Translate

Tuesday, October 7, 2014

સોનામાં રોકાણ? થોભો અને રાહ જુઓ

સૌથી સલામત રોકાણ મનાતું સોનું રોકાણકારોનો પસંદગીનો વિકલ્પ રહ્યું નથી. જો તમે રોકાણ માટે સોનું ખરીદવા માંગતા હો તો તમારા માટે શ્રેષ્ઠ તક આવવાની બાકી છે.

છેલ્લાં બે વર્ષમાં સોનાનું નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે અને તાજેતરમાં ભાવમાં થયેલા ઘટાડા બાદ પણ જ્વેલરીની માંગ સામે રોકાણ માટે બુલિયનની માંગ નીચી રહી છે, જે સૂચવે છે કે વળતરના મામલે સોનું હાલમાં રોકાણકારોનો વિશ્વાસ ગુમાવી ચૂક્યું છે.

ગયા વર્ષે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં 26 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો, જે 1980 પછીનો સૌથી મોટો વાર્ષિક ઘટાડો હતો. સોની બજારના અગ્રણીઓના મતે, જો વૈશ્વિક સ્તરે શાંતિની સ્થિતિ જળવાશે, તો આર્થિક મોરચે એવો એક પણ મુદ્દો હાલમાં નથી, જે સોનામાં ફરી તેજી લાવી શકે.

ભારતના એક અગ્રણી બુલિયન આયાતકારે નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે, સોનાના ભાવને વધારી શકે એવું એક પણ પરિબળ હાલમાં જોવા મળતું નથી. જો ભારતીય અર્થતંત્ર અપેક્ષા મુજબ વૃદ્ધિ કરશે અને જીડીપીનો ડેટા સુધરતો જશે તો ડોલર સામે રૂપિયો મજબૂત બની શકે છે, જે સોનાના ભાવને સ્થાનિક સ્તરે દબાણમાં લાવશે.

ઉપરાંત, હાલમાં સોના પરની 10 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી પણ આગામી મહિનાઓમાં ઘટવાની સંભાવના છે. કેન્દ્રમાં સ્થિર સરકાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ મોટા યુદ્ધના અણસાર નથી તે બાબતો પણ સોનાના ભાવને મંદી તરફી ઝોક આપશે. વિશ્વના અર્થતંત્રમાં એકંદરે સુધારાની અપેક્ષા છે તે જોતાં 2018 સુધીમાં સોનું રૂ.20,000-22,000 પ્રતિ 10 ગ્રામના સ્તરે જોવા મળે તો નવાઈ ના કહેવાય."

જોકે, લાંબા ગાળે માટે સોનું ખરીદવા ઇચ્છતા લોકો ઘટાડા વખતે થોડી થોડી ખરીદી કરી શકે છે કારણ કે સોનું પરંપરાગત રીતે ફુગાવા સામે રક્ષણ આપતું સલામત રોકાણ ગણાય છે. ઓલ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખ મહેશ જૈને જણાવ્યું હતું કે લગભગ છેલ્લાં બે વર્ષથી સોનામાં ખાસ વળતર ન હોવાથી રોકાણકારો સોનાથી દૂર થયા છે.

તેમણે જણાવ્યું હતું કે, "છેલ્લા પખવાડિયામાં સોનાના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં રોકાણકારોની માંગ જોવા મળી નથી. સોનાનાં ઘરેણાંની ખરીદી મોટા પાયે જોવા મળી છે પરંતુ રોકાણકારો સોનું ખરીદવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે અને જો ભાવ રૂ.26,000 પ્રતિ 10 ગ્રામ સુધી નીચે આવે તો જ રોકાણકારો ખરીદી શરૂ કરશે. તેઓ માને છે કે એક-બે મહિનામાં સોનામાં રૂ.25,500-26,000 પ્રતિ 10 ગ્રામના ભાવ જોવા મળી શકે છે.

જૈનના મતે, શેરબજારની તેજીએ રોકાણકારોને આકર્ષ્યા છે અને તેના કારણે સોના પ્રત્યેનું ખેંચાણ ઘટ્યું છે. જૈન માને છે કે આવતા એક વર્ષમાં સોનું નીચા સ્તરોથી ફરી રૂ.27,000-28,000ની સપાટી વટાવી શકે છે, પરંતુ આગામી બે વર્ષ સુધી તો રૂ.32,000નો સ્તર ફરીથી જોવા મળે તેવાં કારણો જણાતાં નથી.

એસોસિયેશનના મતે, ભારતમાં વાર્ષિક 300-350 ટન ઘરેણાંની માંગ સામે 500 ટન જેટલી રોકાણકારોની માંગ જોવા મળે છે, જેઓ ગોલ્ડ-બાર ખરીદતા હોય છે. છેલ્લા એકવર્ષમાં તેમાં ૨૦-૨૫ ટકા જેટલો ઘટાડો થયો છે અને દિવાળીએ પણ રોકાણકારોની માંગ નીચી જ રહેશે.

જે લોકો લાંબા ગાળા માટે પોતાની બચતનું સોનામાં રોકાણ કરતા હોય છે તેમની માંગ જળવાઈ રહેવાની ધારણા છે પરંતુ જે લોકો સોનાનું ટ્રેડિંગ કરે છે તેમની માંગ ગયા વર્ષની સરખામણીએ 5-10 ટકા ઓછી રહેવાની સંભાવના છે.
જ્વેલર્સ એસોસિયેશન, અમદાવાદના પ્રમુખ શાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે શેરબજારમાં સારું વળતર મળતું હોવાથી હાલમાં રોકાણનો ટ્રેન્ડ બદલાયો છે અને ખાસ કરીને છેલ્લા છ મહિનામાં બુલિયનની માંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જોકે, તમામ ઘટાડે ઘરેણાંની માંગ સારી રહેશે અને દિવાળીના તહેવારોમાં પણ નીચા ભાવનો લાભ લઈને શુભ મુહૂર્ત અને લગ્નપ્રસંગની ઘરેણાંની ખરીદી જોવા મળશે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports