતી. આરોપનામામાં વધુમાં જણાવાયું છે કે દેવુ ચુકવવાના પ્રયત્નના ભાગરૂપે આ કામ આરોપી વ્યક્તિઓ અને કંપનીઓ દ્વારા બે ભાગમાં કરવામાં આવ્યું હતું. પહેલા ભાગમાં કુસેગાંવ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ પ્રાઈવેટ લિમિટેડ અને સિનેયુગ મીડિયા એન્ડ એન્ટર્ટેન્મેન્ટ મારફતે કલૈંગનર ટીવીને 200 કરોડ રૂપિયાની લોન આપવા માટે આપવામાં આવ્યા અને બાદમાં કલૈંગનર ટીવી તરફથી વધારે નાણાંની ચુકવણી કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે કેસના મુખ્ય આરોપી એવા એ રાજા યુપીએ સરકારમાં ટેલિકોમ પ્રધાન રહી ચુક્યા છે. તેમના જ કાર્યકાળમાં 2જી સ્પેક્ટ્રમ ફાળવણીમાં મોટા પાયે કથિત ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપો લાગ્યા હતાં. આ ગેરરીતિ લગભગ 1 લાખ 76 હજાર કરોડની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ મામલે એ રાજા અને કનિમોઝી સહિતનાઓ જેલવાસ ભોગવી આવ્યા છે અને હાલ તેઓ જામીન પર બહાર છે.

પંકજ અડવાણીની ઐતિહાસિક ટ્રિપલ ડબલ કમાલ

pankaj-advaniભારતીય સુપરસ્ટાર ગઈ કાલે ૧૨મી વખત વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપ જીત્યો: ત્રણ-ત્રણ વાર એક જ વર્ષમાં બન્ને ફૉર્મેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બનનાર દુનિયાનો તે એકમાત્ર ખેલાડી બન્યો


લીડ્સ : ભારતના સ્ટારખેલાડી પંકજ અડવાણીએ ગઈ કાલે વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપની (ટાઇમ ફૉર્મેટ) ફાઇનલમાં ઇંગ્લૅન્ડના રૉબર્ટ હૉલને ૧૯૨૮-૮૯૩થી આસાનીથી હરાવીને ૧૨મું વર્લ્ડ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ૨૯ વર્ષનો પંકજ ગયા અઠવાડિયે દુનિયાના નંબર વન ખેલાડી પીટર ગિલક્રિસ્ટને પૉઇન્ટ-ફૉર્મેટ (૧૫૦-અપ)ની ફાઇનલમાં હરાવીને વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો. આમ એક જ વર્ષમાં બન્ને ફૉર્મેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બનવાની કમાલ પંકજે ૨૦૦૫ અને ૨૦૦૮ બાદ ત્રીજી વાર કરી છે. આવી કમાલ કરનાર તે દુનિયાનો એકમાત્ર ખેલાડી બન્યો છે. આ પહેલાં પંકજ અને ઇંગ્લૅન્ડનો માઇક રસેલ (૨૦૧૦ અને ૨૦૧૧) ડબલ ચૅમ્પિયનશિપ બે-બે વાર જીતી ચૂક્યા છે.

ઐતિહાસિક જીત બાદ ખુશખુશાલ પંકજે કહ્યું હતું કે ‘ભારતની બહાર આવી ઐતિહાસિક જીત મેળવવા બદલ હું ઘણો ખુશ છું. મારી ખુશીને શબ્દોમાં વર્ણન કરવી મુશ્કેલ છે. આ ટુર્નામેન્ટ પહેલાં મેં શારીરિક અને માનસિક ફિટનેસ માટે ખૂબ જ મહેનત કરી હતી અને એણે આખરે રંગ રાખ્યો હતો. એ ઉપરાંત મારી આ જીત મારી મમ્મીના જન્મદિને મળી હોવાથી મારા માટે એ ખાસ બની ગઈ છે.’

મહારાષ્ટ્રમાં આજે સત્તારૂઢ થશે BJPની પહેલવહેલી સરકાર

મહારાષ્ટ્રની પ્રથમ BJP સરકાર આજે પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં રચાશે. પાર્ટીની શિવસેના સાથેની મંત્રણાઓ અનિર્ણિત રહેતાં નવી સરકારમાં એ પક્ષના જોડાવાની શક્યતા ઓછી છે. ૪૪ વર્ષના ફડણવીસ ચાર વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે. તેમને રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેમની કેન્દ્રીય કૅબિનેટના સાથીઓ, BJP શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો, બૉલીવુડ અને કૉર્પોરેટ ક્ષેત્રના મહાનુભાવો વગેરેની હાજરીમાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે.
શિવસેના સાથેની વાતચીત હજી અનિર્ણિત : પંદર દિવસમાં બહુમતી સાબિત કરવી પડશે

આ સમારંભમાં સ્ટેટ BJP કોર કમિટીના સભ્યો એકનાથ ખડસે, સુધીર મુનગંટીવાર, વિનોદ તાવડે અને પંકજા મુંડે ઉપરાંત શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડ્યુલ્ડ ટ્રાઇબ્સના વિધાનસભ્યો સહિત દસેક જણની કૅબિનેટની પણ શપથવિધિ થાય એવી શક્યતા છે. આ શપથવિધિ બાબતે BJPના એક નેતાએ જણાવ્યું હતું કે આમ સાવ નાનીઅમથી કૅબિનેટ શપથ લેશે. જોકે શિવસેના સાથેની મંત્રણા હજી ચાલી રહી હોવાથી એ પાર્ટીમાંથી એના તરફના કોઈ પ્રધાનને આ શપથવિધિમાં સામેલ કરવામાં આવે એવી શક્યતા ઓછી છે.
શિવસેનાને આ શપથવિધિમાં સામેલ કરવા વિશે BJPના જનરલ સેક્રેટરી રાજીવ પ્રતાપ રૂડીએ જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં જોડાણ બાબતે શિવસેના સાથે સુમેળભરી રીતે મંત્રણા ચાલી રહી છે, પરંતુ એનું છેલ્લું પરિણામ હજી નથી આવ્યું. ટૂંક સમયમાં એનો નિર્ણય આવી જશે એવી આશા રાખવામાં આવે છે.’

BJP વિધાનસભાની ચૂંટણીમાં ૨૮૮માંથી ૧૨૨ બેઠકો મેળવીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની હતી. એમાંથી એક વિધાનસભ્ય ગોવિંદ રાઠોડ અવસાન પામ્યા છે.

આ સરકારમાં શિવસેના નહીં જોડાય ત્યાર સુધી એ ટેક્નિકલી લઘુમતી સરકાર ગણાશે. NCPના ૪૧ સભ્યોનો ટેકો BJP માટે હંગામી આધારરૂપ બનશે. એને કેટલાક અપક્ષ અને નાના પક્ષોના વિધાનસભ્યોનો પણ ટેકો છે.

વાનખેડે સ્ટેડિયમમાં ૪૦ હજાર મહેમાનો સામે શપથવિધિનો સમારંભ ભપકાદાર બની રહેશે. આ સમારંભ માટે ઉદ્ધવ ઠાકરે, NCP ચીફ શરદ પવાર, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ તથા અન્ય રાજકારણીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યાં છે. એવી જ રીતે ઉદ્યોગપતિઓમાં રતન તાતા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, આનંદ મહિન્દ્ર, અદી ગોદરેજ; ગાયિકાઓ લતા મંગેશકર અને આશા ભોસલે; ઍક્ટર્સ અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, હૃતિક રોશન; સચિન તેન્ડુલકર તથા સુનીલ ગાવસકર જેવા ક્રિકેટ-સ્ટાર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યાં છે.

કોઈ ફેમસ ક્રિકેટ-ગ્રાઉન્ડ પર આવો સમારંભ યોજાવાની ઘટના પહેલી વખત બને છે. ૧૯૯૫માં શિવસેના અને BJPની સરકાર રચાઈ ત્યારે શિવાજી પાર્ક મેદાનમાં આવો શપથવિધિ સમારંભ યોજાયો હતો.

આ કાર્યક્રમ બાબતે મુંબઈ BJPના જનરલ સેક્રેટરી અતુલ શાહે જણાવ્યું હતું કે ‘પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ વર્ષ ૧૯૮૦માં કહ્યું હતું કે મારે શહેરના સાગરની દિશાએ કમળ ખીલતું જોવું છે. એ શબ્દોને આધારરૂપ બનાવીને એની થીમ પર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.’

આ કાર્યક્રમની સજાવટ બાબતે આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ કહ્યું હતું કે ‘૨૦૦ બેઠકોની ક્ષમતા ધરાવતો અર્ધવતુર્ળાકાર મંચ સ્ટેડિયમના અલાઇનમેન્ટમાં રચવામાં આવ્યો છે. ત્યાં હાજર દરેક જણને દૃશ્યો બરાબર દેખાય એ માટે LED સ્ક્રીન પણ મૂકવામાં આવશે. મૉડર્ન હાઇ-ટેક સ્ટેજ બાંધવામાં આવશે, જેમાં રાજ્યની પ્રાચીન સંસ્કૃતિ પણ દર્શાવવામાં આવશે. એમાં શિવાજી મહારાજના રાજ્યાભિષેકના પ્રસંગનો પણ સમાવેશ છે.’

સાંજના શપથ પહેલાં સવારે સરદાર પટેલ સમક્ષ દેવેન્દ્ર ફડણવીસ લેશે શપથ

મહારાષ્ટ્રમાં BJPના પહેલા મુખ્ય પ્રધાન બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાનપદના શપથ લેવા અગાઉ આજે સવારે સાડાનવ વાગ્યે વરલીમાં નૅશનલ સ્ર્પોટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI)માં રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવની હાજરીમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નમન કરીને રાષ્ટ્રીય એકતાના શપથ લેશે. ત્યાર બાદ સાંજે વાનખેડે સ્ટેડિયમમાં મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કરશે.

સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ ૩૧ ઑક્ટોબરને આ વખતે પૂરા દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના રાજનૈતિક ઇતિહાસમાં પહેલી વાર કોઈ નેતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નમન કરીને મુખ્ય પ્રધાનના શપથ લઈને સત્તા સંભાળશે. મલબાર હિલના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાની આગેવાનીમાં થઈ રહેલા આ કાર્યક્રમના આયોજનમાં પટેલ સોશ્યલ ગ્રુપ, નવસર્જન ગ્રુપ અને NSCI ક્લબના જયંતીલાલ શાહ અને રાકેશ મલ્હોત્રા પણ સહભાગી છે.

શપથવિધિ પછી BJPએ બનાવેલી ૩૦૦ જણની ટીમ મેદાનની સાફસફાઈ કરશે

મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન તરીકે આજે વાનખેડે સ્ટેડિયમમાં દેવેન્દ્ર ફડણવીસની શપથવિધિના સમારંભ પછી BJPએ બનાવેલી ૩૦૦ જણની ટીમ મેદાનની સાફસફાઈ કરશે. આ વાતની BJPના પ્રવક્તા અતુલ શાહે પુષ્ટિ કરતાં કહ્યું હતું કે અમે ફક્ત મેદાન સાફ નહીં કરીએ, મૅગ્નેટિક સ્વીપરનો પણ ઉપયોગ કરીશું જેથી મેદાનમાં એક ખીલો પણ ન રહી જાય.

સાફસફાઈ માટે બનાવવામાં આવેલી ૩૦૦ વૉલન્ટિયર્સની ટીમને અલગ-અલગ ગ્રુપમાં ડિવાઇડ કરવામાં આવશે. આ અલગ-અલગ ગ્રુપો પૅવિલિયનમાં વર્કર્સ, મીડિયા અને મહત્વના લોકો જ્યાં બેઠા હશે એ જગ્યાઓની સાફસફાઈની જવાબદારી સંભાળશે.

Thursday, October 30, 2014

સેન્સેક્સે આજે 27358.85નો નવો રેકોર્ડ સ્પર્શ કર્યો છે નિફ્ટી 8170

એક્સપાયરીના દિવસે રેકોર્ડ ટર્નઓવરની સાથે એક નવી ઊંચાઈ બનાવામાં સફળ રહ્યું. સેન્સેક્સે આજે 27358.85નો નવો રેકોર્ડ સ્પર્શ કર્યો છે. જે નિફ્ટીએ પણ 8181.55નો નવો રેકોર્ડ ુપરી સ્તર બનાવ્યો છે. સાથે જ બજારમાં આજે રેકોર્ડ 10.40 લાખ કરોડ રૂપિયાનો ટર્નઓવર થયો

મિડકેપ અને સ્મોલકેપ શેરોએ એમનો દમ બતાવ્યો છે. બીએસઈના બધા ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. પરંતુ રિયલ્ટી, આઈટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં સૌતી વદારે ખરીદારી જોવા મળી છે.

અંતમાં બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 248 અંક એટલેકે 0.9%ના વધારાની સાથે 27346ના સ્તર પર બંધ થયો છે. જે એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 79 અંક એટલેકે 1% ચઢીને 8169.2ના સ્તર પર બંધ થયું છે.

આજના કારોબારી સત્રમાં દિગ્ગજ શેરોમાં ડીએલએફ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા,  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડસઈન્ડ બેંક, ટીસીએસ, હિન્ડાલ્કો, ઈન્ફોસિસ અને ગેલ સૌથી વધારે 5.1-1.4% સુધી મજબૂત થઈને બંધ થયા છે. જોકે કેર્ન ઈન્ડિયા, અંબુજા સિમેન્ટ, સિપ્લા, સેસા સ્ટરલાઈટ, લ્યુપિન, એમએન્ડએમ, ટાટા પાવર અને હીરો મોટો જેવા દિગ્ગજ શેર 1.3-0.5% સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં તિલક ફાઈનાન્સ, એસઆરએફ,, સિમ્ફની, સેન્ચુરી અને અલ્હાબાદ બેંક સૌથી વધારે 19-6.1% સુદી ઉછળીને બંધ થયા છે. સ્મોલકેપ શેરોમાં રામકી ઈન્ફ્રા, કામા હોલ્ડિંગ્સ, એડુકોમ્પ સૉલ્યૂસન્સ, જુઆરી એગ્રો અને કેજીએન એન્ટરપ્રાઈઝેસ સૌથી વધારે 19.9-10.9% સુધી ચઢીને બંધ થયા છે.

ડીઝલ-પેટ્રોલમાં લિટરે રૂ.2.50ના ભાવઘટાડાની શક્યતા

ડીઝલ અને પેટ્રોલના ભાવ ટૂંક સમયમાં લિટર દીઠ રૂ.2.50 સુધી ઘટવાની શક્યતા છે. ડીઝલના ભાવ બે સપ્તાહ કરતાં ઓછા સમયમાં 11 ટકા ઘટશે અને તેના લીધે ફુગાવામાં પણ રાહત મળશે. સરકાર અને ઉદ્યોગ વર્તુળોના જણાવ્યા અનુસાર ફુગાવો ઘટવાથી ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી પહેલાં આમઆદમી ખુશ થશે.

ઓગસ્ટ મહિનાથી પેટ્રોલના ભાવમાં આ સતત છઠ્ઠો ઘટાડો હશે અને અંકુશમુક્તિ પછી ડીઝલમાં પહેલો ઘટાડો હશે. ઉલ્લેખનીય છે કે, કેબિનેટે 18 ઓક્ટોબરે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ડીઝલનો વેચાણદર બજારભાવ સાથે સુસંગત કરવાની મંજૂરી આપી હતી અને ભાવમાં લિટર દીઠ રૂ.3.37નો ઘટાડો કર્યો હતો.

પેટ્રોલના ભાવ ગયા વર્ષે જૂન મહિનાથી અંકુશમુક્ત કરાયા હતા. આગામી કેટલાક દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ઘટાડા પછી પેટ્રોલનો ભાવ 16 મહિનાના તળિયે પહોંચશે. જ્યારે ડીઝલનો ભાવ એક વર્ષ અગાઉના સ્તરે આવશે. ઈંધણમાં નોંધપાત્ર ઘટાડા માટે ક્રૂડના વૈશ્વિક ભાવમાં નરમાઈ કારણભૂત છે.

બે સપ્તાહ પહેલાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને પ્રતિ બેરલ 82.60 ડોલરની ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જૂનમાં બ્રેન્ટનો ભાવ 115 ડોલર હતો. બુધવારે તે પ્રતિ બેરલ 87 ડોલરની આસપાસ ચાલતો હતો.

ક્રૂડના વૈશ્વિક ભાવ પ્રમાણે કંપનીઓ હાલની પ્રાઇસિંગ સાઇકલમાં અગાઉના પખવાડિયાની તુલનામાં પેટ્રોલ-ડીઝલ પર પ્રતિ બેરલ 7-8 ડોલરનું માર્જિન ધરાવે છે. સૂચિત ગાળામાં રૂપિયા-ડોલરના વિનિમય દરમાં બહુ ઓછો ફેરફાર નોંધાયો છે.

ઓઇલ ઉદ્યોગના એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, ચાલુ મહિનાના છેલ્લા ત્રણ દિવસના આંકડા મળશે પછી ઘટાડાનો ચોક્કસ આંકડો જાણવા મળશે.ડીઝલની અંકુશમુક્તિ પછી સરકારે પેટ્રોલ-ડીઝલનું ભાવનિર્ધારણ બંધ કરી દીધું છે. શુક્રવાર કે શનિવારે ઈંધણના ભાવની સમીક્ષા થવાની છે ત્યારે પેટ્રોલિયમ મંત્રાલયની ઔપચારિક મંજૂરી પછી ભાવમાં ઘટાડાનું પ્રમાણ જાણવા મળશે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર હવે પેટ્રોલ અને ડીઝલ બંને અંકુશમુક્ત હોવાથી તેમને ચૂંટણી આચારસંહિતા લાગુ નહીં પડે. ઓઇલ કંપનીઓ ક્રૂડના વૈશ્વિક ભાવની વધઘટ અને રૂપિયા-ડોલરની વધઘટ પ્રમાણે ઈંધણના ભાવ નિર્ધારિત કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ઓઇલ કંપનીઓને ભાવમાં વાસ્તવિક અંદાજ કરતાં થોડો ઓછો ઘટાડો કરવાનું કહેશે એવી ધારણા છે. જેથી નવેમ્બરના પહેલા પખવાડિયામાં ભાવ વધે તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વેચાણ ભાવ જાળવી શકે.

એનડીએ સરકાર 25 નવેમ્બરથી શરૂ થઈ રહેલી ચૂંટણી વખતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નહીં ઇચ્છે. ઉલ્લેખનીય છે કે, સરકારે 18 ઓક્ટોબરે ડીઝલના ભાવમાં ઘટાડો જાહેર કર્યો ત્યારે સરકારે ભાવમાં 56 પૈસા ઓછો ઘટાડો કર્યો હતો. જેનું મુખ્ય કારણ વૈશ્વિક વોલેટિલિટીની સ્થિતિમાં ગ્રાહકોને તીવ્ર ભાવવધારાથી બચાવવાનું હતું.

હવાલાકાંડમાં EDએ 7 વેપારીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરી

દેશના સૌથી મોટા રૂ.5,500 કરોડના હવાલાકાંડમાં બુધવારે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી)એ રિદ્ધિસિદ્ધિ બુલિયન સાથે સંકળાયેલા રાકેશ કોઠારી ઉપરાંત મુંબઈ અને અમદાવાદના સાત વેપારીઓ તથા બે કંપનીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી.

આ તમામ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ તપાસ હાથ ધરાશે. રૂ.5,500 કરોડના હવાલાકાંડમાંથી રૂ.750 કરોડ તો માત્ર રાકેશ કોઠારીએ જ વિદેશમાં મોકલ્યા હોવાની વિગતો પણ તપાસ દરમિયાન ખૂલી છે.

મની લોન્ડરિંગની પ્રવૃત્તિમાં સંકળાયેલી અમદાવાદની એડ્વાન્સ ફિનસ્ટોક પ્રા લિ અને જલારામ ફિનવેસ્ટ લિમિટેડને પણ સમન્સ પાઠવ્યા છે અને અમદાવાદ-મુંબઈની અન્ય સાત વ્યક્તિઓ સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઇશ્યૂ કર્યું છે. આ યાદીમાં એડ્વાન્સ ફિનસ્ટોકના ડિરેક્ટર કારુલ શાહ અને જલારામ ફિનવેસ્ટના પંકજ ઠક્કરનો પણ સમાવેશ થાય છે. આગામી દિવસમાં હવાલાકાંડમાં વધુ વેપારીઓ અને કંપની માલિકોની ધરપકડ થવાની શક્યતા છે.

રાકેશ કોઠારીએ તેમના નિવેદનમાં જણાવ્યું છે કે રિદ્ધિસિદ્ધિ બુલિયનના સર્વેસર્વા પૃથ્વીરાજ કોઠારી જ તેને હવાલામાં વિદેશ પૈસા મોકલવા માટે પૈસા પૂરા પાડતો હતો. અત્યાર સુધી હવાલાકાંડમાં રાકેશ કોઠારી અને તેના ભાઈ રાજુ કોઠારીનું જ નામ બોલાતું હતું. રાકેશ કોઠારી મુંબઈમાંથી આ પૈસા સુરત મોકલતો હતો જ્યારે રાકેશનો ભાઈ રાજુ કોઠારી દુબઈમાં હવાલાનો કારોબાર સંભાળતો હતો. પરંતુ રાકેશ કોઠારીના સ્ટેટમેન્ટ બાદ રિદ્ધિસિદ્ધિ બુલિયનના વડા પૃથ્વીરાજ કોઠારીનું નામ પણ હવાલાકાંડમાં સંડોવાયું છે.

પૃથ્વીરાજ કોઠારીએ રાકેશ કોઠારીને આપેલાં નાણાંનો મોટો હિસ્સો મદનલાલ જૈન અને અફરોઝ ફટ્ટાને મોકલાતો હતો. આ ઉપરાંત કોઠારી પ્રવીણ જૈન, હિતેશ હસ્તીમલ જૈન અને શૈલેશ જૈન વગેરેને પણ રૂપિયા મોકલતો હતો. મદનલાલ જૈન અને ફટ્ટા તેમજ જૈન દ્વારા આ રકમ ઉમેશ ચંદ્ર, એસ બાબુલાલ, જયંતી અંબા, ગુજરાત આંગડિયા જેવી આંગડિયા પેઢી દ્વારા આગળ મોકલવામાં આવતી હતી.

આ આંગડિયા પેઢી આ નાણાં પ્રફુલ્લ પટેલ તેમજ બિલાલ હારુન ગિલાનીને પહોંચાડતી હતી. પટેલ અને ગિલાની સુરત, અમદાવાદ, મુંબઈ અને દિલ્હીના ચેક ડિસ્કાઉન્ટર મારફતે પૃથ્વીરાજ કોઠારીનું કાળું નાણું ઓફિશિયલ ચેનલમાં ઘુસાડતા હતા. ત્યાર બાદ ચેક ડિસ્કાઉન્ટર આ રકમ ફટ્ટા અને જૈન દ્વારા ઊભી કરાયેલી વંદના એન્ડ કંપની, આરઝુ એન્ટરપ્રાઇઝ, જીટી ટ્રેડર્સ જેવી કંપનીઓમાં ટ્રાન્સફર કરતા હતા. આ કંપનીઓ અંતે પૃથ્વીરાજ કોઠારીના રૂપિયા હોંગકોંગ અને દુબઈ સ્થિત રાજેશ કોઠારી અને તેના લાગતાવળગતાઓની કંપનીઓમાં ટ્રાન્સફર કરતી હતી.

પૃથ્વીરાજ કોઠારી પર બે વર્ષ અગાઉ મુંબઈના આવકવેરા ખાતાના દરોડા પણ પડ્યા હતા. ઇડીએ તપાસ શરૂ કરતાં મુંબઈના આઇટી વિભાગે પણ કોઠારીનાં દુબઈનાં રોકાણો વિષે ફરી તપાસ હાથ ધરી છે. વર્ષ ૨૦૧૩ના દરોડા દરમિયાન કોઠારી પાસેથી તેનાં રોકાણોની એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં લખેલી તમામ એન્ટ્રીઓની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

કાળા નાણાં ધરાવતા ૬૨૮ જણમાં પટેલ અને મહેતા વધુ

black-moneyબ્લૅક મનીના ૬૨૮ ખાતેદારોની યાદીમાં પટેલ અને મહેતા સરનેમ ધરાવતા લોકોની બહુમતી, જિનીવાની HSBC બૅન્કમાંથી ચોરાયેલો ડેટા ફ્રાન્સ સરકાર સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી ભારત સરકારને ૨૦૧૧માં મળેલી માહિતી સુપ્રીમ કોર્ટમાં રજૂ



કેન્દ્ર સરકારે જિનીવાસ્થિત HSBC બૅન્કના ૬૨૮ ભારતીય ખાતેદારોનાં નામ બ્લૅક મની કેસમાં સુપ્રીમ કોર્ટને ગઈ કાલે બંધ કવરમાં આપ્યાં હતાં. સરકારે આપેલી નામોની યાદીની ચકાસણી કરીને કાયદા અનુસાર પગલાં લેવાનો આદેશ સુપ્રીમ કોર્ટે‍ SITને આપ્યો હતો.

વડા ન્યાયમૂર્તિ એચ. એલ. દત્તુના વડપણ હેઠળની એક ખંડપીઠે સીલ કરેલું કવર ખોલ્યું નહોતું. ખંડપીઠે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે નીમેલી SITના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જ આ કવર ખોલશે. આ વિશેની તપાસનો સ્ટેટસ રિપોર્ટ નવેમ્બરના અંત સુધીમાં સુપરત કરવા અદાલતે SITને જણાવ્યું હતું.

આ લિસ્ટમાં કુલ પૈકીનાં ૫૦ ટકાથી વધુ નામો ભારતીયોનાં છે અને બાકીનાં બિનનિવાસી ભારતીયો છે, જેમને ભારતીય આવકવેરા કાયદો લાગુ નથી પડતો. આ યાદીમાં સૌથી વધુ સરનેમ મહેતા અને પટેલ છે.

આ અગાઉ ખંડપીઠ સમક્ષ દસ્તાવેજો રજૂ કરતાં ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે અહીં જે વિગત આપવામાં આવી છે એ ફ્રેન્ચ સરકારે ભારત સરકારને ૨૦૧૧માં આપી હતી. જિનીવાસ્થિત HSBC બૅન્કમાંથી ચોરાયેલો ડેટા ફ્રાન્સ સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી સરકારને માહિતી મળી હતી.

વડા ન્યાયમૂર્તિ ઉપરાંત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ અને ન્યાયમૂર્તિ મદન બી. લોકુરની બનેલી ખંડપીઠે વિદેશો સાથે થયેલી વિવિધ સંધિઓ બાબતે મુશ્કેલીઓની વાત SIT સમક્ષ રજૂ કરવાની છૂટ કેન્દ્ર સરકારને આપી હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે SITના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિઓ છે. તેઓ સામાન્ય માણસ નથી. બ્લૅક મની વિશેની તપાસમાં સર્જાતા વિવિધ મુદ્દાઓ બાબતે નિર્ણય કરવા તેઓ સક્ષમ છે.

ખંડપીઠે કહ્યું હતું કે ‘અમે આ આખી યાદી SITને મોકલીશું અને એ કાયદા અનુસાર તપાસ કરશે. આગળની તપાસ કઈ રીતે કરવી એનો નિર્ણય SITએ કરવાનો છે.’

મુંબઈના ૯૦ ખાતેદારો સામે હવે થશે આવકવેરાની તપાસ 

કેન્દ્ર સરકારે વિદેશી બૅન્કોમાં ખાતું ધરાવતા ૬૨૭ લોકોનાં નામની યાદી સુપ્રીમ કોર્ટને ગઈ કાલે સુપરત કરી હતી એ પૈકીના ૨૩૫ ખાતેદારો મુંબઈના છે. એમાંથી ૯૦ લોકોનાં ખાતાં સ્વિસ બૅન્કોમાં હોવાના સમાચારને સમર્થન મળી ગયું છે. એથી આ લોકોએ સ્વિસ બૅન્કોમાં ગેરકાયદે રૂપિયા જમા કરાવ્યા છે કે કેમ એ શોધવા માટે આવકવેરા ખાતું ટૂંક સમયમાં તેમની સામે તપાસ હાથ ધરશે.

સરકારે કોર્ટને સોંપેલા સીલબંધ કવરમાં શું છે?

કવરમાંના દસ્તાવેજોની વિગત આપતાં ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે સીલબંધ કવરમાં ત્રણ દસ્તાવેજો છે. એમાં ભારત સરકારે ફ્રેન્ચ સરકાર સાથે કરેલા પત્રવ્યવહાર, નામોની યાદી અને એક સ્ટેટસ રિપોર્ટનો સમાવેશ છે. અહીં જેમનાં નામો છે એ પૈકીના કેટલાક લોકોએ સ્વીકાર્યું છે કે તેમનાં અકાઉન્ટ્સ વિદેશી બૅન્કોમાં છે અને તેમણે કર પણ ચૂકવ્યો છે.

આ યાદીમાં ખાતેદારોનાં નામ, સરનામું, અકાઉન્ટ-નંબર અને અકાઉન્ટમાં જમા નાણાંની ૨૦૦૬ના વર્ષ સુધીની એન્ટ્રીની માહિતી છે. નામ-સરનામાં મળ્યા પછી ૧૩૬ ખાતેદારોએ તેમનાં અકાઉન્ટ વિદેશી બૅન્કમાં હોવાની વાત સ્વીકારી છે. તે પૈકીના કેટલાકે એમ પણ જણાવ્યું હતું કે તેમને આ બાબતે જાણકારી નહોતી અને આ માટે કાયદેસર જે ટૅક્સ ચૂકવવાનો હોય એ ભરવા તેઓ તૈયાર છે.

૪૧૮માંથી ૧૨ અકાઉન્ટનાં ઍડ્રેસ કલકત્તાનાં છે, પણ એમાંથી છ જણે જ તેમનાં અકાઉન્ટ હોવાનું કબૂલ્યું છે. સૌથી વધુ જમા નાણાં ધરાવતા અકાઉન્ટમાં ૧.૮ કરોડ ડૉલર છે અને એ અકાઉન્ટ દેશના મોખરાના બે ઉદ્યોગપતિના નામે છે.

આ બધાં ખાતાંઓની ઇન્કમ-ટૅક્સ બાબતે તપાસ આવતા વર્ષની ૩૧ માર્ચ સુધીમાં પૂર્ણ કરી લેવાની છે એમ રસ્તોગીએ જણાવ્યું હતું.

મની કેસમાં મોદી સરકારે જિનિવાની એચએસબીસીમાં ખાતાં ધરાવતા ૬૨૭ લોકોનાં નામ સુપ્રીમ કોર્ટને બંધ કવરમાં સુપરત કર્યાં છે. મંગળવારે તમામ

ખાતાધારકોની યાદી આપવાના સર્વોચ્ચ અદાલતના આદેશ પછી બીજા દિવસે સરકારે આ પગલું ભર્યું છે. સુપ્રીમે સંપૂર્ણ યાદી તેણે જ નીમેલી SITને સોંપી દીધી હતી, જે આ કેસમાં વ્યાપક તપાસ કરશે.

એટર્ની જનરલે માહિતીને ગુપ્ત રાખવાનો આગ્રહ કરીને જણાવ્યું હતું કે, "કરારની શરતોમાં ગુપ્તતાની જોગવાઈ છે. હું માત્ર એટલી વિનંતી કરું છું કે, આ દેશો સાથેના કરારનો ભંગ થાય એવું કંઈ કરવું જોઈએ નહીં.'' સુપ્રીમ કોર્ટની બેન્ચે પણ માહિતી જાહેર કર્યા વગર SITને સોંપી દીધી હતી. કોર્ટે માત્ર એટલું નોંધ્યું હતું કે, સરકાર દ્વારા માહિતી સ્વૈચ્છિક રીતે સોંપવામાં આવી છે.

દેશના મુખ્ય ન્યાયાધીશ એચ એલ દત્તુએ જણાવ્યું હતું કે, "અમે તેને (કવર) ખોલવા માંગતા નથી. હવે અમને નામ મળી ગયાં છે, અમે તેને કાયદા મુજબની તપાસ માટે SITને સોંપીશું. SIT આ માહિતી આવકવેરા વિભાગ અને સીબીઆઇને સોંપવામાં પોતાની પ્રક્રિયા નિર્ધારિત કરશે.'' મંગળવારે સુપ્રીમ કોર્ટના આક્રમક વલણ પછી બુધવારે દત્તુની કાર્યવાહી શાંતિપૂર્વકની રહી હતી. ઉપરાંત, સુપ્રીમ કોર્ટે ગુપ્તતાના ભંગ અંગેની ચિંતા વ્યક્ત કરવા સરકારને મંજૂરી આપી હતી. કોર્ટે SITને તપાસની પ્રગતિનો અહેવાલ નવેમ્બર પૂરો થતાં સુધીમાં સુપરત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સુનાવણી વખતે એટર્ની જનરલ મુકુલ રોહતગીએ સરકાર વતી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "સરકાર કોઈ માહિતી છુપાવવાનો કે કોઈને બચાવવાનો ઇરાદો ધરાવતી નથી.'' એટર્ની જનરલે કહ્યું હતું કે, "આ માહિતી 27 જૂન 2014એ SITને સોંપવામાં આવી હતી. અમે SITની સીધી દેખરેખ હેઠળ કામ કરી રહ્યા છીએ. જેમાં SITને ત્રણ યાદી સોંપવામાં આવી છે. જેમાં ફ્રેન્ચ ઓથોરિટી સાથેની વાતચીત, 627 લોકોનાં નામ અને SITના સ્ટેટસ રિપોર્ટનો સમાવેશ થાય છે.''

વિદેશી બેન્કોના ખાતાધારકોનાં નામ વર્ષ 2006 સાથે સંકળાયેલાં છે અને ફ્રેન્ચ ઓથોરિટીએ આ માહિતી સરકારને સોંપી હતી. ખાતાંની માહિતી ચોરાયા પછી ત્યાંના ટેક્સ સત્તાવાળાના હાથમાં આવી હોવાનું કહેવાય છે. ત્યાર પછી સરકારે આ કેસોની તપાસની મુદત 6 વર્ષથી વધારી 16 વર્ષ કરી હતી અને તેના આધારે તપાસની મુદત માર્ચ 2015માં પૂરી થાય છે. રોહતગીએ જણાવ્યું હતું કે, "આ કેસ ઝડપથી ઉકેલવા પડશે. તે લાંબા સમય સુધી ચલાવી શકાય નહીં.

સોફ્ટબેન્કે સ્નેપડીલમાં રૂ.3,800 કરોડ ઠાલવ્યા

સ્નેપડીલમાં 62.7 કરોડ (રૂ.3,800 કરોડ) અને ઓલાકેબ્સમાં 21 કરોડ ડોલરના રોકાણ સાથે જાપાનની સોફ્ટબેન્ક ભારતના સ્ટાર્ટ-અપ્સમાં સૌથી મોટી રોકાણકાર બની છે.

સોફ્ટબેન્કે ચીનની અલીબાબામાં પ્રારંભિક તબક્કે રોકાણ કર્યું હતું અને હાલ કંપનીમાં તેના રોકાણનું મૂલ્ય 70 અબજ ડોલરે પહોંચ્યું છે. ભારતમાં પણ તે આ સફળતા દોહરાવવા માંગે છે એવો મત સોફ્ટબેન્કના ચેરમેન માસાયોશી સોને વ્યક્ત કર્યો હતો.

સોને ઇટીને જણાવ્યું હતું કે, "અમારી ધારણા પ્રમાણે ભારત હાલ વિકાસના 'ટર્નિંગ પોઇન્ટ' પર છે.'' સોફ્ટબેન્ક ઇન્ટરનેટ એન્ડ મીડિયા ઇન્કનું સુકાન ભારતમાં જન્મેલા નિકેશ અરોરાના હાથમાં છે અને હવે તે સ્નેપડીલમાં સૌથી મોટા રોકાણકાર છે.

સ્નેપડીલ એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે સ્પર્ધા કરી રહી છે. ગૂગલના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ અને સોફ્ટબેન્કના વાઇસ ચેરમેન અરોરા સ્નેપડીલના બોર્ડમાં હોદ્દો મેળવશે. કંપનીએ સોદાનું મૂલ્ય જાહેર કર્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર સોફ્ટબેન્કનું મૂલ્ય બે અબજ સુધી પહોંચી શકે. સોફ્ટબેન્કે સ્નેપડીલમાં ઓછામાં ઓછો ૩૦ ટકા હિસ્સો હસ્તગત કર્યો હોવાનો અંદાજ છે.

સ્નેપડીલના સીઇઓ કુણાલ બહલે જણાવ્યું હતું કે, "સોફ્ટબેન્ક હંમેશા અમારી ઇચ્છિત રોકાણકાર હતી. સોન સાચા અર્થમાં દીર્ઘદૃષ્ટિ ધરાવતા વ્યક્તિ છે. તેમણે અલીબાબા સાથે જે સફળતા હાંસલ કરી છે એ જોતાં તે અમારા માટે આદર્શ એમ્બેસેડર છે.'' ઉલ્લેખનીય છે કે, ઇબે, રતન ટાટા અને વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીની ફેમિલી ઓફિસે પણ સ્નેપડીલમાં રોકાણ કર્યું છે. બહલે જણાવ્યું હતું કે, વર્તમાન રોકાણકારોએ પણ ફન્ડિંગના આ તબક્કામાં ભાગ લીધો હતો.

સોફ્ટબેન્કે ભારતના અન્ય એક સ્ટાર્ટ-અપ ઓલાકેબ્સમાં પણ રોકાણ કર્યું છે. ઓલાકેબ્સના સીઇઓ ભાવિષ અગરવાલે જણાવ્યું હતું કે,સોફ્ટબેન્કના તમામ રોકાણ લાંબા ગાળાના છે અને તે ઉત્તમ વ્યૂહાત્મક ભાગીદારની ભૂમિકા નિભાવે છે.સોફ્ટબેન્ક અને ઓલાકેબ્સે કંપનીના મૂલ્યાંકન અંગે કોઈ માહિતી આપી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેંગલૂરુ સ્થિત કંપનીનું મૂલ્ય લગભગ ૬૫ કરોડ ડોલર છે અને તેમાં હવે સોફ્ટબેન્ક સૌથી મોટી શેરધારક છે.

સોફ્ટબેન્કનું ભારતમાં પહેલું મોટું રોકાણ મોબાઇલ એડ્વર્ટાઇઝિંગ નેટવર્ક ઇનમોબિમાં હતું. તેણે ઇનમોબિને 20 કરોડ ડોલરનું ફન્ડિંગ કર્યું હતું. અત્યાર સુધીમાં ભારતીય સ્ટાર્ટ-અપ્સમાં સોફ્ટબેન્કના એક અબજ ડોલરથી વધુ ડૂબી ગયા છે.
ગ્રાન્ટ થોર્ન્ટન ઇન્ડિયાના પાર્ટનર સિદ્ધાર્થ નિગમે જણાવ્યું હતું કે, "એક રોકાણકાર તરીકે સોફ્ટબેન્કની છબી, અલીબાબાની સફળતામાં તેનું યોગદાન અને ડિજિટલ બિઝનેસને વિકસાવવામાં તેની સફળતાને જોતાં સેક્ટરમાં આ (સ્નેપડીલ) અત્યાર સુધીનું સૌથી મોટું વ્યૂહાત્મક રોકાણ છે.''

ઉલ્લેખનીય છે કે, ભારતીય મધ્યમ વર્ગના વપરાશ આધારિત વિકાસની તકને ઝડપી લેવા રોકાણકારો ઓનલાઇન માર્કેટપ્લેસ, ટેક્સી એગ્રિગેશન સર્વિસિસ અને રિયલ એસ્ટેટ પોર્ટલ્સમાં રોકાણ કરી રહ્યા છે.

જન્નતથી કમ નથી SRKનો મન્નત

(તસવીરઃ શાહરૂખનો મન્નત બંગલો)
 
મુંબઈઃ ટોચના ફિલ્મ સ્ટાર્સ કરોડોની કિંમતના બંગલોમાં રહે છે. આ યાદીમાં સૌથી આગળ શાહરૂખનું નામ છે.2 નવેમ્બરના રોજ 49 વર્ષના થઈ રહેલા શાહરૂખ જેટલો જ તેનો 'મન્નત' બંગલો ચર્ચામાં રહ્યો છે. શાહરૂખ ખાનનો આ બંગલામાં અત્યાધુનિક સુવિધાઓ જોવા મળે છે. શાહરૂખના બંગલામાં આર્ટીફિશીયલ ફૂલો ગ્રીસથી મંગાવવામાં આવ્યા છે અને મ્યૂઝિક સિસ્ટમ જાપાનથી આવે છે. 
 
 
શાહરૂખે વર્ષ 2001માં ખરીદેલા આં બંગલા અંગે ખાસ માહિતી ઉપલબ્ધ નથી. આ બંગલોનો ઈતિહાસ 100 વર્ષ જુનો છે. એક ચર્ચા મુજબ તો આ બંગલો 19મી સદીના ઉતરાર્ધમાં રાજા ઓફ મંડી બિજાઈ સેને મહારાણી માટે બનાવ્યો હતો.જોકે આ વાતની પુષ્ટી થઈ શકી નથી. 'મન્નત'ના ઈતિહાસની 1915થી પુષ્ટી થઈ છે.તે સમયે આ બંગલો માણેકજી બાટલીવાલા પાસે હતો. 
 
બાટલીવાલા પરિવાર હતુ માલિક
 
બાટલીવાલા પરિવાર મૂળ ક્યાંનું તે અંગે તો કંઈ જાણવા મળતુ નથી.માત્ર એટલી માહિતી મળે છે કે,ગિરગાંવમાં બાટલીવાલા પરિવાર 1915માં 'વિલા વિયેના'માં રહેવા આવ્યું હતું.આ સમયે વિલામાં વીજળી ન હતી.જોકે ટેનિસ કોર્ટ અને નોકરો માટેના ક્વાર્ટર્સ હતાં.બાટલીવાલા તો ખ્યાલ પણ હશે નહીં કે આ વિલા તેમના માટે કમનસીબ સાબિત થશે.
 
બાટલીવાલાના દોહીત્ર કેકુગાંધીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે,'ધીરધારનો ધંધો કરતા બાટલીવાલાની આર્થિક સ્થિતિ કથળતા એક રૂમમાં રહેવા જઈને વિલા ભાડે આપી દીધી, આ મિલકત જ નહીં તેમણે તેની મોટાભાગની મિલકતો ભાડે આપવી કે વેચવી પડી હતી'

મન્નતઃઆ બંગલાનો બાંધનાર કેવો....આ બંગલો કોણે બનાવ્યો

મન્નતઃઆ બંગલાનો બાંધનાર કેવો....આ બંગલો કોણે બનાવ્યો
(તસવીરઃ મન્નતનો માર્ગ પર જોવા મળતો ભાગ)
 
માણેકજીના ધંધામાં તેના બહેન બનેવી પણ ભાગીદાર હતા.પરંતુ આ વિલા વિયેના બાટલીવાલાના બહેન ખુરશેદબાઈ સંજાણાના અને તેના ભાગે આવી.ખુરશેદબાઈને સંતાન ન હોવાથી આ મિલકત બહેન ગુલબાનુના નામે અને ત્યાંથી તેના પુત્ર નરિમાન દુબાશના નામે આવી હતી.ત્યાર બાદ તેની પાસેથી શાહરૂખે વર્ષ 2001માં 13 કરોડમાં ખરીદી લીધી.
 
ક્યારે કોણ હતુ માલિક?
 
માલિક    વર્ષ  કિંમત નામ
માણેકજી બાટલીવાલા 1915 - વિલા વિયેના
ખુરશેદ બાઈ સંજાણા - - -
ગુલબાનુ - - -
નરીમાન દુબાશ - - -
શાહરૂખ ખાન 2001 13 કરોડ(ખરીદી) મન્નત
 
બંગલો તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો અને ઉપલબ્ધ સુખ-સુવિધાઓ અંગે જાણવા આગળ
આ બંગલો તૈયાર કરવામાં ચાર-પાંચ વર્ષ લાગ્યા.શાહરૂખની પત્ની ગૌરીએ ઈન્ટીરિયરથી લઈની ઝીણામાં ઝીણી વિગતો પર ધ્યાન આપીને કળાત્મક ભવ્યતા બક્ષી હતી. ગત સપ્ટેમ્બર માસમાં ગૌરીએ આર્કીટેક્ચર ડાઈજેસ્ટ મેગેઝીન સાથે કરેલી વાતચીતમાં 'મન્નત' અંગે અનેક વાતો કરી હતી.
 
5 બેડરૂમ

શાહરૂખ ગૌરીના આ બંગલાનું બાંધકામ 1920ની સદીના ગ્રેડ-3ની હેરિટેજનું છે,જે દરેક બાજુ ખુલે છે અને ફેલાયેલો છે. આકાશ તરફ, પાછળ અને કિનારે. તેમાં પાંચ બેડરૂમ છે. મલ્ટી લિવિંગ એરિયા, એક જીમ્નેજીયમ અને લાઈબ્રેરી જેવી દરેક સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે, જે સેલિબ્રિટી લાઈફ સ્ટાઈલને મેઈન્ટેન કરે છે.
બેડરૂમ 5
સજાવેલો વિસ્તાર 6000 સ્કવેર ફુટ
ફ્લોર 6
અંદાજીત કિંમત 200 કરોડ
સુવિધાઓ     મિનિ થિયેર,જીમ- લાયબ્રેરી 
 
26000 સ્કવેર ફુટના બંગલોમાં 6000 સ્કવેરફુટની સજાવટ

મુંબઈ સ્થિત ફકીહ એન્ડ એસોસિયેટ્સએ 'મન્નત'ને તૈયાર કર્યો છે. તેના મુખ્ય આર્કિટેક્ટ કૈફ ફકીહે પોતાની ટીમ સાથે મળીને 6000 વર્ગ ફિટના બંગલો પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે લાઈટ-ફિટેડ બોક્સ જોડીને એક ઉપભવન બનાવ્યું, જેને કૈફ ફકીહ ઈન્ટરવેશન સેન્ટર કહે છે. અહીં ફેમિલિનો પ્રાઈવેટ એપાર્ટમેન્ટ છે. કૈફ કહે છે કે, આ ઉપભવન બનાવતા જ ઈન્ટીરીયરને ક્લાસિક લૂક મળી ગયો. તેમજ ચાર જગ્યાઓ પર ક્રમબદ્ધ જવા માટે લે આઉટ પર બીજીવાર કામ કર્યું અને અમુક વાસ્તવિક સજાવટને યથાવત રાખવામાં આવી. ઘરનો દરવાજો ખોલતા જ તમને ક્લાસિક બંગલો જોવા મળે છે.તેનું સેટિંગ ડ્રામેટિક અને મૂડી છે. આ કળાત્મકતાની સાથે કન્ટેમ્પરરી ગોથિક આયરોનિકનોનું મેચ છે. કલર પેલેટ ડાર્ક છે અને તેની સરફેસ અનફિનિશ્ડ રાખવામાં આવી છે.
 
મન્નતનું ઈન્ટીરીયર છે અદ્દભૂતઃ શાહરૂખનો બંગલો મિલ્ક વ્હાઈટ રંગથી રંગાયેલો છે. ઘરમાં ફ્રેંચ વીન્ડોઝ સુંદર રીતે કલર કરાયેલી છે. ડ્રોઈંગ રૂમમાં ખાસ ફ્લાવર વાસ ઈટાલીથી મંગાવવામાં આવ્યા છે. જ્યારે આર્ટીફિશીયલ ફૂલો ગ્રીસથી લાવવામાં આવ્યા છે. ઘરમાં જાપાનની મ્યૂઝિક સિસ્ટમ છે અને ઘરની દિવાલ પર એમ એફ હુસૈને દોરેલું મોટું ઘોડાનું ચિત્ર છે. 

12 બેઠકવાળું ફંકી ડાઈનિંગ ટેબલ છે. જે વુડન અને મેટલમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. સીડી વુડન અને ગ્લાસમાંથી બનાવવામાં આવી છે. સીડી પર શાહરૂખ-ગૌરીના નિકટના મિત્રો સાથેના ફોટોઝ છે. બાર અને સ્પોર્ટ્સ રૂમ શાહરૂખ માટે મહત્વના છે. સ્પોર્ટ્સ રૂમમાં મોટું બિલિયર્ડ ટેબલ છે. જોડે જ પેપ્સી સ્લોટ મશીન છે. ઘરમાં મોટું હોમ થિયેટર છે. અહીંથી સીધા ધાબા પર જવાય છે અને દરિયો જોઈ શકાય છે. આ વિસ્તાર ખુલ્લો છે અને અહીંયા મહેમાનોને પાર્ટી આપવામાં આવે છે.
 
ઘર ત્રણ હિસ્સાઓમાં વહેંચાયેલું છે. મોટો લિવિંગ રૂમ, જેમાં એમ એફ હુસૈનનું પેઈન્ટિંગ્સ છે. સેકન્ડ લેવલમાં બેડરૂમ્સ અને ગેસ્ટ રૂમ્સ આવે છે. ટોપ લેવલ પર સ્ટડી કમ ટેરેસ છે. અહીંયા પાર્ટીઓ થાય છે. આખા ઘરમાં વિશ્વભરની આર્ટના વિવિધ વોલપીસ લગાવેલા છે. 
તૈયાર થતા 4 વર્ષ લાગ્યા

ઈન્ટીરયરની સાથે સ્ટાઈલીંગનું કામ ગૌરીએ કર્યું છે, તે જણાવે છે કે તેના માટે તેને ચાર વર્ષથી વધુ સમય લાગ્યો છે. તે ટ્રાવેલિંગ કરતી, એક એક વસ્તુને પોતાની પસંદ મુજબ ખરીદતી અને ઘરના દરેક ખુણાને સજાવતી હતી. ત્યાર બાદ ગૌરીએ ઈન્ટીરીયર ડિઝાઈનર તરીકે કામ શરૂ કર્યું.

જ્યાં મનખો ત્યાં ઘર

લિવિંગ સ્પેસમાં જેટલી સ્ટાઈલીંગ છે, પ્રાઈવેટ સ્પેસમાં એટલી જ સિમ્પલ રાખવામાં આવી છે.ગૌરીએ પ્રેક્ટીકલ ફર્નિચર રાખ્યુ છે. પાસે જ બુક્સ રાખી છે અને બોર્ડ ગેમ રમવાનો એરિયા પણ છે.અહીં જ ફેમિલીની તસવીર પણ સજાવવામાં આવી છે. બેડરૂમ મોટાથી લઈ નાના અને મેનેજેબલ છે. ગૌરી કહે છે કે,'ઘર મોટુ હોય કે નાનું, તે ઘર હોય છે. તમારા દિલને ત્યાં શાંતિ મળે છે. હું ઈચ્છુ છું કે મારા બાળકો આ ઘરમાં મોટા થાય'
મન્નત' અને વિવાદો
 
શાહરૂખ આ બંગલોમાં રહેવા આવી ગયો હોવાછતાં આ મિલકત તેના નામે ન હતી.ત્યાર બાદ બંગલાના બાંધકામ  દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવા અંગેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી.આ બંગલો જ્યારે બાંધવામાં આવ્યો ત્યારે દરિયાઈ વિભાગના નિયમોનું અને પુરાતત્ત્વ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી એક અરજીમાં કરવામાં આવ્યો હતો.
 
મુંબઈના સિમપ્રિતસિંહ અને અમિત મારુઆંદે કિંગ ખાન વિરુદ્ધ કરેલી અરજીને બોમ્બે હાઈકોર્ટે ફગાવ્યા બાદ તેને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.હાઈકોર્ટે ૨૮મી જાન્યુઆરીએ બંનેની અરજીને એમ કહીને ફગાવી દીધી હતી કે આ પ્રસિદ્ધિ મેળવવા માટેની અરજી છે.માત્ર એટલું જ નહીં અરજીકર્તાને રૂ.૨૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.માત્ર એટલું જ નહીં તેની ઉંચાઈ વધારવાને લઈ પણ વિવાદ થયો હતો.
 
 



USના વિઝિટર વિઝા માટે બેન્કમાં મિનિમમ કેટલું બેલેન્સ બતાવવું પડે?


  સવાલ: મારો અમેરિકાનો વિઝિટર વિઝાનો ઈન્ટરવ્યૂ થોડા દિવસો પછી મુંબઈમાં છે, તો મારે મારી બેન્કના સેવિંગ એકાઉન્ટમાં બેલેન્સ બતાવવું પડે તેવું ઈન્ટરવ્યૂમાં ફરજિયાત છે? 


હર્ષ ભટ્ટ, અમદાવાદ 
 
USના વિઝિટર વિઝા માટે બેન્કમાં મિનિમમ કેટલું બેલેન્સ બતાવવું પડે?જવાબ: ના. બિલકુલ ફરજિયાત કે મરજિયાત પણ નથી. મુંબઈ કોન્સ્યુલેટમાં કેટલીક વ્યક્તિઓએ ખોટી સલાહના કારણે બનાવટી પેપર્સ ભૂતકાળમાં બતાવેલાં જેની ખબર પડી જતાં હવે મુંબઈ કોન્સ્યુલેટ વિઝિટર વિઝાના ઈન્ટરવ્યૂમાં ભાગ્યે પેપર્સ માગે છે. તમે જણાવો છો કે તમારાં બધાં ટ્રાન્ઝેક્શન કરન્ટ એકાઉન્ટમાં થાય છે. તેની પણ કોઈ જરૂર નથી. તમારે વિઝા મેળવવો હોય તો તમારું વિઝા ફોર્મ પૂરેપૂરી માહિતી સાથે પરફેક્ટ હોવું જોઈએ. ઉપરાંત તમારાં ફેમિલીના બધા મેમ્બર્સના ઈન્ટરવ્યૂ પણ સરસ રીતે તૈયાર કર્યા પછી ઈન્ટરવ્યૂ આપશો.
 
સવાલ: મને કેનેડાની વર્ક પરમિટ મળી છે અને મારાં પેરેન્ટ્સને અમેરિકાનું ગ્રીનકાર્ડ છે. મને અમેરિકાના વિઝિટર વિઝા મળ્યા હોઈ, હું અમેરિકા જઈ વિઝિટર વિઝાને સ્ટુડન્ટ વિઝામાં ચેન્જ કરવા માગું છું. તો કેટલા ચાન્સીસ છે? 
પરેશ પટેલ, અમદાવાદ 
 
જવાબ: તમને કેનેડાની વર્ક પરમિટ મળી હોઈ જો તમે જોબ કરતા હશો તો તમારું સ્ટુડન્ટ તરીકેનું સ્ટેટસ સમાપ્ત થયું હશે, તો તમને સ્ટુડન્ટ વિઝા મળવાની શક્યતા ઓછી છે. કેટલીકવાર સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થતાં સાથોસાથ વિઝિટર વિઝા પણ કેન્સલ કર્યાના મારી પાસે કેઇસ આવે છે. તમે અમેરિકામાં સ્ટુડન્ટ તરીકે ડિગ્રી લીધા પછી જો જોબ ચાલુ હોય તો શા માટે જતી કરો છો?


Saturday, October 18, 2014

ONLINE STORE: ગ્રાહકોને આવી રીતે આપે છે તગડાં ડિસ્કાઉન્ટસ

ONLINE STORE: ગ્રાહકોને આવી રીતે આપે છે તગડાં ડિસ્કાઉન્ટસદેશમાં ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ બહુ ઝડપથી વધી રહ્યો છે. તાજેતરમાં જ આવેલા ફ્લિપકાર્ટનાં સેલે તો પારંપરિક રિટેલર્સની ઉંઘ ઉડાડી દીધી છે. ઓનલાઇન શોપિંગ ભલે ગ્રાહકો માટે ફાયદાનો સોદો હોય, પણ પારંપરિક બજારો પર તેની નકારાત્મક અસર પડી રહી છે. એવામાં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ઓનલાઇન રિટેઇલ કંપનીઓ આટલું મોટું ડિસ્કાઉન્ટ આપે છે કેવી રીતે?
 
એક તરફ ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને એમેઝોન જેવી ઇ-કોમર્સ કંપનીઓ હેવી ડિસ્કાઉન્ટ આપી રહી છે, તો બીજી બાજુ પારંપરિક વિક્રેતાઓ કહી રહ્યા છે કે આ એક ગેરવાજબી હરીફાઇ છે. હાલની સ્થિતિએ દેશનાં સૌથી મોટા લિસ્ટેડ રિટેઇલર ફ્યુચર ગ્રુપને પણ હચમચાવી દીધું છે. ગ્રુપનાં સ્થાપક કિશોર બિયાનીએ સવાલ ઉઠાવ્યો છે કે ઓનલાઇન રિટેઇલરો મેન્યુફેકચરિંગ કિંમતથી ઓછા ભાવે સામાન કેવી રીતે વેચી શકે છે? તેમણે કહ્યું હતું કે આ બજારની હરીફાઇનો ખાત્મો કરવા માટેની વ્યુહરચના છે. આ વાત સાચી પણ છે કેમ કે બ્રિટનમાં 2011માં ઓનલાઇન શોપિંગના ટ્રેન્ડ વચ્ચે ફક્ત સાત મહિનામાં 4000થી વધુ મેગા સ્ટોર્સ બંધ થઇ ગયા હતા. 
 
ડિસ્કાઉન્ટનો જાદૂ
 
ફ્લિપકાર્ટનાં સેલમાં 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ હતું. એક મીડિયા અહેવાલ અનુસાર આ સેલમાં ફ્લિપકાર્ટે ઘણી પ્રોડક્ટો પર એટલું ડિસ્કાઉન્ટ આપ્યું જેટલું ખુદ મેન્યુફેકચરિંગ કંપનીઓએ નહતું આપ્યું. જેમ કે પેપર ક્લોઝેટ બ્રાન્ડે પોતાનાં કપડા પરનાં સેલ દરમિયાન 50 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું, પણ કિચન અને અન્ય યુટિલિટી આઇટમ્સ પર ફ્લિપકાર્ટે 20થી 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યું,જેનો ભાર તેણે પોતે ઉઠાવ્યો. એક સેલરનું કહેવું છે કે તેણે પોતાની પ્રોડક્ટ બજારની કિંમતે જ વેબસાઇટ પર લિસ્ટ કરાવી હતી, પણ તેને ફ્લિપકાર્ટે તેનાથી પણ ઓછી કિંમતે વેચીને બાકીની રકમ પોતાનાં ખિસ્સામાંથી ભરી દીધી, જેથી વધુ ગ્રાહકો મેળવી શકાય.
કેવી રીતે આપે છે ઓનલાઇન સ્ટોર મોટું ડિસ્કાઉન્ટ
 
એક વ્યુહરચના એવું કહે છે કે બજાર કિંમત કરતા ઓછા ભાવે વેચાયેલી કોઇ વસ્તુ ગ્રાહકને એકંદરે વધુ ખરીદવા પ્રેરે છે. આ જ વ્યુહરચનાનો ઉપયોગ કરીને ઓનલાઇન સ્ટોર્સનાં માલિકો ગ્રાહક દીઠ વધુ વેચાણ કરીને દરેક ગ્રાહક દીઠ વધુ આવક મેળવે છે. ભલે આ રીતે નફો ન મળે કે બિલકુલ ઓછો મળે, પણ આ વ્યુહરચના વડે નવા ગ્રાહકો મેળવી શકાય છે અને ભાવિ માર્કેટિંગ યોજનાઓનો રસ્તો ખુલે છે. નવા ગ્રાહકો મેળવવાનો લાભ વસ્તુનાં સોદાનાં મૂલ્ય કરતા વધારે હોય છે. 
 
ONLINE STORE: ગ્રાહકોને આવી રીતે આપે છે તગડાં ડિસ્કાઉન્ટસઓનલાઇન ટ્રેડર્સની મુખ્ય વ્યુહરચના હોય છે કે એવી પ્રોડક્ટ પસંદ કરો જેની ખરીદ કિંમત ઓછી હોય,જેથી નુકસાન ઓછું થાય. આ રીટે ટ્રેડિંગ કરવાથી એક વસ્તુનાં વેચાણ પર થયેલું નુકસાન બીજી વસ્તુની વેચાણ કિંમત કવર કરાવી આપે છે. 
 
એક વાર ટ્રેડરને તેનાં માર્જિન અને પછી વેચાણ કિંમત ખબર પડી જાય પછી તે ગ્રાહકોને વધુ ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. ભલે કોઇ સ્ટોર લાંબા સમય સુધી અત્યંત નીચી કિંમતે વેચાણ ન કરી શકે, પણ તે મર્યાદિત સમય માટે તો એકદમ નીચી કિંમત ગ્રાહકોને ઓફર કરી જ શકે છે. દાખલા તરીકે ફ્લિપકાર્ટનો સેલ. 
 
ઓનલાઇન સ્ટોર્સ પર એક વસ્તુની સાથે અન્ય વસ્તુ ફ્રી આપવાની સ્કીમ પણ એટલી જ અગત્યની હોય છે. જો ટ્રેડર પાસે કોઇ વસ્તુ મોટા પ્રમાણમાં પડી હોય તો તેને એક પર એક ફ્રી ઓફર કરી શકાય છે. કે પછી એકની ખરીદી પર બીજા પર 50 ટકાનું ડિસ્કાઉન્ટ. ગ્રાહક અહીં 50 ટકાનું ડિસ્કાઉન્ટ જુએ છે, પણ વાસ્તવમાં તેને 25 ટકાનું ડિસ્કાઉન્ટ જ મળે છે. 
 
આ ઉપરાંત સૌથી અગત્યની વાત એ છે કે કોઇ પણ ઓનલાઇન રિટેઇલર પોતાનાં પોર્ટલ પરથી થતી ખરીદીની પેટર્નનું વિશ્લેષણ કરાવે છે,જેના પરથી તે જાણી શકે છે કે કઇ પ્રોડક્ટ દીઠ વધુ ગ્રાહકો મળે છે, કઇ પ્રોડક્ટ ડિસ્કાઉન્ટ આપવા છતા નથી વેચાતી વગેરે વગેરે....

ઓનલાઇન ખરીદીમાં 350 ટકાનો વધારો
 
એસોચેમનાં એક તાજેતરનાં અહેવાલ અનુસાર આ ફેસ્ટિવ સીઝનમાં જ ઓનલાઇન શોપિંગ 350ટકા વધીને 10,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. ગયા વર્ષે આ વૃદ્ધિ 200 ટકા હતી. 2013માં ધીમી આર્થિક વૃદ્ધિ અને વધતી મોંઘવારી વચ્ચે પણ ઓનલાઇન શોપિંગ દેશમાં 88 ટકાનાં દરે વધી હતી. દેશમાં 2009માં ઇ-કોમર્સ માર્કેટ 2.5 અબજ ડોલરનું હતું, જે 2012માં વધીને 8.5 અબજ ડોલર અને 2013માં 16 અબજ ડોલર સુધી પહોંચ્યુ હતું. આ વર્ષે તેમાં હજું વધારો થઇ રહ્ય છે. 
 
પારંપરિક રિટેઇલરો ઉપરાંત રાજ્ય સરકારોને પણ નુકસાન
 
ONLINE STORE: ગ્રાહકોને આવી રીતે આપે છે તગડાં ડિસ્કાઉન્ટસઇ-કોમર્સમાં તેજીથી જેમ પારંપરિક રિટેઇલરોને નુકસાન થઇ રહ્યું છે તેવી જ રીતે રાજ્ય સરકારોને પણ નુકસાન થાય છે. આવી કંપનીઓ પોતાનાં વેરહાઉસ એવા રાજ્યોમાં જ બનાવે છે,જ્યાં વેટ ઓછો છે. એવા ઘણા રાજ્યો છે જ્યાં કંપનીનાં વેરહાઉસ નથી, છતાં ત્યાંના લોકો ઓનલાઇન શોપિંગ કરે છે. 
 
ગ્રાહકોને પણ નુકસાન
 
ઓનલાઇન શોપિંગ અંગે ગ્રાહકો પોતે પણ સંપૂર્ણપણે અવગત નથી. તેમને પણ ખબર નથી કે પ્રોડક્ટ ઓનલાઇન બજારમાં આટલી સસ્તી કેમ વેચાઇ રહી છે. ઘણી વાર ઓનલાઇન ખરીદાયેલા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને ગેઝેટ્સ પર કંપનીનાં સર્વિસ સેન્ટર વોરન્ટી આપવાનો ઇન્કાર કરી દે છે. મોબાઇલમાં ખાસ કરીને આ સમસ્યા રહેતી હોય છે.
અવસરની સાથે જોખમ પણ
 
ઓનલાઇન શોપિંગ એક તક પણ છે અને જોખમ પણ.ગ્રાહકો માટે તો આ એક બોનાન્ઝા જ છે. તેમને સારી ઓફર્સ અને ઘણા વિકલ્પો મળી રહે છે, પણ તેનાથી પારંપરિક રિટેઇલરોને મોટી સમસ્યા થઇ રહી છે.  તેમનાં ગ્રાહકો ઓછા થવાનાં શરૂ થઇ ગયા છે. એવામાં દુકાનદારો સામે પડકાર એ છે કે તેઓ આવા સમયમાં પોતાને કેવી રીતે ઉભા રાખશે. પારંપરિક રિટેઇલર્સે પોતાને પણ ઇન્ટરનેટ સાથે જોડવા પડશે. તેમણે પણ ઓનલાઇન શોપિંગની જેમ ડિલીવરી સિસ્ટમ અપનાવી મજબૂત બનવા અંગે વિચારવું પડશે. 
 
લીગલ સ્ટ્રક્ચર
 
તાજેતરમાં જ ઓનલાઇન સ્ટોર્સ દ્વારા ભારેભરખમ ડિસ્કાઉન્ટ આપવામાં આવતા પ્રોડક્ટ બનાવતી કંપનીઓએ સ્વીકાર્યું છે કે તે પોતે પણ પોતાની પ્રોડક્ટો પર આટલું ડિસ્કાઉન્ટ નથી આપી શકતી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઘણી ઓનલાઇન કંપનીઓ ચીનમાંથી વસ્તુઓ આયાત કરીને વેચી રહી છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે સરકાર ઓનલાઇન શોપિંગ માટે એક કાયદાકીય માળખું તૈયાર કરે. તેમાં એ જોવામાં આવે કે કઇ ઓનલાઇન કંપની ક્યાંથી ખરીદી કરી રહી છે, તે પૂરો ટેક્સ ભરે છે કે નહીં, ગ્રાહકો પ્રત્યે જવાબદાર છે કે નહીં, વગેરે વગેરે.
 

અનુપમ ખેરના ચૅટ-શો કુછ ભી હો સકતા હૈમાં નરેન્દ્ર મોદી?

કલર્સ ચૅનલ પર આવતો અનુપમ ખેરનો ચૅટ-શો ‘કુછ ભી હો સકતા હૈ’ પોતાની બીજી સીઝન લઈને ૨૦૧૫ના માર્ચમાં આવી રહ્યો છે.

વળી આ બીજી સીઝનમાં સરપ્રાઇઝ લાવવા અનુપમ ઘણી મહેનત પણ કરી રહ્યો છે. સાંભળવા મળ્યું છે કે એની બીજી સીઝનમાં તે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવાનો છે. મોદીને આમંત્રિત કરવા માટે તેમના શેડ્યુલ અને કાર્યપ્રણાલીઓનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં અનુપમ મોદીનો પ્રખર પ્રશંસક છે અને પોતાના શો દ્વારા તે મોદીની માનવીય છબી દર્શકોની સામે લાવવા માગે છે. પોતાના આ કન્સેપ્ટ પર કંઈ પણ કહેવું જલદી હશે એ ન્યાયે અનુપમે હાલમાં ચુપ્પી સાધી છે.

કાળા નાણાંના મામલામાં હાથ લાગી મોટી સફળતા

નાણાં મંત્રી અરૂણ જેટલીએ કાળા નાણાં પર પ્રેસ-કૉન્ફરન્સ આપી છે. એમાં સ્વિત્ઝર્લેન્ડથી કાળા નાણાં ભારત પાછા લાવવા પર તેમણે જાણકારી આપી હતી. ભારત સરકારે કાળા નાણાં અંગે સ્વિસ સરકાર પાસેથી સહયોગ માંગ્યો. ત્રણ અધિકારીઓની ટીમ પાછી સ્વિત્ઝર્લેન્ડથી પાછી ફરી છે.

કાળા નાણાંના મુદ્દે જેમના અકાઉન્ટ છે એમની જાણકારી માંગી લીધી છે. સ્વિત્ઝર્લેન્ડ ભારત સરકાર દ્વારા માગવામાં આવેલી આ સ્પષ્ટતાની સમિક્ષા આપશે. નામ જાહેર કરવામાં અમને વાંધો નથી, પણ એની પ્રક્રિયાનું અનુકરણ જરૂરી છે એવી સ્પષ્ટતા અરૂણ જેટલી દ્વારા કરવામાં આવી હતી. ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટના નિયમનું અનુકરણ કરવું પડશે. કોર્ટની પ્રક્રિયા અને તપાસ પૂરી થશે પછી અમે નામ જાહેર કરીશું એમ પણ એફએમ દ્વારા કહેવામાં આવ્યું છે..

નાણાં મંત્રી અરૂણ જેટલીએ ગઈ કાલે સાંજે કાળા નાણાં પર જાહેરાત કરી એ પહેલાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ મુદ્દા પર જાણકારી આપી હતી.

વિપક્ષી નેતા સલમાન ખુરશીદે કહ્યું સરકાર પાંસે જવાબ માગતા કહ્યું કે રાષ્ટ્ર હિતમાં સંધીનો ભંગ કરવો પડે તે એ કરવું જોઈએ. સંધ્ધી હોય, અને જો દેશ હિત માટે તેનો ભંગ થાય તો તેવું કરવું જોઈએ.

Friday, October 17, 2014

સુપ્રીમ કોર્ટની અમ્માને દિવાળીની ભેટ, જામીન અરજી મંજુર, સજા પર રોક

Tamil Nadu chief minister J. Jayalalithaaઅમર્યાદીત સંપત્તિ ધરાવવાના કેસમાં ચાર વર્ષની સજા પામેલા તમિળનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AIADMK પ્રમુખ જયલલિતાની જામીન અરજી  સુપ્રીમ કોર્ટે મંજૂર કરતા અમ્માની દિવાળી સુધરી ગઈ હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે જયલલિતાની સજા પર પણ 18 ડિસેમ્બર સુધીની રોક લગાવી દીધી હતી. બેંગલૂરૂની જેલમાં સજા કાપી રહેલા જયલલિતા દિવાળી પહેલા મુક્ત થશે.
જયલલિતાએ સુપ્રીમ કોર્ટમાં પોતાના જામીન માટે અનેક બિમારો હોવાનો અને તેઓ એક વરિષ્ઠ નાગરિક અને મહિલા હોવાની બાબતને આધાર બનાવી હતી.

જયલલિતાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે મંજુર રાખી હોવાના અને હવે તેઓ ટુંક સમયમાં જ જેલમાંથી મુક્ત થશે એવા અહેવાલો પ્રસારીત થતાની સાથે જ તેમના અસંખ્ય ચાહકોમાં દિવાળી અગાઉ જ જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. આ લોકોએ જ્યારથી જયલલિતાને જેલ થઈ ત્યારથી તેમને મુક્ત કરાવવા અદાલતના દ્વારા ખટખટાવવાની સાથે ઉપવાસ અને આંદોલનો કરી રહ્યાં હતાં.

વરિષ્ઠ અધિવક્તા ફલી એસ નરીમાન દ્વારા આ કેસ આ સપ્તાહમાં જ 'સમાયોજિત' કરવાની અપીલ બાદ મુખ્ય ન્યાયાધીશ એચ એલ દત્તૂની અધ્યક્ષતા વાળી પીઠે આ કેસની સુનાવણી આજે શુક્રવાર પર નિર્ધારીત કરી હતી. આવતી કાલથી સુપ્રીમ કોર્ટમાં દિવાળી નિમિત્તેનું એક સપ્તાહનું વેકેસન શરૂ થવાનું હતું. આમ જયલલિતા માટે દિવાળી અગાઉ જેલમાંથી મુક્ત થવાનો આ છેલ્લો મોકો હતો. જેમાં તેઓ જામીન મેળવવામાં સફળ રહ્યાં હતાં. હવે તેઓ પોતાના ઘરે દિવાળીની ઉજવણી કરી શકશે.

જયલલિતાએ સુપ્રીમ કોર્ટમાં જામીન મેળવવા માટે પોતે અનેક બિમારીઓથી પીડિત હોવાનો અને ચાર વર્ષની સજામાં તેમને તત્કાળ રાહત આપવાની બાબતને આધાર બનાવ્યો હતો. તેમણે જામીન રજીમાં પોતે વરિષ્ઠ નાગરિક અને મહિલા હોવાના મુદ્દાને પણ આધાર બનાવ્યો હતો.

અગાઉ આવક કરતા વધુ સંપત્તિ ધરાવવાના કેસમાં દોષિત ઠેરવી અને ચાર વર્ષની સજા ફટકાર્યા બાદ કર્ણાટક હાઈકોર્ટે જયલલિતાને જામીન આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ અમ્માએ જામીન મેળવવા અમ્માએ 9 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

એક્ઝિટ પોલમાં મોદી વેવના વર્તારા છતાં બજાર ઢીલુંઢફ

જૅપનીઝ શૅરબજાર કરેક્શન ઝોનમાં : હૉન્ગકૉન્ગ સાડાછ માસના તળિયે : લંડન ફુત્સી ૧૫ માસની નીચી સપાટીએ, યુરોપ સળંગ આઠમા દિવસે ડાઉન, ૨૦૦૩ પછીની સૌથી લાંબી મંદી : સેન્સેક્સે ૨૬,૦૦૦ અને નિફ્ટીએ ૭૮૦૦નું લેવલ ગુમાવ્યું

વૈશ્વિક અર્થતંત્ર વિશે ગ્રોથની ચિંતા વચ્ચે અમેરિકા ખાતે રીટેલ સેલ્સના નબળા આંકડા તેમ જ યેનમાં એપ્રિલ પછીની ડૉલર સામે સૌથી વધુ મજબુતીથી વૈશ્વિક બજારો ગઈ કાલે વધુ ડાઉનવર્ડ પ્રેશરમાં જોવા મળ્યાં છે. જૅપનીઝ નિક્કી ૩૩૫ પૉઇન્ટ કે ૨.૩ ટકાની નબળાઈમાં ૧૪,૭૩૮ બંધ હતો. આ સાથે ૨૫ સપ્ટેમ્બરની ટોચથી આ માર્કેટ ૧૧ ટકા જેવા ઘટાડામાં હવે કરેક્શન ઝોનમાં પ્રવેશી ચૂક્યું છે. ૨૦૧૩માં ૫૧ ટકાનું બેસ્ટ રિટર્ન આપનાર નિક્કીનો આ વર્ષનો સઘળો સુધારો છેલ્લાં ત્રણ સપ્તાહમાં ધોવાઈ ગયો છે. હૉન્ગકૉન્ગ એક ટકાથી વધુની નરમાઈમાં ૨૨,૯૦૦ બંધ હતું જે માર્ચ પછીનું બૉટમ છે. સિંગાપોર ૧.૨ ટકા, થાઇલૅન્ડ ૦.૯ ટકા તથા ચીન પોણો ટકો ઘટેલાં હતાં. યુરોપ નેગેટિવ બાયસમાં ઓપનિંગ બાદ પોણાથી સવાત્રણ ટકા ગબડ્યું હતું. ૬ ઑક્ટોબરથી સળંગ આઠમા દિવસે યુરોપ ખાતેનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સ્ટૉક્સ-૬૦૦ ઘટાડામાં રહ્યો છે. સળંગ આઠ દિવસની મંદી ત્યાં ૨૦૦૩ પછીની પ્રથમ ઘટના છે. અમેરિકા ખાતે સ્ટાન્ડર્ડ-પુઅર્સ-૫૦૦ ઇન્ડેક્સ એપ્રિલ પછીની નીચી સપાટીએ બંધ રહ્યો છે. આ બધાની સામૂહિક અસરમાં ઘરઆંગણે શૅરબજાર ગઈ કાલે ૩૫૦ પૉઇન્ટ ગગડી ૨૫,૯૯૯ બંધ રહ્યું છે. નિફ્ટી ૧૧૬ પૉઇન્ટની ખરાબીમાં ૭૮૦૦નું લેવલ તોડી ૭૭૪૮.૨૦ બંધ આવ્યો છે. ફુગાવાનો દર ઐતિહાસિક તળિયે જવાના તેમ જ મહારાટ્ર અને હરિયાણા મોદી વેવમાં ભારતીય જનતા પાર્ટીના હવાલે થવાના તમામ એક્ઝિટ પોલના વર્તારા પછી પણ શૅરબજાર નોંધપાત્ર ગગડ્યું છે એની ખાસ નોંધ લેવી રહી. શૅરબજારમાં મોદી સરકારને લઈને હોપ રૅલી કે હનીમૂન રૅલીનો સમય હવે પૂરો થયો છે અગર તો પૂરો થવામાં છે. વાતો અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત હવે માર્કેટ સમજવા માંડશે.

કેઇર્ન ઇન્ડિયા ૧૯ માસના તળિયે

વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડ ઑઇલ ૮૩ ડૉલરની ચાર વર્ષર્‍ની નવી નીચી સપાટીએ જતાં ઘરઆંગણે ઑઇલ-ગૅસ બિઝનેસમાં પ્રવૃત્ત કેઇર્ન ઇન્ડિયાનો શૅર ગઈ કાલે ૨૭૨ રૂપિયાના લગભગ ૧૯ માસના તળિયે ગયો હતો. ભાવ છેલ્લે ૩.૭ ટકા ઘટી ૨૭૪ રૂપિયા જેવો બંધ હતો. ૧૦ જૂનના રોજ આ શૅર ૩૮૫ રૂપિયાની ફેબ્રુઆરી ૨૦૧૨ પછી ટોચે ગયો હતો. અન્ય ઑઇલ શૅરમાં સેલન એક્સ્પ્લોરેશન છ ટકા, ડૉલ્ફિન ઑફશૉર ૮.૭ ટકા, આલ્ફાજિયો ૭.૬ ટકા, જિંદલ ડ્રિલિંગ ૪ ટકા નરમ હતા. ઓએનજીસી ૧.૨ ટકા ઘટીને ૩૯૭ રૂપિયા તથા ઑઇલ ઇન્ડિયા ૨.૭ ટકા ઘટીને ૫૬૭ રૂપિયા બંધ હતા. પેટ્રોનેટ એલએનજી ત્રણ ટકા વધીને ૧૮૫ રૂપિયા, ગેઇલ પોણો ટકો વધીને ૪૫૧ રૂપિયા, દીપ ઇન્ડસ્ટ્રીઝ ૧.૮ ટકા વધીને ૭૦ રૂપિયા હતા. પીએસયુ રિફાઇનરી શૅરમાં ભારત પેટ્રોલિયમ ૧.૬ ટકા વધીને ૬૬૬ રૂપિયા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ નહીંવત્ ઘટીને ૪૯૬ રૂપિયા, આઇઓસી ૨.૨ ટકા ઘટીને ૩૫૯ રૂપિયા, ચેન્નઈ પેટ્રો ૨.૩ ટકા ગગડીને ૯૯ રૂપિયા બંધ હતા. એમઆરપીએલ ૧.૪ ટકા નરમ હતો. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૯૬૧ રૂપિયાના આગલા બંધ સામે ૯૫૪ રૂપિયા ખૂલી ઉપરમાં ૯૫૭ રૂપિયા અને નીચામાં ૯૨૮ રૂપિયા બતાવી અંતે ત્રણ ટકાની નરમાઈમાં ૯૩૨ રૂપિયા બંધ હતો. એને કારણે સેન્સેક્સને ૫૬ પૉઇન્ટની હાનિ થઈ હતી.

