Translate

Friday, October 31, 2014

મહારાષ્ટ્રમાં આજે સત્તારૂઢ થશે BJPની પહેલવહેલી સરકાર

મહારાષ્ટ્રની પ્રથમ BJP સરકાર આજે પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં રચાશે. પાર્ટીની શિવસેના સાથેની મંત્રણાઓ અનિર્ણિત રહેતાં નવી સરકારમાં એ પક્ષના જોડાવાની શક્યતા ઓછી છે. ૪૪ વર્ષના ફડણવીસ ચાર વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે. તેમને રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેમની કેન્દ્રીય કૅબિનેટના સાથીઓ, BJP શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો, બૉલીવુડ અને કૉર્પોરેટ ક્ષેત્રના મહાનુભાવો વગેરેની હાજરીમાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે.
શિવસેના સાથેની વાતચીત હજી અનિર્ણિત : પંદર દિવસમાં બહુમતી સાબિત કરવી પડશે

આ સમારંભમાં સ્ટેટ BJP કોર કમિટીના સભ્યો એકનાથ ખડસે, સુધીર મુનગંટીવાર, વિનોદ તાવડે અને પંકજા મુંડે ઉપરાંત શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડ્યુલ્ડ ટ્રાઇબ્સના વિધાનસભ્યો સહિત દસેક જણની કૅબિનેટની પણ શપથવિધિ થાય એવી શક્યતા છે. આ શપથવિધિ બાબતે BJPના એક નેતાએ જણાવ્યું હતું કે આમ સાવ નાનીઅમથી કૅબિનેટ શપથ લેશે. જોકે શિવસેના સાથેની મંત્રણા હજી ચાલી રહી હોવાથી એ પાર્ટીમાંથી એના તરફના કોઈ પ્રધાનને આ શપથવિધિમાં સામેલ કરવામાં આવે એવી શક્યતા ઓછી છે.
શિવસેનાને આ શપથવિધિમાં સામેલ કરવા વિશે BJPના જનરલ સેક્રેટરી રાજીવ પ્રતાપ રૂડીએ જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં જોડાણ બાબતે શિવસેના સાથે સુમેળભરી રીતે મંત્રણા ચાલી રહી છે, પરંતુ એનું છેલ્લું પરિણામ હજી નથી આવ્યું. ટૂંક સમયમાં એનો નિર્ણય આવી જશે એવી આશા રાખવામાં આવે છે.’

BJP વિધાનસભાની ચૂંટણીમાં ૨૮૮માંથી ૧૨૨ બેઠકો મેળવીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની હતી. એમાંથી એક વિધાનસભ્ય ગોવિંદ રાઠોડ અવસાન પામ્યા છે.

આ સરકારમાં શિવસેના નહીં જોડાય ત્યાર સુધી એ ટેક્નિકલી લઘુમતી સરકાર ગણાશે. NCPના ૪૧ સભ્યોનો ટેકો BJP માટે હંગામી આધારરૂપ બનશે. એને કેટલાક અપક્ષ અને નાના પક્ષોના વિધાનસભ્યોનો પણ ટેકો છે.

વાનખેડે સ્ટેડિયમમાં ૪૦ હજાર મહેમાનો સામે શપથવિધિનો સમારંભ ભપકાદાર બની રહેશે. આ સમારંભ માટે ઉદ્ધવ ઠાકરે, NCP ચીફ શરદ પવાર, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ તથા અન્ય રાજકારણીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યાં છે. એવી જ રીતે ઉદ્યોગપતિઓમાં રતન તાતા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, આનંદ મહિન્દ્ર, અદી ગોદરેજ; ગાયિકાઓ લતા મંગેશકર અને આશા ભોસલે; ઍક્ટર્સ અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, હૃતિક રોશન; સચિન તેન્ડુલકર તથા સુનીલ ગાવસકર જેવા ક્રિકેટ-સ્ટાર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યાં છે.

કોઈ ફેમસ ક્રિકેટ-ગ્રાઉન્ડ પર આવો સમારંભ યોજાવાની ઘટના પહેલી વખત બને છે. ૧૯૯૫માં શિવસેના અને BJPની સરકાર રચાઈ ત્યારે શિવાજી પાર્ક મેદાનમાં આવો શપથવિધિ સમારંભ યોજાયો હતો.

આ કાર્યક્રમ બાબતે મુંબઈ BJPના જનરલ સેક્રેટરી અતુલ શાહે જણાવ્યું હતું કે ‘પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ વર્ષ ૧૯૮૦માં કહ્યું હતું કે મારે શહેરના સાગરની દિશાએ કમળ ખીલતું જોવું છે. એ શબ્દોને આધારરૂપ બનાવીને એની થીમ પર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.’

આ કાર્યક્રમની સજાવટ બાબતે આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ કહ્યું હતું કે ‘૨૦૦ બેઠકોની ક્ષમતા ધરાવતો અર્ધવતુર્ળાકાર મંચ સ્ટેડિયમના અલાઇનમેન્ટમાં રચવામાં આવ્યો છે. ત્યાં હાજર દરેક જણને દૃશ્યો બરાબર દેખાય એ માટે LED સ્ક્રીન પણ મૂકવામાં આવશે. મૉડર્ન હાઇ-ટેક સ્ટેજ બાંધવામાં આવશે, જેમાં રાજ્યની પ્રાચીન સંસ્કૃતિ પણ દર્શાવવામાં આવશે. એમાં શિવાજી મહારાજના રાજ્યાભિષેકના પ્રસંગનો પણ સમાવેશ છે.’

સાંજના શપથ પહેલાં સવારે સરદાર પટેલ સમક્ષ દેવેન્દ્ર ફડણવીસ લેશે શપથ

મહારાષ્ટ્રમાં BJPના પહેલા મુખ્ય પ્રધાન બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાનપદના શપથ લેવા અગાઉ આજે સવારે સાડાનવ વાગ્યે વરલીમાં નૅશનલ સ્ર્પોટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI)માં રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવની હાજરીમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નમન કરીને રાષ્ટ્રીય એકતાના શપથ લેશે. ત્યાર બાદ સાંજે વાનખેડે સ્ટેડિયમમાં મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કરશે.

સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ ૩૧ ઑક્ટોબરને આ વખતે પૂરા દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના રાજનૈતિક ઇતિહાસમાં પહેલી વાર કોઈ નેતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નમન કરીને મુખ્ય પ્રધાનના શપથ લઈને સત્તા સંભાળશે. મલબાર હિલના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાની આગેવાનીમાં થઈ રહેલા આ કાર્યક્રમના આયોજનમાં પટેલ સોશ્યલ ગ્રુપ, નવસર્જન ગ્રુપ અને NSCI ક્લબના જયંતીલાલ શાહ અને રાકેશ મલ્હોત્રા પણ સહભાગી છે.

શપથવિધિ પછી BJPએ બનાવેલી ૩૦૦ જણની ટીમ મેદાનની સાફસફાઈ કરશે

મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન તરીકે આજે વાનખેડે સ્ટેડિયમમાં દેવેન્દ્ર ફડણવીસની શપથવિધિના સમારંભ પછી BJPએ બનાવેલી ૩૦૦ જણની ટીમ મેદાનની સાફસફાઈ કરશે. આ વાતની BJPના પ્રવક્તા અતુલ શાહે પુષ્ટિ કરતાં કહ્યું હતું કે અમે ફક્ત મેદાન સાફ નહીં કરીએ, મૅગ્નેટિક સ્વીપરનો પણ ઉપયોગ કરીશું જેથી મેદાનમાં એક ખીલો પણ ન રહી જાય.

સાફસફાઈ માટે બનાવવામાં આવેલી ૩૦૦ વૉલન્ટિયર્સની ટીમને અલગ-અલગ ગ્રુપમાં ડિવાઇડ કરવામાં આવશે. આ અલગ-અલગ ગ્રુપો પૅવિલિયનમાં વર્કર્સ, મીડિયા અને મહત્વના લોકો જ્યાં બેઠા હશે એ જગ્યાઓની સાફસફાઈની જવાબદારી સંભાળશે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports