- સેન્સેક્સે પાછલા 10 દિવસમાં આશરે 2,000 પોઇન્ટનો ઊછાળો નોંધાવ્યો
- કેપિટલ ગુડ્ઝ અને ઓઇલ એન્ડ ગેસ અનુક્રમે 2.7 % અને 2.2 % ઊછાળા સાથે મોખરે રહ્યા
સેન્સેક્સ અને નિફ્ટીએ શુક્રવારે ઊંચાઇના જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. નિફ્ટીએ પહેલી વખત 8,200ની સપાટીને તોડીને 8,300ની સપાટી હાંસલ કરી છે. નિફ્ટી 153 પોઇન્ટ (2 ટકા) ઊછળીને 8,322 પર બંધ રહ્યો છે. સેન્સેક્સ જોરદાર 519 પોઇન્ટના ઊછાળા સાથે 27,865 પર બંધ આવ્યો છે. ઇન્ટ્રા-ડે ટોચ જોઇએ તો, નિફ્ટીએ 8,328 અને સેન્સેક્સે 27,894ની ટોચને સ્પર્શ કર્યો હતો.
સેન્સેક્સે પાછલા 10 દિવસમાં આશરે 2,000 પોઇન્ટનો ઊછાળો બતાવ્યો છે. અગાઉ 17 ઓક્ટોબરના રોજ સેન્સેક્સ 25,910ના નીચા સ્તરે હતો, જે શુક્રવારે બનાવેલી ટોચ સાથે તેણે 1,984 પોઇન્ટનો ઊછાળો નોંધાવ્યો છે.
આ સાથે નિષ્ણાતો ટૂંકા ગાળામાં સેન્સેક્સ 30,000 અને નિફ્ટી 9,000ની સર્વોચ્ચ સપાટીઓ હાંસલ કરશે એવી આગાહી કરવા લાગ્યા છે.
બજારોમાં આજની તેજી આંતરરાષ્ટ્રીય બજારોમાં આવેલો ઊછાળો છે. ગુરુવારે યુરોપ અને અમેરિકાના બજારો ઊંચા સ્તરોએ બંધ રહ્યા હતા. તેના પગલે આજે સવારે એશિયન બજારો આશરે 2 ટકા વધ્યા હતા તથા બપોર બાદ યુરોપીયન બજારો પણ આશરે 2 ટકા વધીને ટ્રેડ કરતા હતા.
બજારોને એચડીએફસી, ઇન્ફોસીસ, રિલાયન્સ, એલ એન્ડ ટી, ટીસીએસ, એચએફસી
બેન્ક અને એસબીઆઇએ ઊંચક્યા હતા. સેન્સેક્સમાં આ શેરો વધવામાં મોખરે રહ્યા
હતા.
ગેઇલનું પરિણામ જોરદાર આવતા તેનો શેર સાત ટકા ઊછળ્યો હતો અને અંતે 4 ટકા વધીને બંધ રહ્યો હતો. ગેઇલનો ચોખ્ખો નફો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેગણો વધીને રૂ.1,303 કરોડ થયો હતો.
સેન્સેક્સમાં અન્ય વધેલા શેરોમાં ટાટા પાવર, ટાટા સ્ટીલ, સિપ્લા, મારુતિ, ડો રેડ્ડીઝ, એક્સિસ બેન્ક, સન ફાર્મા, ટાટા મોટર્સ, એચયુએલ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ભેલ સહિત 28 શેરો વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સમાં માત્ર બે જ શેરો ભારતી એરટેલ 2.2 ટકા અને આઇટીસી 0.24 ટકા ઘટ્યા હતા.
બીએસઇના 13 ક્ષેત્રોમાં કન્ઝ્યુમર ડ્યુરેબલને બાદ કરતા તમામ ક્ષેત્રોમાં તેજીની હરિયાળી છવાઇ હતી. તેમાં કેપિટલ ગુડ્ઝ અને ઓઇલ એન્ડ ગેસ અનુક્રમે 2.7 ટકા અને 2.2 ઊછાળા સાથે મોખરે રહ્યા હતા. આ ઉપરાંત આઇટી-1.96 ટકા, પાવર-1.94 ટકા, મેટલ-1.91 ટકા, હેલ્થકેર-1.7 ટકા, બેન્કિંગ-1.76 ટકા, ઓટો-1.44 ટકા વધ્યા હતા. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ 3 ટકા તૂટ્યો હતો.
વિસ્તૃત બજારોનો દેખાવ પણ ખૂબ સારો રહ્યો હતો. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 1.16 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકા વધ્યા હતા.
No comments:
Post a Comment