સ્ટ્રાઇડ આર્કોલૅબ ૧૮ ટકા ગગડ્યો

શૅરદીઠ ૧૦૫ રૂપિયાનું સ્પેશ્યલ ડિવિડન્ડ જાહેર કરનાર સ્ટ્રાઇડ આર્કોલૅબ એક્સ-ડિવિડન્ડ થતાં ૭૯૫ રૂપિયાના આગલા બંધ સામે ૬૮૭ રૂપિયા ખૂલી ૧૫૦ રૂપિયાના કડાકામાં નીચામાં ૬૪૫ રૂપિયા થયો હતો. ભાવ છેલ્લે ૧૮.૪ ટકાના ઘટાડે ૬૪૯ રૂપિયા બંધ હતો. મંગળવારના રોજ આ શૅર ૮૦૪ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જેમાં રિવર્સ બુક-બિલ્ડિંગ મારફત ડી-લિસ્ટિંગ જાહેર કરવામાં આવ્યું છે એ ડીઆઇસી ઇન્ડિયા ૩.૫ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની નીચલી સર્કિટે ૪૯૨ રૂપિયા થઈ છેલ્લે ત્યાં જ બંધ હતો. હોલ્સિમ-લાફાર્જીની કેટલીક વૈશ્વિક ઍસેટ્સ હસ્તગત કરવા કુમારમંગલમ્ બિરલા ગ્રુપ સક્રિય બન્યું છે. ડીલ પાર પડે તો એની વૅલ્યુ આઠથી સાડાઆઠ અબજ ડૉલરની હશે. આની ગ્રુપ-કંપનીઓની બૅલૅન્સશીટ પર તાત્કાલિક અસર નેગેટિવ હશે. આથી જ અલ્ટ્રાટેક સિમેન્ટ ચારેક ગણા કામકાજમાં ૨૪૬૭ રૂપિયાના આગલા બંધ સામે પ્રારંભમાં ૨૫૦૨ રૂપિયા થઈ ૨૦૩ રૂપિયાની ખરાબીમાં ૨૨૯૯ રૂપિયા થયા બાદ અંતે ૬.૪ ટકા ઘટીને ૨૩૧૦ રૂપિયા નજીક રહ્યો હતો. ગ્રાસિમ ૩૩૯૭ રૂપિયાના આગલા બંધથી નીચામાં ૩૨૨૨ રૂપિયા બતાવી છેલ્લે ૪.૮ ટકાની નરમાઈમાં ૩૨૩૪ રૂપિયા બંધ હતો. આદિત્ય બિરલા નુઓ ૨.૬ ટકા, આદિત્ય બિરલા કેમિકલ્સ ૨.૭ ટકા, આદિત્ય બિરલા મની ૬ ટકા તથા સેન્ચુરી ટેક્સટાઇલ્સ ૬.૨ ટકા ડાઉન હતા.

બધા ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં

બારેબાર સેક્ટરલ ઇન્ડેક્સ સહિત બજારના તમામ ૨૪ બેન્ચમાર્ક ગઈ કાલે માઇનસ ઝોનમાં જોવાયા છે. સેન્સેક્સના ૧.૩ ટકાની સામે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સવાચાર ટકા, આઇપીઓ ઇન્ડેક્સ ત્રણ ટકા, પાવર ઇન્ડેક્સ ૨.૯ ટકા, મેટલ ૨.૩ ટકા, ઑટો અને કૅપિટલ ગુડ્સ ૨.૧ ટકા, ઇન્ફ્રા ઇન્ડેક્સ ૨.૩ ટકા, સ્મૉલ કૅપ ૨.૭ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૨.૪ ટકા ખરડાયા હતા. એફએમસીજી ઇન્ડેક્સ સૌથી ઓછો ત્રણ પૉઇન્ટ નરમ હતો. રિયલ્ટી ઇન્ડેક્સ ૦.૨ ટકા ઘટેલો હતો. બ્રૉડર માર્કેટ એટલે કે બીએસઈ-૫૦૦ એના ૯૫ ટકા શૅરના ઘટાડા સાથે ૧.૮ ટકા ડૂલ્યો હતો. મિડ કૅપના માત્ર ૧૦ ટકા અને સ્મૉલ કૅપમાંના ફક્ત ૧૫ ટકા શૅર વધ્યા હતા. પાવર તેમ જ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ખાતે એક પણ શૅર વધ્યો નહોતો તો બૅન્કેક્સ, ઑટો, કૅપિટલ ગુડ્સ, હેલ્થકૅર અને આઇટી ઇન્ડેક્સમાં વધેલા શૅરની સંખ્યા માત્ર એકની હતી. એફએમસીજી ઇન્ડેક્સ જે માત્ર ત્રણ પૉઇન્ટ કે ૦.૦૪ ટકા જેવો નામ કે વાસ્ત્ો નરમ હતો એના ૧૧માંથી ૯ શૅર માઇનસ હતા. નિફ્ટી-૫૦માં ૪૩ શૅર ઘટેલા હતા, સાત જાતો પ્લસ હતી. એમાં ડીએલએફ ૫.૨ ટકાની મજબુતી સાથે ૧૧૦ રૂપિયા બંધ આપીને મોખરે હતો.

ઇન્ટ્રા-ડે ટોચથી ૫૨૮ પૉઇન્ટની ખરાબી

એક વાગ્યા સુધી લેટ અને બે વાગ્યા સુધી ૭૦-૮૦ પૉઇન્ટ જેવા સાધારણ ઘટાડામાં રહેલો સેન્સેક્સ ત્યાર પછી લપસણી પર આવી ગયો હતો. એમાં ૨૫,૯૩૪ નજીકનું બૉટમ બન્યું હતું જે ૨૬,૪૬૨ની ઇન્ટ્રા-ડે ટોચના મુકાબલે ૫૨૮ પૉઇન્ટની ખરાબી હતી. નિફ્ટી આ ગાળામાં ૭૮૯૪ની ટોચથી ૧૬૫ પૉઇન્ટ ખરડાઈને ૭૭૨૯ની નીચી સપાટીએ ગયો હતો. યુરોપિયન શૅરબજારોની નવર્‍સનેસનું આ પરિણામ હતું. વૈશ્વિક બજાર ખાસ કરીને યુરોપની ખરાબીથી ગઈ કાલે વિશ્વસ્તરે માર્કેટકૅપની રીતે રોકાણકારોને ૬૭૨ અબજ ડૉલર અર્થાત્ ૪૧ લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો હોવાનું અનુમાન છે. ભારતીય શૅરબજારની વાત કરીએ તો અહીં માર્કેટકૅપ લગભગ ૧.૭૦ લાખ કરોડ રૂપિયા ઘટીને ૯૦.૬૯ લાખ કરોડ રૂપિયા રહ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે. સેન્સેક્સના ૧.૩ ટકાના મુકાબલે નિફ્ટી થોડોક વધુ દોઢ ટકા જેવો ડાઉન હતો. આઇટીસી, કોલ ઇન્ડિયા, ગેઇલ તથા સિપ્લાને બાદ કરતાં સેન્સેક્સના બાકીના ૨૬ શૅર ઘટેલા હતા. માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી નેગેટિવ હતી. ૭૫૬ શૅર વધેલા હતા, સામે ૨૧૭૨ કાઉન્ટર ડાઉન હતાં. એ-ગ્રુપના ૨૯૮માંથી માત્ર ૨૮ શૅર પ્લસ હતા. બી-ગ્રુપના ૨૧૨૨માંથી ૧૫૯૧ જાત માઇનસમાં બંધ હતી. ૨૧૨ શૅર ઉપલી સર્કિટે બંધ હતા તો ૩૩૬ સ્ક્રિપ્સ મંદીની સર્કિટે બંધ હતી.

મહિન્દ્રમાં ઘટાડો આગળ ધપ્યો

માલભરવાના પગલે ટ્રૅક્ટર ડિવિઝનમાં ઉત્પાદનકાપની જાહેરાત પછી મહિન્દ્રમાં માનસ નબળું પડ્યું છે. ગઈ કાલે સળંગ પાંચમા દિવસની નરમાઈમાં શૅર ૪.૪ ટકા ગગડીને ૧૨૧૯ રૂપિયા બંધ હતો. ભાવ નીચામાં ૧૨૧૦ રૂપિયા થયો હતો. પાંચ દિવસમાં આ કાઉન્ટર ૧૬૦ રૂપિયા કરતાં પણ વધુ ઘટી ચૂક્યું છે. નબળાં પરિણામો થકી બજાજ ઑટો બે ટકા ઘટી ૨૩૬૩ રૂપિયા હતો. હીરો મોટોકૉર્પ ૨.૩ ટકા, તાતા મોટર્સ ૦.૯ ટકા અને મારુતિ સુઝુકી ૧.૧ ટકા નરમ હતા. હિન્દાલ્કો સાડાપાંચ ટકા તૂટીને ૧૪૩ રૂપિયા નીચે રહ્યો હતો. બાય ધ વે, આદિત્ય બિરલા ગ્રુપના બધા શૅર ગુરુવારે વેચવાલીના પ્રેશરમાં સારાએવા ઘટેલા હતા. અન્ય મેટલ શેરમાં સેસા સ્ટરલાઇટ ૪.૧ ટકા અને તાતા સ્ટીલ ૩.૬ ટકા ગગડ્યા હતા. પરિણામ પૂર્વે ટીસીએસ પોણો ટકો ઘટીને ૨૬૭૯ રૂપિયા હતો. ઇન્ફોસિસ તથા વિપ્રો ૧.૪ ટકા કમજોર હતા. બૅન્કિંગમાં એસબીઆઇ સવાબે ટકા ઘટી ૨૪૬૫ રૂપિયા બંધ હતો. તાતા પાવર ૩.૩ ટકા, ભેલ ત્રણ ટકા, ભારતી ઍરટેલ ૨.૬ ટકા, એચડીએફસી ૨.૩ ટકા અને એચડીએફસી ૧.૬ ટકા ઘટેલા હતા.

બજારની અંદર-બહાર

અરુણ જ્યોતિ એન્ટરપ્રાઇઝીસનું નામ બદલીને તાજેતરમાં ન્ૉઓલીન એન્ટરપ્રાઇઝીસ કરવામાં આવ્યું હતું. હવે આજે ફરી વાર નામ બદલાશે. નવું નામ તાઝા ઇન્ટરનૅશનલ થશે.

વર્ટેકસ સ્પિનિંગમાં એક રૂપિયાના શૅરના ૧૦ રૂપિયામાં કન્સોલિડેશન બાદ ૨૧ ઑક્ટોબરથી ફરીથી સોદા શરૂ થશે. ૧૮ સપ્ટેમ્બરના રોજ શૅરમાં છેલ્લો બંધ ભાવ ૧.૩૮ રૂપિયા હતો. ફેસવૅલ્યુ એક રૂપિયાની હતી.

પૅસિફિક કોટસ્પિનનું નામ બદલીને આજથી સિલ્વર ટોન સ્પિનર્સ થશે. શૅરનો બંધ ભાવ ૧.૮૫ રૂપિયા છે. ફેસવૅલ્યુ ૧૦ રૂપિયાની છે.

સોમાણી સિરામિક્સ ૩૬ ગણા કામકાજમાં ખરાબ બજારમાં ૬.૮ ટકાના ઉછાળે ૩૩૩ રૂપિયા બંધ હતો. ઇન્ટ્રા-ડેમાં શૅર ૩૬૬ રૂપિયાની નવી વિક્રમી સપાટીએ ગયો હતો.

એનએમડીસી ત્રણગણા વૉલ્યુમે ૨.૭ ટકા વધીને ૧૫૭ રૂપિયા ઉપર રહ્યો હતો.

ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ ૧૪ લાખ શૅરના ભારે કામકાજ વચ્ચે ૮.૨ ટકા ગગડીને ૧૮૯ રૂપિયા નીચે બંધ હતો.

ડીએલએફ મંગળવારે ૨૯ ટકા જેવા કડાકા બાદ ગઈ કાલે ૧૦૦ રૂપિયાની ઑલટાઇમ બૉટમ બનાવી શાર્પ બાઉન્સ-બૅકમાં ૧૧૬ રૂપિયા નજીક જઈ છેલ્લે ૫.૨ ટકાની તેજીમાં ૧૧૦ રૂપિયા રહ્યો હતો.

અપ્પુ માર્કેટિંગ ઍન્ડ મૅન્યુફૅક્ચરિંગ ૪૦ શૅરના કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૫૮૭ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ બંધ હતો. ૧૯ સપ્ટેમ્બરના રોજ શૅર ૨૯૫ રૂપિયાના તળિયે હતો.

જીએસએફસી સારાં પરિણામો પછી પ્રૉફિટ-બુકિંગના જોરમાં નીચામાં ૧૦૩ રૂપિયા બતાવી અંતે ૧૦.૭ ટકાની ખરાબીમાં ૧૦૮ રૂપિયા નજીક બંધ હતો.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports